દિલ્હીમાં પોત-પોતાના રાજ્યોનો સ્વાદ ચાખવો છે તો આ સ્ટેટ ભવનની કેન્ટિનોમાં જરુર જાઓ

Tripoto

દિલ્હી એ દરેક રાજ્ય અને ક્ષેત્રની સંસ્કૃતિનું અનોખુ સંગમ સ્થાન છે. જુદા જુદા રાજ્યોમાંથી લોકો અહીં રહેવા આવે છે અને તમે મોટાભાગે પોતાના ક્ષેત્ર અને ત્યાંના ભોજનને હંમેશા યાદ કરો છો. તો ચાલો, હવે અમે તમને તમારા ઘરની ટિકિટ ખરીદવામાં તો મદદ નહીં કરી શકીએ પરંતુ હાં, દિલ્હીમાં જ તમારી પસંદગીનો સ્થાનિક ખાવાનો સ્વાદ જરુર અપાવી શકીશું.

તો હવે જ્યારે પણ તમને ઘરના ભોજનની યાદ સતાવે તો નીકળી પડો દિલ્હીની આ રાજ્ય ભવન કેન્ટિનોનો સ્વાદ ચાખવા.

1.આંધ્ર પ્રદેશ ભવન કેન્ટિન

ક્રેડિટઃ ટ્વિટ રજત

Photo of Andhra Bhavan Canteen, Ashoka Road, Hyderabad House, New Delhi, Delhi, India by Paurav Joshi

દિલ્હીના સેન્ટરમાં બનેલી આ કેન્ટિનમાં મોટાભાગે ઑફિસના લોકોની ભીડ રહે છે. આ દિલ્હીની મશહૂર કેન્ટિનોમાંની એક છે અને આંધ્રના ખાવાનો અસલી સ્વાદ પીરસવા માટે જાણીતી છે. આ કેન્ટિન લંચના સમયે સંપૂર્ણ રીતે પેક રહે છે. અહીં મળનારી થાળી બિલકુલ પૈસા વસૂલ છે, જેમાં તમને શાક, દહીં, મીઠાઇ, પૂરી અને પાપડ એમ બધું જ મળે છે. તમે એક થાળીમાં અનલિમિટેડ પૂરી અને શાક લઇ શકો છો. અહીં જમ્યા પછી તમારી જીભ અને દિલ તમને ધન્યવાદ આપશે. અહીંની ચિકન બિરિયાની, ચિકન કરી અને ફિશ કરી જરુર ચાખજો. લાઇનમાં રાહ જોવી ન પડે તે માટે બપોરે 1.30 વાગ્યા પહેલા પહોંચી જવાનો પ્રયત્ન કરજો.

ક્યાં છે: 1, અશોકા રોડ, હૈદરાબાદ હાઉસ, નવી દિલ્હી

2. ગુજરાત ભવન

ગુજરાતી વ્યંજનોનો સ્વાદ ચાખવા માટે ગુજરાત ભવન પહોંચી જાઓ. અહીંના મેનૂમાં ઘણી વેરાયટી છે અને ભાવ પણ વ્યાજબી છે. અહીંની ગુજરાતી થાળીથી તમારુ પેટ તો ભરાઇ જશે પરંતુ મન નહીં. તમને વધારે અને વારંવાર ખાવાનું મન થશે. અહીં સ્પેશ્યલ થાળી, રેગ્યુલર થાળી અને જો ઓછી ભૂખ લાગી હોય તો એક મિની થાળી પણ છે. સ્પેશ્યલ થાળીમાં ગુજરાતી દાળ, ભાત, ભાખરવડી, થેપલા કે પૂરી, કેટલાક શાક, ફરસાણ, અથાણું મળે છે. ભોજનના અંતે એક ગ્લાસ છાશ જે તમને તૃપ્ત કરી દેશે. અહીંનું વાતાવરણ સારુ છે અને ખાવાનું સ્વાદિષ્ટ.

ક્યાં છે: 11, કૉટિલ્ય માર્ગ, ચાણક્યપુરી, નવી દિલ્હી, દિલ્હી- 110021

3. વિવા ઓ વિવા ગોવા, ગોવા નિવાસ

જો તમે લાંબા સમયથી ગોવા જવા માટે તરસી રહ્યા છો તો અમે આપને અહીંના સમુદ્ર કિનારા પર તો નહીં લઇ જઇ શકીએ પરંતુ અમે આપને દિલ્હીમાં ગોવાનો સ્વાદ જરુર ચખાડી શકીશું. ગોવા નિવાસની કેન્ટીનને 'વિવા ઓ વિવા' કહેવાય છે. આ જગ્યા રંગીન ચમકતી દિવાલોથી સજેલી છે અને તેની બનાવટ એક ડાઇનિંગ હૉલ જેવી છે. મેનુમાં બીજા વ્યંજનોની સાથે શેફ-સ્પેશ્યલને એક વ્હાઇટ બોર્ડ પર લખવામાં આવે છે. શાકાહારીઓ માટે અહીં અનેક વિકલ્પ મોજુદ છે પરંતુ જો તમે પોર્ક કે સી ફૂડના દિવાના છો તો તમારા માટે અહીં ચાંદી જ ચાંદી છે. બટર ગાર્લિક પ્રૉન અને પ્રૉન પેરી પેરી ઘણાં જ સ્વાદિષ્ટ છે. અહીંની ચોકલેટ પુડિંગ ખાધા વગર ન નીકળતા.. ભલે તમારુ પેટ ફુલ જ કેમ ન થઇ જાય.

ક્યાં છે: હોટલ ગોવા નિવાસ, તિકેન્દ્રજીત માર્ગ, નવી દિલ્હી, દિલ્હી- 110021

4. મહારાષ્ટ્ર સદન કેન્ટીન

જો તમે એક ફૂડી છો, તો તમારે મહારાષ્ટ્ર સદન જવું જ જોઇએ. આ દિલ્હીમાં છુપાયેલા ખજાના પૈકીનો એક છે જેને તેની ઓળખ હજુ સુધી નથી મળી. જો તમે વડા પાઉં માટે તરસી રહ્યા છો તો આ જગ્યા તમારા માટે જ છે. ચટણીની સાથે પીરસવામાં આવતા મિસલ પાઉં, સાબુદાણા વડા, બટાટા વડા, વડા પાઉં ઘણાં જ સ્વાદિષ્ટ હોય છે. તમે ઓથેન્ટિક મટન કોલ્હાપુરી, મટન માલવાણી, માછલી કોલીવાડા અને દાળ કોલ્હાપુરીનો ટેસ્ટ કરી શકો છો અને પોતાના ખાવાના સ્વાદને બેગણા કરવા માટે સાથે શ્રીખંડ મંગાવવાનું ન ભૂલતા.

ક્યાં છે: કૉપરનિક્સ માર્ગ, નવી દિલ્હી, દિલ્હી- 110001

5. કર્ણાટક ફૂડ સેન્ટર

Photo of Karnataka Food Centre, Sector 12, Rama Krishna Puram, New Delhi, Delhi, India by Paurav Joshi

પારંપારિક વ્યંજનોનો સ્વાદ ચાખવા માટે કર્ણાટક ભવન દિલ્હીની સૌથી સારી જગ્યાઓમાંની એક છે. તેમની પાસે થાળીના ત્રણ વિકલ્પ છે. ટિફિન થાળી, દક્ષિણ ભારતીય ફિકસ્ડ થાળી અને મહારાજા થાળી (જો વધુ ભૂખ લાગી હોય તો). પોંગલ, પુલિયાગારે, ટામેટા ભાત, નારિયેળ ભાત, લીંબુ ભાત, બિસીબેલ નાથ સપ્તાહના કેટલાક ખાસ દિવસોમાં જ બનાવવામાં આવે છે, એટલા માટે તે અનુસાર યોજના બનાવો. સીટ મેળવવા માટે બપોરે ભોજન પહેલા પહોંચો નહીં તો લાઇનમાં લાંબી રાહ જોવી પડશે.

ક્યાં છે: સેક્ટર 12, આર.કે.પુરમ, નવી દિલ્હી, દિલ્હી- 110022

6. નાગાલેન્ડ હાઉસ

નાગાલેન્ડ હાઉસ એક સાધારણ કેન્ટીન છે જેમાં ભોજનના ઘણાં વિકલ્પ છે. જો તમને પોર્ક પસંદ છે તો તમને બામ્બૂ શૂટની સાથે પોર્ક અને નાગા સ્ટાઇલ પોર્ક ઘણું જ પસંદ આવશે. અહીં પોર્ક થાળી અને ચિકન થાળી પણ મળે છે. આ કેન્ટીનની ફિશ ચટણી પણ ઘણી જાણીતી છે. પરંતુ, હાં શાકાહારી લોકો માટે વધારે ઑપ્શન નથી.

ક્યાં છે: 9, તુગલખ પોલિસ સ્ટેસનની સામે, ડો. એ.પી.જે. કલામ રોડ, નવી દિલ્હી, દિલ્હી- 110011

7. આસામ ભવન

પહેલા અહીં કેન્ટિન માટે કોઇ રેસ્ટોરન્ટ ન હતું પરંતુ હવે અહીં બાનકોહી રેસ્ટોરન્ટ છે જે પહેલાથી વધુ રંગીન અને ચમકદાર છે. અંદર બેસવાની સાથે જ ખુલ્લી હવામાં આંગણામાં બેસવાની પણ વ્યવસ્થા છે જ્યાં તમે મોસમ માધુર્ય માણી શકો છો. બાનકાહી આસામની પારંપારિક વણાટ અને વણકરોને દર્શાવતી સુંદર પેન્ટિગ્ઝથી સજાયેલી દિવાલોની સાથે તમારુ સ્વાગત કરે છે. અહીંની થાળી આસામના વ્યંજનોનો એક સુંદર સુમેળ છે ખાસકરીને તેમના માટે જે આ ક્વીઝાઇન માટે વધુ નથી જાણતા. થાળીની વચ્ચો વચ ભાત રાખવામાં આવે છે જ્યારે દાળ, બટાકા પિથિકા, શાક અને શેકેલા રિંગણા બધી થાળીઓમાં મળે છે. ફિશ ટેંગા અને પોર્ક કરી જરુર ટ્રાય કરો. રેસ્ટોરન્ટ આસામ ભવનના બેઝમેન્ટમાં છે. અહીં જવાનો સૌથી સારો સમય રોંગાલી બિહુ (સામાન્ય રીતે એપ્રિલમાં) હોય છે જ્યારે રેસ્ટોરન્ટ એક વિશેષ બિહૂ બફેટની મેજબાની કરે છે.

ક્યાં છે: 1, સરદાર પટેલ માર્ગ, કિર્તિ નગર, X બ્લૉક, ડિપ્લોમેટિક એનક્લેવ, ચાણક્યપુરી, નવી દિલ્હી, દિલ્હી- 110021

8. તામિલનાડુ હાઉસ

આ રાજ્ય કેન્ટિન કેવળ ઇડલી, ઢોસા અને ઉપમા સુધી સીમિત નથી. કંઇક નવુ ખાવાની કોશિશ કરો અને અહીંના મસાલેદાર ચેટ્ટીનાડ વ્યંજનો ચાખો. માલાબાર પરાઠાની સાથે ચિકન ચેટ્ટીનાડ જરુર ટ્રાય કરો. અહીં અનેક પ્રકારના પરાઠા છે જેવા કે વેજ કોથૂ પરોઠા, અંડા કોથૂ પરોઠા, ચિકન કોથૂ પરોઠા વગેરે. જમી લીધા પછી ફિલ્ટર કૉફીનો ઘુંટ પીને જ અહીંથી ઉભા થજો.

ક્યાં છે: ચાણક્યપૂરી સિનેમા લેન, ચાણક્યપુરી, નવી દિલ્હી, દિલ્હી- 110021

9. બંગ ભવન

ભોજનના સ્વાદ અને ગુણવત્તાના કેસમાં આ જગ્યા કોઇ સમજૂતી નહીં કરે. બંગાળી લોકો ખાવાના શોખીન હોય છે, આ વાત તો દુર્ગા પૂજાના પંડાલોમાં મળી રહેલા વ્યંજનોની ગણતરી કરીને જ ખબર પડી જાય છે. આ સ્વાદ ચાખવા માટે બંગા ભવન જાઓ જે સાપ્તાહંત પર ભરેલો રહે છે. લોકો અહીં જાણીતુ બંગાળી વ્યંજન-લુચ્ચી-મંગશો, દાબ ચિંગરી અને મિશ્ટી દહીં ખાવા પહોંચી જાય છે. શરુઆત માટે તમે ચિકન કબીરાજી, ફિશ રોલ અને મટન કટલેટ લઇ શકો છો. મેઇન કોર્સ માટે વિશેષ બંગાળી થાળી ખાઓ જેમાં પારંપારિક બંગાળી ભોજનની દરેક ડિશ તમને મળશે.

ક્યાં છે: 3, હમદર્દ નગર, વકીલ લેન, મંડી હાઉસ, નવી દિલ્હી, દિલ્હી- 110001

10. જમ્મૂ અને કાશ્મીર હાઉસ

આ કાશ્મીરી ભોજન કરવા માટે દિલ્હીની સૌથી સારી જગ્યાઓમાંની એક છે. અહીં મેનૂ દરરોજ બદલાતુ રહે છે. શાકાહારી લોકો નાદૂ કબાબની સાથે શરુ કરી શકે છે ત્યાર બાદ કાશ્મીરી રાજમા, હાક સાગ અને લાલ પનીર ખાઓ. અહીંની નદ્રુ યખની તો કમાલની છે. મીટ પસંદ કરનારાઓ માટે તો મટન કબાબ, મટન યખની, રોગન જોશ અને મટન રિસ્તા ખાઓ અને સ્વાદમાં ખોવાઇ જાઓ. પારંપારિક કાશ્મીરી કાહ્વાની સાથે પોતાનું ભોજન સમાપ્ત કરો. યોગ્ય કિંમત, સારુ ભોજન અને ઘર જેવો માહોલ તમને અહીં વારંવાર આવવા મજબૂર કરી દેશે.

ક્યાં છે: 9, કૌટિલ્ય માર્ગ, ચાણક્યપુરી, નવી દિલ્હી, દિલ્હી- 110021

11. ધ પૉટબેલી, બિહાર નિવાસ

બિહાર નિવાસની કેન્ટીનનું નામ જ ધ પૉટ બેલી છે. આ કેન્ટિન એટલી જાણીતી છે કે ઓપન અને અંદરવાળી સીટિંગ છતાં અહીં ભારે ભીડ રહે છે. ખાસ કરીને વીકેન્ડ્સ પર. લિટ્ટી ચોખા, દાળ બાટી ચૂરમા તો અહીં સારા મળે છે. પરંતુ જો તમે માંસાહારી છો તમારી પાસે મીટ પકોડા અને મટન શામી કબાબ જેવા સ્વાદિષ્ટ સ્ટાર્ટર્સ છે. અહીં આવો તો ખડા મસાલા મટન અને મટન ચાપ જરુર ખાઓ. શાકાહારીઓ માટે પણ અહીં ઘણાં ઓપ્શન્સ છે.

ક્યાં છે: 116 સી, યૂકો બેન્કની પાછળ, શાહપુર જાટ, સિરી ફોર્ટ, નવી દિલ્હી, દિલ્હી- 110049

તો ચાલો પોતાના પેટનો અવાજ સાંભળો અને નીકળી પડો ભારતના અવનવા સ્વાદને ચાખવા.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads