તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાં સ્નોર્કલિંગની મજા માણી હતી. તેમણે પોતાના પ્રવાસની તસવીરો પણ શેર કરી હતી. વડાપ્રધાનની આ મુલાકાતથી લક્ષદ્વીપ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આમ તો વર્ષોથી દેશ અને દુનિયાના લોકો આ ટૂરિસ્ટ પ્લેસ પર પોતાનું વેકશન એન્જોય કરવા જાય છે પરંતુ પીએમ મોદીની મુલાકાતથી ઇન્ટરનેશનલ લેવલે પણ તેની વ્યાપક નોંધ લેવાઇ છે. પીએમ મોદીએ સાહસ પ્રેમી લોકોને આ જગ્યાને તેમની બકેટ લિસ્ટમાં ઉમેરવા માટે પણ કહ્યું છે. ટ્વિટર (હવે X) પરની તસવીરોમાં પીએમ મોદી બીચ પર ફરતા જોવા મળે છે. તેમણે X પર લખ્યું છે કે બીચ પર વહેલી સવારે ચાલવું એ આનંદની ક્ષણો હતી. પીએમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા છે. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી.
લક્ષદ્વીપ ભારતનું ખૂબ જ સુંદર અને આકર્ષક પ્રવાસન સ્થળ છે. અરબી સમુદ્રમાં સ્થિત લક્ષદ્વીપને ભારતનો સૌથી સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ પણ માનવામાં આવે છે. લક્ષદ્વીપની સુંદરતા એટલી પ્રચલિત છે કે દરેક સિઝનમાં દેશી અને વિદેશી પર્યટકો અહીં આવતા રહે છે. સુંદર અને મનમોહક ટાપુઓથી ભરપૂર લક્ષદ્વીપની મુલાકાત લેવાનું દરેક વ્યક્તિ વિચારે છે. જો તમે પણ આવનારા દિવસોમાં લક્ષદ્વીપની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો અને પ્રવાસને યાદગાર બનાવવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે ગુજરાતમાં અમદાવાદથી તમે કેવી રીતે લક્ષદ્વીપનો પ્લાન બનાવી શકો છો. અને આ પ્રવાસમાં કેટલો ખર્ચ થાય તેવી પણ ચર્ચા કરીશું.
કેવી રીતે જશો લક્ષદ્વીપ
લક્ષદ્વીપ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ ટાપુ સમૂહ અરબી સમુદ્રમાં સ્થિત છે. લક્ષદ્વીપ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે એક લાખ ટાપુઓ. આ ટાપુ સમૂહમાં હાલમાં 36 ટાપુઓ છે. જો કે, આમાંથી માત્ર 10 ટાપુઓ પર જ વસવાટ છે. અહીં પહોંચવાનો સૌથી સરળ રસ્તો હવાઈ માર્ગ છે.
લક્ષદ્વીપનું એરપોર્ટ અગાતી દ્વીપ પર આવેલું છે અને કોચી (કેરળ) થી અનેક સ્થાનિક એરલાઈન્સ સેવા આપે છે. મિનિકોય આઇલેન્ડ, કલ્પેની આઇલેન્ડ, કવારાતી ટાપુ, કદમત આઇલેન્ડ, બંગારામ આઇલેન્ડ અને થિન્નાકારા આઇલેન્ડ અહીંના કેટલાક પ્રખ્યાત પર્યટન સ્થળો છે.
અમદાવાદ કે ગુજરાતના કોઇપણ સ્થળેથી જો તમારે લક્ષદ્વીપ જવું હોય તો સૌ પ્રથમ તમારે કેરળના કોચી પહોંચવું પડશે. ત્યાંથી ક્રૂઝ કે ફ્લાઇટ દ્વારા લક્ષદ્વીપના અગાતી આઇલેન્ડ પહોંચવાનું રહેશે. કવારાતી અહીંનું પાટનગર છે.
પરમિટ મેળવવાની રહેશે
લક્ષદ્વીપ જવા માટે તમારે પરમિટ પણ લેવી પડશે. આ માટે તમારે લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન પાસેથી પરમિટ લેવી પડશે જે કોચીમાં સ્થિત છે. પરમિટનો ખર્ચ 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. જો તમે ટૂર પેકેજમાં જશો તો ટૂર ઓપરેટર પરમિટ સહિતની બધી વ્યવસ્થા કરશે. તમારે પરમિટ લેવા નહીં જવું પડે.
લક્ષદ્વીપ ફરવાનો કેટલો ખર્ચ થાય
લક્ષદ્વીપ જવું બિલકુલ સસ્તું નથી. જો તમારુ ખિસ્સું ભરેલું હોય તો લક્ષદ્વીપ જવાનું વિચારજો. સૌપ્રથમ તો તમારે અમદાવાદથી કેરળના કોચી જવા માટે ફ્લાઇટ બુક કરવી પડશે. અથવા ટ્રેનમાં પણ જઇ શકો છો. કોચીથી લક્ષદ્વીપના અગાતી આઇલેન્ડ જવા માટે 500થી લઇને 8000 રૂપિયાની ક્રૂઝની ટિકિટ છે. વિમાનમાં જાઓ તો કોચીથી અગાતી સુધીની ટિકિટ 6000 રૂપિયાની આસપાસ થશે. તમે ગોવા કે મુંબઇથી ક્રૂઝ દ્વારા પણ લક્ષદ્વીપ જઇ શકો છો.
કોચીથી લક્ષદ્વીપ સુધી ક્રૂઝ દ્વારા જશો તો 15 થી 18 કલાકનો સમય લાગશે. જ્યારે વિમાનમાં એકથી દોઢ કલાકમાં લક્ષદ્વીપ પહોંચી જશો. જો તમે ફ્લાઇટથી આવો છો તો તમારે ફરજીયાત અગાતી આઇલેન્ડ પર જ આવવું પડશે કારણ કે એરપોર્ટ ફક્ત અહીં જ છે. પરંતુ જો તમે ક્રૂઝથી આવો છો તો તમે કોઇપણ આઇલેન્ડ પર સીધા જઇ શકો છો. અલગ અલગ ટૂર ઓપરેટરો તમને જુદાજુદા આઇલેન્ડ પર લઇ જશે.
gujarat, Ahmedabad to lakshadweep, cost, trip, expenses, budget trip
અગાતી આઇલેન્ડ પર ઉતર્યા બાદ તમારે પોલિસ સ્ટેશનમાં તમારી એન્ટ્રી કરાવવી પડશે. આ જ રીતે અલગ અલગ આઇલેન્ડ પર તમારે તમારી એન્ટ્રી કરાવવી પડશે. સામાન્ય રીતે લોકો 4 રાત અને 5 દિવસનું પેકેજ લઇને અહીં આવતા હોય છે તમે તમારી રીતે વધારે દિવસો સુધી પણ અહીં રોકાઇ શકો છો. કારણ કે બે દિવસ તો તમારા ક્રૂઝમાં આવવા જવાના જ થઇ જશે. અહીં વોટર એક્ટિવિટિઝ કરવી હશે તો પણ સારાએવા પૈસા ખર્ચવા પડશે. સ્કૂબા ડાઇવિંગ લગભગ 3000 રૂપિયામાં થાય છે. આ ઉપરાંત એક આઇલેન્ડથી બીજા આઇલેન્ડ પર ક્રૂઝ કે બોટમાં જવાનો પ્રતિ વ્યક્તિ ખર્ચ 2500થી 3500 રૂપિયા જેટલો થાય છે.
પ્રાઇવેટ બુકિંગ કે ટૂર પેકેજ
જો તમે કપલ છો એટલે કે બે વ્યક્તિ છો અને લક્ષદ્વીપ ફરવા આવો છો તો કોચીથી લક્ષદ્વીપ ખાવા-પીવા, હરવા ફરવા અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પ્રતિ વ્યક્તિ ખર્ચ 35,000થી 40,000 રૂપિયા જેટલો થશે. જેમાં તમે 3 દિવસ સ્ટે કરી શકો છો. અહીં હોટલો મોંઘી છે મોટાભાગે રિસોર્ટ છે જેનો એર રાત રહેવાનો ખર્ચ 5000થી 15000 રૂપિયા સુધીનો છે. ઉપરના ખર્ચમાં વોટર એક્ટિવિટઝીનો ખર્ચ સામેલ નથી તેમજ અમદાવાદથી કોચી સુધીનો ફ્લાઇટનો ખર્ચ પણ અલગથી થશે. વોટર એક્ટિવિઝીના પ્રતિ વ્યક્તિ 10,000 રૂપિયાનો ખર્ચ થશે.
હવે પેકેજની વાત કરી લઇએ
જો પ્રાઇવેટ ટૂર પેકેજની વાત કરીએ તો લક્ષદ્વીપનું પેકેજ તમને 40 થી 50 હજાર રૂપિયામાં પડશે. જે પ્રતિ વ્યક્તિ છે. તમે સરકાર દ્વારા ચાલતું સમુદ્રમ ટૂર પેકેજ પણ લઇ શકો છો. આ પેકેજમાં કેરળના કોચીથી લક્ષદ્વીપ સુધીનો હોય છે જેમાં તમારે ક્રૂઝમાં જ રહેવું પડશે. આ પેકેજ બે પ્રકારના છે. એક છે ડાયમંડ ક્લાસ અને બીજું છે ગોલ્ડ ક્લાસ.
ડાયમંડ ક્લાસમાં ટ્રાન્સપોર્ટેશન અને એકોમોડેશન સાથે પ્રતિ વ્યક્તિ ખર્ચ 37,500 રૂપિયા તેમજ 5 ટકા જીએસટી અલગથી લાગશે. બાળક હશે તો 33,000 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ થશે. ગોલ્ડ ક્લાસમાં પ્રતિ વ્યક્તિ ચાર્જ 28,500 રૂપિયા છે. બાળક હોય તો તેનો ચાર્જ 25,500 રૂપિયા છે. બન્ને પેકેજમાં 5 ટકા જીએટી અલગથી લાગશે. આ પેકેજમા હરવા-ફરવા, રહેવા-જમવાનો ચાર્જ સામલે છે. વોટર એક્ટિવિટીઝનો ચાર્જ અલગથી રહેશે.
અગાત્તી આઇલેન્ડ
લક્ષદ્વીપમાં જોવાલાયક સ્થળોમાં સામેલ અગત્તી આઇલેન્ડ ખૂબ જ રોમાંચક સ્થળ છે. આ ટાપુ પરવાળાના ખડકોની આહલાદક સુંદરતા માટે જાણીતું છે. લક્ષદ્વીપના ટાપુઓના સમૂહમાં નાનો હોવા છતાં, આ ટાપુ હજી પણ તેના સ્વચ્છ પાણી, સફેદ રેતી, દરિયાકિનારા અને કપલ્સ માટે ખૂબ જ આકર્ષક સ્થળ ગણાય છે. તમને જણાવી દઈએ કે, લક્ષદ્વીપ 8 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં 8000 થી વધુ લોકો રહે છે. અગાત્તી આઇલેન્ડ તેની સ્નોર્કલિંગ પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે.
મિનિકોય આઇલેન્ડ
લક્ષદ્વીપના મુખ્ય આકર્ષણોમાંનું એક મિનિકોય આઇલેન્ડ એક સુંદર પર્યટન સ્થળ છે જે લક્ષદ્વીપના 36 નાના ટાપુઓમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે મિનિકોય આઈલેન્ડને સ્થાનિક ભાષામાં મલિકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિનિકોય આઇલેન્ડ કોચીન કિનારેથી લગભગ 400 કિલોમીટર દૂર છે. આ ટાપુ પર તમે પરવાળાના ખડકો, આકર્ષક સફેદ રેતી અને અરબી સમુદ્રના સુંદર પાણી જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, મિનિકોય આઈલેન્ડ લક્ષદ્વીપનો બીજો સૌથી મોટો આઈલેન્ડ પણ છે. અહીં તમે લક્ઝરી રિસોર્ટ પણ જોઈ શકો છો.
બંગારામ ટાપુ
બંગારામ ટાપુઓ હિંદ મહાસાગરના સ્વચ્છ વાદળી પાણીમાં આવેલું એક અદ્ભુત સ્થળ છે. આ ટાપુ તેના પ્રાચીન કોરલ રીફ અને દરિયાકિનારા માટે જાણીતો છે. બંગારામ આઇલેન્ડ પર તમે સુંદર માછલીઓ સાથે સ્વિમિંગ કરવા, ડોલ્ફિન જોવા, વોટર સ્પોર્ટ્સ, સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ માણી શકો છો. તમે અહીં સ્વચ્છ પાણીમાં સ્કુબા ડાઈવિંગનો આનંદ પણ લઈ શકો છો.
કાવારત્તી ટાપુ
લક્ષદ્વીપના સુંદર ટાપુઓમાં સમાવિષ્ટ કાવરત્તી દ્વીપ અહીંનું રત્ન છે. તમને જણાવી દઈએ કે, કાવારત્તી ટાપુઓ લક્ષદ્વીપની રાજધાની છે. આ ટાપુ તેના આકર્ષક દરિયાઈ ટાપુઓ, સફેદ રેતી અને સુંદર નજારો માટે જાણીતો છે. કાવારત્તી કોચી કિનારેથી લગભગ 360 કિલોમીટર દૂર છે.
કદમત આઇલેન્ડ
કદમત ટાપુ લક્ષદ્વીપનું અન્ય એક મુખ્ય પર્યટન સ્થળ છે, જેને જોવા માટે મોટાભાગે કપલ્સ આવે છે. કદમત આઇલેન્ડ લગભગ 9 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ સ્થળ આકર્ષક સફેદ, સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. આ ટાપુની મુલાકાત લેવા માટે હજારો પ્રવાસીઓ આવે છે. અહીં તમે પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઈવિંગ, કાયાકિંગ અને સ્નોર્કલિંગ વગેરે જેવી ઘણી પ્રખ્યાત પ્રવૃત્તિઓ પણ કરી શકો છો.
લક્ષદ્વીપ જવાનો શ્રેષ્ઠ સમય
લક્ષદ્વીપ જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી મે વચ્ચેનો છે. તમને જણાવી દઈએ કે અહીં મે થી સપ્ટેમ્બર સુધી વરસાદ પડે છે. જો કે અહીં રિસોર્ટ હંમેશા ખુલ્લા હોય છે, પરંતુ આ સમયે જહાજ દ્વારા લક્ષદ્વીપ જવાનું થોડું મુશ્કેલ બની શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો