કૂર્ગ કે કોડાગુ, કર્ણાટકના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. કૂર્ગ, કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં પશ્ચિમી ઘાટની પાસે એક પહાડ પર સ્થિત જિલ્લો છે જે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી 1715 મીટરની ઊંચાઇ પર આવેલું છે. કૂર્ગને ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે અને તેને કર્ણાટકનું કાશ્મીર પણ કહેવામાં આવે છે.
આ સ્થાન અહીંની હરિયાળીના કારણે પ્રસિદ્ધ છે, અહીંની સુંદર ખીણો, રહસ્યમય પહાડો, મોટ-મોટા કોફીના બગીચા, ચાના બગીચા, સંતરાના ઝાડ, ખળખળ વહેતી નદીઓ પર્યટકોનું મન મોહી લે છે. દક્ષિણ ભારતના લોકો ખાસ કરીને અહીં વિકેન્ડ એન્જોય કરવા આવે છે.
કૂર્ગનો ઇતિહાસ
કૂર્ગના નામ એટલે કે કોડગૂની ઉત્પતિને લઇને અનેક વાર્તાઓ જાણીતી છે. કેટલાક લોકોનું માનવું છે કે કોડગૂ શબ્દની ઉત્પત્તિ ક્રોધાદેસાથી થઇ છે જેનો અર્થ થાય છે કદાવા જનજાતિની ભૂમિ. કેટલાક અન્ય લોકોનું માનવું છે કે કોડગૂ શબ્દ, બે શબ્દથી મળીને બન્યો છે- કોડ એટલે આપવું અને અવ્વા એટલે કે માતા, જેનાથી આ સ્થાનને માતા કાવેરીને સમર્પિત માનવામાં આવે છે. પછીથી કોડગૂને કૂર્ગના નામે ઓળખાયું.
કૂર્ગ અને તેની આસપાસના પર્યટન સ્થળ
કૂર્ગમાં પ્રવાસીઓ માટે જોવાલાયક અનેક સ્થળો છે. તમે અહીં ફરવા આવો તો અબ્બે ફૉલ્સ, ઇરપુ ફૉલ્સ, મદીકેરી કિલ્લો, રાજા સીટ, નાલખંદ પેલેસ અને રાજાનો ગુંબદ અવશ્ય જોવા જશો. કૂર્ગમાં અનેક ધાર્મક સ્થળો પણ છે જેમાં ભાગમંડલા, તિબ્બતી ગોલ્ડન મંદિર, ઓમકારેશ્વર મંદિર અને તાલાકાવેરી મુખ્ય છે.
અહીંના અનેક સ્થળોમાં પ્રકૃતિની અસીમ સુંદરતા પણ જોવા મળે છે. જેમ કે- ચિલવારા ફૉલ્સ, હરંગી ડેમ, કાવેરી નિસારગદામા, દુબારે એલીફન્ટ કેમ્પ, હોનામાના કેરે અને મંડલપટ્ટી વગેરે. વન્યજીવનમાં રસ હોય તો અહીં અભ્યારણ્યમાં ફરી શકો છો. સાહસિકો માટે ટ્રેકિંગ, ગોલ્ફ, એંગલિંગ અને રિવર રાફ્ટિંગની મજા લઇ શકાય છે.
કૂર્ગના મોટાભાગના ટ્રેકિંગ ટ્રેલ્સ, પશ્ચિમી ઘાટની બ્રહ્માગિરી પહાડીઓ પર આવેલી છે. અહીંના અન્ય ટ્રેકિંગ પોઇન્ટ પુષ્પાગિરી હિલ્સ, કોટેબેટ્ટા, ઇગ્ગુથાપ્પા, નિશાની મોટ્ટે અને તાડિનાડામોલ વગેરે મુખ્ય છે. બારાપોલ નદીમાં રાફ્ટિંગ થાય છે.
રાજાની સીટ
રાજાની સીટ, કૂર્ગ જિલ્લામાં મોદીકેરીમાં સૌથી મહત્વપૂર્ણ સ્થળ છે. આ એક ગાર્ડન છે જ્યાં ઋતુ પ્રમાણેના ફૂલ ઉગે છે અને અહીં અનેક સુંદર ઝરણા છે. આ બધા મ્યૂઝિકથી ચાલે છે જે જોવામાં ઘણું જ સુંદર લાગે છે. આ બગીચાનું નામ કોડાગુ રાજાના નામે રાખવામાં આવ્યું છે. આ સ્થાન પહેલા કોડગુ રાજાનું રહેવાનું સ્થાન હતું અને તે પોતાની રાણીઓની સાથે અહીં ભ્રમણ કરવા આવતા હતા. આ ગાર્ડનાં ઘણી હરિયાળી છે અને પર્વત ઘણાં ઊંચા છે. બાળકો માટે અહીં ટોય ટ્રેન પણ છે.
ઓમકારેશ્વર મંદિર
કૂર્ગના મોદીકેરી હિલ સ્ટેશનની વચ્ચોવચ આ મંદિર આવેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેનું નિર્માણ 1820માં રાજા લિંગરાજેન્દ્રે કરાવ્યું હતું. આ મંદિરમાં મુસ્લિમ કાળની વાસ્તુકલાનો પ્રભાવ જોવા મળે છે. કારણ કે તે કાળમાં હૈદર અલી અને ટીપૂ સુલ્તાનનું શાસન હતું.
બ્રહ્મગિરી વન્યજીવન અભ્યારણ્ય
આ અભ્યારણ્ય કૂર્ગથી લગભગ 60 કિ.મી. દૂર છે. અહીંનું જંગલ ઘણું ગાઢ છે અને લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલું છે. આ સ્થાન ટ્રેકર્સ માટે સૌથી સારૂ છે. અહીં મકાઉ, હાથી, નીલગિરી બંદર, સ્લેંડર લોરિસ, ટાઇગર, જંગલી બિલાડી સહિત અનેક પ્રકારના વન્યજીવ જોવા મળે છે.
રપ્પૂ ઝરણું
દક્ષિણ કૂર્ગમાં બ્રહ્માગિરિ રેન્જના પર્વતોમાં સ્થિત આ ઝરણાને લક્ષ્મણ તીર્થ ઝરણાના નામથી પણ ઓળખવામાં આવે છે. જે લક્ષ્મણતીર્થ નદીની પાસે આવેલું છે જે કાવેરી નદીની સહાયક નદી છે. આ ઝરણું, 60 ફૂટથી વહેતી નદીનો સ્ત્રોત છે. આ વિરાજપેટથી 48 કિ.મી. અને મોદીકેરીથી 80 કિ.મી. દૂર છે. વિખ્યાત રામેશ્વર મંદિર પણ આ ઝરણાની પાસે આવેલું છે.
કૂર્ગનું હવામાન
કૂર્ગની યાત્રા માટે સૌથી સારો સમય નવેમ્બરથી એપ્રિલ વચ્ચેનો છે. વર્ષના લગભગ બધા મહિનામાં કૂર્ગનું હવામાન સારૂ રહે છે.
કૂર્ગ સુધી કેવી રીતે પહોંચશો
વિમાન માર્ગે
કૂર્ગથી સૌથી નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ મેંગ્લોર છે અહીંથી લગભગ 160 કિ.મી. દૂર છે. તો નજીકનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરૂ છે જે અહીંથી 265 કિલોમીટરના અંતરે છે. નવી દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોથી આ એરપોર્ટની ડાયરેક્ટ ફ્લાઇટ મળે છે.
ટ્રેન માર્ગે
તમે કર્ણાટકના મૈસૂર સુધી ટ્રેનથી જઇ શકો છો. મૈસૂર સ્ટેશન કૂર્ગથી સૌથી નજીક છે. બન્ને વચ્ચેનું અંતર 95 કિલોમીટર છે. મૈસૂર સ્ટેશન દેશના લગભગ બધા મોટા સ્ટેશન સાથે જોડાયેલું છે. મૈસૂર ઉપરાંત, મેંગ્લોર સ્ટેશન સુધીની ટ્રેન પણ તમે લઇ શકો છો.
કાર કે બસ
તમે બેંગાલુરૂથી ડ્રાઇવ કરીને કૂર્ગ જશો તો સાડા ચાર કલાક થશે. જો તમને ડ્રાઇવ કરવાનું મન નથી તો બેંગાલુરૂ, મૈસૂર અને મેંગ્લોરથી ડાયરેક્ટ બસ પણ મળી જશે.
ક્યાં રહેશો
કૂર્ગમાં આમ તો બજેટ હોટલથી માંડીને 3 કે 4 સ્ટાર સુધીની દરેક હોટલો ઉપલબ્ધ છે. તમે તમારી પસંદગી અનુસાર હોટલની પસંદગી કરી શકો છો. પરંતુ જો કેટલીક હોટલોનું નામ લેવામાં આવે તો વિક્ટોરિન્સ વેરેન્ડાઝ, હોલીડે ઇન કૂર્ગ, ઓર્કિડ વિલા, જમ્બાબેન કોટેજ, વેન્જ હાઉસ, સિદ્ધિ અલોહા, પરંપરા હોલિડે રિસોર્ટ, કડકાની રિવર રિસોર્ટ, ક્રિસ્ટલ કોર્ટ હોટલ, કૂર્ગ હૉલિમાને હોમ સ્ટે એન્ડ રિસોર્ટ, ગોવરી નિવાસ, જેડ હોટલ, ટાટા કૉફી હૉલિડે હોમ્સ, સાયલન્ટ વેલી, ધ સિલ્વર ઓક્સ હોમસ્ટે વગેરે સારી હોટલ છે.
કૂર્ગમાં શું ખાશો
કૂર્ગ તેના પર્યટન સ્થળો અને આકર્ષિત વાતાવરણની સાથે સાથે તેના સ્વાદિષ્ટ ભોજન માટે પણ પ્રસિદ્ધ છે. અહીંના સ્વાદિષ્ટ ભોજનમાં સુંગધિત ચોખા પોર્ક, અક્કી ઓટી, પુલાવ, ડોસા, વડા, ઇડલી, સાંભર, મશરૂમ, નિવિદા વાંસનું અથાણું, ઉપરાંત ભારતીય, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, સાઉથ ઇન્ડિયન અને તિબેટિયન વ્યંજન પણ કૂર્ગમાં ટેસ્ટ કરવા મળશે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.