ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ રીંછ અભયારણ્ય

Tripoto

વીકેન્ડમાં કે એક-બે દિવસની રજામાં ક્યાં જવું તેની મુંઝવણ કોરોના સંક્રમણના સમયમાં લગભગ દરેક ગુજરાતીને થતી હશે, અને જો તેમાંય તમે અમદાવાદમાં રહેતા હોવ તો...તો ખાસ. હવે કોરોનામાં ઘર અને શહેરથી તો તમે કંટાળ્યા જ હશો અને ક્યાંક એવી જગ્યાએ જવાનું વિચારતા હશો જે નજીક હોય અને મનને શાંતિ મળે તેવી હરિયાળી જગ્યા હોય. તો આજે અમે તમને તમારી મુંઝવણનો ઉકેલ આપતા લઇ જઇએ છીએ જેસોર અભયારણ્યમાં.

જેસોર અભયારણ્ય

Photo of ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ રીંછ અભયારણ્ય 1/5 by Paurav Joshi

જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું અભયારણ્ય છે. રીંછોની સંખ્યા અહીં હાલમાં અત્યંત ભયજનક અવસ્થામાં છે. દાંત વિનાના રીંછની વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિનું નિવાસ સ્થળ, જેસોર સ્લોથ બીઅર અભયારણ્ય ગુજરાત અને રાજસ્થાન રાજયોની સરહદ પર આવેલું છે. તેને વર્ષ 1978માં ભારત સરકારે વાઇલ્ડલાઇફ સેંક્ચ્યુરી તરીકે જાહેર કર્યું હતું. રાજસ્થાનના થરના રણમાં વિસ્તરેલું આ અભયારણ્ય રણ વિસ્તાર સહિત 180 ચો.કિમીનો વિસ્તાર ધરાવે છે. આ અભયારણ્યનું નામ અરવલ્લી પર્વતમાળાનો એક ભવ્ય હિસ્સો જે જેસોર તરીકે જાણીતો છે તેના પરથી રાખવામાં આવ્યું છે.

જેસોર હિલ બીજા ક્રમનું સૌથી મોટું શિખર છે. આ અભયારણ્યમાં આઇયુસીએન વર્ગીકરણના આધારે પક્ષીઓની ઘણી દુર્લભ અને ભયંકર પ્રજાતિઓ જોવા મળે છે. આ અભ્યારણ્ય સાંબર, બ્લુ બુલ્સ, જંગલી બોર, તાડગોળા ( તાડફળ ) તેમજ સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 105 પ્રકારના પક્ષીઓનું મુળ વતન છે. અભયારણ્યના સુકા હવામાને 405 જેટલા વનસ્પતિના છોડને ખીલવ્યાં છે. અન્ય મહત્વની પ્રાણીસૃષ્ટિની પ્રજાતિમાં રિસસ મકાઇક, ભારતીય બિલાડી, સાપ, શિયાળ, પટ્ટાવાળી હાઈના, જંગલી ડુક્કર, સીવીટ, કારાકલ, વરુ, દીપડો, કાચબા, વિવિધ પ્રકારની ગરોળીઓ, શાહુડી, રંગબેરંગી પતંગિયા વગેરેનો સમાવેશ થાય છે. જવલ્લે જોવા મળતા ‘ઇન્ડીયન પાયથન’(અજગર) મુની જી કી કુટીયાની પાછળ જોવા મળે છે.

ફોટોગ્રાફી માટે ઉત્તમ જગ્યા

Photo of ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ રીંછ અભયારણ્ય 2/5 by Paurav Joshi

જેસોર અભયારણ્ય ફોટોગ્રાફીના શોખીનો માટેનું ગુજરાતનું એક માનીતું અને આકર્ષે તેવું સ્થળ છે. જેસોર અભયારણ્યમાં રહેવા માટે આદર્શ સ્થળ એટલે જંગલ ખાતા દ્વારા તૈયાર કરાયેલી અને સુવ્યવસ્થિત રીતે જાળવણી કરાયેલી ઝુંપડીઓ અને કોટેજીઝ છે. જે પર્વતોથી ઘેરાયેલા તળાવની ફરતે આવેલી છે.

ચોમાસાથી શિયાળા સુધીનો સમય બેસ્ટ

ચોમાસા પછી શિયાળા સુધીનો સમય આ જેસોર અભયારણ્યની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ વિસ્તારમાં એક મોટું તળાવ પણ આવેલું છે. પરંતુ જો તમે ચોમાસામાં જાઓ છો તો જંગલમાં જતી વખતે ઘુંટણ સુધીના બુટ તથા રેઈનકૉટ તમારે પહેરવા જ પડશે જેનાથી તમે જળો ( પાણીમાં રહેતા અને લોહી પર જીવતા જંતુ )થી બચી શકશો.

અભ્યારણ્યમાં જોવાલાયક જગ્યાઓ

Photo of ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ રીંછ અભયારણ્ય 3/5 by Paurav Joshi

આ અભયારણ્યમાં વનપ્રાણી સુષ્ટિ સિવાય ત્યાં કેદારનાથ મહાદેવ મંદિર અને મુનિ જી કી કુટિયા આ બન્ને સ્થળો પણ વધારાના આકર્ષણના કેન્દ્રો છે. મુખ્ય ગેટથી એન્ટ્રી લઇને જેવા અંદર આવશો તો થોડાક અંતરે એક વિશાળ તળાવ છે જેની પાછળ ઉંચા પહાડો. એક અદ્ભુત દ્રશ્ય રજૂ કરે છે. અહીં ફોટોગ્રાફી અને પ્રી વેડિંગ શૂટ પણ કરી શકાય છે. કેદારનાથ મંદિર જવા માટે અડધો કલાક ચાલીને જવું પડશે. અહીં પાંડવો દ્ધારા સ્થાપિત એક કુંડ છે. મુનિજી કી કુટિયા કેદારનાથ મંદિરથી પણ આગળ છે. રસ્તામાં અનેક ધોધ તમને જોવા મળશે. આ જંગલમાં 60 થી 65ની સંખ્યામાં રીંછ છે.

શું છે ટાઇમિંગ

જેસોર સેંક્ચુરીમાં પ્રવેશનો સમય સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. અહીં કોઇ એન્ટ્રી ફી નથી. પરંતુ સિક્યુરિટી કારણથી તમારી વિગતો લખાવવી પડશે.

કેવી રીતે જશો જેસોર

Photo of ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ રીંછ અભયારણ્ય 4/5 by Paurav Joshi

રોડ દ્ધારાઃ જેસોર અમદાવાદથી 4 કલાકના અંતરે આશરે 180 કિલોમીટર દૂર આવેલું છે. પોતાનું વાહન હોય તો અમદાવાદથી ગાંધીનગર, મહેસાણા, પાલનપુર થઇને જેસોર જઇ શકાય છે. મહેસાણાથી 105 કિમી, પાલનપુર અહીંથી 34 કિમી અને ઇકબાલગઢ અહીંથી ૮ કિમીના અંતરે આવેલા છે. બસમાં જવું હોય તો અમદાવાદથી પાલનપુર જવું પડશે અને ત્યાંથી ઇકબાલગઢ જવું પડશે. અંબાજીના પ્રવાસે જતા લોકો ઉત્તર ગુજરાતમાં આ અભયારણ્યની મુલાકાતે જઈ શકે છે. અહીં ઈકો- ટુરીઝમ સાઈટનો લહાવો મળશે. બીજો એક રોડ અંબાજી- હિમ્મતનગર છે, જે નેશનલ હાઇવે નં. 27 (મુંબઈથી દિલ્હી) સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્ધારાઃ નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ છે જે અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદર જેવા ગુજરાતના મોટા ભાગના શહેરો સાથે જોડાયેલું છે.

વિમાન માર્ગઃ સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. અમદાવાદથી બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા જઇ શકાય છે.

જેસોરમાં લોકો ટ્રેકિંગ કરવા માટે આવે છે

Photo of ફોટોગ્રાફીના શોખીનો માટે ફેવરિટ છે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવેલું આ રીંછ અભયારણ્ય 5/5 by Paurav Joshi

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી 45 કિલોમીટર દૂર આવેલા રીંછના અભયારણ્ય તરીકે જાણીતા જેસોરમાં લોકો ટ્રેકિંગ કરવા માટે આવે છે. ગુજરાત રાજ્યમાં જેસોર હિલ્સ સૌથી વધુ ઊંચાઇ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. રાજસ્થાનથી નજીક અને અંબાજી હાઇવેની પાસે આવેલા આ અભયારણ્યના કુદરતી સૌંદર્યને પ્રવાસીઓ માણી શકે છે.

રહેવાની વ્યવસ્થા

જેસોર અભયારણ્યમાં રહેવાની જગ્યા નથી પરંતુ તમે નજીકમાં પાલનપુરમાં રોકાઇ શકો છો. પાલનપુરમાં બજેટ હોટલથી માંડીને રિસોર્ટ પણ અવાઇલેબલ છે. જો તમારુ બજેટ વધારે હોય તો નજીકમાં બાલારામ પેલેસ રિસોર્ટ છે. બાલારામ પેલેસમાં અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે. અમિતાભ બચ્ચન અભિનિત સૂર્યવંશમનું શૂટિંગ અહીં થયું હતું. અહીં એક રાતનું ભાડું 6 થી 7 હજારની આસપાસ થાય છે. જો કે ઓનલાઇને કે ફોનથી ભાડું અને રૂમની પ્રાપ્યતા ચેક કરીને જ જવું.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.