Day 1
તેજપુરથી કાકડભિટ્ટા
જેટલા પણ નાના મોટા ટ્રેકર હોય છે તેમનું એક જ સપનું હોય છે અને તે એકવાર એવરેસ્ટ બેઝ કેમ્પ કરવાનું અને કાળા પથ્થરથી એવરેસ્ટને બિલકુલ નજીકથી જોવાનું. દરેકની જેમ મારુ પણ આ સપનું હતુ અને આ સપનાને પૂર્ણ કરવા માટે 13 માર્ચ 2021ના રોજ હું મારા ઘરેથી સવારે 3 વાગે તરુણની સાથે નીકળ્યો.
12 વાગે અમે NJP પહોંચ્યા. સ્ટેશનની બહાર નીકળી સિલીગુડી માટે શેરિંગ ઓટો 20-20 રુપિયામાં લીધી. થોડીકવારમાં તનુ પણ બાગડોગરા એરપોર્ટ પર લેન્ડ થઇ ચુકી હતી. અમે બોર્ડર ક્રોસ કરવા પહોંચ્યા. સૌ પ્રથમ અમે 62000 રુપિયાને નેપાળી રુપિયામાં કન્વર્ટ કરાવીને 99,200 નેપાળી રુપિયા મળ્યા. થોડોક આરામ કરીને નેપાળી સિમ કાર્ડ N CELL લેવા ગયા. અમે 99 રુપિયામાં sim લીધું જેમાં 20 રુપિયા ટોક ટાઇમ અને 200 mb ડેટા મળ્યો અને 150 રુપિયાનું સાત દિવસ માટે 1 gb ડેટા રિચાર્જ કરાવી લીધું. કારણ કે નામચેની ઉપર દરેક જગ્યાએ નેટવર્ક નથી આવતું કે રિચાર્જ કાર્ડ પણ નથી મળતું.
Day 2
કાકડભિટ્ટાથી સલ્લેરી
સવારે 4 વાગે નીકળીને સાંજે 5 વાગે સલ્લેરી પહોંચી જઇશું તેવું વિચાર્યું હતું પરંતુ તેવું થયું નહીં. કાકડભિટ્ટાથી મિરચયે સુધીનો રસ્તો ઘણો સારો હતો પરંતુ ત્યાર પછીનો રસ્તો પહાડી હતો. રોડના નામે ફક્ત ધૂળ જ હતી. રાતે 8 વાગ્યાને 40 મિનિટે અમે સલ્લેરી પહોંચી ગયા હતા. જ્યાં અમારા મિત્ર ઉમા કાઠમાંડૂથી 2 કલાક પહેલા જ આવી ગયા હતા. તેણે અમારા માટે હોટલનો રુમ બુક કરાવી લીધો હતો. રુમનું ભાડું હતું 500 NPR.
Day 3
સલ્લેરીથી ફાકડિંગ
આજની મુસાફરી સલ્લેરીથી બુપ્સા સુધીની સવારે 6.30 વાગ્યાથી શરુ થઇ. આ અંતર તો માત્ર 60 કિ.મી. છે પરંતુ ત્યાં જવામાં 7 કલાક લાગે છે. આ રોડ પર માત્ર
4 wheel drive ગાડી જ ચાલે છે. 9 વાગે અમે કેગતે પહોંચીને નાસ્તો કર્યો. અંદાજે 2.20 વાગે અમે ટ્રેક કરવાનું શરુ કર્યું. રાતે 11:30 વાગે અમે ફાકડીંગની પાસે આવી ગયા.
અમે નજીકમાં જ 500-500 NPRના 2 રુમ લીધા અને ખાવાનું મન ન હોવાથી બિસ્કિટ અને નમકીન ખાઇને સૂઇ ગયા.
Day 4
ફાકડીંગથી નામચે બાજર
કાલના ટ્રેકથી અમે બધા ઘણાં થાકી ગયા હતા. ફ્રેશ થયા. અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે Ebcમાં તમને માત્ર ટોઇલેટ મળશે બાથરુમ નહીં તે કદાચ એટલા માટે કે અહીં ઘણી ઠંડી હોય છે એટલે ન્હાવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
સવારે 550 રુપિયાની એક નૂડલ ખાધી. ખાવાનું ઘણું જ મોંઘુ છે નેપાળમાં રહેવાનું સસ્તું છે. ફાકડીંગથી થોડુક ઉપર ગયા તો 2000 રુપિયામાં એક નેપાળ મ્યુનિસિપાલિટીની પરમિટ બની. મંજો જવા પર સાગર માથા નેશનલ પાર્કની પરમિટ બની જેના 1500 રુપિયા થયા.
અમે નામચે પહોંચ્યા. હવે અમે એક હોટલ જોઇ જેનું નામ હતું હોટલ ઇંટરનેશનલ. જ્યાં રુમના 500 રુપિયા અને જમવાનું અલગથી હતું. તરુણને નેપાળી આવડતું હતું તેણે બધુ સેટ કરી દીધું અને તે ફ્રીમાં 2 રુમ આપવા તૈયાર થઇ ગયો.
આજે 14 kmનો ટ્રેક થયો.
Day 5
નામચેથી ડીંગબોચે
સવારે 4:30 વાગે ઉઠીને ફ્રેશ થઇને 6 વાગે નીકળી ગયા. આમ તો હોટલવાળાના 2200 રુપિયા થતા હતા પરંતુ અમે 2000 રુપિયા જ આપ્યા. સાંજે 7 વાગે ડીંગબોચે પહોંચી ગયા. ડીંગબોચેમાં મેં પહેલેથી જ માઉન્ટ હેરીટેજ લોન્જમાં વાત કરી રાખી હતી 15 દિવસ પહેલા જ ફ્રી સ્ટે માટે. હવે ફક્ત ખાવાના પૈસા આપવાના હતા. 4 પ્લેટ રાઇસ ખાધા અને બધા સુઇ ગયા. આજે અમારા 24 km થયા.
Day 6
ડીંગબોચેથી ગોરખક્ષેપ
સવારે વાતાવરણ સાફ હતું. ડીંગબોચેથી ઘણાંબધા બરફના પહાડો દેખાતા હતા. જેમાં મુખ્ય હતો ડબલામ. બ્રેકફાસ્ટમાં cornflakes ખાધા એક cornflakesની કિંમત હતી 450 NPR
અમે બધાએ 8 વાગે ડીંગબોચેથી ચાલવાનું શરુ કર્યું. 5 વાગે તરુણ ગોરખક્ષેપ પહોંચી ગયા. આજે પણ અમને હોટલ હિમાલયમાં ફ્રીમાં રહેવાનું મળી ગયું. ઉમા અને તનુ પણ થોડીકવારમાં પહોંચી ગયા. ઉમાની તબિયત ફરી બગડી ગઇ. તેને ઉલટી થવા લાગી.
થોડીવાર પછી અમે 800 રુપિયામાં મોમો અને દાળ ભાત ઓર્ડર કર્યો. ઉમાએ જમ્યા પછી દવાઓ લીધી અને સુઇ ગયા. આજે અમે 16 km ચાલ્યા.
Day 7
ગોરખક્ષેપથી EBC
અમે 3 લોગો 9 વાગે EBC માટે નીકળી ગયા. અહીંથી એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી ગયા. 1 વાગે ફરી હોટલ પાછા ફર્યા. લંચમાં રુ.850માં દાળભાત ખાધા. આજે 9 kmનો ટ્રેક કર્યો.
Day 8
બરફવર્ષામાં રસ્તો ભટક્યા
ઉમાની તબિયત સારી નહોતી તો પણ તે Ebc જવા માટે જીદ પકડી. તેણે સાંજે એક ઘોડાવાળા સાથે વાત કરી રાખી હતી અને ઘણી સમજાવટ પછી 12000નો ઘોડો 5000માં તૈયાર કર્યો.
ઉમા સવારે 6 વાગે ઘોડામાં બેસીને EBC માટે નીકળ્યો. જ્યારે અમે હોટલ પહોંચ્યા ત્યારે તે પણ પાછો આવી ગયો હતો. અને લંચ કરી, સામાન પેક કર્યો. અહીં અમારુ બિલ 18000 NPR આવ્યું જે અત્યાર સુધીનું સૌથી વધુ હતું.
લગભગ 12 વાગે અમે ચાલવાનું શરુ કર્યું. થોડાક સમય પછી બરફ વર્ષા થવા લાગી. અમે 1 કલાકમાં જ લોબોચે પહોંચી ગયા. અને ત્યાં ઉમા અને તનુની રાહ જોવા લાગ્યા. અમારા પહોંચ્યાના 2 કલાક બાદ તેઓ પણ લોબોચે પહોંચ્યા. અહીંથી એક રસ્તો ડીંગબોચે માટે જાય છે અને બીજો ચોલા પાસ માટે. અને ચોલાવાળો રસ્તો પકડ્યો. થોડેક સુધી તો રસ્તો દેખાયો પછી જોરદાર બરફવર્ષા થઇ અને ટ્રેલ ગાયબ થઇ ગઇ. અમે 15 મિનિટ ખોટા રસ્તે ભટક્યા અને ફરી જ્યાંથી 2 રસ્તા જતા હતા ત્યાં જવાનો નિર્ણય કર્યો. અને પાછા આવતા બિલકુલ ખીણમાં પહોંચી ગયા.
થોડાક સમય પછી હર્ષિત જે અમને 2 દિવસ પહેલા ગોરખક્ષેપમાં મળ્યો હતો તે બે લોકલ શેરપાને લઇને અમારી પાસે પહોંચી ગયો ત્યારે જઇને અમારે જીવમાં જીવ આવ્યો. આજે 25 km ચાલવાનું થયું.
Day 9
જોગલાથી ગોક્યો સુધી
ગઇકાલની ઘટનાથી એક બોધપાઠ શીખ્યા કે રસ્તાની જાણકારી ન હોય તો બરફવર્ષામાં અજાણ્યા ટ્રેક પર ન જવું જોઇએ. જોગલા પહોંચીને રિલેક્સ મળ્યો. પરંતુ બરફવર્ષા રાત સુધી ચાલી.
જો બરફવર્ષા અટકશે નહીં તો પાછા જવું પડશે અને gokyo lakeને જોવાનું સપનું માત્ર સપનું બનીને જ રહી જશે. જો કે આશ્ચર્ય વચ્ચે સવારે 6 વાગે આંખ ખુલી તો ચોલા પીક પર તડકો નીકળ્યો હતો અને નીચે ચારે બાજુ બરફ જ બરફ.
2 વાગ્યા સુધીમાં અને ચોલા પૂરી રીતે ક્રોસ કરી લીધો હતો. 3 વાગે અમે લોકો થાંગનાગમાં હતા. અમે નેપાળીને કહ્યું કે 500 રુપિયા વધુ લઇ લો પણ અમારી બેગ gokyo સુધી લઇ લો અમે પણ તારી સાથે ચાલીશું. તે માની ગયો. થાંગનાગથી gokyoનો રસ્તો 2 કલાકનો હતો. જેમાં 1.30 કલાક દુનિયાના સૌથી મોટા ગ્લેશિયરમાંના એક નોગોજુમ્પા થઇને જવાનું હતું. ગ્લેશિયરમાં સતત અપડાઉન ચાલતું હતું અને 5 વાગે અમે 4 અને 2 નેપાળી અને તરુણ gokyo lakeની ઉપર આવી ગયા હતા. હર્ષિતનો પ્લાન આજે થાંગનાગમાં રોકાવાનો હતો.
Gokyo lake જોઇને એવું લાગતું હતું કે જાણે ખરેખર સ્વર્ગમાં આવી ગયા હોઇએ. 5 % સરોવરને છોડી દેવામાં આવે તો બાકી બધે બરફ જામી ગયો હતો. નીચે પહોંચ્યા તો 500 રુપિયામાં રુમ રાખ્યો. dining hallમાં લાગેલી બુખારીથી પોતાને ગરમ કર્યા ત્યાં કાઠમાંડૂથી આવેલા લોકો સાથે મોડી રાત સુધી વાતો કરી અને સુઇ ગયા. આજે 19 km નો ટ્રેક કર્યો.
Day 10
ગોક્યોથી નામચે બાજર
આજે સવારે 6 વાગે ચાલી નીકળ્યા gokyo Ri માટે. ri નો અર્થ હોય છે પહાડી અને gokyo Ri gokyo lakeની પાસેની સૌથી ઊંચો પર્વત છે.
એક તો ઘણો લાંબો ટ્રેક હજુ સુધી થઇ ગયો હતો એટલા માટે અમે ઘણાં થાકી ગયા હતા તો પણ 9.10 વાગે અમે પહાડના શિખરે હતા. 20 મિનિટ સુધી રોકાઇને ત્યાંના નજારા જોયા. 10 વાગે અમે નીચે આવી ગયા.
Gokyoથી નીચે આવતા બીજી 2 લેક મળી. પહેલી લેક gokyoની જેમ જ બરફથી જામેલી હતી પરંતુ બીજી લેક પાણીથી ભરેલી હતી અને થોડીક નાની હતી. સાંજે 6 વાગે ઘણાં આરામથી નામચે પહોંચી ગયા. તેના આગલા દિવસે સલ્લેરી પહોંચ્યાં જ્યાંથી કાઠમાંડૂની બસ પકડીને પશુપતિનાથના દર્શન કર્યા. આ રીતે અમે વ્યક્તિ દિઠ 15000 ભારતીય રુપિયામાં એવરેસ્ટ બેઝ કેમ્પની સાથે સાથે ચોલા પાસ અને ગોક્યો લેક પણ પૂર્ણ કર્યો.