જન્મદિવસ કે અન્ય કોઈ પણ ખાસ દિવસોને યાદગાર બનાવવા લોકો અવનવી યોજનાઓ બનાવતા હોય છે. દેશ અને દુનિયામાં અમુક નોખી માટીના જીવ છે જેઓ ખાસ દિવસને યાદગાર બનાવવા ખરેખર કઈક એવું કરે છે જે આજ પહેલા ભાગ્યે જ કોઈએ કર્યું હોય!
આજે આપણે વાત કરી રહ્યા છીએ કેરળના જોઝ નામનાં વ્યક્તિની. ત્રિશૂર મેડિકલ કોલેજમાં પ્લંબર તરીકે નિવૃત્ત થનારા જોઝ તેમના 80માં જન્મદિવસની વિશેષ ઉજવણી કરવા માટે કેરળથી લદ્દાખ સાઇકલ પ્રવાસ માટે ગયા!
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ 4500 કિમી સાઇકલ યાત્રા કરીને જોઝ તેમના સાથી સાથે લદ્દાખ પહોંચ્યા હતા. 11 સપ્ટેમ્બર 2021 ના દિવસે ખારડુંગ લા પાસથી આગળ 34 કિમીના અંતરે સમુદ્રસપાટીથી 17,600 ફીટની ઊંચાઈ પર આવેલા હાઈએસ્ટ મોટરેબલ પોઈન્ટ પર પહોંચીને જોઝે તેમનો 80મો જન્મદિવસ મનાવ્યો. સામાન્ય નાગરિકો માટે આ હદથી આગળ જવાની મનાઈ છે.
જોઝ જણાવે છે કે તેઓ નાનપણથી જ સાઇકલ પર લાંબુ અંતર કાપવા ટેવાયેલા હતા. સ્વિમિંગ તેમજ મેરાથોન સ્પર્ધામાં નિયમિત રીતે ભાગ લેતા હતા. કેરળથી લદ્દાખની સાઇકલ યાત્રાને તેમણે Wheel of Life નામ આપ્યું હતું. 15 જુલાઇના રોજ કેરળના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી દ્વારા ફ્લેગઓફ વડે શરુ થયેલી આ યાત્રામાં રમત મંત્રાલયનું પણ યોગદાન રહ્યું હતું.
લેહ પહોંચ્યા પછી હાઇ એલટીટ્યુડને કારણે શરૂઆતમાં જોઝને ઓક્સિજનની સમસ્યા સર્જાઇ હતી પરંતુ ઓક્સિજન અપાયા પછી જોઝ પુનઃ સ્વસ્થ થઈ ગયા હતા. આ સફરમાં તેમની સાથે ત્રિશૂરના જ ગોકુલ પી આર જોડાયા હતા જેઓ આ પહેલા વર્ષ 2013માં કેરળથી લદ્દાખ વાયા મનાલી ગયા હતા. ગોકુલના પત્ની તેમજ 14 વર્ષીય પુત્રી વિમાન માર્ગે લદ્દાખ પહોંચ્યા હતા.
જોઝનું આ અદમ્ય સાહસ માત્ર તેના પરિવારજનો માટે જ નહિ, તમામ પ્રવાસપ્રેમીઓ તેમજ એડવેન્ચર લવર્સ માટે ખૂબ ગર્વની વાત છે. 80 વર્ષના વૃદ્ધની શારીરિક ક્ષમતા જોઈને યુવાનોએ પ્રેરણા લેવા જેવું પણ ખરું!
માહિતી: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા
.