આમ તો માઉન્ટ આબુ દરેક ગુજરાતીએ જોયું જ હશે. આ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ માઉન્ટ આબુની મુલાકાત લીધી છે. દિવાળીનું એક સપ્તાહ માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાઇ ગયું હતું. માઉન્ટ આબુમાં નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ છે. પરંતુ એક જગ્યા એવી છે જેના વિશે ગુજરાતી પ્રવાસીઓ ઓછું જાણે છે અને તે છે ટ્રેવર્સ ટેન્ક.
ટ્રેવર્સ ટેન્ક એક ક્રોકોડાઇલ પાર્ક છે. જે માઉન્ટ આબુ સ્ટેશનથી માત્ર 5 કિલોમીટર દૂર છે. ક્રોકોડાઇલ પાર્ક પ્રવાસીઓ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ સ્થળનું નામ એક બ્રિટિશ એન્જિનયરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટ્રેવર નામના એક બ્રિટિશ એન્જિનિયરે આ નેચરપાર્કનું બાંધકામ કર્યું છે. અહીં મગરનાં દર્શન કરવાની સાથે કુદરતી સુંદરતાનો લ્હાવો માણી શકાય છે.
બ્રિટિશ એન્જિનિયરે આ ટેન્ક (તળાવ)ને મગરની પ્રજાતિઓ ઉત્પન્ન કરવા બનાવ્યું હતું. આ સ્થળ આબુ ફરવા જતાં પ્રવાસીઓ માટે એક સુંદર પિકનીક સ્પોટ બની શકે છે. આ સ્થળે રાતે પણ એક્ટિવિટી કરી શકાય છે. અહીં આપને બ્લેક બિયરના દર્શન પણ થઇ શકે છે. અહીં પક્ષીઓની પણ અનેક જાતો જોવા મળે છે.
ટ્રેવર્સ ટેન્ક વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં ભારતીય પ્રવાસીઓ માટે 55 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. વિદેશીઓ માટે રૂ.330 એન્ટ્રી ચાર્જ છે. ટુ વ્હીલર લઇને જાઓ તો 35 રૂપિયા જયારે કાર માટે 220 રૂપિયા ચૂકવવા પડશે. એક કારમાં ચાર વ્યક્તિ હોય તો વ્યક્તિ દિઠ આશરે રૂ.100ની આસપાસનો ખર્ચ થાય. ભારે વ્હીકલની મંજૂરી પાર્કમાં નથી. ક્રોકોડાઇલ પાર્ક જોવાનો સમય સવારે 9 થી સાંજે 5નો છે. જો કે હાલ કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે પાર્કની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણી લેવું. અહીં જાઓ ત્યારે કેમેરા લઇ જવાનું ન ભૂલતા. આ સ્થળ ગુરુ શિખર જતા રસ્તામાં જ આવે છે જેથી ગુરુ શિખરથી પાછા ફરતા રસ્તામાં જોઇ લેવું વધારે સારુ રહેશે. મુખ્ય માર્ગથી લેક સુધી પહોંચવા માટે પોતાનું વાહન ખાસ કરીને કાર કે જીપ લઇ જવી સારી રહેશે કારણ કે રસ્તો જંગલમાં થઇને પસાર થાય છે. સાંજ પછી જંગલમાં ઉભા ન રહેતા. અહીં ધુમ્રપાન કરવાની મનાઇ છે.
માઉન્ટ આબુમાં જોવાલાયક અન્ય સ્થળો
નક્કી લેક
નક્કી ઝીલ (લેક) એક રસિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયો હતો ત્યાં તેને રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજકન્યાના પિતાએ શરત રાખી કે એના નખોથી એક જ રાતમાં ઝીલનું નિર્માણ કરશે તો તેના લગ્ન પોતાની દીકરી સાથે કરશે. નક્કી લેક આજે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. નક્કી લેકમાં શિકારા, પેડલ બોટ, રો બોટ વગેરેની સુવિધા છે. તમે આખી બોટ પણ બુક કરાવી શકો છો. બોટિંગ ચાર્જ રૂ.150થી રૂ.800ની વચ્ચે છે. બોટિંગનો સમય સવારે 9.30 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે.
ગુરુ શિખર
અરવલ્લી પર્વતમાળાનું ઉચ્ચતમ બિંદુ છે. માઉન્ટ આબુ થી 15 કિ.મી. દૂર અરવલ્લી પર્વત શૃંખલાનું સૌથી ઊંચુ શિખર છે. ગુરુ શિખર પર ગુરુ દત્તાત્રય મંદિર સૌથી પ્રાચીન મંદિર છે. અહીંની દિવ્ય મૂર્તિ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે. આ પર્વત પર શિવ મંદિર, મીરા મંદિર અને ચામુંડા મંદિર છે.
અચલેશ્વર મહાદેવ મંદિર
માઉન્ટ આબુનું ઐતિહાસિક સ્થળ છે અચલગઢ. અહીંના સદીઓ જૂના કિલ્લામાં ભગવાન ભોળા ભંડારીનું એક સુંદર મંદિર છે. ધાર્મિક આસ્થા છે કે આ મંદિરમાં ભગવાન શિવના પગના અંગુઠાના નિશાન છે. ભક્ત દૂર દૂરથી અહીં પૂજા-અર્ચના કરવા આવે છે. માઉન્ટ આબુથી તે લગભગ 11 કિલોમીટર દૂર છે. મંદિરની અંદર ફોટોગ્રાફી માટે રૂ.10 ચૂકવવા પડશે.
દેલવાડા જૈન મંદિર
માઉન્ટ આબુથી લગભગ અઢી કિલોમીટર દૂર સ્થિત છે દેલવાડાના દેરા. આ મંદિર માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. અહીંનું નક્શીકામ અદ્દભુત છે. દેશના મુખ્ય જૈન મંદિરોમાં આ મંદિરની ગણતરી થાય છે. આ સિવાય વિમલ વસાહી મંદિર, લૂના વસાહી, પાર્શ્વનાથ મંદિર અને મહાવીર સ્વામી મંદિર શામેલ છે. આ પાંચ મંદિરોના નામ રાજસ્થાનના ગામના નામ પરથી રાખવામાં આવ્યા છે.
સનસેટ પોઇન્ટ
સનસેટ પોઇન્ટ માઉન્ટ આબુમાં પર્યટકો માટે સાંજે અને સવારે જોવાલાયક કુદરતી સ્થળોમાનું એક છે. અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદયને જોવા માટે આવે છે. વ્યૂ પોઇન્ટ સુધી જવા માટે અંદાજે દોઢ કિલોમીટરનું ચઢાણ છે અહીં તમારે હાથગાડી (200 રુપિયા) અને ઘોડા (રુ.750 રિટર્ન સાથે) ની પણ વ્યવસ્થા છે. માઉન્ટ આબૂથી સનસેટ પોઇન્ટનું અંતર 2.5 કિલોમીટર છે. અહીં ટ્રેકિંગ, પ્રાકૃતિક સુંદરતા, ફોટોગ્રાફી કરી શકાય છે. પહેલા અહીં જવાનો કોઇ ચાર્જ ન હતો પરંતુ હવે એન્ટ્રી ફી 55 રૂપિયા થાય છે. સનસેટ પોઇન્ટ જતા રસ્તામાં ગરમ મેગી, લીંબુ પાણી અને ઘોડેસવારીનો આનંદ લઇ શકાય છે.
ટોડ રોક
દેડકાના આકારમાં જોવા મળતો ટોડ રૉક નક્કી લેકની નજીક છે. ટોડ રૉકની ઉપરથી તમે નક્કી લેક સહિત આખા આબુના દર્શન કરી શકો છો. ફોટોગ્રાફી માટે પણ આ જગ્યા ઉત્તમ છે. આ જગ્યાએ પહોંચવા માટે તમારે નક્કી સરોવરની પાછળના રસ્તાએથી લગભગ એક કિલોમીટર ચાલીને જવું પડશે. ઉપર જવા માટે પગથિયા છે જેમાંથી કેટલાક તૂટી ગયા છે.
અધર દેવી-અર્બુદા દેવી મંદિર
અતિ પ્રસિદ્ધ અર્બુદા દેવી મંદિરને 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. પુરાણો અનુસાર અર્બુદા દેવીને માતા કાત્યાયનીનો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ પવિત્ર સ્થાને માતા પાર્વતીના હોઠ પડ્યા હતા જેના કારણે આ મંદિરને અધર શક્તિપીઠ કે અધર દેવીના નામે પણ ઓળખવામાં આવે છે.