સપ્ટેમ્બર 2021માં બે દિવસના કલકત્તા પ્રવાસે જવાનું થયું હતું. એક સમયે બ્રિટિશ ઈન્ડિયાની રાજધાની રહી ચૂકેલું કલકત્તા આજે પણ પુષ્કળ અંગ્રેજ બાંધકામો ધરાવે છે. અરે, વિક્ટોરિયા મેમોરિયલની મુલાકાત વગર તો કલકત્તા દર્શન અધૂરું જ કહેવાય! અમે પણ આ સ્થળની મુલાકાતે ગયા.

વિક્ટોરિયા મેમોરિયલ વિષે આગોતરી જાણકારી નહોતી મેળવી કારણકે જે તે સમયે ભારતીયો પર દમન કરીને જ આ બનાવવામાં આવ્યું હશે તેવો વિશ્વાસ હતો. ત્યાં ગયા પછી જાણવા મળ્યું કે આ મેમોરિયલમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેની પ્રવેશ ફી 30 રૂ છે અને સવારે 11 થી 5 દરમિયાન તે ખુલ્લુ રહે છે. સોમવારના દિવસે આ મ્યુઝિયમ બંધ રહે છે.



આ મ્યુઝિયમમાં હજુ પણ મને રસ નહોતો. પણ અંદર પ્રવેશ કર્યા બાદ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો!
નિર્ભીક સુભાષ
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતીના અવસરે તેમના જીવનના 125 ખાસ પ્રસંગોનું વર્ણન કરતાં ‘નિર્ભીક સુભાષ’ નામનું એક ખાસ પ્રદર્શન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

દેશના સર્વશ્રેષ્ઠ સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક એવા નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન તેમજ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમના અભૂતપૂર્વ યોગદાન વિષે વિસ્તારપૂર્વક તેમજ ખૂબ જ રસપ્રદ મલ્ટી-મીડિયા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં માત્ર માહિતી તેમજ ફોટોગ્રાફ્સ જ ઉપસ્થિત છે તેવું ન માનશો! અહીં નેતાજીના પોશાક, તેમની અન્ય વસ્તુઓ, કેટલાક હથિયારો, અત્યંત દુર્લભ હસ્તપ્રતો, ઓછા જાણીતા કિસ્સાઓ, વગેરે અનેક ચીજવસ્તુઓ રાખવામાં આવી છે જેને જોઈને કોઈ પણ દેશપ્રેમી ગદગદ થઈ જાય છે!



















અનેક કિસ્સાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને વિવિધ લોકોને નેતાજી દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેનો પણ અહીં અદભૂત સંગ્રહ રાખવામાં આવ્યો છે.
ભારતની સ્વતંત્રતા પાછળ ક્રાંતિકારીઓનું કેટલું બહુમૂલ્ય યોગદાન છે તે અહીં જાણવા મળે છે.
અલબત્ત, વિક્ટોરિયા મેમોરિયલની ભવ્યતા આ પ્રદર્શનને વધુ આકર્ષક બનાવે છે. આરસનું બનેલું ભવ્ય બાહ્ય બાંધકામ તેમજ આસપાસ સુંદર બગીચાઓ ખૂબ આહલાદક લાગે છે.




અંગ્રેજ રાણીના એક અતિ ભવ્ય સ્મારકમાં ભારતનાં એક ખૂબ સફળ, બાહોશ તેમજ લોકપ્રિય ફ્રીડમ ફાઇટરને આટલું માન આપવામાં આવ્યું છે તે જોઈને ખૂબ સારું લાગ્યું.
.