ભારતમાં સૌથી વધુ સંખ્યામાં પાડોશી રાજ્યો ધરાવતું રાજ્ય કયું છે? તેના જવાબમાં સૌના મગજમાં કદાચ મધ્ય પ્રદેશ જ આવે. કારણકે તે સૌથી સેન્ટરમાં આવેલું છે.
પણ શું તમે જાણો છો કે સૌથી વધુ 25 કરોડ જેટલી વસ્તી તેમજ 9 રાજ્યો અને 1 દેશનો પાડોશ ધરાવતું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે!
ચાલો, આ રાજ્ય વિષે આજે કેટલીક અવનવી વાતો જાણીએ:
- પૌરાણિક મહત્વ
જે રાજ્યમાં પ્રભુ શ્રી રામનું જન્મસ્થળ અયોધ્યા તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મથુરા આવેલા હોય તે રાજ્યને આમ તો અન્ય કોઈ વિશેષતાની જરુર જ નથી. આ વાત જ પૌરાણિક દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશને દેશનું એક સૌથી મહત્વનું રાજ્ય બનાવે છે.
કાશી વિશ્વનાથ મહાદેવને પણ કેમ ભૂલાય! કહેવાય છે કે વારાણસી/ બનારસ કે કાશી એ વિશ્વની સૌથી પ્રાચીન નગરીઓમાંની એક છે. 12 જ્યોતિર્લિંગમાંના એક એવા વિશ્વનાથ મહાદેવના દર્શન અને નજીકમાં જ આવેલા ઘાટ પર પવિત્ર ગંગા નદીની આરતી એ જીવનમાં એક વાર માણવા જેવો અનુભવ છે.
અને પ્રયાગરાજ! પવિત્ર કુંભમેળા માટે સૌથી વિશેષ સ્થળ એટલે ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ- જે પ્રયાગરાજમાં આવેલું છે.
- સૌથી અનોખું:
સ્નેપડીલ.કોમ નગર: ઉત્તર પ્રદેશમાં શિવ નગર નામનું એક ગામ હતું જ્યાં લોકોને પીવાનું પાણી મેળવવા બીજા ગામમાં જવું પડતું. અહીં સ્નેપડીલ કંપની દ્વારા 15 જેટલા હેન્ડ પંપ મુકવામાં આવ્યા હતા અને ત્યારથી આ ગામ સ્નેપડીલ.કોમ તરીકે ઓળખાય છે.
ભારતનું પ્રથમ CCTV નગર: 4000 કરતાં પણ વધુ CCTV કેમેરા સાથે સમગ્ર શહેર CCTVની નિગરાણીમાં હોય તેવું ભારતનું સર્વ પ્રથમ શહેર લખનૌ છે.
ભારતીયોનું સૌથી લોકપ્રિય પ્રવાસન રાજ્ય: એક સર્વે અનુસાર દેશમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયોનું ‘આગમન/arrival’ કોઈ રાજ્યમાં થતું હોય તો તે ઉત્તર પ્રદેશ રાજ્ય છે. કહેવાય છે કે દર વર્ષે 7 કરોડ જેટલા લોકો આ રાજ્યની મુલાકાતે આવે છે.
- સ્યુગર બાઉલ ઓફ ઈન્ડિયા
હા, આ પણ ઉત્તર પ્રદેશનું એક ઉપનામ જ છે! આખા દેશમાં ખાંડનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે એટલે તેને સ્યુગર બાઉલ ઓફ ઈન્ડિયા (ભારતનો ખાંડનો વાટકો) તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત, ભારતમાં અનેક રાજ્યોમાં શેરડીની ખેતી થાય છે. પરિણામે ઘણા સ્થળોએ નાના-મોટા સ્તરે ખાંડ તેમજ ગોળનું ઉત્પાદન થતું હોય છે. પણ દેશની કુલ 39% જેટલી શેરડી અને 70% જેટલી ખાંડનું ઉત્પાદન માત્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે.
- ઔદ્યોગિક મહત્વ
ખાંડ ઉપરાંત તાંબા અને પિત્તળનું સૌથી વધુ ઉત્પાદન તેમજ નિકાસ ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા થાય છે. એમ્બ્રોડરી વર્ક ધરાવતું ‘ચિકન’ કાપડ પણ અહીંની આગવી વિશેષતા છે. ઉત્તર પ્રદેશ રાજ્યનો GDP આશરે 14 લાખ કરોડ જેટલો છે જે બાંગ્લાદેશ, મોનાકો, હંગેરી, આઈસલેન્ડ વગેરે જેવા અનેક રાજ્યો કરતાં વધુ છે.
સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યની વિશેષતા પણ હારબંધ જ હોવાની. તમે પણ UPની આવી જ કોઈ ખાસિયત જાણતા હોવ તો કમેન્ટ્સમાં જણાવો.