પુડુચેરી એ ભારતનો એક સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે દક્ષિણ ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. આ સુંદર પ્રાંત બંગાળની ખાડીના કોરોમંડલ કિનારે સ્થિત છે.
પુડુચેરીની સુંદરતા એટલી પ્રચલિત છે કે અહીં દરરોજ હજારો દેશી અને વિદેશી પર્યટકો મજા માણવા આવે છે. બીચ પર હોવાના કારણે બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ અહીં રજાઓ ગાળવા આવે છે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.
જે રીતે પુડુચેરી તેની સુંદરતા માટે પ્રખ્યાત છે, તેવી જ રીતે અહીં સ્થિત ફ્રેન્ચ કોલોની પણ પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. આ લેખમાં, અમે તમને દેશની પ્રથમ ફ્રેન્ચ કોલોની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે પણ ફરવા જઈ શકો છો.
પુડુચેરીની ફ્રેન્ચ કોલોની
કદાચ તમે જાણતા હશો, જો નથી ખબર તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે પુડુચેરી લગભગ 300 વર્ષ સુધી ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ અહીં ફ્રેન્ચ સંસ્કૃતિ અને સ્થાપત્યની છાપ સ્પષ્ટપણે જોવા મળે છે. ફ્રેન્ચ કોલોનીમાં રહેતા લોકોની જીવનશૈલી અને ઘરની વાસ્તુકલા પણ ફ્રેન્ચ તર્જ પર જોઈ શકાય છે. તેથી જ આજે પણ ઘણા લોકો તેને ભારતની ફ્રેન્ચ કોલોની અથવા દક્ષિણના પેરિસ તરીકે ઓળખે છે. આ ઉપરાંત તેને ભારતનું લિટલ ફ્રાન્સ પણ કહેવામાં આવે છે.
ઘરનું આર્કિટેક્ટ લોકોને કરે આકર્ષિત
જે રીતે ફ્રેન્ચ કોલોનીની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે, તેવી જ રીતે અહીં જોવા મળતી લગભગ તમામ ઘરોની ડિઝાઇન પણ પ્રવાસીઓને આકર્ષે છે.
એવું કહેવાય છે કે ફ્રેન્ચ કોલોનીનું બાંધકામ આયોજનપૂર્વક કરવામાં આવ્યું છે. આ સુંદર કોલોનીમાં આવેલા લગભગ દરેક ઘરને મસ્ટર્ડ પીળા રંગથી રંગવામાં આવ્યા છે, જે જોવાલાય હોય છે. અહીંની શેરીઓ એકદમ સ્વચ્છ અને સુઘડ લાગે છે.
ફ્રેન્ચ કોલોનીની આસપાસ ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો
ફ્રેન્ચ કોલોનીની આસપાસ ફરવા માટે એક એકથી ચડિયાત સ્થળો છે, જ્યાં દરરોજ હજારો દેશી અને વિદેશી પ્રવાસીઓ આવે છે. જેમ કે
અરબિંદો આશ્રમ:-
જ્યારે પુડુચેરી અને ફ્રેન્ચ કોલોનીની આસપાસના કેટલીક સ્થળોની મુલાકાત લેવાની વાત આવે ત્યારે અરબિંદો આશ્રમનું નામ જરૂર લેવામાં આવે છે. દરિયાની સપાટીથી નજીક હોવાને કારણે અહીં દરરોજ હજારો લોકો ફરવા આવે છે. તેને શાંતિ પ્રિય સ્થળોમાં પણ સામેલ છે. આશ્રમની સ્થાપના 1926માં ફિલોસોફર અને કવિ અરબિંદો ઘોષ દ્વારા કરવામાં આવી હતી. જે અંગ્રેજોના અત્યાચારોથી બચવા પોંડિચેરી આવ્યા હતા અને તેમણે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગ કરવાનું શરૂ કર્યું હતું.
આશ્રમ આખું વર્ષ ખુલ્લું રહે છે. જો કે, પોંડિચેરી દરિયા કિનારે આવેલું શહેર હોવાથી ઉનાળાના મહિનાઓ ગરમ હોય છે; મોટાભાગના લોકો આ સિઝનમાં અહીં આવવાનું ટાળે છે. જો કે, શિયાળા અને વરસાદની મોસમમાં અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. અરબિંદો આશ્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હતા, તેમાંથી એક મીરા અલ્ફાસા હતી, જેઓ અરબિંદોથી ખૂબ જ પ્રેરિત હતી, તેમને માતા કહેવામાં આવતી હતી અને આશ્રમની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. અરબિંદોના મૃત્યુ પછી, તેમણે 1950 માં આશ્રમનું સંચાલન સંભાળ્યું. આશ્રમ પોંડિચેરીના પૂર્વ ભાગમાં આવેલો છે.
પ્રોમેનેડ બીચ (Promenade Beach):- -
પુડુચેરીની મધ્યમાં આવેલું, ખડકાળ કિનારાઓથી બનેલો આ બીચ ફરવા માટે વધુ સારો છે. અહીં કાયમ પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. આ બીચ પર લોકો ઘણીવાર વોલીબોલ રમતા જોવા મળે છે. તમે પ્રોમેનેડ બીચ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો તે ગોબર્ટ એવન્યુની નજીક આવેલો છે અને શહેરમાં હરવા-ફરવાની ઐતિહાસિક જગ્યાઓમાં સામેલ છે. તેના કિનારે ઘણી કોલોનીઓ આવેલી છે.
આને જોવાની સૌથી સારી રીત એ છે કે દોઢ કિલોમીટર લંબા આ રસ્તે પગપાળા ચાલો. એક ખૂણા પર તમને માર્કિસ ડુપલેક્સની મૂર્તિ જોવા મળશે. જ્યારે આની વચ્ચે મહાત્મા ગાંધીની મૂર્તિ જોવા મળશે અને પ્રથમ વિશ્વ યુદ્ધ સ્મારક છે. સાંજના સમયે બીચ સ્ટ્રીટ ફૂડના સ્ટોલ, આઈસ્ક્રીમ ગાડીઓ અને બલૂન વિક્રેતાઓથી ગુંજી ઉઠે છે. સ્થાનિક લોકો પણ અહીં સાંજે ફરવા આવે છે. અહીં લટાર મારતી વખતે, દરિયા કિનારે આવેલા લે કાફેમાં કોફીની ચૂસકી લેવાનું ભૂલશો નહીં.
બોટનિકલ ગાર્ડન:-
બોટનિકલ ગાર્ડન પુડુચેરીનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. તેની સ્થાપના વર્ષ 1862માં થઈ હતી. તમે આ બગીચામાં ઘણા વિદેશી છોડ જોઈ શકો છો. આ બગીચામાં એક ફિશ હાઉસ પણ છે, જ્યાં એક ડઝનથી વધુ જળચર જીવો જોઈ શકાય છે.
ઓરોવિલે બીચ
ઓરોવિલેના પડોશી ગામમાં સ્થિત ઓરોવિલે બીચ શાંત આત્મનિરીક્ષણ માટે સૌથી સારી જગ્યા છે. પુડુચેરીથી 30-મિનિટના અંતરે, આવેલા આ બીચ તમે કલ્પના પણ ન કરી શકો તેટલો શાંતિપૂર્ણ છે. અહીં કોઈ રેસ્ટોરન્ટ, દુકાન, ચેન્જિંગ રૂમ કે પાર્કિંગની જગ્યા નથી પરંતુ અહીં તમે ક્લિન બ્લૂ વોટર સાથે અદ્ભુત સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો ચોક્કસ જોઈ શકશો. ઈસ્ટ કોસ્ટ રોડ પર ઓરોવિલે બસ સ્ટેન્ડ નજીક આવેલા બીચની સામાન્ય રીતે સ્થાનિકો અને માછીમારો મુલાકાત લે છે. મોટા મોજાને કારણે આ બીચ પર તરવું થોડું જોખમી છે.
સેરેનિટી બીચ
પુડુચેરીથી 10 કિમી દૂર સ્થિત સેરેનિટી બીચ સૂર્ય, રેતી અને લહેરોનો આનંદ માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સુંદર બીચ ચારે બાજુ સફેદ રેતી અને પામ વૃક્ષોથી ઘેરાયેલો છે, તે વોટર સર્ફિંગનું મુખ્ય કેન્દ્ર છે. સર્ફ બ્રેક (સમુદ્રમાં એવી અડચણ જેનાથી લહેરો તૂટી જાય છે) ને કારણે અહીં નવા નિશાળીયા અને પ્રોફેશનલ એમ બંને પ્રકારના લોકો આવે છે. નજીકની કલિયાલે સર્ફ સ્કૂલ ખાનગી અને ગ્રુપમાં સર્ફિંગ ક્લાસ આપવામાં આવે છે. જો તમે બંગાળની ખાડીમાં સર્ફિંગ કરવા જવું હોય તો આના માટે ઘણા બધા વિકલ્પો છે, બીચ પર અને આસપાસના વિસ્તારોમાં ઘણાં હોમ સ્ટે અને બુટિક હોટેલ્સ આવેલી છે.
ઓસ્ટેરી વેટલેન્ડ
ઓસ્ટેરી વેટલેન્ડ શહેરના કેન્દ્રથી 10 કિલોમીટર દૂર સ્થિત છે અને તે વિસ્તારના સૌથી ઓછા પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક રસપ્રદ સ્થળ છે. પક્ષીદર્શન માટે તમારી સાથે દૂરબીન લઈ જાઓ, ઘણા પ્રવાસી પક્ષીઓ પણ અહીં જોઈ શકાય છે, જેમાં ગોલ્ડન ઓરીઓલ, પેઇન્ટેડ સ્ટોર્ક, ઘુવડ અને દર્જિન પક્ષીનો સમાવેશ થાય છે. ઓસ્ટેરી તળાવના કિનારે મોટી સંખ્યામાં કરચલાઓ જોવા મળે છે. ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો