અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો

Tripoto
Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

અમદાવાદથી આબુ, ઉદેપુર કે શ્રીનાથજી જવું એ કોઇ મોટી વાત નથી. અમદાવાદીઓ વર્ષમાં એક કરતાં વધુ વખત આ બધી જગ્યાઓએ પોતાની કાર લઇને જતા હોય છે. હવે ઉદેપુરથી રેલવેને બ્રોડગેજ લાઇન પણ થઇ ગઇ છે પરંતુ હજુ પણ મોટા ભાગના લોકો લકઝરી બસ કે પોતાની કાર લઇને જ આબુ કે ઉદેપુર જાય છે. આમ તો હું ઘણીવાર ઉદેપુર અને શ્રીનાથજી-એકલિંગજી જઇ આવ્યો છું પરંતુ શ્રીનાથજીમાં ભગવાન શંકરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરવાની પણ ઇચ્છા હતી અને ઉદેપુર ઘણીવાર ગયા હોવા છતાં ચિત્તોડગઢ જવાનું બાકી રહી ગયું હતું તેથી આ વખતે પોતાની કાર લઇને આ બધા સ્થળોએ જવાનું નક્કી કર્યું.

અમદાવાદથી વહેલી સવારે એકલિંગજી તરફ કાર દોડાવી

અમદાવાદથી અમે અમારા પ્રવાસના શ્રીગણેશ કર્યા. ડિસેમ્બરમાં ક્રિસમસ વેકેશનમાં અમે એક રવિવારે સવારે છ કલાકે મારુતિ અલ્ટો પેટ્રોલ કાર લઇને એકલિંગજી જવા નીકળ્યા. અમે કુલ પાંચ વ્યક્તિઓ હતા.

ઉદેપુર પહોંચતા સવારે 11 વાગી ગયા હતા એટલે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. ઉદેપુરથી શ્રીનાથજી જવા માટે બાયપાસ રોડ પક્ડ્યો પરંતુ આ રોડ પણ ટ્રકોની મોટી સંખ્યાના કારણે દિવસભર ટ્રાફિકથી ધમધમતો રહે છે. એટલે આ રોડનું અંતર કાપતા સહેજે અડધો કલાક થઇ ગયો. અમે લગભગ 12.30 કલાકે એકલિંગજી પહોચ્યા. અહીં લીલાબા અતિથિ ભવનમાં બે રૂમ પહેલેથી જ બુક કરી રાખ્યા હોવાથી રૂમમાં સામાન મુકી ફ્રેશ થઇને બપોરનું લંચ કરી લીધું..અહીં લંચના એક વ્યક્તિના 100 રૂપિયા છે પરંતુ જો તમે બ્રાહ્મણ હોવ તો એક ડિશના 50 રૂપિયા થશે. જેમાં ગુજરાતી થાળી મળશે.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

લીલાબા અતિથિ ભવનનું ભાડું રૂમ દીઠ 800 રૂપિયા છે. અમે બે રૂમના 1600 રૂપિયા આપ્યા. અમે કુલ પાંચ જણ હોવાથી એકસ્ટ્રા બેડના 100 રૂપિયા થયા. આ ધર્મશાળા હોવાથી તમારે રૂમાલ, સાબુ વગેરે ઘરેથી જ લઇ જવાનું રહેશે. ધર્મશાળાની સામે જ એકલિંગજી મંદિર હોવાથી ત્યાં ભગવાન શિવના દર્શન કરીને અમે રૂમમાં પાછા ફર્યા. રૂમમાં થોડોક આરામ કરીને શ્રીનાથજી જવા નીકળ્યા.

શ્રીનાથજીના દર્શન

શ્રીનાથજીમાં પહેલા તમે મંદિરની નજીક સુધી કાર લઇને જઇ શકતા હતા પરંતુ હવે તમારે કાર એક કિલોમીટર દૂર પાર્ક કરવી પડશે. જ્યાં પાર્કિંગ ચાર્જ કાર માટે 50 રૂપિયા છે. ત્યાંથી રીક્ષા કરીને મંદિર જવાના અમે 50 રૂપિયા આપ્યા. મંદિરમાં ભગવાન શ્રીનાથજીના દર્શન કરીને ધન્યતાની લાગણી થઇ. ભગવાન શ્રીનાથજીના દર્શનમાત્રથી તમારા સઘળા દુઃખો દૂર થાય છે. મનને અપાર શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં મોબાઇલ લઇ જવાની પરમીશન નથી એટલે મંદિરની સામે લોકર રૂમમાં મોબાઇલ જમા કરાવવો પડશે. ભગવાનના દર્શન કરીને બહાર આવીને આદુવાળી ચા પીધી ત્યારબાદ અહીંની પ્રખ્યાત રબડીનો ટેસ્ટ કર્યો. શ્રીનાથજીમાં 100 વર્ષ જુની પુરષોત્તમ મીઠાઇની દુકાન છે જ્યાં અમે રબડી માલપુવા ખાધા..આવા માલપુવા તમે બીજે ક્યાંય જોવા નહીં મળે. માલપુવાનો સ્વાદ દાઢે વળગ્યો. શ્રીનાથજીના દર્શન કરીને અમે આ વર્ષે જ જેનું ઉદ્ધાટન થયું તે વિશ્વની સૌથી ઉંચી ભગવાન શિવની પ્રતિમાના દર્શન કરવા નીકળ્યા.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

વિશ્વની સૌથી ઉંચી મહાદેવની પ્રતિમા

વિશ્વાસ સ્વરુપમ એટલે કે સ્ટેચ્યુ ઓફ બિલિફ શ્રીનાથજીના ગણેશ ટેકરીમાં આવેલું છે. અહીં 351 ફૂટની વિશ્વની સૌથી ઉંચી ભગવાન શંકરની મૂર્તિ છે. વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમાને બનાવવાની શરૂઆત 2012 માં તેના શિલાન્યાસ સાથે થઈ હતી. કોવિડ સમય દરમિયાન કામગીરીમાં અવરોધને બાદ કરતાં આ મૂર્તિ બનતા 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે. આ એટલી સુંદર જગ્યા છે જ્યાં સવારથી સાંજનો સમય ક્યાં પસાર થઈ જશે તેનું ભાન જ નહિ રહે.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

દેવો કે દેવ મહાદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય એટલે ભવ્યાતિભવ્ય જ હોવાની! આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે.

શું છે ટિકિટના દર

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

અહીં એન્ટ્રી ટિકિટ 200 રૂપિયા છે. પાર્કિંગના 50 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત વ્યૂઇંગ ગેલેરીના 200 રૂપિયા છે. એટલે જો તમે વ્યૂઇંગ ગેલેરી જોવા માંગતા હોવ તો કુલ ખર્ચ 400 રૂપિયા થાય. અહીં બાળકો માટે ગાર્ડન છે. તો એડવેન્ચર પાર્ક પણ છે. ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક પણ છે. જેમાં ઝીપ લાઇન, રોપ કોર્સ, રોક ક્લાઇમ્બિંગ, રોકેટ ઇજેક્ટર, ડ્રોપ ટાવર, સ્વિંગ ચેર, બુલ રાઇડ, બમ્પર કાર, કિડ્સ એમ્યુઝમેન્ટ રાઇડ્સ પણ છે. અત્યારે કોમ્બો ઓફર ચાલી રહી છે જેમાં વ્યક્તિ દિઠ 599 રૂપિયામાં આ બધી એક્ટિવિટીઝ કરી શકાય છે. એક ઓફર હેઠળ તમે જલાભિષેક, આઇલૂઝન, એઆર ઝૂ 1700 રૂપિયામાં કરી શકો છો. કાર પાર્કિંગના 50 રૂપિયા ચાર્જ છે.

ક્યાં છે આ જગ્યા

જો તમે એકલિંગજીથી શ્રીનાથજી જતા હોવ તો શ્રીનાથજી આવતા જ ડાબી તરફ વળો એટલે પહેલા આ જગ્યા આવી જશે. દૂરથી જ આ પ્રતિમા દેખાય છે. અમે પ્રતિમાના દર્શન કરીને એકલિંગજી પાછા ફર્યા.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

ચિત્તોડગઢ જવા રવાના

બીજા દિવસે સવારે અમે ચિત્તોડગઢ જવા માટે વહેલી સવારે 8 વાગ્યે રવાના થયા. અમદાવાદથી નીકળ્યા ત્યારે કંઇ ખાસ ઠંડી નહોતી પરંતુ એકલિંગજીમાં સખત ઠંડીનો અનુભવ થયો. એકલિંગજીમાં સવારે અહીંના પ્રખ્યાત મીરચી વડાનો નાસ્તો કર્યો તેમજ ગરમા ગરમ ચાપીને ગાડી ચિત્તોડગઢ તરફ હંકારી મુકી.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

ચિત્તોડગઢ જવાના રસ્તા ઘણાં જ સુંદર છે. સિક્સ લેન હાઇવે પર તમને કાર ચલાવવાની મજા આવશે.

ચિતોડગઢમાં રાજસ્થાન ટૂરિઝમની હોટલ પન્નામાં અમે રોકાયા. આ હોટલમાં નોન-એસી ડબલ બેડનો ચાર્જ 1200 રૂપિયા અને એકસ્ટ્રા બેડ હોય તો 1600 રૂપિયા ચાર્જ છે. જો કે આ હોટલની સર્વિસ સારી નથી. હોટલમાં જઇને ફ્રેશ થયા બાદ અમે હોટલ આર્શીવાદમાં અનલિમિટેડ વેજ ડિશનો આનંદ માણ્યો..ત્યારબાદ હોટલમાં આવીને ફ્રેશ થઇને ચિત્તોડગઢ ફરવા ઉપડી ગયા.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

ચિત્તોડગઢમાં જોવાલાયક

ચિત્તોડગઢનો કિલ્લો 700 એકરમાં અને 13 કિલોમીટરના વિશાળ પરિઘમાં ફેલાયેલો છે. આ કિલ્લો ગંભીરી નદીની પાસે અને અરવલ્લી પર્વતના શિખરે સપાટીથી 180 મીટરની ઊંચાઇ પર બનેલો છે. આ કિલ્લામાં પ્રવેશવા માટે પેડલ પોલ, ગણેશ પોલ, લક્ષ્મણ પોલ, ભેરવ પોલ, જોરલા પોલ અને રામ પોલ એમ 7 અલગ અલગ પ્રવેશ દ્ધારમાંથી પસાર થવું પડે છે.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

આ કિલ્લાની અંદર સંમિદેશ્વરા મંદિર, મીરાબાઇ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, શ્રુંગાર ચૌરી મંદિર, જૈન મંદિર, ગણેશ મંદિર, કુંભ શ્યામ મંદિર, કલિકા મંદિર અને વિજય સ્તંભ (કિર્તિ સ્તંભ) પણ શોભાયમાન છે. આ ઉપરાંત, કિલ્લાની અંદર રાણા કુંભા, પદ્મમિની અને ફતેહ પ્રકાશ મહેલ આવેલો છે જે તેની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા છે. અહીં જોહર સ્થળ પણ છે. જ્યાં રાણી પદ્દમાવતીએ 13 હજાર રાણીઓ સાથે જૌહર કર્યું હતું.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

તમે રીક્ષા કરીને પણ આ બધા સ્થળોએ ફરી શકો છો..જેમાં 300 રૂપિયા ચાર્જ થશે. પોતાની ગાડી હોય તો તમે આ બધા સ્થળોએ કાર લઇને ફરી શકો છો. પાર્કિંગ ચાર્જ 50 રૂપિયા છે. ટિકિટના વ્યક્તિદીઠ 40 રૂપિયા થશે.

સાંવલિયા શેઠ મંદિર

ચિત્તોડગઢ ફોર્ટ જોઇને અમે સાંજે રૂમ પર પાછા ફર્યા..બીજા દિવસે અમદાવાદ આવવા નીકળ્યા પણ ચિત્તોડગઢથી 35 કિલોમીટર દૂર સાંવલિયા શેઠના દર્શન કર્યા વગર કેવી રીતે રહી શકાય. એટલે અમે પહેલા સાંવલિયા શેઠના ભવ્ય મંદિરના દર્શન કરવા ગયા.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

સાવલિયા શેઠ મંદિરનો ઇતિહાસ

દંતકથાઓ અનુસાર, મીરાબાઈ સાવલિયા શેઠની પૂજા કરતી હતી, જેને તેઓ ગિરધર ગોપાલ પણ કહેતા હતા. મીરાબાઈ સંતોની જાતિ સાથે શ્રી કૃષ્ણની મૂર્તિઓ સાથે રહેતા હતા. આવી જ મૂર્તિઓ દયારામ નામના સંતની જાતિની પાસે રહેતા હતા. એકવાર ઔરંગઝેબ સેના મંદિરની તોડફોડ કરતી વખતે મેવાડ પહોંચી અને ત્યાં જ્યારે તેની મુઘલ સૈન્યને તે મૂર્તિઓ વિશે ખબર પડી, ત્યારે તેણે તેઓની શોધ શરૂ કરી. આ જાણીને સંત દયારમે બાગુંદ-ભાદસૌડાના છપરમાં વરિયાળીના ઝાડ નીચે ખાડો ખોદીને આ મૂર્તિઓને છુપાવી દીધી.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

પછી 1840 માં, માંડફિયા ગામના રહેવાસી, ભોલારામ ગુર્જર નામના ગૌહરને એક સ્વપ્ન આવ્યું કે ભાદસોડા-બગુંદ ગામની છપર સીમામાં ભગવાનની 4 મૂર્તિઓ જમીનમાં દફનાવવામાં આવી છે. સ્વપ્ન પછી, જ્યારે તે સ્થળે જમીન ખોદકામ કરવામાં આવ્યું ત્યારે દરેકને આશ્ચર્ય થયું. ત્યાંથી 4 સમાન મૂર્તિઓ બહાર આવી. આ સમાચાર જોઈને સર્વત્ર ફેલાઈ ગયો અને આસપાસના લોકો પૂજા સ્થળે એકઠા થવા લાગ્યા. ત્યારબાદ સર્વસંમતિથી 4 માંથી સૌથી મોટી મૂર્તિને ભાડસોદા ગામે લઈ જવામાં આવી, પ્રખ્યાત ગૃહસ્થ સંત પુરાજી ભગત ભાદસોદામાં રહેતા હતા. તેમના નિર્દેશનમાં, સાંવલિયા જીનું મંદિર ઉદયપુરના મેવાડ રાજવી પરિવારના ભિંદર છુપાયેલા વતી બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સૌથી પ્રાચીન મંદિર છે તેથી તે સનવાલિયા શેઠ પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે. ખોદકામના સ્થળે મધ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, તેને પ્રકટ્ય સ્થિર મંદિર પણ કહેવામાં આવે છે.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

સાંવલિયા શેઠ મંદિરના દર્શન કરીને અમે અમદાવાદ પરત ફર્યા.

કેટલો ખર્ચ થાય

અમદાવાદથી એકલિંગજી અને ત્યાંથી શ્રીનાથજી દર્શન કરીને પરત એકલિંગજી અને ત્યાંથી ચિત્તોડગઢ અને ચિત્તોડગઢથી અમદાવાદ પરત ફરવા સુધી લગભગ 850 થી 900 કિલોમીટર જેટલું અંતર થાય છે. જો તમારી પેટ્રોલ કાર હોય અને 20ની એવરેજ હોય તો 45 લીટર પેટ્રોલ ભરાવવું પડે. પેટ્રોલનો ભાવ 97 રૂપિયા ગણીએ તો લગભગ 4400 રૂપિયા જેટલું પેટ્રોલ થાય. અને ટોલ ટેક્સના 1000 રૂપિયા ગણીએ તો લગભગ 6000 રૂપિયા જેટલો ખર્ચ થાય. એકવાત ધ્યાનમાં રાખજો કે જો તમે રાજસ્થાન ફરવા જતા હોવ તો ગુજરાતમાંથી ટાંકી ફુલ કરી નાંખજો કારણ કે રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ 108 રૂપિયા છે. જો કારમાં પાંચ વ્યક્તિ હોય તો પ્રતિ વ્યક્તિ ઇઁધણ ખર્ચ લગભગ 1200 રૂપિયા થશે.

Photo of અમદાવાદથી શ્રીનાથજી, એકલિંગજી અને ચિત્તોડગઢ બાય કાર, કેટલો ખર્ચ થાય? મારો અનુભવ આવો રહ્યો by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો