ગુજરાતનાં ફાફડા-જલેબી જેટલી જ લોકપ્રિય કોઈ વસ્તુ હોય તો તે છે ગરબા! ગરબા અને ગુજરાતીઓ એકબીજાના પૂરક છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ગૌરવવંતા ગુજરાતીઓને ગરબે ઘૂમતા જોવા માટે દેશ વિદેશના લોકો નવરાત્રી દરમિયાન ગુજરાત આવે છે.
રંગબેરંગી ચણિયાચોલી અને કેડિયા તેમજ અવનવા આભૂષણોમાં સજ્જ ગુજરાતીઓ સળંગ નવ રાત ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે કલાકો સુધી થાક્યા વગર ગરબા કરી શકે છે તે બહારના લોકો માટે અત્યંત આશ્ચર્યની વાત છે. કોઈ નાની શેરી હોય કે વિશાળ પાર્ટીપ્લોટ, ગુજરાતની નવરાત્રીનો ઝગમગાટ કઈક અનેરો જ હોય છે.
તેમ છતાં, શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ તો હોવાનું જ! કારણકે ગુજરાતમાં આ પાંચ જગ્યાઓએ જે અદભૂત નવરાત્રીનું આયોજન થાય છે તે જોવાની અને માણવાની દરેક ગુજરાતી તેમજ બિનગુજરાતીની અદમ્ય ઈચ્છા હોય છે!
યુનાઈટેડ વે ઓફ બરોડા
પ્રથમ ક્રમાંકે આ નામ સિવાય બીજો કોઈ વિચાર જ ન આવે! સંસ્કાર નગરી વડોદરા આમ પણ કલાનગરી તરીકે પ્રખ્યાત છે. અને તેમાં પણ વડોદરાના નવલખી મેદાનમાં યોજાતા Uway ના ગરબાની તો વાત જ શું પૂછવી! 50,000 કરતાં વધુ લોકો એક સાથે શિસ્તબદ્ધ રીતે એક સરખા સ્ટેપ્સના ગરબા રમે એ સાચે જ અસાધારણ ભવ્યતા છે. અહી ખેલૈયાઓ તેમજ મુલાકાતીઓ માટે અલગ અલગ વ્યવસ્થા તો છે જ, પણ યુનાઈટેડ વેના ગરબા એટલા વખણાય છે કે ‘હોવે હોવે’ જોવા આવનારા મુલાકાતીઓ હજારોની સંખ્યામાં હોય છે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમ
ગુજરાતની શ્રેષ્ઠ નવરાત્રીની વાત થઈ રહી હોય ત્યારે ગુજરાતની રાજધાની પાછળ પડે એવું બને? ગાંધીનગરના સેક્ટર 8માં કલ્ચરલ ફોરમ નામનાં આ ગરબા યોજવામાં આવે છે જે ગાંધીનગરના સૌથી ભવ્ય ગરબા હોય છે. ખૂબ સારી વ્યવસ્થા ધરાવતા આ ગરબામાં હોંશભેર ભાગ લેવા માત્ર ગાંધીનગરના જ નહિ, પણ ઉત્તર ગુજરાતનાં ઘણા શહેરોમાંથી લોકો આવે છે.
GMCS અમદાવાદ
દર વર્ષે ગુજરાત ટુરિઝમ દ્વારા સત્તાવાર રીતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવે છે. નિઃશુલ્ક પ્રવેશ ધરાવતા આ ગરબામાં લાખો લોકો આવે છે અને નવરાત્રીનો અતિભવ્ય નજારો માણે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં અવનવી ગરબા સ્પર્ધાનું પણ આયોજન થાય છે. બાળકો માટે વિશેષ વ્યવસ્થા તે આ ગરબાની ખાસિયત છે. વળી, અહીં ગુજરાતનાં ઐતિહાસિક તેમજ પારંપરિક વારસો દર્શાવતા એક પ્રદર્શન પણ જોવા મળે છે.
આ ઉપરાંત અમદાવાદમાં અનેક ખાનગી આયોજકો દ્વારા યોજવામાં આવતા ગરબા પણ એટલા જ લોકપ્રિય છે.
સુરત
મુંબઈથી નજીક આવેલું હોય તેવું ગુજરાતનું સૌથી મોટું શહેર એટલે સુરત. તેથી સુરતના ગરબામાં ઘણી મોટી સંખ્યામાં ટીવી કે ફિલ્મના નાના-મોટા કલાકારો આવે તેવી સંભાવના હોય છે. અહીંના અનેક ગરબા આયોજનો ખૂબ જ પ્રખ્યાત છે.
રેસકોર્સ, રાજકોટ
સૌરાષ્ટ્રનું સૌથી વિકસિત શહેર એટલે રાજકોટ અને રાજકોટનો સૌથી ધમધમતો વિસ્તાર એટલે રેસકોર્સ. આ મેદાનમાં રાજકોટની સૌથી ભવ્ય નવરાત્રીનું આયોજન થાય છે. અહીંની નવરાત્રીમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો આગવો રંગ પણ જોવા મળે છે.
.