નેગેટિવ કોવિડ રિપોર્ટ સાથે અમારો પેન્ડેમિક પછીનો પહેલો પ્રવાસ

Tripoto

અમારા લગ્ન થયા ૨૦.૦૧.૨૦૨૦ ના રોજ. લગ્ન સમયે હસબન્ડની ગવર્મેન્ટ જોબની શરૂઆત હતી એટલે તે માત્ર ત્રણ દિવસની રજા લઈને મૈસૂર, કર્ણાટકથી ભાવનગર લગ્ન કરવા આવેલો. લગ્ન પછી તરત હનીમૂન કદાચ અમારા નસીબમાં નહોતું એવું અમે સ્વીકારી લીધું હતું. પણ કોવિડ ૧૯ મહામારીને લીધે માર્ચ મહિનામાં તો નેશનવાઈડ લોકડાઉન જાહેર થયું. હું સમયસર માર્ચમાં કર્ણાટક પહોંચી ગઈ એટલા અમારા સદભાગ્ય. હસબન્ડનું ફાઇનલ પોસ્ટિંગ જમશેદપુર, ઝારખંડમાં મળ્યું એટલે જુલાઇ ૨૦૨૦ માં અમે જમશેદપુર સ્થાયી થયા. ઘર વસાવ્યું, દિવાળીમાં કેટલાય મહિનાઓ બાદ ઘરે ગયા. આ બધામાં ફરવા જવાનું હાંસિયામાં ધકેલાઇ ગયું.

નવી આશાઓ સાથે ૨૦૨૧નું નવું વર્ષ શરૂ થયું. ૨૦૨૦ના ૨૦ માં દિવસે અમે લગ્નગ્રંથિથી જોડાયા હતા તેના એક વર્ષની ઉજવણી કઈક વિશેષ થવી જ રહી. અમે અંદામાન દ્વીપસમૂહ ખાતે અમારી એનિવર્સરી ઉજવવાનું આયોજન કર્યું. પણ મહામારી હજુય છે જ. અંદામાન જતાં કોઈ પણ વ્યક્તિ માટે ૪૮ કલાકની અંદર કરાવેલો નેગેટિવ કોવિડ૧૯ રિપોર્ટ હોવો ફરજિયાત હતો. ૧૭ મી જાન્યુઆરીએ રાતે જ્યારે અમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે અમે બંને ઝૂમી ઉઠ્યા. ફાઇનલી અમે ફરવા જઈ રહ્યા હતા!

Photo of નેગેટિવ કોવિડ રિપોર્ટ સાથે અમારો પેન્ડેમિક પછીનો પહેલો પ્રવાસ 1/1 by Jhelum Kaushal

જમશેદપુરમાં સામાન્ય નાગરિકો માટે એરપોર્ટ છે નહિ એટલે ૧૮ તારીખે સાંજે ટાટાનગર રેલવે સ્ટેશનથી હાવરા જતી ટ્રેનમાં અમે કોલકાતા પહોંચ્યા. અમારી સવારે ૬ વાગ્યાની ફ્લાઇટ ડિલે થઈને ૧૦.૫૫ વાગ્યાની થઈ હતી એટલે ઓફિસ ગેસ્ટહાઉસમાં રાત્રિ રોકાણ કરીને બીજે દિવસે સવારે ૯ વાગે કોલકાતાની ઝલક નિહાળીને અમે નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પહોંચ્યા.

એરપોર્ટ પર ચેક-ઇન સમયે જ નેગેટિવ કોવિડ રિપોર્ટ ચકાસ્યો. જેમની પાસે અધિકૃત RT-PCRનો રિપોર્ટ નહોતો તેમને ફ્લાઇટમાં બેસવાનો પરવાનો જ ન મળ્યો. અરે! અંદામાનમાં લગભગ બધા જ ટાપુ પર જવા આઈડી પ્રૂફની સાથોસાથ નેગેટિવ કોવિડ રિપોર્ટ ફરજિયાત હતો. પોર્ટ બ્લેરના વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ફરીથી રિપોર્ટ ચેક કર્યો. ટેક્સીમાં બેસીને હાશકારો અનુભવ્યો.

દિવસ ૧- ૧૯.૦૧.૨૦૨૧- પોર્ટ બ્લેર

બસ, હવે બિન્દાસ ફરવાનું હતું. પહેલા દિવસે સવારે રોસ આઇલેન્ડ (નવું નામ: નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ) જવાનું હતું પણ અમારી ફ્લાઇટ મોડી આવી એટલે હોટેલ પર ફ્રેશ થઈને સેલ્યુલર જેલની મુલાકાત સાથે અમારા પ્રવાસની શરૂઆત થઈ. શ્રેષ્ઠતમ દેશભક્તિની સાક્ષી રહી ચૂકેલી સેલ્યુલર જેલ જાણે અંદામાન દ્વીપસમૂહ પર કાળો ડાઘ છે! હારબંધ નાની કોટડીઓ, ફાંસી-ઘર વગેરે જગ્યાઓ જોઈને કોઈ પણ દેશપ્રેમી સમસમી ઉઠે.

આ રાષ્ટ્રીય સ્મારકનું પરિસર સાંજે ૫ વાગ્યા પહેલા ખાલી કરવું પડે છે અને ૬ વાગે આ જેલનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો હતો એટલે વચ્ચેનો સમય પસાર કરવા સૌ પ્રવાસીઓ જેલની બાજુમાં જ બનાવવામાં આવેલા વીર સાવરકર પાર્કમાં લટાર મારી રહ્યા હતા. શોનો સમય થતાં સૌ અંદર ગયા અને રાષ્ટ્રગીત સાથે તેની શરૂઆત થઈ. 'કાળાપાણીની સજા'નું વર્ણન કમકમાટી છૂટી જાય તેવું હતું. દેશ માટે અકલ્પનીય પીડા ભોગવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરી, પ્યોર વેજ રેસ્ટોરાંમાં જમીને અમે હોટેલ પાછા ફર્યા.

Photo of Port Blair, Andaman and Nicobar Islands, India by Jhelum Kaushal
Photo of Port Blair, Andaman and Nicobar Islands, India by Jhelum Kaushal

દિવસ ૨- ૨૦.૦૧.૨૦૨૧- સ્વરાજ દ્વીપ (હેવલોક આઇલેન્ડ)

બીજા દિવસે સવારે ૪ વાગે અમે હોટેલથી જેટી જવા નીકળ્યા જ્યાંથી ૫.૧૫ વાગ્યાની શીપમાં અમારે સ્વરાજ દ્વીપ (હેવલોક) જવાનું હતું. શીપ ઉપડી ગયા બાદ બધાને બહાર ડેક પર ઊભા રહેવાની છૂટ હતી. અમારી એનિવર્સરીની વહેલી સવારે અફાટ સમુદ્રમાં, મધદરિયે અમે એક યાદગાર સૂર્યોદય માણ્યો. હેવલોક પહોંચીને હોટેલમાં ચેક-ઇન કરીને ફ્રેશ થઈને ફરવા માટે નીકળ્યા.

સ્પીડ બોટમાં એલિફન્ટા બીચ પહોંચ્યા. એલિફન્ટા બીચ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે પ્રખ્યાત છે. લગભગ બધી જ જાણીતી વોટર એક્ટિવિટીઝ અહીં ઉપલબ્ધ છે. અમે બંનેએ પણ સોફા રાઈડ તેમજ જેટસ્કીની મજા માણી. પાછા જવાની બોટ આવવાને હજુ ૨ કલાકની વાર હતી એટલે પુષ્કળ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા. બપોરે ૨ વાગ્યા આસપાસ અમે હોટેલ પહોંચ્યા.

Photo of Havelock Island, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Havelock Island, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Havelock Island, Andaman and Nicobar Islands by Jhelum Kaushal

દિવસ ૩- ૨૧.૦૧.૨૦૨૧- રાધાનગર બીચ

ત્રીજો દિવસ પ્રમાણમાં ઘણો જ સ્મૂધ હતો. એશિયાનાં કલીનેસ્ટ બીચમાંના એક એવા રાધાનગર બીચની મુલાકાત લીધી. અહીં એટલો સુરક્ષિત દરિયો છે કે આ બીચના ચોખ્ખા ભૂરા પાણીમાં ૨૦૦ મીટર સુધી ચાલીને અંદર જઈ શકાય છે. એવું જ લાગે જાણે આપણે કોઈ વિદેશના બીચ પર ફરી રહ્યા હોઈએ. કિનારે નાના હટ્સમાં બેસવાની પણ ઘણી જ સારી વ્યવસ્થા છે. શાંત કુદરતી વાતાવરણમાં સમય ક્યાં પસાર થઈ જાય એ વાતનું ભાન જ રહેતું નથી.

બપોરે અમે Makruzz નામની એક શાનદાર ક્રૂઝમાં સ્વરાજ દ્વીપથી શહીદ દ્વીપ (નીલ આઇલેન્ડ) પહોંચ્યા. ત્યાં ઉતરીને પહેલા સનસેટ જોવા ગયા અને પછી હોટેલ. નીલમાં અમારો ઉતારો જે હોટેલમાં હતો તે એક અવિસ્મરણીય હોટેલ હતી. બેસ્ટ જ કહી શકાય! અમારો રૂમ બેઝ કેટેગરીનો હતો તો પણ રૂમની બાલ્કનીમાંથી અદભૂત નજારો જોવા મળતો હતો.

Photo of Radhanagar Beach, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Radhanagar Beach, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Radhanagar Beach, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Radhanagar Beach, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Radhanagar Beach, Andaman and Nicobar Islands by Jhelum Kaushal

દિવસ ૪- ૨૨.૦૧.૨૦૨૧- શહીદ દ્વીપ (નીલ આઇલેન્ડ)

પ્રવાસની શરૂઆત થઈ નેચરલ બ્રિજ ધરાવતા લક્ષ્મણપુર બીચથી. કુદરતી રીતે બની ગયેલો પુલ (નેચરલ બ્રિજ) એ નીલ આઇલેન્ડની સૌથી મોટી ઓળખ છે. પણ તે જગ્યા આસપાસ કેટલાય સમુદ્રી જીવો જોવા મળે છે માત્ર ત્યાંનાં ગાઈડ જ સમજાવી શકે છે. જીવિત-મૃત કોરલ્સ, જીવતા શંખ-છીપલાં તેમજ રંગબેરંગી માછલીઓ- અમને ઘણી જ રસપ્રદ વસ્તુઓ જોવા મળી.

ત્યારપછી અમે સ્કૂબા ડાઇવિંગ માટે ભરતપુર બીચ ગયા. બોટમાં મધદરિયે લઈ જઈને ડાઈવ લગાવીને સ્કૂબા ડાઇવિંગ કરવું તે એક અવર્ણનીય અનુભવ હતો. ખૂબ, ખૂબ મજા આવી. બપોરે ત્યાંથી ક્રૂઝમાં પોર્ટ બ્લેર આવ્યા અને ફરીથી પહેલા દિવસવાળી હોટેલમાં રોકાયા.

Photo of Neil Island, Andaman and Nicobar Islands by Jhelum Kaushal
Photo of Neil Island, Andaman and Nicobar Islands by Jhelum Kaushal

દિવસ ૫- ૨૩.૦૧.૨૦૨૧ પોર્ટ બ્લેર

છેલ્લા દિવસે અમે પહેલા દિવસે બાકી રહી ગયેલા સ્થળની મુલાકાત લીધી- નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ (રોસ આઇલેન્ડ). એક સમયે અંગ્રેજોનું મનપસંદ ઠેકાણું એવો આ ટાપુ છેલ્લાં કેટલાય દાયકાઓથી વેરાન છે. વર્ષ ૨૦૦૪માં દક્ષિણ એશિયામાં આવેલા ત્સુનામીએ આ ટાપુને ખંડેર બનાવી દીધો. અંગ્રેજોના સમયના બાંધકામો આજે તૂટેલી અવસ્થામાં અહીં ઉજ્જડ બની ચૂક્યા છે.

બપોરે અમે કોરબીન કોવ બીચ ગયા જ્યાં Seakart એક્ટિવિટી થાય છે. વિશ્વમાં દુબઈ અને મોરેશિયસ સિવાય માત્ર અંદામાનમાં જ આ એક્ટિવિટી ઉપલબ્ધ છે. દરિયામાં સ્વતંત્ર રીતે ડ્રાઈવ કરવાનો રોમાંચ જ કઈક અનેરો છે. સાંજે ચીડિયા ટાપુ પર સનસેટ જોઈને અમારો અંડમાન પ્રવાસ પૂરો થયો.

Photo of Ross Island, Port Blair, Ross Island Road, India by Jhelum Kaushal
Photo of Ross Island, Port Blair, Ross Island Road, India by Jhelum Kaushal
Photo of Ross Island, Port Blair, Ross Island Road, India by Jhelum Kaushal
Photo of Ross Island, Port Blair, Ross Island Road, India by Jhelum Kaushal

બીજા દિવસે વહેલી સવારે અમારી કોલકાતાની ફ્લાઇટ હતી અને બપોરે ત્યાંથી જમશેદપુરની ટ્રેન.

Photo of નેગેટિવ કોવિડ રિપોર્ટ સાથે અમારો પેન્ડેમિક પછીનો પહેલો પ્રવાસ by Jhelum Kaushal

૫ ૬ દિવસના પ્રવાસની કેટલીય સુંદર યાદો, કેટલીય રોમાંચક દરિયાઈ ક્ષણો, પાછા ફરવાનું દુ:ખ અને ટેન્ડ સ્કીન સાથે અમે ટાટાનગર પરત ફર્યા.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.