ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો

Tripoto
Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

સાસણગીરમાં 15 જૂનથી જંગલ સફારી બંધ થઇ ગઇ છે. હવે ઓક્ટોબરથી ફરી સફારી શરૂ થશે ત્યારે તમે સિંહ દર્શનનો લ્હાવો લઇ શકશો. પરંતુ ચોમાસામાં પણ કેટલાક લોકોને સિંહ જોવાની ઇચ્છા થતી હોય છે. સાથે જ જંગલનું લીલુછમ વાતાવરણ પણ તેમને જુનાગઢના જંગલો તરફ આકર્ષિત કરે છે. ચોમાસામાં જો તમારે જુનાગઢના જંગલોમાં જવું હોય તો કેટલીક એવી જગ્યાઓ તમને બતાવીશું જ્યાં તમને કુદરતના સાનિધ્યની સાથે કદાચ સાવજનો ભેટો પણ થઇ જાય. જો કે આવી જગ્યાએ જતાં પહેલાં થોડીક સાવધાની રાખવી પણ જરૂરી છે. બની શકે તો સ્થાનિક માણસોને સાથે રાખવા.

તો આવો વાત કરીએ કેટલીક આવી જ જગ્યાઓ વિશે

કાશ્મીરી બાપુનો આશ્રમ

Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

કાશ્મીરી બાપુનો આશ્રમ ગિરનાર તળેટીથી 1 કિલોમીટર જંગલની અંદર આવેલો છે. લોકો અહીં આવી અને જંગલની વચ્ચે આવેલા આશ્રમમાં પરમ શાંતિનો અનુભવ કરે છે. અને દુનિયાના ઘોંઘાટમાંથી મુક્તિ મેળવે છે. ગુરુની સમાધિના દર્શન કરે છે.માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં થી તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2022ના ફેબ્રઆરી મહિનામાં જ કાશ્મીરી બાપુનો સ્વર્ગવાસ થયો હતો. તેમના હજારો ભક્તો દેશ-દુનિયામાંથી અહીં તેમની સમાધિએ દર્શન કરવા આવે છે.

આશ્રમમાં આવનારા દરેક દર્શનાર્થીઓ માટે 24કલાક ભોજનશાળા ચાલુ હોય છે. તમે દિવસમાં ગમે તે સમયે જાઓ તમને અહીં ભોજન પ્રાપ્ત થશે. અહીં બાપુના આશ્રમમાં હજારો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. અને તે પણ એક પણ રૂપિયાનું દાન લીધા વગર.. અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. જૂનાગઢની ભૂમિને સંતોની ભૂમિ તરીકે જોવામાં આવે છે. કારણ કે જૂનાગઢ અને સંતનું પિયર કહેવામાં આવે છે.

Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

કાશ્મીરી બાપુના આશ્રમ સુધીનો 1 કિલોમીટરનો વિસ્તાર ગાઢ જંગલ વિસ્તાર છે. અહીં આસપાસ સિંહ અને દિપડાનો વાસ છે. જો તમારુ નસીબ સારુ હોય તો ક્યારેક સિંહ ભટકાઇ પણ જાય. કાશ્મીરી બાપુના આશ્રમમાં સાંજે 7 વાગ્યા પછી જવાની મનાઇ છે. જો તમે ત્યાં પહોંચી પણ જાઓ છો તો અંધારુ થાય તે પહેલાં તમારે ત્યાંથી પરત ભવનાથ તળેટીએ આવી જવું પડે છે

હસનાપુર ડેમ

Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

જુનાગઢમાં આવેલો હસનાપુર ડેમ ચારેબાજુ લીલોતરીથી ઘેરાયેલો છે. આસપાસ ગીરનો જંગલ વિસ્તાર હોવાથી અહીં સિંહના આંટાફેરા સામાન્ય વાત છે. ચોમાસામાં અહીંનું સૌંદર્ય ખીલી ઉઠે છે. જુનાગઢ શહેરથી તે 15 કિ.મી. દૂર આવેલો છે. હસનાપુર ડેમ જવું હોય તો દેરવણ થઇને જવું પડે છે. જંગલ વિસ્તાર હોવાથી જો તમે કાર લઇ જતા હોવ તો તમારે ફોરેસ્ટ ચેક પોસ્ટ પર એન્ટ્રી કરાવવી પડશે. વધારે વરસાદ હશે તો જવાની પરમિશન નહીં મળે.

કાળકામાનો વડલો

Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

દેવરણ ચેક પોસ્ટથી જ્યારે તમે જંગલમાં એન્ટ્રી કરશો તો થોડાક આગળ જતાં જમણી બાજુ હસનાપુર ડેમ આવશે પરંતુ ડાબી બાજુ આગળ વધશો તો જંગલ વિસ્તારમાં કાચા રસ્તા પર થઇને કાળકામાનો વડલો આવશે. અહીંથી ગિરનારની પરિક્રમા શરૂ થાય છે. આ પણ ગાઢ જંગલ વિસ્તાર હોવાથી દિપડા અને સિંહથી સાવધાન રહેવું જરૂરી છે. ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે અંદર જવુ જોખમથી ભરેલું છે. તમારે વનવિભાગની મંજૂરી લેવી પડશે

ઇન્દ્રેશ્વર મંદિર

Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

જુનાગઢમાં દોલતપરા વિસ્તારમાં ઇન્દ્રેશ્વર થાણાથી એક કિલોમીટર અંદર ઇન્દ્રેશ્વર મંદિર આવેલું છે. આ ગીર પર્વતનો જંગલ વિસ્તાર હોવાથી અહીં પણ ચોમાસા દરમિયાન સિંહ જોવા મળે છે. જો તમારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જવું હોય તો જુનાગઢ શહેર સુધી જવાની જરૂર નથી. અમદાવાદથી રાજકોટ, ગોંડલ થઇને જુનાગઢ કાર કે પ્રાઇવેટ સાધન દ્વારા જતા હોવ તો જુનાગઢમાં એન્ટ્રી પહેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની પાછળના ભાગમાં દોલતપરા વિસ્તાર આવેલો છે. જ્યાં ઇન્દ્રેશ્વર થાણા છે. અહીંથી ગીર નેચર સફારીનો પ્રારંભ થાય છે. ઇન્દ્રેશ્વર થાણાથી અડધો કિલોમીટર દૂર ઇન્દ્રેશ્વર મંદિર આવેલું છે. અમદાવાદથી જુનાગઢ લગભગ 320 કિલોમીટર દૂર છે. તમે ટ્રેનમાં જુનાગઢ રેલવે સ્ટેશને ઉતરીને પણ રીક્ષા દ્વારા ઇન્દ્રેશ્વર મંદિર જઇ શકો છો. બસમાં જવું હોય તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઉતરીને રીક્ષા કરવી પડશે.

ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલ માઁ અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ, માઁ અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વર્ષ 1979 માં બાંધવામાં આવેલાં ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.

વિલિંગ્ડન ડેમ

Photo of ચોમાસામાં સિંહ સફારી બંધ, પણ જુનાગઢની આ જગ્યાઓ પર થઇ શકે સાવજનો ભેટો by Paurav Joshi

વિલિંગ્ડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નામ તે સમયના ગર્વનર લોર્ડ વિલિંગ્ડનના નામથી આપવામાં આવ્યું હતું. ડેમની નજીક 2779 ફૂટ એટલે લગભગ 847 મીટર ઉંચા પગથીયા છે. જે જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે. પાણીથી ભરેલા વિલિંગ્ડન ડેમની આસપાસ ચારેતરફ હરિયાળી અને ઊંચા પહાડો છે અને ચોમાસાની સીઝન દરમિયાન તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસના ગીર જંગલ વિસ્તારમાં સિંહના ધામા છે તેથી ઉનાળામાં પાણી પીવા સાંજના સમયે સિંહ આવતો હોય છે. તમે ડેમ પર ઉભા રહીને સિંહને જોઇ શકો છો. જોકે ચોમાસામાં ડેમમાં વધારે પાણી આવતું હોવાથી સિંહ જોવા મળે તેવી શક્યતાઓ ઓછી છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો