આપણા દેશમાં છેલ્લા અમુક વર્ષોથી દેશની સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતિક હોય તેવી કેટલીય મૂર્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં આદિયોગીની મૂર્તિ, કેરળમાં જટાયું સ્ટેચ્યૂ, હૈદરાબાદમાં ‘સ્ટેચ્યૂ ઓફ ઇકવોલિટી’ અને સદાબહાર સરદારનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું તો ખરું જ!
આ તમામ પૂતળાઓ દેશ માટે સાંસ્કૃતિક રીતે તો મહત્વના છે જ, પણ સાથોસાથ પર્યટનના વિકાસમાં પણ તેણે ઘણો મહત્વનો ફાળો ભજવ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવા આતુર હોય છે.
બસ, આ અનોખી યાદીમાં વધુ એક આકર્ષક મૂર્તિનો સમાવેશ થયો છે અને તે છે ગુજરાતના એક નાનકડા છતાં મહત્વના ઔદ્યોગિક નગર મોરબીમાં તાજેતરમાં જ અનાવૃત કરવામાં આવેલી પવનપુત્ર હનુમાનની 108 ફીટ ઊંચી પ્રતિમા!
16 એપ્રિલ, 2022ના હનુમાન જયંતીના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હનુમાનજીની ભવ્ય મૂર્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમ હતો.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટર પર ટ્વીટ કરીને આ ઉદ્ઘાટન કાર્યક્રમ વિશે જાહેરાત કરી હતી: “આજે, હનુમાન જયંતીનો શુભ અવસર છે. મોરબી ખાતે આજે સવારે 11 વાગે 108 ફીટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મને વિડીયો કોન્ફરન્સના માધ્યમ વડે આ કાર્યક્રમમાં હાજરી આપવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.”
મૂર્તિ બનાવવા પાછળનું તાત્પર્ય:
નંદા ટ્રસ્ટ નામની એક સંસ્થા આખા દેશમાં ચાર દિશામાં હનુમાનજીની ચાર પ્રતિમાનું નિર્માણ કરીને ‘હનુમાન ચાર ધામ’ બનાવવાનું આયોજન કરી રહી છે. આ એક આધુનિક ચાર ધામ યાત્રા-સ્થળ હશે જેનું બાંધકામ આગામી થોડા વર્ષમાં જ પૂર્ણ થશે તેવું માનવામાં આવે છે. આ માટેનો સંપૂર્ણ ખર્ચ પણ આ જ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે.
વર્ષ 2010માં આ પ્રોજેક્ટનું પદાર્પણ ભારતની ઉત્તરે જખું મંદિર, શિમલામાં પ્રથમ હનુમાન મૂર્તિ દ્વારા થયું હતું. આ જ શ્રેણીના આગામી ભાગરૂપે વર્ષ 2018માં ભારતનાં પશ્ચિમે મોરબીમાં હનુમાન મૂર્તિના બાંધકામની શરૂઆત થઈ હતી. કોવિડ મહામારીને કારણે થોડા વિઘ્ન બાદ આખરે મોરબીની પ્રતિમાનું બાંધકામ પૂર્ણ થયું હતું અને મુલાકાતીઓ કે શ્રદ્ધાળુઓ માટે 16 એપ્રિલ 2022 થી તેને ખુલ્લી મુકવામાં આવી હતી. મોરબીની હનુમાનજીની મૂર્તિ બનવા પાછળ આશરે દસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
ચાર ધામ પૈકી ભારતની દક્ષિણે ત્રીજી પ્રતિમાના બાંધકામ માટે ફેબ્રુઆરી 2022 માં રામેશ્વરમ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
શિમલાની જેમ જ આ હનુમાન-મૂર્તિ ખાતે પણ દર મહિને હજારોની સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવે છે.
મોરબી:
મચ્છુ નદીના કિનારે વસેલું મોરબી એ આમ તો ઘણું પ્રાચીન નગર છે પણ આજે એ એટલું જ વિકસિત પણ છે. હનુમાન-મૂર્તિ મોરબીના પ્રવાસનમાં ચોક્કસ વધારો કરશે પણ તે સિવાય પણ મોરબીમાં મણિ મંદિર, ઝુલતો પુલ, ત્રિમંદિર, વગેરે અનેક જોવાલાયક સ્થળો છે.
નાનકડા નગરમાં આવેલા મણિ મંદિરની ભવ્યતા મુલાકાતીઓને અચંબામાં મૂકી દે છે.
કેવી રીતે જવું?
આમ તો રાજકોટ જિલ્લામાં આવેલું મોરબી રાજકોટ શહેરથી માત્ર 65 કિમીના અંતરે આવેલું છે પણ તે સિવાય આ જાણીતા પર્યટન સ્થળોએથી પણ મોરબીની મુલાકાત લઈ શકાય છે.
વિવિધ સ્થળોથી મોરબી હનુમાન-મૂર્તિનું અંતર:
ચોટીલા: 67 કિમી
ગોંડલ: 106 કિમી
જામનગર: 104 કિમી
જુનાગઢ: 137 કિમી
અમદાવાદ: 196 કિમી
સોમનાથ: 265 કિમી
તો તમે પણ આગામી સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરો ત્યારે આ અનોખી મૂર્તિની મુલાકાત લેવાનું ચૂકશો નહિ!
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ