ગુજરાતીમાં કહેવત છે: સુરતનું જમણ અને કાશીનું મરણ. આ કહેવત એક રીતે જોઈએ તો સુરતીઓનો મોજીલો સ્વભાવ સૂચવે છે. સુરતના લોકોને જિંદાદિલીની મિસાલ માનવામાં આવે છે. આ એક એવું શહેર છે જ્યાં ૨૧ મી સદીમાં ગુજરાત તેમજ દેશનાં અન્ય રાજયોમાંથી લાખો સ્થળાંતરિતો આવીને વસ્યા. સુરતમાં નોકરી કે વ્યાપારઅર્થે આવીને વસતા લોકોનો પ્રવાહ હજુ પણ શરૂ જ છે. આ તમામ લોકો પ્રસિધ્ધ તાપી રિવરફ્રન્ટ કે ડચ ગાર્ડનની મુલાકાત તો લેતા જ હશે કેમકે આ સ્થળો શહેરમાં જ આવેલા છે પણ કદાચ સુરત આસપાસ આવેલા નોખા-અનોખા ફરવાના સ્થળો વિષે માહિતગાર નહિ હોય. આ યાદી તેમને ઘણી જ ઉપયોગી નીવડશે:
૧. ડુમસ બીચ
કાળી રેતી, વિશાળ દરિયાકિનારો, આથમતો સુર્ય અને ત્યાં બેસીને મીઠા નારિયેળ પાણીની મજા. આવું કોને ન ગમે? જો આ અનુભવ કરવો હોય તો પહોંચી જાઓ સુરતની નજીકમાં જ આવેલા ડુમસ બીચ. અહીં કાળી માટી હોવાને કારણે આ જગ્યાને અહીંના સ્થાનિકો બ્લેક બીચ તરીકે પણ ઓળખાવે છે. વન-ડે પિકનિક માટે આ એક ઘણું જ સારું ઠેકાણું છે. દિવસ દરમિયાન વોલીબોલ રમો, સન-બાથ લો કે પછી શંખ-છીપલાં વીણો; સાંજ પડતાં તો નયનરમ્ય સનસેટ છે જ.
૨. દાંડી બીચ
આ સ્થળથી તો ભારત દેશનો કોઈ વ્યક્તિ અજાણ નહિ હોય. અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી મીઠાંનાં કાયદાને તોડવા માટે ૧૯૩૦ માં મોહનદાસ ગાંધીએ અમદાવાદથી દાંડી સુધી દાંડી યાત્રા કરી હતી. ભારતની આઝાદીના ઇતિહાસમાં દાંડી કૂચ ઘણું જ પ્રસિધ્ધ પ્રકરણ છે. સુરતમાં હોવ અને આ ઐતિહાસિક સ્થળની મુલાકાત ન લીધી હોય એવું તો કેમ ચાલે? અહીં કિનારે બેસીને સનરાઇઝ અને સનસેટ જોવાનો લ્હાવો માણવા જેવો ખરો.
૩. તિથલ બીચ
આ બીચ વલસાડમાં આવેલો છે અને ડુમસની જેમ આ પણ કાળી રેતી માટે વિખ્યાત છે. અહીં સનરાઇઝ કે સનસેટ અવર્ણનીય છે, જો તમે એ નિહાળો તો તે કાયમ તમારા મનમાં રહેશે. આ બીચ પર પ્રવાસન વિભાગ દ્વારા ઘણો જ વિકાસ કરવામાં આવ્યો છે. અહીં જેટ સ્કી, સ્પીડ બોટ, ઘોડેસવારી, ઊંટસવારી જેવી એક્ટિવિટીઝ થાય છે જે આ જગ્યાને એક પરફેક્ટ પિકનિક સ્પોટ બનાવે છે. કિનારે ઊભેલી હાટડીઓમાંથી ભેળ, ચાટ, દાબેલી જેવી ચટપટી વાનગીઓ પણ આ બીચનું એક આગવું આકર્ષણ છે. અહીં દર વર્ષે તિથલ બીચ ફેસ્ટિવલ તેમજ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થાય છે.
૪. ઉદવાડા
પોતાના વતન પર્શિયામાંથી દેશનિકાલ થયા બાદ ત્યાંનાં ઝોરાષ્ટ્રીયન સમુદાય (જેને આપણે 'પારસી' તરીકે ઓળખીએ છીએ)ના લોકો દક્ષિણ ગુજરાતમાં આવીને વસ્યા. ઉદવાડામાં સદીઓ પછી પણ પારસી સંસ્કૃતિ જોવા મળે છે. અહીં તેમનું પવિત્ર ધાર્મિક સ્થળ અગિયારી પણ આવેલી છે. અહીંના રેસ્ટોરાંમાં પરંપરાગત પારસી ક્વિઝિનની ઘણી વાનગીઓ મળે છે. વળી, દરિયાકિનારાનો આનંદ માણવા અહીં ઉદવાડા બીચ તો છે જ.
૫. સિલવાસા
દીવ અને દમણની જેમ આ સ્થળ પણ એક જમાનામાં પોર્તુગીઝ કોલોની હતું. અહીં ઘણા બધા રોમન-કેથલિક ચર્ચ આવેલા છે. અહીંના લાયન સફારી પાર્કમાં એશિયાટિક સિંહો જોઈ શકાય છે. વળી, પુષ્કળ હરિયાળી ધરાવતા આ નગરમાં ઘણા સુંદર રિસોર્ટ્સ પણ આવેલા છે જે પિકનિક માટે પરફેક્ટ બની રહે તેમ છે. આવા આકર્ષણો ઉપરાંત લોકો ટ્રેકિંગ કે નેચરલ વોક જેવી એક્ટિવિટીઝ કરવા માટે પણ સિલવાસાની મુલાકાત લેતા હોય છે.
૬. સાપુતારા
જેમને કુદરતનું સાનિધ્ય પસંદ છે તેમના માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. સાપુતારા સમુદ્રસપાટીથી ૧૦૦૦ની ઊંચાઈ પર આવેલું હોવાથી અહીંનું વાતાવરણ પણ ખૂબ જ ખુશનુમા હોય છે. અરે! ઉનાળામાં પણ અહીંનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીથી વધતું નથી. અહીંથી ચંદ કિમીના અંતરે આવેલું આર્ટીસ્ટિક વિલેજ કળાપ્રેમીઓને ચોક્કસપણે ખૂબ જ પસંદ પડશે. નેશનલ પાર્ક તેમજ અભયારણ્યમાં તમને વન્ય જીવોને નજીકથી જોવાની તક મળશે.
૭. કેવડિયા
સુરતથી પ્રમાણમાં થોડું દૂર કહી શકાય પણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા થોડું ટ્રાવેલિંગ તો કરવું જ રહ્યું. આમ પણ ત્રણેક કલાકની એક મસ્ત રોડટ્રીપ કરીને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા જોવાનો રોમાંચ જ કઈક અનેરો છે. જો લોંગ વીકએન્ડ હોય તો તમે ટેન્ટ સિટીમાં એકાદ બે દિવસનું રોકાણ પણ કરી શકો છો.
તમે બીજા કયા સ્થળની મુલાકાત લીધી? કમેન્ટ્સમાં જણાવો.
.