આજના સમયમાં મોટા ભાગની યુવતીઓ વટથી વર્કિંગ વૂમન હોય છે. 9-10 કલાક ઓફિસ એટેન્ડ કરવાની સાથોસાથ આજની યુવતીઓ પોતાના શોખ પણ પૂરા કરી જાણે છે. અહીં આવી જ એક વર્કોહોલિક, ટ્રાવેલ લવર યુવતીની ફર્સ્ટ સોલો ટ્રીપની વાત છે.
ઓવર ટૂ ધ સોલો વૂમન ટ્રાવેલર:
મને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે, નાનપણથી જ! મમ્મી પપ્પા સાથે LTC ઉપર લગભગ આખું ભારત ફરી છું. ઘણા સમયથી મારે સોલો-ટ્રીપ પર જવાની ઈચ્છા હતી પણ કોઈ મેળ નહોતો પડતો. સપ્ટેમ્બર 2019માં જ્યારે ઓફિસમાં પુષ્કળ વર્ક-લોડ હતો ત્યારે તેમાંથી બ્રેક લેવા મેં એક વીકએન્ડમાં સોલો-ટ્રીપ પર જવાનું નક્કી કર્યું. ઓફિસમાંથી રજા મળે એમ હતી નહિ એટલે ફરજિયાત બે જ દિવસની ટ્રીપ કરવાની હતી.
ગૂગલ પર થોડું રિસર્ચ કરીને મેં મારું ડેસ્ટિનેશન નક્કી કર્યું: સાપુતારા! શુક્રવારની ઓફિસ પતાવીને ઘરે આવી, એક બેગપેકમાં સાવ જ ખપ પૂરતો સામાન લીધો. સૌથી ભારે મારો DSLR કેમેરા હતો, બાકી ગણતરીના કપડાં અને અન્ય જરૂરી સામાન. અમદાવાદથી નાશિક જતી બસમાં શુક્રવારે રાતે 11 વાગે મારી સોલો-ટ્રીપની શરૂઆત થઈ. સોલો-ટ્રીપ પર જવાનો રોમાંચ અને સવારે પાંચ વાગે સાપુતારા સ્ટેશન છૂટી જવાના ડરથી લગભગ આખી રાત હું બસમાં જાગતી જ હતી.
શનિવારે મળસ્કે 5 વાગે સાપુતારા ઉતરી ત્યારે મારી સિવાય ઉતરવાવાળું કોઈ જ નહોતું. પરોઢનો અંધકાર અને ભેંકાર ગલીઓએ મને આવકારી! દૂર પાનનાં ગલ્લે 3-4 ભાઈઓ ઉભા હતા. હું સાપુતારાથી પૂરતી પરિચિત છું એવું દેખાડવાનો ઢોંગ કરવા લાગી. પણ એ ભાઈઓ કરતાં પણ વધુ ડર મને ત્યાં ઉભેલા 3 કૂતરાઓનો લાગતો હતો.
જેમતેમ કરીને હું હોટેલ પહોંચી. દેખીતી રીતે જ દરવાજો બંધ હતો. મેં ખખડાવ્યું, ફોન કર્યા, બેલ વગાડ્યો, કોઈ જ ન આવ્યું. 5-10 મિનિટ્સ મેં ત્યાં જ ઉભા રહીને પસાર કરી ત્યારે હું ડરી ગઈ હતી કે આ સોલો-ટ્રીપ કરવાનો મારો નિર્ણય એ ભૂલ તો નથી ને? છેવટે કોઈએ દરવાજો ખોલ્યો અને હું સવારે 5.30 વાગે હોટેલમાં આવી. ફરી એક પ્રોબ્લેમ: ચેક-ઇન ટાઈમ 10 વાગ્યાનો હતો. સદ્ભાગ્યે થોડા એકસ્ટ્રા ચાર્જ સાથે મને રૂમ મળ્યો. મારો વિચાર તો 2-3 કલાક સૂઈને ફરવા જવાનો હતો પણ આખી રાતના ઉજાગરાને કારણે હું ઘસઘસાટ સૂઈ ગઈ. સીધા વાગ્યા બપોરના 12!
ફ્રેશ થઈને હોટેલની બહાર નીકળી ત્યારે જાણ થઈ કે વહેલી સવારે જે જગ્યા મને સાવ ભેંકાર લાગી હતી એ સાપુતારાની મેઇન બજાર હતી! હિલ સ્ટેશનમાં બહુ વસ્તી-ગીચતા નથી હોતી એટલે ત્યાં ખાસ ભીડ નહોતી. મેં એક ચોક્કસ બજેટમાં આ ટ્રીપ કરવાનું નક્કી કર્યું હતું એટલે ચાલતા જ ફરવા નીકળી અને બપોરના ભોજનમાં ચા અને મેગી આરોગ્યા.
કોઈ પણ જગ્યાને યોગ્ય રીતે જાણવી હોય તો તેની શ્રેષ્ઠ પદ્ધતિ ત્યાંનાં સ્થાનિકો સાથે વાતો કરવી તે છે. હું આ પ્રવૃત્તિ નાનપણથી કરતી આવી છું અને મને તે ખૂબ પસંદ છે. બોટનીકલ ગાર્ડન તેમજ લેક જોયું, પુષ્કળ ફોટોઝ/ વિડિયોઝ લીધા, સ્થાનિકો સાથે વાત કરવાથી જાણવા મળ્યું કે બસ સાપુતારા શહેર આટલું જ છે. માંડ 3-4 કિમીમાં ફેલાયેલું! એક લોકલ કપલ સાથે મને બહુ જ આત્મીયતા બંધાઈ ગઈ હતી. તે લોકો મને તેમની સાથે તેમની શોપ પર પણ લઈ ગયા અને મને જમાડી પણ ખરી. જીવનમાં પહેલી વાર પરંપરાગત આદિવાસી ભાણું ખાધું જે મને ખૂબ ભાવ્યું! મને જાણવા મળ્યું કે સાપુતારા એ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલું હોવાથી અહીં આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓ વેચવામાં આવે છે.
જોગાનુજોગ હું ગઈ ત્યારે સાપુતારામાં મોન્સુન ફેસ્ટિવલ શરુ થઈ રહ્યો હતો. પહેલો જ દિવસ હતો એટલે પ્રવાસીઓની ઘણી ચહલપહલ હતી. તે દિવસે રાતે શહેરના ટાઉનહૉલ પાસે લોકનૃત્ય તેમજ અન્ય કાર્યક્રમ સાથે તેનું ઉદ્ઘાટન હતું તે માણ્યું.
બીજા દિવસે હું સાપુતારા નજીકમાં આવેલા પર્યટન સ્થળો ફરવા નીકળી. આ માટે શહેરમાં એક ચોક પાસેથી ટેક્સી મળે છે જેનું ભાડું તે વખતે 2000 રૂ હતું. 1 વ્યક્તિ માટે પણ 2000 અને 6 વ્યક્તિઓ માટે પણ 2000 રૂ. મેં કોઈ બીજા ગ્રુપની રાહ જોઈ. ત્રણ જણના એક ગ્રુપ સાથે જવાનું નક્કી કર્યું. મને તેમના ગ્રુપ સાથે તેમણે સામેલ કરી તેનું કારણ મારો DSLR કેમેરા હતો, કદાચ!
ઇકો પોઈન્ટ, ગિરા વૉટરફોલ્સ, સનસેટ પોઇન્ટ્સ વગેરે જગ્યાઓ જોવાની ખૂબ મજા આવી. સાંજે સાપુતારા શહેરમાં પાછી આવી ત્યારે મને ક્ષણભર પણ એવું ન લાગ્યું કે આ મારો પ્રથમ પ્રવાસ હતો. શહેર ખૂબ જાણીતું લાગ્યું, સવારે 5 વાગે મેં જે ઢોંગ કર્યો હતો તે હવે વાસ્તવિકતા હતી! કદાચ માત્ર ગુજરાતમાં જ આ શક્ય છે કે રાતે 10-11 વાગે એકલી છોકરી નિશ્ચિંત રીતે ફરી શકે છે.
અઢળક યાદો, અનુભવો, ફોટોગ્રાફ્સ અને સંતોષ સાથે હું અમદાવાદ પાછી ફરી. લોકોની સૌથી યાદગાર ટ્રીપ તેમના પેરેન્ટ્સ, સિબલિંગ, ફ્રેન્ડ્ઝ કે પાર્ટનર સાથે હોઇ શકે. પણ મારી સૌથી યાદગાર ટ્રીપ મારી જાત સાથેની હતી!
.