આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન

Tripoto

ભારતની વિશેષતાઓની યાદી બનાવવા બેસીએ તો ક્યાંથી શરૂ કરવું અને શું શું સમાવિષ્ટ કરવું તે યક્ષ પ્રશ્ન ઉદભવે. સાચી વાત છે ને? દેશના દરેકે દરેક રાજયોની તેમજ સમગ્ર દેશની સેંકડો વિશેષતાઓ છે. તે તમામને જો નોંધવામાં આવે તો એક મહાગ્રંથ બની રહે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal
Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

પ્રાચીન સમયમાં કૌશલ્ય અને મનોરંજનનો અદ્ભુત સમન્વય સમાન કેટલીક કળાઓ ભારતમાં વિકસી હતી જેમાં નૃત્યને આગલી હરોળમાં મૂકી શકાય. તે ખૂબ જ આકર્ષક છે, જાજરમાન છે, રંગબેરંગી છે અને જાણે આંખોને મંત્રમુગ્ધ કરી દે છે. દેશના દરેક પ્રદેશમાં કોઈને કોઈ લાક્ષણિક લોક નૃત્ય તો છે જ, પણ અમુક ભારતીય રાજ્યોએ નૃત્ય જગતને અત્યંત સુંદર શાસ્ત્રીય નૃત્યની પણ ભેટ આપી છે. અનેક અલગ અલગ રાજ્યોમાં કેટલીય વિવિધતા સાથે શરૂ થયેલા દરેક ભારતીય શાસ્ત્રીય નૃત્યની શરૂઆત ભગવાન શિવનું જ એક સ્વરૂપ ભગવાન નટરાજને વંદન કરીને થાય છે.

શું તમે ભારતના તમામ શાસ્ત્રીય નૃત્ય અને તેના ઉદગમ સ્થાન એવા રાજ્યોના નામ આપી શકો? નહિ? કોઈ વાંધો નહિ, અહીં આ લેખમાં તે જ અંગે વિસ્તૃત વાત કરવામાં આવી છે:

ભરતનાટ્યમ – તામિલનાડુ

વિવિધ હિન્દુ પૌરાણિક કથાઓને નૃત્ય સ્વરૂપે રજૂ કરવાના ખ્યાલ સાથે દક્ષિણ ભારતમાં હાલના તમિલનાડુ રાજ્યમાં થતાં નૃત્યને ભરતનાટ્યમ કહેવાય છે. ઇ.સ. પૂર્વે 200થી 400 વર્ષમાં ભરતનાટ્યમની શરૂઆત થઈ હોવાથી તેને ભારતીય શાસ્ત્રીય નૃત્યનું સૌથી જૂનું સ્વરૂપ પણ કહી શકાય. ભરતમુનિ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્રના આધારે આ નૃત્યની શરૂઆત થઈ હોવાથી તેને ભરતનાટ્યમ કહેવાય છે.

19મી સદી સુધી આ નૃત્યની રજૂઆત મંદિરના પ્રાંગણ પૂરતી જ મર્યાદિત હતી, 20મી સદી બાદ તેને સ્ટેજ-પર્ફોર્મન્સ તરીકે રજૂ કરવાની શરૂઆત થઈ. તામિલનાડુ રાજ્યમાં આજે પણ આ શાસ્ત્રીય નૃત્યનો દેશ વિદેશના નૃત્ય-પ્રેમીઓ અભ્યાસ કરે છે. અહીં કેટલાય પ્રાચીન મંદિરોમાં ભરતનાટ્યમ નૃત્ય કરતાં નર્તકોના શિલ્પ જોવા મળે છે.

કથક – ઉત્તર પ્રદેશ

હાથની વિવિધ મુદ્રાઓ અને ચહેરા પર વિવિધ હાવભાવ સાથે ઈશ્વરની આરાધના તેમજ તેની કથા કહેવાના હેતુસર થતું શાસ્ત્રીય નૃત્ય એટલે કથક. આ શાસ્ત્રીય નૃત્યનું મૂળ ઉત્તર પ્રદેશમાં છે. ‘કથા’ રજૂ કરતું નૃત્ય એટલે કથક. આ નૃત્યશૈલી પણ ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાંથી જ પ્રેરિત હોવાનું કહેવાય છે.

ઉત્તર પ્રદેશમાં મુઘલોના શાસનમાં તેમના દરબારમાં મનોરંજન પીરસવા માટે પણ કથકનો ઉપયોગ થતો. શરૂઆતમાં અહીં કૃષ્ણ લીલા જ કથક દ્વારા રજૂ થતી પણ દાયકાઓ જતાં તેમાં અખાતી દેશોની અસર જોવા મળતી હતી. અંગ્રેજોના શાસનમાં કથકને વર્ષો સુધી પ્રતિબંધિત રાખવામાં આવ્યું હતું પરંતુ 20મી સદી બાદ ફરીથી રાધા-કૃષ્ણની કથા કહેતા કથકને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.

આજે લખનૌ તેમજ વારાણસી કથક માટે શ્રેષ્ઠ શહેરો ગણાય છે.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

ઓડીસી – ઓડિશા

આ શાસ્ત્રીય નૃત્યનું નામ જ તેના મૂળ રાજ્યનું અનુમાન લગાવી શકાય છે. ઓડિશા રાજ્યમાંથી આવતું શાસ્ત્રીય નૃત્ય એટલે ઓડિશી. ભરતનાટ્યમની જેમ આ નૃત્યની શરૂઆત પણ મંદિરમાં નૃત્ય દ્વારા ભગવાન જગન્નાથની આરાધના કરવા હેતુ થઈ હતી; સમયાંતરે તેના સ્ટેજ પર્ફોર્મન્સ પણ થવા લાગ્યા. વિષ્ણુના મુખ્યત્વે કૃષ્ણ સ્વરૂપની આ નૃત્ય દ્વારા વાત કરવામાં આવે છે. ઓડીસી શાસ્ત્રીય નૃત્યમાં પહેરતા પરંપરાગત પોશાક પણ હિન્દુ પુરાણો પર આધારિત હોવાનું માનવામાં આવે છે. ઓડીસીની રજૂઆત દરમિયાન નૃત્યંગનાના ચહેરા પરનો ભક્તિભાવ તેને અન્ય શાસ્ત્રીય નૃત્યથી અલગ પાડે છે.

2જી સદીમાં આ શાસ્ત્રીય નૃત્યની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. આજે પણ ઓડિશાની ઉદયગીરી ગુફાઓમાં ઓડીસી નૃત્ય કરતી યુવતીઓના શિલ્પ જોવા મળે છે.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

મણિપુરી – મણિપુર

ફરીથી, નૃત્યના નામ પરથી મૂળ રાજ્યનું અનુમાન લગાવી શકાય તેવું શાસ્ત્રીય નૃત્ય.

આ શાસ્ત્રીય નૃત્યમાં પહેરાતા પોશાક એ મણિપુરમાં લગ્ન સમયે કન્યા દ્વારા પહેરવામાં આવતું પારંપારિક પરિધાન છે. મણિપુરી પણ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરતી જ એક ધાર્મિક નૃત્ય શૈલી છે. આ નૃત્યની રજૂઆત મુખ્યત્વે હિન્દુ તહેવારો તેમજ પ્રસંગો દરમિયાન કુટુંબની યુવતીઓ દ્વારા કરવામાં આવે છે.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

મોહિનીઅટ્ટમ – કેરલ

સ્ત્રીઓના દેહની સુંદર લચકને પોંખતું શાસ્ત્રીય નૃત્ય એટલે મોહિનીઅટ્ટમ. કેરળમાં 11મી સદીમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવા સુબ્રમણ્યમ મંદિરના પ્રાંગણમાં યુવતીઓ દ્વારા મોહિનીઅટ્ટમ નૃત્ય કરવાની શરૂઆત થઈ હતી. કેરળની પૌરાણિક અને પરંપરાગત નૃત્ય શૈલી ‘લાસ્યા’ તેમજ મોહિનીઅટ્ટમ એકબીજા સાથે ગહન રીતે જોડાયેલા છે. મલયાલમ કવિઓ તેમજ નાટ્યકારો દ્વારા સર્જાયેલ સાહિત્યએ પણ મોહિનીઅટ્ટમના વિકાસમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

કુચિપૂડી – આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશના કુચિપૂડી શહેરમાં આ શાસ્ત્રીય નૃત્યના મૂળ રહેલા હોવાથી તેને કુચિપૂડી નામ મળ્યું છે જે પણ એક મંદિરમાં રજૂ થતું શાસ્ત્રીય નૃત્ય છે. ભરતમુની રચિત નાટ્યશાસ્ત્રમાં પણ કુચિપૂડીનો ઉલ્લેખ થયો હોવાનું જણાય છે. આમાં હાથની અલગ અલગ 28 મુદ્રાઓ હોય છે.

દસમી સદીમાં કુચિપૂડી નૃત્યની રજૂઆત શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. તેમાં મુખ્યત્વે શિવજીની આરાધના થતી હતી અને તેના નર્તકોમાં મોટા ભાગે બ્રાહ્મણો જોવા મળતા હતા. વિવિધ સમયાંતરે રાજાઓ કે બાદશાહો કે અંગ્રેજોના આવાગમનથી તેમાં ઘણા ફેરફારો થતાં રહ્યા પણ નૃત્યની સુંદરતા આજે પણ અકબંધ છે.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

કથકલી – કેરળ

ભારતીય મહાકાવ્યો મહાભારત અને રામાયણની કથાઓ નૃત્ય સ્વરૂપે રજૂ કરવાના હેતુથી કેરળના દરિયાકિનારાના વિસ્તારોમાં 17મી સદીમાં કથકલી નૃત્ય શૈલી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અન્ય તમામ શાસ્ત્રીય નૃત્યોની જેમ કથકલીનો પણ અંગ્રેજ શાસન દરમિયાન ઘણો જ વિકાસ રૂંધાયો હતો પણ વીસમી સદીમાં સ્વતંત્રતા બાદ આજે ફરીથી આ શાસ્ત્રીય નૃત્ય શૈલીમાં લોકો રસ ધરાવતા જોવા મળે છે.

Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal
Photo of આ સૌ રાજ્યો છે પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઉદગમ સ્થાન by Jhelum Kaushal

જો તમને નૃત્ય વિદ્યામાં રસ ધરાવો છો અને ઉપરના કોઈ પણ રાજ્યની મુલાકાતે જઇ રહ્યા છો તો ત્યાંના મંદિરો તેમજ કોઈ આર્ટ સ્કૂલની મુલાકાત અવશ્ય લેશો. અહીં તમને અનેક રસપ્રદ વસ્તુઓ જાણવા મળશે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads