ગોવા ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. આ એક એવું રાજ્ય છે જેનું નામ સાંળતા જ યાદ આવે છે દૂર-દૂર સુધી ફેલાયેલો સમુદ્રનો કિનારો, આધુનિક જીવનશૈલી, ડ્રિંક-ડાન્સ, મસ્તી અને કાજૂથી બનેલી લાજવાબ ચીજો. પરંતુ ગોવા ફક્ત આટલે સુધી જ સીમિત નથી. અહીં ઘણાં સુદર રિસોર્ટ્સ છે જ્યાં લોકો શાંતિની પળો માણવા આવે છે. તો આજે અમે તમને ગોવાની બજેટ ટૂર કેવી રીતે કરી શકાય તે વિશે જણાવીશું.
યોગ્ય પ્લાનિંગ કરો
સામાન્ય રીતે લોકો ગોવા ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વચ્ચે જતા હોય છે. પરિણામે તેમને હોટલના ઉંચા ભાડાનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમારે બજેટ ટૂર કરવી હોય તો તમારે માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે જવું જોઇએ. આ સમયગાળા દરમિયાન તમને 800થી 1000 રૂપિયામાં હોટલ મળી જશે. ઓનલાઇન બુકિંગ કરાવશો તો તમને એવા ઘણાં ઓપ્શન પણ મળી જશે. હોમ સ્ટે અને ઝોસ્ટેલ પણ સસ્તામાં રહેવાનો સારો વિકલ્પ છે.
રેલવેમાં જાઓ
જો તમે અમદાવાદથી ગોવાની મડગાંવ સ્ટેશન સુધીની ટ્રેન પકડશો તો સ્લીપર ક્લાસનું ભાડું 550 રૂપિયાની આસપાસ થશે. જો થર્ડ એસી કરશો તો 1500 રૂપિયા ખર્ચવા પડશે. સ્ટેશનેથી નોર્થ ગોવાના ટેક્સીમાં જાઓ તો 1200 રૂપિયા અને બસમાં જાઓ તો માંડ 100 રૂપિયા થાય.
ફરવાનો ખર્ચ
ગોવા ટૂરિઝમની હો હો ગોવા ટૂરિઝમ બસ સર્વિસ છે જેમાં નોર્થ અને સાઉથ ગોવાની બે દિવસની ટૂરના વ્યક્તિ દિઠ 900 રૂપિયા ચાર્જ છે. જો તમારે કપલ લાઇફ એન્જોય કરવી હોય તો એક્ટિવા ભાડે લઇ શકો છો..એક્ટિવાનું એક દિવસનું ભાડું 300થી 400 રૂપિયા હોય છે. તમે 300 રૂપિયાના પેટ્રોલમાં નોર્થ અને સાઉથ ગોવા ફરી શકો છો.
જમવાનો ખર્ચ
ગોવામાં ઘણી વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. જેમાં દોઢસો રૂપિયામાં વેજીટેરિયન થાળી તમને મળી જશે. કલંગુટ, બાગા, કેન્ડોલિમની બીચની નજીક તમને આ પ્રકારની થાળી મળી રહેશે કારણ કે આ બીચ પર ગુજરાતીઓની ખાસ્સી અવર-જવર રહેતી હોય છે.
કુલ ખર્ચ
તો હવે કુલ ખર્ચની ગણતરી કરી લઇએ. અમદાવાદથી બે વ્યક્તિનો ટ્રેનમાં જવા-આવવાનો ટિકિટનો ખર્ચ 550 લેખે 2200 રૂપિયા થશે. હોટલમાં બે દિવસ રહેવાનો ખર્ચ 2000 રૂપિયા થાય. હો હો બસમાં બે દિવસમાં બે વ્યક્તિના 1800 રૂપિયા થશે. એક્ટિવા લો તો બે દિવસના 1200 થી 1500 રૂપિયા થાય. જમવાના બે દિવસના બે વ્યક્તિના 1200 રૂપિયા ખર્ચ થશે. બ્રેક ફાસ્ટના 200 રૂપિયા ખર્ચ થશે. આમ કુલ ખર્ચ બે દિવસનો 7400 રૂપિયા થાય. હવે જો તમે પણજીમાં ક્રૂઝ સવારી કરો તો એક વ્યક્તિના 300 રૂપિયા ટિકિટ છે. એટલે બે જણના 600 રૂપિયા ઉમેરીએ તો કુલ 8000 રૂપિયા થયા. રેલવે સ્ટેશનેથી હોટલ જવાનો ટેક્સીનો ખર્ચ પણ ગણીએ તો 1200 રૂપિયા થાય. આમ સરવાળે 10 હજારની અંદર તમે ગોવામાં બે દિવસ આરામથી પસાર કરી શકો.
ગોવામાં જોવાલાયક સ્થળો
ગોવામાં દરિયાકિનારા
ગોવાનો મોટા ભાગનો વિસ્તાર દરિયાઈ પ્રદેશ છે, જે કોંકણ નામથી ઓળખાય છે. અહીંના મુખ્ય દરિયાકિનારામાં કોલવ, કલંગુટ, ડોના પાઉલા, કેન્ડોલિમ, અંજુના, બાગા બીચ મુખ્ય છે. કલંગુટને તો દરિયાકિનારાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પણ મીરામાર, વેગેટોર, મોરજિમ, બેતૂલ, માંડ્રેચ જેવા દરિયાકિનારા પણ સુંદર છે. ગોવાની મુખ્ય નદીઓમાં માન્ડોવી, ઝુઆરી, તેરેખોલ, સાલ અને ચાપોરાનો સમાવેશ થાય છે.
સ્પાઇસ પ્લાન્ટેશન
ગોવાના મસાલાના બગીચા ફરવાની દૃષ્ટિએ ભલે ઓફબીટ ડેસ્ટિનેશન હોય પરંતુ ત્યાંનો અનુભવ તમે ક્યારેય પણ ભૂલી નહીં શકો. વૃક્ષો અને મસાલાની ખુશ્બુની વચ્ચે ફરવાનો એક અલગ જ રોમાંચ હોય છે. એટલું જ નહીં તમે ત્યાં એલિફન્ડ રાઇડનો આનંદ પણ ઉઠાવી શકો છો
નેત્રાવલી બબલિંગ લેક
સંગુએમ તાલુકામાં આવેલું નાનકડું તળાવ પણ ગોવા છુપાયેલા સ્થળોમાંનું એક છે. જો તમે અહીં તાળી પાડો કે પછી જરા ભાર દઈને ચાલી પણ જાવ ને તો પાણીમાંથી તરત જ તેનો પ્રત્યાઘાત આવશે. પાણીમાંથી તરત જ પરપોટા નીકળવા માંડશે અને તે ખરેખર એક મનોહર દ્રશ્ય હોય છે.
પરપોટા નીકળવાનું કારણ પાણીની અંદર ઉગતા વનસ્પતિઓના કારણે ઉત્પન થતા મિથેન ગેસ છે, કે જે થોડી હલનચલન ના કારણે પણ પરપોટા સ્વરૂપે દેખાઈ આવે છે. તમે ત્યાં તમારા પગ બોળીને માછલીઓ દ્વારા નેચરલ પેડિક્યોર પણ મેળવી શકો છો.
સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી
મોટાભાગના લોકોની ગોવા ટ્રિપ બીચ સુધી જ સિમિત હોય છે પરંતુ જો તમે ગોવાને ખૂબ સારી રીતે એક્સપ્લોર કરવા માગો છો તો સલીમ અલી બર્ડ સેન્ચ્યુરી જરુર જવું જોઈએ. મેંગ્રોવના જંગલોથી ઘેરાયેલ આ સેન્ચ્યુરીમાં તમે એક સાથે અનેક પ્રકારના પક્ષીઓને જોઈ શકો છો. જેમાં બ્લેક બિટરન, રેડ નોટ, પાઇડ એવોકેટ તેમજ ઘડિયાળ પણ ખૂબ સારી એવી સંખ્યામાં અહીં જોવા મળે છે. આખી સેન્ચ્યુરી ફરવા માટે ફેરી રાઈડ લેવી એક ઉત્તમ ઓપ્શન છે.
માયમ લેક
જો ગોવાના બીચથી તમારું દીલ ભરાઈ ગયું હોય તો અહીં આવેલ માયમ લેક જોવા આવો. નોર્થ ગોવામાં સ્થિત માયમ લેકની સુંદરતાને જોવામાં સમય ક્યાં ચાલ્યો જશે તેની ખબર જ નહીં પડે. પ્રકૃતિના સૌંદર્યને તમે અહીં એકદમ નજીકથી પી શકશો. આ લેક પર બોટ રાઇડ માટે પણ સુવિધા છે.
અર્વલેમ ગુફા
આ ગુફાને પાંડવ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં જંગલોમાં રોકાયા હતા. આ ગુફા 6-7 સદીની હોવાનું અનુમાન છે. જ્યારે કેટલાક મુજબ આ ગુફા બુદ્ધ સંન્યાસીઓ દ્વારા બનાવવામાં આવી છે. ગુફાની નજકી અર્વલેમ ઝરણું છે જેના કારણે જ આ ગુફાને નામ મળ્યું છે. આસપાસનું સૌંદર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો