માર્ગ પરિવહન ક્ષેત્રમાં ભારત સરકાર અત્યાર સુધીની સૌથી મોટી યોજના લાવવા જઇ રહી છે. આ યોજના હેઠળ દેશમાં એક્સપ્રેસ વેની જાળ બિછાવવામાં આવશે. સરકારની દેશમાં 3000 કિલોમીટર એક્સપ્રેસ વે બનાવવાની યોજના છે. મોદી સરકારનાં ખુબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ભારતમાલાના બીજા તબક્કામાં સરકાર નવા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. સુત્રો અનુસાર માર્ગ અને પરિવહન મંત્રાલયની ભારતમાલા પ્રોજેક્ટનાં આગામી તબક્કામાં સરકારે એક્સપ્રેસ વે પર સૌથી વધારે ફોકસ રાખ્યું છે.
કેન્દ્ર સરકારની 3000 કિલોમીટરથી વધારેનાં એક્સપ્રેસ વે નેટવર્ક દેશોમાં બનાવવાની યોજના છે. સૌથી મહત્વનું છે કે મોટા ભાગનાં એક્સપ્રેસવે ગ્રીનફિલ્ડ હશે એટલે કે બિલ્કુલ નવા બનાવાશે. તેનો અર્થ એવો છે કે આ એક્સપ્રેસ વે હશે જેનું નિર્માણ કોઇ હાલનાં રસ્તાને પહોળો કર્યા વગર અથવા ડિઝાઇનમાં પરિવર્તન કર્યા વગર કરવામાં આવશે.
એવું જણાવાઇ રહ્યું છે કે, એક્સપ્રેસ વે પર સરકાર 2 કારણોથી ફોકસ કરી રહ્યું છે. પહેલો એક્સપ્રેસ વે દ્વારા ટ્રાફીક મુવમેન્ટ ખુબ જ સરળ બનશે અને ઝડપી પણ બનશે. બીજુ કે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે દ્વારા જમીન અધિગ્રહણનો બોઝ (Cost of Land Acquisition) પણ ખુબ જ ઘટી જશે.
દેશમાં બની રહેલા કેટલાક એક્સપ્રેસ વે પર નજર કરીએ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે (Delhi-Mumbai Expressway)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 246 કિલોમીટરનો દિલ્હી-દૌસા-લાલસોટ રોડ જનતા માટે ખુલ્લો થઇ ગયો છે, જે દિલ્હીથી જયપુર સુધીનો પ્રવાસનો સમય ઘટાડશે. પાંચ કલાક લાગતા હવે લગભગ ત્રણ કલાક લાગશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના તૈયાર થશે ત્યારે હાલનો મુસાફરીનો સમય 24 કલાકના બદલે માત્ર 12 કલાક થશે. એક્સપ્રેસ-વેનું નિર્માણ 98,000 કરોડ રૂપિયાના પ્રારંભિક બજેટ સાથે કરવામાં આવી રહ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના દાવા મુજબ, તે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 180 કિમી (1424 કિમીથી 1242 કિમી) ઘટાડશે.
એક્સપ્રેસ-વે પર ટ્રાફિક વધે તો તેના આધારે ભવિષ્યમાં તેને 12-લેન એક્સપ્રેસ-વે બનાવવાની યોજનાઓ છે. એક્સપ્રેસ-વેમાં 2000 થી વધુ વોટર રિચાર્જ પોઈન્ટ્સ સાથે 500 મીટરના અંતરાળમાં વરસાદી પાણીના સંગ્રહની જોગવાઈઓ પણ હશે.પ્રોજેક્ટની એક નિર્ણાયક વિશેષતા વન્યજીવ સંરક્ષણ માટેની જોગવાઈઓ છે. એક્સપ્રેસ-વે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો એવો છે કે જ્યાં વન્યજીવોની અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે પ્રાણીઓના ઓવરપાસ અને અંડરપાસ છે.એક્સપ્રેસ-વે પ્રોજેક્ટના ભાગ રૂપે ગુજરાતમાં 60 મોટા બ્રિજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ રોડ ઓવર બ્રિજ (ROBs) બનાવવામાં આવશે.
મહત્વનું છે કે, આ એક્સપ્રેસ વે છ રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. એક્સપ્રેસ વે 500 મીટરના અંતરે 2,000 વોટર રિચાર્જ પોઈન્ટ પર વરસાદી પાણી સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડે છે. ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ છે.
નાગપુર-મુંબઈ સમૃદ્ધિ સુપર એક્સપ્રેસ
701 કિમી લાંબા એક્સપ્રેસનું આશરે રૂપિયા 55,000 કરોડના ખર્ચથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે છે, જે મહારાષ્ટ્રના 10 જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. કોરિડોર એલિવેશનની સ્થિતિમાં છે અને તે પરંપરાગત ધોરીમાર્ગથી તદ્દન અલગ છે. આ એક્સપ્રેસ વે પર કોઈ જ જગ્યાએ U-ટર્ન નથી. હાઈવેમાં જ્યાં એન્ટ્રી અથવા એક્ઝિટ હોય ત્યાં 30 કિમીથી 40 કિમી બાદ ઈન્ટર-ચાર્જીસની સુવિધા ઉપલબ્ધ છે.
આ એશિયાનો સૌ પ્રથમ એક્સપ્રેસ વે છે કે જેમા વન્યજીવો માટે ગ્રીન ઓવરપાસની સુવિધા આપવામાં આવી છે. એટલે કે વન્ય પ્રાણીઓએ જંગલમાં આ હાઈવેને પાર કરવાની જરૂર નહીં પડે. તેમા માટે માર્ગની નીચેથી વિશેષ માર્ગ બનાવવામાં આવ્યો છે. સમૃદ્ધિ હાઇવે પર દરેક 40-50 કિલોમીટરના અંતરે વિશ્રામ વિસ્તાર, ફૂડ પ્લાઝા અને ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. હરિયાળી માટે એક્સપ્રેસ વેને સુંદર બનાવવા અને તેના પર 1268 વૃક્ષો વાવવાની પણ યોજના છે. સુરક્ષાને લઈને આ એક્સપ્રેસ વે પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) સ્થાપિત કરવામાં આવી છે. જે વાહનોની ગતિ, લેન શિસ્ત જેવી બાબતો પર નજર રાખે છે.
તેને આગામી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પણ જોડવામાં આવશે, જે આવતા વર્ષે પૂર્ણ થવાની ધારણા છે. આ પછી તે આઠ લેન સાથેનો ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બની જશે. મુંબઈ અને નાગપુર વચ્ચેનો પ્રવાસ સમય હાલના 18 કલાકથી ઘટાડીને લગભગ છથી સાત કલાક કરશે. તેની સ્પીડ લિમિટ 150 કિમી પ્રતિ કલાક હશે. જે મુંબઈથી ઔરંગાબાદની મુસાફરીનો સમય ઘટાડીને માત્ર ચાર કલાક કરી દેશે.
બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવે
તે દક્ષિણ ભારતનો એક મુખ્ય એક્સપ્રેસવે છે, અને આ ફોર-લેન એક્સપ્રેસવે બેંગલુરુને દક્ષિણ ભારતના બે સેન્ટ્રલ રાજ્યોના બે પાટનગર ચેન્નાઈ સાથે જોડશે. આ રૂટ 260 કિમીનો હશે અને કર્ણાટકમાં હોસ્કોટ અને બાંગરપેટ, આંધ્ર પ્રદેશમાં પાલમણેર અને ચિત્તૂર અને તમિલનાડુમાં શ્રીપેરુમ્બુદુર સુધી ચાલશે.
દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે
દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે 650 કિમી સુધી લાંબો છે અને તે દિલ્હીની બહાદુરગઢ બોર્ડરથી થઈને જમ્મુના કટરા સુધી જશે. એકવાર આ એક્સપ્રેસ વે કાર્યરત થઈ જાય પછી, અમૃતસર, નોકાદર અને ગુરદાસપુર જેવા મુખ્ય શહેરોને આવરી લેવામાં આવશે. વધુમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફોર-લેન એક્સપ્રેસ વે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે, કારણ કે તે વૈષ્ણો દેવી મંદિર અને સુવર્ણ મંદિર સહિતના તીર્થ સ્થળોને જોડશે.
રાયપુર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ વે
રાયપુર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસવે એ રાયપુર-વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે અને આ છ લેનનો એક્સપ્રેસવે 464 કિમીનું અંતર આવરી લેશે. તે મધ્ય અને પૂર્વ-મધ્ય ભારતના ઓરિસ્સા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ રાજ્યોમાંથી પસાર થશે. જો બધું બરાબર રહ્યું તો આ માર્ગ 2025 સુધીમાં કાર્યરત થઈ જશે.
ગંગા એક્સપ્રેસ વે
આ 6 લેનનો એક્સપ્રેસવે હશે, જે 94 કિલોમીટર લાંબા કોરિડોરને આવરી લે છે જે બુલંદશહર, હાપુડ, સંભાલ, અમરોહા, બદાઉન, શાહજહાંપુર, ઉન્નાવ, હરદોઈ, રાયબરેલી અને પ્રતાપગઢ સહિત 12 શહેરોમાંથી પસાર થશે. એક રસપ્રદ મુદ્દો એ છે કે આ એક્સપ્રેસ વે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, પ્રયાગરાજ-વારાણસી એક્સપ્રેસવે અને મેરઠ-હરિદ્વાર હાઈવે સાથે કનેક્ટિવિટી ધરાવશે. જો બધું જ યોજના પ્રમાણે ચાલ્યું તો આ એક્સપ્રેસ વે 2025ના મહાકુંભ પહેલા પૂર્ણ થઈ જશે અને તેને આગરા એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે સાથે પણ જોડી દેવામાં આવશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો