કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવતી હેરિટેજ સ્થળોની યાદીમાં માત્ર ઐતિહાસિક જ નહિ, પ્રાકૃતિક જગ્યાઓ પણ સમાવિષ્ટ હોય છે. વર્ષ 2021 માં પણ યુનેસ્કો દ્વારા આવી જ એક અસ્થાયી સૂચિ બહાર પાડવામાં આવી હતી. યુનેસ્કો વિશ્વ ધરોહરમાં નામ ધરાવતી હોય તેવી ભારતની જગ્યાઓમાં આ પાંચ ખૂબ જ ઓછી જાણીતી જગ્યાઓ પણ સામેલ છે.
યુનેસ્કો વિશ્વ ધરોહર કોને કહેવાય છે?
વિશ્વકક્ષાએ માનવ સંસ્કૃતિ માટે મહત્વતા ધરાવતી હોય તેવી ચુનંદી જગ્યાઓની એક ખાસ યાદી બનાવવામાં આવે છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કહેવાય છે. આમાં કુદરતી તેમજ માનવસર્જિત અનન્ય જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે.
ભારતની 40 જગ્યાઓ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે.
ચંડીગઢ કેપિટલ કોમ્પ્લેક્સ
1947 પહેલા પંજાબ પ્રાંતની રાજધાની લાહોર હતું. ભારતની સ્વતંત્રતા સમયે દેશનાં ભાગલા પડ્યા ત્યારે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનના હિસ્સામાં જતું રહ્યું. ભારતમાં બચેલા પૂર્વ પંજાબમાં રાજધાની બનાવી શકાય તેવું કોઈ શહેર નહોતું. સરકારી આદેશ પ્રમાણે Le Corbusier નામના સ્વિસ-ફ્રેંચ આર્કિટેક્ટ દ્વારા સ્વતંત્ર ભારતનાં સર્વ પ્રથમ પ્લાન્ડ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ડ સિટી એટલે પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની રાજધાની અને એક કેન્દ્રશાસિત પ્રદેશ- ચંડીગઢ. Le Corbusier દ્વારા આખા શહેરનું નિર્માણ તો થયું જ પણ તેમાં પણ કેપિટલ કોમ્પ્લેકસ તેમનું શ્રેષ્ઠ સર્જન છે તેમ કહેવાય છે.
ભારતની પર્વતીય રેલ (માઉન્ટેન રેલ)
ભારતના પહાડી વિસ્તારોમાં બનેલી રેલવે પર્વતીય રેલ એટલે કે માઉન્ટેન રેલ દ્વારા ઓળખાય છે. ભારતમાં મુખ્ય ત્રણ માઉન્ટેન રેલ આવેલી છે જેમાં દાર્જીલિંગ હિમાલિયન રેલવે, નિલગિરી પર્વતીય રેલવે તેમજ કાલકા-શિમલા રેલવેનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય ટ્રેન્સ યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં સમાવિષ્ટ છે.
દાર્જીલિંગ હિમાલિયન રેલવેને ‘ટોય ટ્રેન’ પણ કહેવાય છે. માત્ર 2 ફીટ પહોળા પાટા પર ચાલતી આ ટ્રેન સિલિગુડીથી દાર્જીલિંગ વચ્ચે ચાલે છે જેને 1880ની સાલમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. 88 કિમી લાંબી આ ટ્રેન ભારતની સર્વ પ્રથમ માઉન્ટેન રેલ હતી.
નિલગિરી માઉન્ટેન રેલવે એ તમિલનાડુમાં આવેલી 46 કિમી લાંબી રેલવેલાઇન છે જે મેટ્ટુપાલયમથી ઊટી વચ્ચે ચાલે છે. અંગ્રેજોના સમયમાં જ બનેલી આ ટ્રેનના રસ્તામાં 208 વળાંક, 16 ટનલ અને 250 બ્રિજ આવે છે. તેના ચઢાણ માટે 5 કલાક અને ડાઉનહિલ મુસાફરીમાં 3.5 કલાક જેટલો સમય લાગે છે.
વીસમી સદીની શરૂઆતમાં બનેલી કાલકા શિમલા રેલવે (KSR) એ 96 કિમી લાંબો રૂટ છે અને આ ટ્રેન કુલ 18 સ્ટેશનો પરથી પસાર થાય છે. યાત્રા દરમિયાન આવતા લાંબા બોગદાં એ KSRની આગવી ઓળખ છે. બડોગ નામનાં સ્ટેશન પાસે સૌથી લાંબી ટનલ આવી છે જે 1.1 કિમી જેટલી લાંબી છે.
આગ્રાનો કિલ્લો
આપણા દેશમાં એવા અઢળક સ્મારકો છે જેને હિન્દુ રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હોય પણ મુઘલોએ તેમના નામે ચડાવી દીધા હોય. આગ્રા ફોર્ટ એ આમાંનો જ એક છે. રાજપૂત બાદલ સિંઘ દ્વારા બનાવવામાં આવેલો બાદલગઢ આજે આગ્રાના કિલ્લા તરીકે ઓળખાય છે. આજે આ કિલ્લામાં જહાંગીર મહેલ, શારજાહા મહેલ, મચ્છી ભવન, ખાસ મહેલ, શીશ મહેલ, મોતી મસ્જિદ, દીવાન-એ-ખાસ, દીવાન-એ-આમ વગેરે આવેલું છે. લોકપ્રિય ગીત ‘પ્યાર કિયા તો ડરના કયા?’નું શૂટિંગ આ જગ્યાએ થયું હતું.
રાણી કિ વાવ
100 રુની નોટ પર આપણા ગુજરાતની રાણી કિ વાવ શોભે છે. શારજાહાએ તેની ચોથા ક્રમની મૃત પત્ની પાછળ તેજો મહાલયને તાજ મહેલ સ્વરૂપ આપ્યું તેને લોકો પ્રેમનું પ્રતિક કહે છે. પણ તેની સદીઓ પહેલા 1063 ની સાલમાં સોલંકી વંશના રાજા ભીમદેવે તેમની પત્ની ઉદયમતીની યાદમાં પાટણમાં આ અદભૂત રાણી કિ વાવ બનાવી હતી.
કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન, સિક્કિમ
850 ચોરસ કિમીમાં ફેલાયેલું આ સિક્કિમનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે જેને 2016 માં યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું હતું. આ પાર્કની સ્થાપના વર્ષ 1977 માં કરવામાં આવી હતી.
બર્ફીલા વિસ્તારો વચ્ચે આવેલું હોવાથી અહીં ખાસ હિમપ્રદેશોમાં જોવા મળતા દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. અહીં અનેક ગ્લેશિયર તેમજ સરોવર પણ આવેલા છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી હિમાલયના કેટલાક મહત્વના શિખરો જોવા મળે છે જેમાં કાંચનજંઘા પણ સામેલ છે.
એટલે હવે જ્યારે તમે ફરવાનું આયોજન કરો, ત્યારે દેશના આવા અનેરા સ્થળોની ખાસ મુલાકાત લેશો.
.