આકાશ-દર્શનના શોખીનો માટે મહત્વના સમાચાર: દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ

Tripoto

આપણા દેશમાં પ્રવાસન ઉદ્યોગ પુષ્કળ ધમધમતો વ્યવસાય છે. ભારતના દરિયાકિનારા, પહાડો, જંગલો, રણ વગેરે દરેક જગ્યાએ સરકારી અથવા ખાનગી ધોરણે અનેક પ્રવાસી આકર્ષણો (ટુરિસ્ટ એટ્રેકશન) નું નિર્માણ તેમજ વિકાસ કરવામાં આવ્યો છે.

જ્યારે તમામ કુદરતી સંપત્તિઓનો વિકાસ અર્થે ઉપયોગ થતો હોય તો તેમાં આકાશનો પણ સમાવેશ થવો જ રહ્યો. જી હા, સ્કાય ગેઝિંગ એટલે કે આકાશ-દર્શનનો શોખ ધરાવતા લોકો માટે એક મહત્વના સમાચાર છે.

ભારતમાં સર્વ પ્રથમ વાર એક નવતર પ્રયોગ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 'ડાર્ક સ્કાય રિઝર્વ' ખુલ્લુ મૂકાનાર છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ માટે સમુદ્રસપાટીથી 4500 મીટર ઉપર આવેલા લદ્દાખના હનલે ગામની પસંદગી કરવામાં આવી છે.

Representive Image. | Photo Credit: Getty Images

Photo of આકાશ-દર્શનના શોખીનો માટે મહત્વના સમાચાર: દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ by Jhelum Kaushal

ડાર્ક સ્કાય રિઝર્વ એટલે શું?

સાવ સરળ શબ્દોમાં સમજીએ તો ડાર્ક સ્કાય રિઝર્વ એટલે એવો વિસ્તાર જ્યાં તદ્દન ઓછી (કહી શકાય કે નહિવત!) વીજળીનો પ્રકાશ હોય. એટલે કે ધરતી અને આકાશ વચ્ચે માત્ર કુદરતી અજવાળું જ હાજર હોય, અન્ય કોઈ પણ લાઇટ્સ ન હોય.

આ માટે અનેક જમીનદારો સાથે વાર્તાલાપ અને કરાર કરવામાં આવે છે જે ભવિષ્યમાં દાયકાઓ સુધી તેમની જમીનને માત્ર અને માત્ર આ જ હેતુસર ઉપયોગમાં આપે.

જ્યાં કૃત્રિમ પ્રકાશની ગેરહાજરી હોય તે જગ્યા આકાશ-દર્શન તેમજ અવકાશ સંબંધિત અભ્યાસ માટે ખૂબ આદર્શ માનવામાં આવે છે. આવી જગ્યાઓ પ્રવાસીઓ માટે તો એક આકર્ષણ છે, પણ દેશના વિજ્ઞાન વિભાગ માટે એક બહુ જ મહત્વનું સંશોધન સ્થળ સાબિત થાય છે.

માત્ર કુદરતી ઉજાસ ધરાવતા વિસ્તારમાં નરી આંખે પણ અનહદ આહલાદક આકાશ-દર્શન કરી શકાય છે. પરંતુ ખાસ 'ડાર્ક સ્કાય રિઝર્વ'નો વિકાસ કરવા માટે આવી જગ્યાઓએ વિવિધ વૈજ્ઞાનિક સાધનો પણ લાવવામાં આવે છે જેથી આ એક અનન્ય અનુભવ બની રહે.

ભારતમાં આગામી ત્રણ મહિનામાં દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ તૈયાર કરી દેવામાં આવશે જ્યાં optical, infra-red, તેમજ gamma-ray જેવા અત્યાધુનિક ટેલિસ્કોપ આકાશ-દર્શનનો એક અવર્ણનીય અનુભવ કરાવશે.

Photo of આકાશ-દર્શનના શોખીનો માટે મહત્વના સમાચાર: દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ by Jhelum Kaushal

ડાર્ક સ્કાય રિઝર્વ માટે હનલે, લદ્દાખ જ શું કામ નક્કી કરવામાં આવ્યું?

ડાર્ક સ્કાય રિઝર્વનો અર્થ જાણીએ તો સૌ પ્રથમ વિચાર એ આવે કે આ પ્રકારનું સેટ-અપ ઊભું કરી શકે તેવી તો વિશાળ જમીન ભારતમાં ઠેર-ઠેર જોવા મળી શકે છે. તો પછી આટલે દૂર છેક લદ્દાખના એક અજાણ્યા ગામ હનલેને જ શું કામ પસંદ કરવામાં આવ્યું?

સમુદ્રસપાટીથી 4500 મીટરની ઊંચાઈએ આવેલું હનલે એ સત્તાવાર રીતે આ માટે સૌથી લાયક સ્થળ સાબિત થયું છે. તેને અવકાશ સંશોધન માટે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી સર્વ-શ્રેષ્ઠ જગ્યા હોવાનું પ્રમાણ મળેલ છે. વળી, આખા વર્ષ દરમિયાન અહીં સૂકું વાતાવરણ હોય છે એટલે કે ભેજનું પ્રમાણ તદ્દન નહિવત હોય છે તેથી આવું વાતાવરણ આદર્શ ગણાય છે.

ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ બનાવવા માટે The Union Territory administration, Ladakh Autonomous Hill Development Council (LAHDC) Leh અને the Indian Institute of Astrophysics (IIA) વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.

Photo of આકાશ-દર્શનના શોખીનો માટે મહત્વના સમાચાર: દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ by Jhelum Kaushal

કેવી રીતે જવું?

વર્ષ 2021 પહેલા કોઈ પ્રવાસી હેનલેનું મુલાકાત નહોતા લેતા. પરંતુ 'બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન' દ્વારા 2021 માં સમુદ્રસપાટીથી 19,000 ફીટની ઊંચાઈએ બનાવવામાં આવેલો રસ્તો 'ઉમલિંગ લા પાસ'ને વિશ્વનો સૌથી ઊંચો માર્ગ (હાઈએસ્ટ મોટરેબલ રોડ) હોવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.

Photo of આકાશ-દર્શનના શોખીનો માટે મહત્વના સમાચાર: દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ by Jhelum Kaushal

જો તમે લદ્દાખ પ્રવાસનું આયોજન કર્યું હોય તો તેમાં માત્ર બે દિવસનો વધારો કરવાથી તમે વિશ્વના આ વિશિષ્ટ માર્ગ તેમજ દેશના સર્વ પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વની મુલાકાતની આ અત્યંત દુર્લભ તકનો લાભ લઈ શકો છો.

લેહથી હેનલેનું અંતર આશરે 250 કિમી છે જે કાપતા અંદાજિત 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે. હેનલે આસપાસ કોઈ અન્ય વિકસિત ગામ નથી એટલે હેનલેમાં રાત્રિ-રોકાણ કરવું અનિવાર્ય છે. આ માટે હેનલે ગામમાં સુવિધા ઉપલબ્ધ છે. અલબત્ત, અહીં એક પણ હોટેલ નથી, પરંતુ ઘણા લોકોએ ઉમળકાભેર પોતાના નિવાસસ્થાનને પ્રવાસીઓ માટે હોમ-સ્ટે બનાવ્યા છે.

અવકાશ સંશોધન માટે હેનલે એક મહત્વનું સ્થળ હોવાથી અહીં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો પણ મુલાકાત લે તેવી પૂરી શક્યતાઓ છે.

હેનલેથી વધુ 105 કિમી બાદ ઉમલિંગ લા પાસ આવેલો છે. અહીં જતાં રસ્તામાં 'સિયાચીન બેઝ કેમ્પ' પણ આવે છે. અહીં એક વાત મહત્વની છે કે હેનલેથી આગળ જવા માટે વિદેશી પ્રવાસીઓને જવું પ્રતિબંધિત છે. દેશની સેના માટે આ એક ખૂબ સંવેદનશીલ વિસ્તાર હોવાથી માત્ર ભારતીય નાગરિકતા ધરાવતા લોકો જ સિયાચીન બેઝ કેમ્પ અને ઉમલિંગ લા પાસની મુલાકાત લઈ શકે છે.

Photo of આકાશ-દર્શનના શોખીનો માટે મહત્વના સમાચાર: દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ by Jhelum Kaushal

બસ ત્યારે ભારતના તમામ આકાશ-દર્શન પ્રેમીઓનો આગામી પ્રવાસ લદ્દાખ હશે તે પાક્કું છે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads