ભારત ફરવાની બાબતમાં એટલો શાનદાર દેશ છે કે દરેક રાજ્યમાં તમને કંઈક ને કંઈક અલગ જોવા માટે મળી જ જાય. પરંતુ જ્યારે ફરવાનો પ્લાન કરીયેને ત્યારે આપણા દિમાગમાં અમુક સ્થળો જ આવે, જેમ કે ગોવા, ગુજરાત, હિમાચલ કે પછી કેરળ. પણ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આપણે અમુક રાજ્યો તો ભુલી જ જઈયે, જેમ કે બિહાર.
જ્યારે પણ હું મારા મિત્રોને કહું ને કે ચાલો મારી સાથે બિહાર, તો લગભગ બધાનું એક જ રિએક્શન હોય કે ત્યાં જવા જેવું છે જ શું? એનું કારણ એ કે અહીંના પર્યટન વિભાગે એવું નથી કહ્યું કે ‘કુછ દિન તો ગુજારો બિહાર મે’ ન તો એવું કહ્યું છે કે ‘પધારો હમારે બિહાર મે’. કોઈના માટે બિહાર માત્ર લિટ્ટી ચોખા ખાવાનું સ્થળ છે તો કોઈના માટે એક ગરીબ અને અવિકસિત રાજ્ય. બિહારનો નિવાસી હોવાને કારણે હું એ કહેવા માગુ છુ કે બિહારમાં ફરવા અને મસ્તી કરવાની ઘણી જગ્યાઓ છે અને ખાવા માટે લિટ્ટી ચોખા સિવાય પણ ઘણું છે. તો ચાલો આજે હું તમને એવા કારણો અને સ્થળો બતાવું જેના લીધે તમારે એકવાર તો બિહાર આવવું જ જોઈએ.
બોધિગયા : જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ
બિહારના આ જ શહેરમાં બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી, અને એટલે જ તેને બોધિગયા પણ કહેવામાં આવે છે. મહાબોધિ મંદિર માત્ર બિહારની જ નહીં, આખા દેશની શાન છે. ગયામાં વિષ્ણુપદ મંદિર પણ પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિર ભગવાન વિષ્ણુના પગના નિશાન પર બનેલું છે.
જ્ઞાનનું સૌથી પ્રાચિન કેન્દ્ર : નાલંદા
બિહારમાં જ વિશ્વ પ્રસિદ્ધ નાલંદા વિશ્વવિધ્યાલય આવેલી છે. યુરોપની કેમ્બ્રીજ અને ઓક્સફોર્ડ થી પણ કેટલીય સદી પહેલા નાલંદાને જ્ઞાન અને શિક્ષાનું પ્રતિષ્ઠિત કેન્દ્ર માનવામાં આવતું. ગુપ્ત વંશના શાસક કુમાર ગુપ્ત પ્રથમે પાંચમી સદીમાં આ વિશ્વવિધ્યાલય બનાવરાવી હતી. બારમી સદીમાં આક્રમણખોરોએ ત્યાં આક્રમણ કરીને તેને નષ્ટ કરી દીધી હતી. જો કે 2014માં આ વિશ્વવિધ્યાલયને પુન:સ્થાપિત કરી શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે.
ઐતિહાસિક અને ધાર્મિક શહેર : રાજગીર, મુંગેર, વૈશાલી
રાજગીર, બિહારની ઐતિહાસિક અને ધાર્મિક નગરી તો છે જ સાથે સાથે આ જગ્યા અહીંની હરિયાળી અને પ્રાકૃતિક સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. જ્યારે તમે મુંગેર જશો તો તમને ત્યાં પહાડીઓ પર બનેલા કેટલાય શાનદાર કિલ્લાઓ જોવા મળશે.
જૈન ધર્મના લોકો માટે વૈશાલીનું ખુબ મહત્વ છે. વૈશાલીમાં જ ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. અહીં તમે સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સ્તંભ અને સ્તૂપ જોવા પણ જઈ શકો છો. વૈશાલીના શાંતી સ્તુપ વિશે તો જાણતા જ હશો, જે પુરી દુનિયામાં મશહુર છે.
બિહારના દરેક રંગો રાજધાની પટનામાં
પટના બિહારની રાજધાની હોવાની સાથે સાથે બિહારનું સૌથી વિકસિત શહેર પણ છે. પટનામાં ફરવાલાયક ઘણાં સ્થળો છે જેમ કે; સંગ્રહાલય, ગોલઘર, પ્રાણીસંગ્રહાલય, બુદ્ધ સ્મૃતિ પાર્ક, મહાવીર મંદિર વગેરે. પટનાનું પ્રાણીસંગ્રહાલય તમને દિલ્હીના પ્રાણીસંગ્રહાલય કરતા ક્યાંય સારુ લાગશે. પટનાનું ઝુ જોયા પછી જ્યારે હું દિલ્હીનું ઝુ જોવા ગયો તો મને નિરાશા સિવાય કશું મળ્યું નથી. આ ઉપરાંત પટના, સિખ ધર્મ પાળનારા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં શ્રી હરિમંદિર જી પટના સાહિબ ગુરુદ્વારા છે, જ્યાં સિખોના દસમાં અને અંતિમ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો પણ જન્મ થયો હતો.
બિહારમાં છુપાયેલું સરપ્રાઈઝ : વાલ્મિકી ટાઈગર રિઝર્વ
બિહારમાં ફરતી વખતે તમને વાલ્મિકી નગર જંગલમાં બનેલું ટાઈગર રિઝર્વ સૌથી મોટો શોક આપશે. આ ટાઈગર રિઝર્વમાં સફારીની મજા લેવી એ એક અદભુત અનુભવ છે. અહીં વોટર રાફ્ટીંગ, કેમ્પીંગ, ટ્રી હાઉસ સ્ટે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. હાલમાં જ બિહાર સરકારે આ સ્થળને ટુરિસ્ટ પ્લેસ તરિકે વિકસાવવા ઘણું કામ કર્યું છે. જંગલના એક છેડે બિહાર અને નેપાળને અલગ કરતો એક વિશાળ પુલ પણ છે, જેના દ્વારા તમે પગપાળા પણ નેપાળમાં પ્રવેશ કરી શકો છો. વાલ્મિકી નગર જંગલમાં હાલમાં જ બનેલો ઝુલા પુલ પણ જોવાલાયક છે.
બિહાર અને આસ્થાનું મહાપર્વ છઠ
જો તમે ટુરિસ્ટ પ્લેસ જોવાના હેતુથી નથી આવી શકતા તો મારું માનો અને એક વાર છઠ પૂજાના સમયો તો બિહાર આવી જ જાઓ. હું ગેરેંટી સાથે કહું છું કે તમારા માટે એ જીવનના શ્રેષ્ઠ અનુભવોમાંથી એક હશે. ઊગતા સુર્યની તો સૌ કોઈ પૂજા કરતું જ હોય છે, પણ બિહાર એક એવું રાજ્ય છે જ્યાં ઊગતા અને આથમતા એમ બંને સુર્યની પૂજા થાય છે. છઠને લઈને તમને બિહારમાં જે પ્રકારની શ્રધ્ધા અને આસ્થા જોવા મળશે ત બીજે ક્યાંય નહીં મળે. ફળ, શાકભાજીઓ અને પુરી પવિત્રતાની સાથે બનેલા પ્રસાદોથી સૂર્યદેવની ઊપાસનાનું આ પર્વ દરેકે એક વાર જોવું જોઈએ.
બિહારનો ચટપટો સ્વાદ
બિહાર માત્ર ફરવા માટે જ નહીં પણ ખાવા માટેની પણ એક યાદગાર જગ્યા છે. સામાન્ય રીતે બિહારમાં ખાવાના નામ પર તમને લિટ્ટી ચોખા જ યાદ આવશે. પરંતું હું, બિહાર ન ફરી શકનાર એ દરેક વ્યક્તિને કહેવા માગુ છું કે બિહારમાં લિટ્ટી ચોખાની સાથે એવી કેટલીય વાનગીઓ અને મિઠાઈઓ છે જેનો સ્વાદ તમે ક્યારેય ભુલી નહીં શકો. એમા પણ જો તમે નોન વેજીટેરિયન હો તો. પૂર્વીય ચંપારણનું મટકા ચિકન અને મટકા મટનનો સ્વાદ તો તમે કદાચ જ ભુલી શકો. મિઠાઈમાં લોન્ગ લત્તી, બાલુશાહી, ચંદ્રકલા, ખાજા અને પરવળની મિઠાઈ નો સ્વાદ જ લાજવાબ છે.
બિહાર દેશના અલગ અલગ સ્થળોથી સારી રીતે જોડાયેલું છે. તમે પટના અને ગયા એરપોર્ટ માટે ફ્લાઈટ લઈ શકો છો અને જો ટ્રેનથી આવવા માગો તો લગભગ બધા જ રાજ્યોથી બિહારની ટ્રેન પણ છે. તો મિત્રો, બિહાર આવો, ફરો અને જુઓ કે બિહાર કેવું તમારી સ્મૃતિઓમાં વસી જાય છે.