ઉજ્જૈનના જ્યોતિર્લિંગનો ઝગમગાટ: સોમનાથ, વિશ્વનાથ બાદ હવે તૈયાર છે મહાકાલ કોરિડોર

Tripoto

પ્રાચીન સમયમાં ભારતમાં વિવિધ રાજાઓએ જે શાનદાર મંદિરોની ભેટ આપી છે એ સમય જાણે પુનરાવર્તિત થઈ રહ્યો છે. સદીઓથી વિવિધ આક્રમણકારો દ્વારા ધ્વંસ કરવામાં આવેલા અનેક મંદિરોને એક નવજીવન મળી રહ્યું છે. નવીનીકરણ જો પ્રારંભિક તબક્કામાં જ હોય તો સૌથી પહેલા દેવોના દેવ મહાદેવને રિઝવવા રહ્યા.

મહાદેવના મુખ્ય 12 મંદિર, એટલે કે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી કેટલાક મંદિરોનું અદભૂત મેકઓવર આપણે સૌ જોઈ ચૂક્યા છીએ: વેરાવળમાં સોમનાથ કોરિડોર, વારાણસીનો વિશ્વનાથ કોરિડોર. વારાણસીમાં ભગવાન વિશ્વનાથનું મંદિર અને તેની આસપાસ ગંદી, સાંકડી ગલીઓ હવે જાણે સકારાત્મક રીતે બદલાઈ ગયા છે. કાશી વિશ્વનાથ કોરિડોરના ફોટોઝ અને વિડિયોઝ જોઈને આપણે સૌ ગદગદ થઈ ગયા હતા.

Photo of ઉજ્જૈનના જ્યોતિર્લિંગનો ઝગમગાટ: સોમનાથ, વિશ્વનાથ બાદ હવે તૈયાર છે મહાકાલ કોરિડોર by Jhelum Kaushal

11 ઓકટોબર 2022 ના રોજ ફરીથી ભાવવિભોર કરી મૂકે તેવા આવા જ એક અન્ય નવીનીકરણનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વળી, આપણા ગુજરાતીઓ માટે આ એક સવિશેષ આનંદના સમાચાર કહી શકાય કારણકે આપણા ગુજરાતની પાડોશમાં જ આવેલા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર ફરતે નિર્માણ પામ્યો છે મહાકાલ કોરિડોર.

ઉજ્જૈન ક્ષિપ્રા નદીને કિનારે આવેલું એક પૌરાણિક શહેર છે જેનું બીજું નામ અવંતિકા પણ છે. આ શહેર રાજા વિક્રમાદિત્ય સાથે ઐતિહાસિક રીતે જોડાયેલું છે.

મહાકાલ કોરિડોર વિશે વિગતે જાણો:

856 કરોડના ખર્ચે તૈયાર થયેલા મહાકાલ કોરિડોરના પ્રથમ સોપાનનું 11 ઓકટોબર 2022ના રોજ સાંજના સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ સામેલ થશે. મહાકાલ આસપાસ આ નવસર્જન જોવા ઉજ્જૈનમાં મધ્ય પ્રદેશ સહિત દેશભરમાંથી શિવ ભક્તો આવી પહોંચ્યા છે. આ બહુમૂલ્ય ક્ષણોનું એમપી રાજ્ય સરકાર દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.

આ કોરિડોરને ‘મહાકાલ લોક’ નામ આપવામાં આવ્યું છે.

900 મીટરની લંબાઈ ધરાવતો આ કોરિડોર ભારતના સૌથી લાંબા કોરિડોર પૈકી એક છે.

મહાકાલેશ્વર મંદિર તેમજ નજીકમાં આવેલા પુરાણા રુદ્રસાગર સરોવર આસપાસના વિસ્તારને આવરી લઈને કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સરોવર લગભગ અવાવરું થઈ ગયું હતું જેને આ પ્રોજેક્ટ માટે પુનર્વિકાસ પરિયોજના અંતર્ગત ફરીથી જીવંત બનાવવામાં આવ્યું છે.

21મી સદીમાં બની રહેલા આ કોરિડોરમાં પ્રાચીન સમયની શૈલીની ઝાંખી દર્શાવવા ઘણો સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં બે ભવ્ય પ્રવેશદ્વાર, રાજસ્થાન બંસી પહાડી ક્ષેત્રોમાં જોવા મળતા વિશિષ્ટ બલુઆ પથ્થર દ્વારા અત્યંત આકર્ષક કોતરણી કરેલા 108 આલીશાન સ્તંભ, ફુવારાઓ, તેમજ શિવ પુરાણની વાર્તાઓ તાદ્રશ્ય કરતાં 50 કરતાં વધુ અદભૂત ભીંત ચિત્રોની શૃંખલા છે.

બે રજવાડી પ્રવેશદ્વારોને નંદી દ્વાર અને પિનાકી દ્વાર જેવા નામ આપવામાં આવ્યા છે જ્યાં ઉભા રહીને પણ કોરિડોરની ઉત્કૃષ્ટ અને આદ્યાત્મિક સુંદરતા નિહાળી શકાય છે.

સમગ્ર પરિસરમાં નિશ્ચિત અંતરે સુશોભન અર્થે ત્રિશુળ મૂકવામાં આવ્યા છે.

એક અત્યંત પવિત્ર શહેર હોવાથી સલામતી માટે આ આખું પરિસર અનેક સીસીટીવી કેમેરા ધરાવે છે.

અહીં રુદ્રાક્ષ, બકુલ, કદમ, બિલ્વપત્ર, સપ્તપર્ણી વગેરે જેવા ધાર્મિક મહત્વ ધરાવતા 40 થી 45 પ્રકારના છોડવાઓ રોપવામાં આવ્યા છે.

મહાકાલ કોરિડોરના બનવાથી શ્રદ્ધાળુઓને પવિત્ર શિવલિંગ સુધી પહોંચવામાં સુલભતા રહેશે અને તેના દર્શન પણ વધુ સારી રીતે થઈ શકશે.

વર્ષ 2017માં શરૂ થયેલા આ ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પ્રાચીન મંદિર વાસ્તુકલાના ઉપયોગથી ઐતિહાસિક નગરી ઉજ્જૈનના પૌરાણિક ગૌરવને નવજીવન આપવાનો છે.

કેવી રીતે જવું?

Photo of ઉજ્જૈનના જ્યોતિર્લિંગનો ઝગમગાટ: સોમનાથ, વિશ્વનાથ બાદ હવે તૈયાર છે મહાકાલ કોરિડોર by Jhelum Kaushal

ઈન્દોર: મધ્ય પ્રદેશનું આ મહત્વનું શહેર ઉજ્જૈનથી માત્ર 55 કિમી દૂર આવેલું છે. હવાઈ માર્ગે ઉજ્જૈન પહોંચવા પણ આ જ હવાઈમથક પર આવવાનું રહે છે.

અમદાવાદ: ગુજરાતથી ઉજ્જૈન જવું ખૂબ સરળ છે. અમદાવાદથી ઉજ્જૈન માત્ર 4 કિમી દૂર આવેલું છે. તે સિવાય ગુજરાતના વિવિધ શહેરોથી ઇન્દોરની અનેક બસ અને ટ્રેન મળી રહે છે જ્યાંથી આસાનીથી ઉજ્જૈન જઈ શકાય છે.

ક્યાં રોકાવું?

ઉજ્જૈનમાં મધ્ય પ્રદેશ ટુરિઝમની બે હોટેલ્સ આવેલી છે જે રોકાણ માટે શ્રેષ્ઠ છે.

MPT Avantika, Ujjain

કિંમત: 2000 થી 2600 રૂ પ્રતિ રાત

ઉજ્જૈન રેલવે સ્ટેશનથી અંતર: 2 km

ઇન્દોરથી અંતર: 56 km

સંપર્ક: (0755) 2511398 , 8349994790 | avantika@mpstdc.com

Photo of ઉજ્જૈનના જ્યોતિર્લિંગનો ઝગમગાટ: સોમનાથ, વિશ્વનાથ બાદ હવે તૈયાર છે મહાકાલ કોરિડોર by Jhelum Kaushal

MPT Shipra Residency, Ujjain

કિંમત: 2490 થી 4590 રૂ પ્રતિ રાત

ઉજ્જૈન રેલવે સ્ટેશનથી અંતર: 0.5 km

ઇન્દોરથી અંતર: 60 km

સંપર્ક: (0755) 2551495-96 / 2552402 | shipra@mpstdc.com

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ