ભારતભરમાં પદયાત્રા અને 7 દેશોમાં સાઇકલ સવારી: આને કહેવાય પ્રવાસનો જનૂન!

Tripoto

એક પ્રવાસપ્રેમીની વ્યાખ્યા શું? પ્રવાસના શોખીન લોકો એટલે પ્રવાસપ્રેમી એવી સાદી વ્યાખ્યા કરી શકાય. આપણે આપણી આસપાસ પુષ્કળ પ્રવાસપ્રેમીઓ જોયા હશે. અરે! બની શકે કે આ લખનાર કે વાંચનાર પણ પ્રવાસપ્રેમી જ હોય! પણ આપણે સૌ કદાચ એવા પ્રવાસપ્રેમીઓને ઓછા જાણીએ છીએ જેમના માટે પ્રવાસ એક જનૂન હોય! આવા લોકો માટે પ્રવાસ એ કોઈ લકઝરી નહિ, પણ લાઈફ લેસન્સ જેવા હોય છે. જેમના માટે ખરા અર્થમાં એમ કહી શકાય કે અગવડો ખેડવાની બાદશાહી સગવડ એટલે પ્રવાસ!

ભારતમાં તેમજ દુનિયાભરમાં પ્રવાસ પ્રત્યે ગજબનો જનૂન ધરાવતા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે અહીં આવા જ એક પ્રવાસ પ્રત્યે અવિશ્વસનીય જનૂન ધરાવનાર એક પ્રવાસીની વાત કરવામાં આવી છે.

મળો હર્ષેન્દ્રને. કર્ણાટકના નાનકડા શહેર ઉડુપીનો એક 22 વર્ષીય નવયુવાન જે ખૂબ જ યુવા ઉંમરે દાદ માંગી લે તેવો પ્રવાસ કરી રહ્યો છે.

કર્ણાટકથી કાશ્મીર | 2700 કિમીની પદયાત્રા

ગત વર્ષે, એટલે કે 2021માં, હર્ષેન્દ્રએ 21 વર્ષની કાચી ઉંમરે કર્ણાટકમાં આવેલા પોતાના વતન ઉડુપીથી ચાલતા ચાલતા કાશ્મીર સુધીનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું. આ પાછળ તેમનો મુખ્ય હેતુ લોકોમાં ફિઝિકલ ફિટનેસ તેમજ વાજબી પ્રવાસ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

19 સપ્ટેમ્બર 2021થી હર્ષેન્દ્રએ કર્ણાટકના બ્રહ્મવર નગર ખાતેથી પોતાના પ્રવાસની શરૂઆત કરી. દરરોજ સરેરાશ 50 થી 60 કિમીનો પગપાળા પ્રવાસ કરનાર તેમણે 56 દિવસમાં 2700 કિમીની યાત્રા કરી હતી. આ દરમિયાન તેમણે કર્ણાટકથી શરૂ કરીને ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થઈને છેલ્લે તેઓ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો.

લગભગ બે મહિનાની આ ભારત-ભ્રમણ મુસાફરીમાં રાત્રિ રોકાણ માટે તેમણે કેમ્પ સાથે રાખ્યો હતો પરંતુ એ કેમ્પ નાખવા માટે હર્ષેન્દ્રએ પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પેટ્રોલ પંપ, હાઇવે પરના ઢાબા, મંદિરો વગેરે જેવા જાહેર સ્થળોની મદદ લીધી હતી. વળી, આખી યાત્રા દરમિયાન તેમને એવા અઢળક લોકો સાથે મુલાકાત થઈ જેમણે પ્રેમથી હોંશે હોંશે હર્ષેન્દ્રને પોતાના ઘરે આવકાર્યા, જમાડ્યા અને રાત્રિ-રોકાણ માટે પણ સુવિધા પૂરી પાડી.

2 દિવસમાં 200 કિમી સાઇકલ મેરથોન:

The Bike Farm તેમજ Udupi Cycling Club દ્વારા સંયુક્ત રીતે ઉડુપીથી સિંગેરી સુધીની 200 કિમીની સાઇકલ મેરથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં હર્ષેન્દ્રએ સક્રિયપણે ભાગ લીધો હતો અને સાઇકલ પર જ માત્ર 2 દિવસમાં 200 કિમીનું અંતર કાપ્યું હતું.

ભારત સહિત 7 દેશોમાં સાઇકલ યાત્રા:

પોતાના વતનની આસપાસ સાઇકલ મેરથોનમાં ભાગ લીધા બાદ હર્ષેન્દ્રનું આગામી લક્ષ્ય સાઇકલ પર વિદેશ યાત્રા કરવાનું છે. અહીં પણ તેનો મુખ્ય ઉદ્દેશ ફિટનેસ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો તો છે જ, સાથોસાથ વિવિધ લોકોને પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે માહિતગાર કરવાનો છે.

આ પ્રવાસ માટે તેઓ કેરળથી સાઇકલ સવારીની શરૂઆત કરશે અને સિંગાપુર તેમનું અંતિમ લક્ષ્ય હશે. આ સફર દરમિયાન હર્ષેન્દ્ર નેપાળ, ભૂટાન, મ્યાનમાર, થાઈલેન્ડ, તેમજ મલેશિયા જેવા દેશોમાંથી પસાર થશે. હર્ષેન્દ્રનું આયોજન 6 મહિના જેટલા સમયમાં સાઇકલ દ્વારા કુલ 7000 કિમીનું અંતર કાપીને આ યાત્રા પૂરી કરવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેરળથી શરૂ કરેલી આ યાત્રા સૌથી પહેલી વિદેશી ભૂમિ- નેપાળ પહોંચે તે પહેલા તેઓ વિશ્વના સૌથી ઊંચા વાહન માર્ગ ખારડુંગ લા પાસ પરથી પસાર થઈને નેપાળ ભણી આગળ વધવાના છે. હાલમાં હર્ષેન્દ્ર આ પ્રવાસ માટે શારીરિક તેમજ આર્થિક રીતે પહોંચી વળાય તે માટે જરૂરી તૈયારીઓ કરી રહ્યા છે અને યાત્રાની શરૂઆત પણ કરી ચૂક્યા છે.

માતૃભૂમિ પ્રત્યે પ્રેમ:

ભારતના વિવિધ પ્રાંતનો પ્રવાસ કરનાર દરેક પ્રવાસીની જેમ હર્ષેન્દ્રને પણ એ અનુભવ થયો કે આપણો દેશ અપાર વિવિધતા ધરાવે છે અને દરેક પ્રદેશની અને તેના લોકોની આગવી વિશેષતાઓ છે. નાનપણમાં પિતાના મૃત્યુ બાદ સિંગલ મધર દ્વારા ઉછેર પામેલા હર્ષેન્દ્ર ભલે દેશ અને દુનિયાનો પ્રવાસ કરવાના સપના ધરાવે છે, પણ તે જ્યાં પણ જાય ત્યાંના લોકોને પોતાના વતન ઉડુપી, તેની માતૃભાષા તૂલું, અને કર્ણાટકના કોસ્ટલ એરિયા (દરિયાઈ વિસ્તાર) વિશે સૌને જણાવે છે. દરેક જગ્યાના લોકો પાસે જે તે પ્રદેશની વાતો રસપૂર્વક જરૂર સાંભળે છે પણ સાથોસાથ તેની પોતાની સંસ્કૃતિ અને પરંપરાની વાતો કરીને લોકોને માહિતગાર કરે છે.

સાચે જ, હર્ષેન્દ્રનું પ્રવાસ પ્રત્યે જનૂન કાબિલ એ તારીફ કહી શકાય!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads