ભારત એક એવો સુંદર દેશ છે કે જ્યાં તમને પહાડ, રણ, સમુદ્ર, ખીણ, દલદલ, મેન્ગ્રોવ અને વરસાદી જંગલો જોવા મળી જાય છે. ભારતમાં એવી ઘણીબધી સુંદર જગ્યાઓ છે કે જે સામાન્ય લોકોની જાણ બહાર છે. એવું જ એક ગામ એટલે શક્સગામ. તમે આ પ્રકારનું નામ જ પહેલીવાર સાંભળ્યું હશે, પરંતુ તો તમે ભારતનો નકશો ખોલીને જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ! આ ગામ તો ભારતમાં વર્ષોથી આવેલું છે.
શક્સગામ ઘાટી સિયાચિન ગ્લેશિયરના ઉત્તર-પશ્ચિમ, બાલ્ટિસ્તાન ના ઉત્તર, ગિલગિટના પૂર્વ અને ચાઇનાના જિનજિયોંગની દક્ષિણમાં સ્થિત છે. દક્ષિણમાં કારાકોરમ રેન્જથી અને ઉતરમાં કુન લૂન પર્વત શ્રૃંખલાથી ઘેરાયેલું આ ગામ સૌથી ઊંચા પહાડોના ખોળામાં બેઠું છે. અહીં પહોંચવા માટેનો માર્ગ ખૂબજ મુશ્કેલી ભરેલો હોવાના કારણે આ વિસ્તાર ભીડભાડથી બચેલો છે અને તેટલા માટે જ આ વિસ્તારની સુંદરતા જળવાયેલી છે. આમ જોવા જઇએ તો ભારત આ વિસ્તારને પોતાનો જ એક ભાગ ગણે છે પરંતુ 1963થી આ વિસ્તાર ચાઇનાના પ્રશાસન હેઠળ છે અને તેટલા માટે જ એક ભારતીય તરીકે આપણને અહીં જવા માટેની પરવાનગી નથી. આ સીવાય ભૂતકાળમાં એક સમયે પાકિસ્તાન આ વિસ્તાર કશ્મીરનો એક ભાગ છે તેવો દાવો કરી ચૂક્યું છે.
જોકે આ વિસ્તારને લઇને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ચાલું જ છે કારણકે આ વિસ્તારમાં ભારત, પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્થાન અને તાજિકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આ બધી વાત પડતી મૂકીએ અને એવી આશા રાખીએ કે એક દિવસ એવો પણ આવે કે આપણે આ સુંદર જગ્યા પર પગ મૂકી શકીએ.
જો આ જગ્યાને પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હોય તો શક્સગામ સ્વિટ્ઝરલેન્ડ અને આઇસલેન્ડ કરતા પણ વધારે લોકપ્રિય બની જાય તેમ છે. દુનિયામાં ઘણી જગ્યાઓની પોતાની અલગ જ સુંદરતા હોય છે અને ઘણીવાર આ જ સુંદરતા તેના ચાહકોની વચ્ચે અથડામણ ઉભી કરી દેતી હોય છે. શક્સગામ એ એવું કરામતી જાદુ છે જેના પર હાલ પડદો પાડી દેવામાં આવ્યો છે.
આશા રાખીએ કે એક દિવસ આ પ્રદેશમાં એક ભારતીય તરીકે આપણે ગ્રવપૂર્વક ફરી શકીએ.