આકરો ઉનાળો શરૂ થઇ ગયો છે. ટેમ્પરેચર 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. મે મહિનામાં તો ગરમી 44-45 ડિગ્રીએ પહોંચી જશે. ત્યારે આકરા તાપથી રાહત મેળવવા માટે બે દિવસની રજામાં અમે અચાનક આબુ જવાનું નક્કી કર્યું. પેટ્રોલના ભાવ પણ ગરમીની જેમ જ વધી રહ્યા છે પણ થયું કે થોડોક ખર્ચો કરી જ નાંખીએ..
પેટ્રોલનો કેટલો ખર્ચ થાય
અમદાવાદથી આબુ 225 કિલોમીટર છે. આબુથી ગુરુશિખર બીજા 15 કિ.મી. કુલ 240 કિલોમીટર જવાના અને એટલા જ પાછા ફરવાના. એટલે કુલ મળીને 480 કિ.મી. થયા. પેટ્રોલનો ભાવ 105 રૂપિયા પ્રતિ લિટર છે. મારી અલ્ટો કારની એવરેજ હાઇવે પર 20ની છે એટલે 24 લિટર પેટ્રોલ પુરાવવું પડે. આમ અમદાવાદથી આબુ જઇને પાછા આવવાનો પેટ્રોલનો કુલ ખર્ચ 2520 રૂપિયા થાય. એક કારમાં જો ચાર જણાં હોય તો વ્યક્તિ દીઠ 630 રૂપિયા ખર્ચ થાય. અમે 3 જણ હતા એટલે 840 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચ થયો.
અમે આ રસ્તે ગયા
અમદાવાદથી આબુ કારમાં જતા હોઇએ તો લગભગ 5 કલાક જેટલો સમય થાય. અમદાવાદથી આબુ જવાના કુલ 3 રસ્તા છે. એક રસ્તો અમદાવાદથી ગાંધીનગ, વિજાપુર, અંબાજી થઇને આબુ જવાનો. બીજો રસ્તો ગોઝારિયા, વિસનગર, તારંગા, દાંતા થઇને અંબાજી અને ત્યાંથી આબુ જઇ શકાય. પરંતુ અમે અમદાવાદથી મહેસાણા, પાલનપુર, આબુ રોડ અને ત્યાંથી આબુ જવાનો માર્ગ પસંદ કર્યો. આ રસ્તો સારો છે અને ઝડપથી પહોંચી શકાય છે.
અમે સવારે 6 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કર્યું અને રસ્તામાં ઓનેસ્ટમાં ગરમા-ગરમ કચોરી, ફાફડા-ચટણીનો નાસ્તો સાથે ચા-કોફી પીધી. અમદાવાદથી આ રસ્તે એક જ ટોલ ટેક્સ આવે છે જે પાલનપુર પછી આવે છે અને તેમાં 70 રૂપિયા ટેક્સ ભરવો પડે છે. બીજુ અમે આબુરોડથી જ્યારે માઉન્ટ આબુમાં પ્રવેશ કર્યો ત્યારે 100 રૂપિયા ટેક્સ આપવો પડ્યો. લગભગ 11 વાગ્યાની આસપાસ અમે આબુ પહોંચ્યા.
ઑફ સીઝનનો લાભ
અત્યારે સ્કૂલોમાં પરીક્ષા ચાલી રહી હોવાથી 70 ટકા આબુ ખાલી હતું. પ્રવાસીઓની સંખ્યા પણ ખાસ્સી ઓછી હતી. અમે હોટલ સમ્રાટમાં રોકાયા. અહીં ડિલક્સ રૂમના 1500 અને સુપર ડિલક્સના 2000 રૂપિયા ચાર્જ છે. એક્સ્ટ્રા મેટ્રેસના 500 રૂપિયા થાય છે. અત્યારે આબુમાં ઑફ સીઝન ચાલતી હોવાથી તમને 500 રૂપિયામાં પણ સારી હોટલમાં રૂમ મળી જશે. સમ્રાટ નક્કી લેકથી નજીક છે અને અમે એડવાન્સમાં ફોન કરીને હોટલમાં જાણ કરી હોવાથી અમે ત્યાં રોકાવાનું પસંદ કર્યું.
ગુરુ શિખર અને અર્બુદા દેવી
હોટલમાં થોડોક રેસ્ટ કરી અને બપોરના લંચમાં પરોઠા જેવું હળવુ ભોજન કરીને અમે ગુરુ શિખર જવા નીકળ્યા. અમદાવાદમાં અત્યારે 42 ડિગ્રી ગરમી છે જ્યારે આબુમાં લગભગ 35 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર હતું. ગુરુ શિખર એ આબુ પર્વતનું સૌથી ઊંચુ શિખર છે. સીઝનમાં તો આ રસ્તો ખુબ જ ભીડભાડવાળો હોય છે પરંતુ અત્યારે રસ્તો બિલકુલ ખાલી હતો. અમને ટ્રાફિક બિલકુલ ન નડ્યો. ગુરુ શિખરના પાર્કિંગમાં પણ ગુજરાતી પાસિંગ સાથેની કેટલીક ગાડીઓ નજરે પડી.
ગુરુ શિખર પર પહોંચીને અમને અત્યંત આનંદ થયો. ભર બપોરે પણ ઠંડા પવનની લહેરખીઓ આવતી હતી. ઇશ્વરના સાનિધ્યમાં કલાકો સુધી બેસી રહેવાનું મન થાય તેવી છે આ જગ્યા. ગુરુ શિખર પરથી આબુના મનોરમ દ્રશ્યોને જોઇ શકાય છે. શિખર પર ઘંટ વગાડવાનો આનંદ જ કંઇક અલગ હોય છે. અહીંથી તમે સરકારી ગેસ્ટ હાઉસ જોઇ શકો છો.
ગુરુ શિખર પર થોડોક સમય પસાર કરી અને પગથિયા ઉતરતા રસ્તામાં આબુની સ્પેશ્યલ રબડીનો આનંદ માણી અમે આગળ વધ્યા. રસ્તામાં દેલવાડાના દેરાના દર્શન કર્યા. દેલવાડાના જૈન મંદિરો વિશ્વ વિખ્યાત છે. દેલવાડાના મંદિરો હજારો કારીગરોની બારીક કલાનો સુંદર નમૂનો છે, અને માઉન્ટ આબુ ઉપરના આ મંદિરો દુનિયાના શ્રેષ્ઠ કલાત્મક મંદિરો છે. આ અપ્રતિમ જૈન દેરાઓ શ્વેત આરસપહાણ માંથી ઇંચે ઇંચ જગ્યામાં સરસ નકશી કરીને બનાવાયા છે.
દેલવાડાની સુંદરતા નિહાળ્યા બાદ અમે અર્બુદા દેવીના મંદિરે પહોંચ્યા. આબુમાં દરેક જગ્યાએ તમારે સીડીઓ ચઢવાની તૈયારી રાખવી પડશે. માઉન્ટ આબુમાં આવેલા અર્બુદા દેવી મંદિરમાં ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. દુર દુરથી લોકો અહિયાં આવીને માં અર્બુદા દેવીના દર્શન કરે છે. કહેવામાં આવે છે કે, અર્બુદા દેવી કાત્યાયની માંનું જ સ્વરૂપ છે. તેમને અધર દેવી, અંબિકા અને અધિષ્ઠાત્રી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દેશના 51 શક્તિપીઠો પૈકીનું એક છે અને અહિયાં માં સતીના હોઠ પડ્યા હતા.
નક્કી લેક
અર્બુદા દેવીના દર્શન કરીને મોડી સાંજે અમે નક્કી લેક પહોંચ્યા. નક્કી લેક અને તેની આસપાસ પગપાળા ચાલવાની મજા આવે છે. જો તમારે લેકમાં બોટિંગ કરવું હોય તો બે રીતે થઇ શકે છે. એક તમે જાતે પેડલવાળી બોટ ચલાવો. જેમાં 30 મિનિટના 200 રૂપિયા ચાર્જ છે. બીજું તમે હલેસાવાળી બોટમાં બોટિંગ કરી શકો છો. જેમાં ટિકિટનો ભાવ 300 રૂપિયા છે. અમે પેડલ બોટમાં બોટિંગનો આનંદ લીધો.
નક્કી લેક પર ઠેકઠેકાણે તમને સોફ્ટી આઇસક્રીમની દુકાનો જોવા મળે છે. જ્યાં આઇસ્ક્રીમ, કુલ્ફી, લસ્સી, રબડી વગેરેનો ટેસ્ટ કરી શકાય છે. આ ઉપરાંત તમે નક્કી લેક પર ફિશ સ્પા પણ કરી શકો છો જેનો ચાર્જ 100 રૂપિયા છે.
હોટલમાંથી ચેક આઉટ
નક્કી લેક પર બોટિંગ કરીને અમે આબુના માર્કેટમાં થોડીક ખરીદી કરી અને પછી ડીનરમાં અહીંની ફેમસ દાલ-બાટી ખાધી. થાક લાગ્યો હોવાથી હોટલમાં રૂમ પર જઇને સુઇ ગયા. બીજા દિવસે સવારે અમે એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં બ્રેક ફાસ્ટ કર્યું. જેમાં દાલ-પકવાન અને ગરમા-ગરમ ચા અને થેપલા ખાધા. ત્યાર બાદ હોટલ પર જઇને સ્નાન કરી તૈયાર થઇને ચેક-આઉટ કરી લીધું. આબુમાં 12 વાગે ચેક ઇન અને બીજા દિવસે સવારે 10 વાગે ચેક આઉટનો સમય હોય છે.
ટોડ રૉક
હોટલ સમ્રાટમાંથી ચેક આઉટ કરીને ગાડી ત્યાં જ પાર્ક કરીને પગપાળા અમે ફરી નક્કી લેક પહોંચ્યા. નક્કી લેકની પાસે જ ટોડ રૉક છે. લગભગ 300 જેટલા પગથિયા ચડીને અને ઉપર ગયા. ટોડ રૉકથી તમે આખા આબુના દર્શન કરી શકો છો. અહીંથી નક્કી લેકની સુંદરતા જોવાલાયક છે. અહીં ફોટોગ્રાફી કરી અને નિરવ શાંતિમાં થોડીક પળો વિતાવી. નીચે ઉતરીને નક્કી લેક પર જ સોફ્ટી અને કુલ્ફીની મોજ માણી.
અમદાવાદ તરફ રવાના
નક્કી લેકથી ફરી હોટલમાં આવ્યા અને પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી લઇને અમદાવાદ તરફ રવાના થયા. રસ્તામાં હાઇવે પરની હોટલમાં લંચ કર્યું. આ રીતે આબુનો અમારો પ્રવાસ પૂર્ણ થયો.
આટલો ખર્ચ થાય
જો તમે કોઇ એકસ્ટ્રા ખરીદી ન કરો તો રૂ.2500 પેટ્રોલના, રૂ.1500ની ડિલક્સ રૂમની હોટલ, 400 રૂપિયા બોટિંગ, 100 રૂપિયા એન્ટ્રી ટિક્ટ અને 1000 રૂપિયા જમવાનો ખર્ચ ગણીએ તો કુલ સાડા પાંચથી છ હજરા રૂપિયામાં તમે આબુ પોતાની કારમાં ફરીને આવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો