કેમ છે હિમાચલ રખડનારાઓની પહેલી પસંદ? આ 8 કારણોમાં મળશે જવાબ

Tripoto
Photo of કેમ છે હિમાચલ રખડનારાઓની પહેલી પસંદ? આ 8 કારણોમાં મળશે જવાબ 1/1 by Paurav Joshi

હિમાચલ એવા સ્વર્ગનું નામ છે, જેનો ઉલ્લેખ દરેક ફરનારના હોઠ પર અચૂક હોય છે. હિમાચલમાં જોવા અને અનુભવવા માટે એટલું બધું છે કે આ રાજ્યની સુંદરતા સમજવા માટે તેની એક સફર પૂરતી નથી. હિમાચલમાં દરેક પ્રકારના રખડુઓને આશ્રય મળે છે. ધીમી મુસાફરી હોય કે મિત્રો સાથે સપ્તાહાંતમાં ફરવાનું આયોજન હોય, હિમાચલ બધામાં પ્રથમ આવે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે હિમાચલમાં એવું શું છે જે તેને દરેકનું ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે? જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો અમે તમને થોડી મદદ કરીએ છીએ.

1. સુંદર મંદિરો અને મઠો

હિમાચલ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે અને તે સાચું છે. હિમાચલમાં એટલા સુંદર મંદિરો અને મઠો છે કે તમે આ જગ્યાના પ્રેમમાં પડી જશો. તમને હિમાચલ પ્રદેશનું આખું વાતાવરણ ગમશે. કાંગડા ખીણમાં આવેલા બૈજનાથ મંદિર, સરાહનમાં શ્રી ભીમકાલી મંદિર અને શ્રી વર્જેશ્વરી મંદિરમાં વિશ્વભરમાંથી લોકો આવતા રહે છે. હિમાચલમાં મંદિરો છે, પરંતુ અહીં ઘણા બૌદ્ધ મઠો પણ છે જેનું સ્થાપત્ય ખૂબ જ અદભૂત છે. લાહૌલ અને સ્પીતિના મઠ વિશ્વ પ્રસિદ્ધ છે. હિમાચલના આ સુંદર મંદિરો અને મઠો હિમાચલનું જીવન છે અને રાજ્યની સુંદરતા જાળવી રાખે છે.

2. વન્યજીવન

હિમાચલનું સમૃદ્ધ વન્યજીવન રાજ્યને ફરવા લાયક બનાવે છે. આ કારણોસર, હિમાચલમાં આવા ઘણા વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે જેની તમારે મુલાકાત લેવી જોઈએ. હિમાચલમાં રીંછ, ચિત્તા, સ્નો લેપર્ડ અને હરણ જેવા પ્રાણીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે જે રાજ્યના વન્યજીવનને ખૂબ જ આકર્ષક બનાવે છે. પ્રવાસીઓને ખાસ કરીને અહીંનું લીલુંછમ લેન્ડસ્કેપ અને વિકસતા જંગલો ગમે છે. કુફરી ઝૂમાં સ્નો લેપર્ડ અને સ્નો બેર જેવા પ્રાણીઓ જોઈ શકાય છે. હિમાચલમાં પક્ષીઓની સારી વિવિધતા પણ જોઈ શકાય છે. હિમાચલના વન્યજીવનનો શ્રેષ્ઠ નજારો ચેલ વન્યજીવ અભયારણ્ય, રેણુકા વન્યજીવ અભયારણ્ય અને મનાલી અભયારણ્ય જેવા સ્થળોએ જોઈ શકાય છે.

3. સ્થાનિક તીજ-તહેવાર

હિમાચલની એક એવી વાત જે તેને અન્ય તમામ રાજ્યોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. હિમાચલમાં ઉત્સવો ખુબ ધામધૂમથી ઉજવાય છે. અહીં દરેક તહેવારને પૂરા ઉત્સાહ અને જોશથી ઉજવવામાં આવે છે. જો તમે હિમાચલમાં તહેવારોની જાહોજલાલી જોવા માંગતા હોવ તો તમારે હોળી, શિવરાત્રી કે દશેરા દરમિયાન હિમાચલની મુલાકાત લેવી જ જોઈએ. તહેવારો દરમિયાન હિમાચલમાં સ્થાનિક વાનગીઓની પણ ખૂબ માંગ હોય છે.

4. હિમાચલી ફૂડ એન્ડ કલ્ચર

જો તમે હિમાચલ ગયા અને હિલ ફૂડ નથી ખાધુ તો માની લો કે તમારી હિમાચલ યાત્રા અધૂરી છે. હિમાચલમાં મળતી દરેક વાનગીમાં રાજ્યની સંસ્કૃતિ અને સભ્યતા સ્પષ્ટપણે જોવા મળે છે. સાદા દાળ ભાત હોય કે અન્ય કોઈપણ વાનગી, તાજા મસાલા, ઈલાયચી અને તજનો ઉપયોગ હિમાચલમાં રસોઈ માટે મોટા પ્રમાણમાં થાય છે. હિમાચલી ભોજનમાં સારીએવી માત્રામાં દહીં અને ઘી પણ ઉમેરવામાં આવે છે. મદ્રા, મિટ્ટા અને બબ્રુ હિમાચલની કેટલીક પરંપરાગત અને સ્થાનિક વાનગીઓ છે જેને દરેક પ્રવાસીએ જરુર ચાખવી જોઈએ.

5. શોપિંગ

હિમાચલના સ્ટ્રીટ માર્કેટ લોકોને ખૂબ ગમે છે. શિમલા મનાલીના મોલ રોડ અને મેક્લોડગંજ તિબેટીયન માર્કેટમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. જો તમે તમારા નજીકના અને પ્રિયજનો માટે ભેટ ખરીદવા માંગો છો, તો તમને હિમાચલના સ્થાનિક બજારોમાં ઘણા વિકલ્પો મળે છે. હિમાચલના બજારો તિબેટીયન કાર્પેટ અને હસ્તકલા, વૂલન શાલ, જ્વેલરી જેવી વસ્તુઓથી ભરેલા છે. હિમાચલની સૌથી ખાસ વસ્તુ થંગકા છે. થંગકા એક કાપડનું પેઇન્ટિંગ છે જેમાં ગૌતમ બુદ્ધને અલગ-અલગ મુદ્રામાં બતાવવામાં આવ્યા છે. સ્થાનિક બજારોમાં ખરીદી પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.

6. સાહસનો ખજાનો

હિમાચલ સાહસોથી ભરેલું છે. તમને હિમાચલમાં મોટાભાગના સ્થળોએ ટ્રેકિંગ માટેના વિકલ્પો મળશે. આમાંના કેટલાક ટ્રેકિંગ રૂટ પ્રખ્યાત છે અને એવા ઘણા રૂટ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ધૌલાધર અને પીર પંજાલ પર્વતમાળાઓ વચ્ચે બનેલા રસ્તાઓ પર ટ્રેકિંગ કરવાનું દરેક વ્યક્તિને ગમે છે. હિમાચલમાં રાફ્ટિંગ અને પેરાગ્લાઈડિંગના વિકલ્પો પણ છે, જેના કારણે હિમાચલના પ્રવાસીઓ તેને ખૂબ પસંદ કરે છે.

7. રોડ ટ્રિપ અને બાઇક રાઇડ

હિમાચલ સુધી પહોંચવાનો સૌથી સારો અને સહેલો રસ્તો સડક માર્ગ છે. જો તમે દિલ્હી તરફથી આવી રહ્યા હોવ તો તમારે રોડ ટ્રીપનું આયોજન કરવું જોઈએ. હિમાચલના રોમાંચક રસ્તાઓ, ગાઢ જંગલો અને તેમાંથી પસાર થતા રસ્તાઓ આ સ્થળને ફરનારાની પ્રથમ પસંદગી બનાવે છે. સ્પીતિ, લેહ અને કિન્નૌરમાં રોડ ટ્રિપની મજા અનેકગણી વધી જાય છે. હિમાચલમાં ડ્રાઇવિંગ કોઈ રોલર કોસ્ટર રાઈડથી ઓછું નથી. જો તમે રોડ ટ્રિપ પર જાઓ છો, તો તમે તમારી જાતને અદભૂત ખીણો અને બર્ફીલા પહાડોની વચ્ચે જોશો. શિમલા મનાલી લેહ રૂટ બાઇક સવારો માટે રોડ ટ્રીપના મક્કા જેવો છે. હિમાચલની આ શૈલી આ સ્થળને આકર્ષક બનાવે છે.

8. સ્લો ટ્રાવેલ

હિમાચલ પણ કેઝ્યુઅલ અને સમય લેનારા પ્રવાસીઓને ખૂબ પસંદ છે. જો તમે હિમાચલની મુલાકાત લેવા અને સારી રીતે અનુભવવા માંગતા હો, તો તમારે થોડો વધુ સમય કાઢીને અહીં આવવું જોઈએ. હિમાચલ બે દિવસમાં ફરવા જેવું સ્થળ નથી. ભારતના સૌથી વધુ મુલાકાત લેવાયેલા રાજ્યોમાંના એક હોવાને કારણે, ત્યાં મુસાફરી ધીમી એટલે કે સ્લો ટ્રાવેલ પણ છે. હિમાચલમાં આવીને દરેક વ્યક્તિ પોતાના વ્યસ્ત જીવનમાંથી છૂટકારો મેળવવા માંગે છે. હિમાચલમાં ઘણા ગેસ્ટ હાઉસ, હોમસ્ટે અને બેકપેકર હોસ્ટેલ છે જ્યાં તમે રહી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો