વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે

Tripoto

સોમનાથ જ્યોર્તિલિંગ એક એવી જગ્યા છે જ્યાં વાંરવાર જવાનું મન થાય છે. મોટાભાગના ગુજરાતીઓ જીવનમાં એકવાર તો સોમનાથ મહાદેવના દર્શન કરવા અચૂક ગયા હશે. સોમનાથ મંદિર ઘણીવાર ગયા હોવા છતાં આસપાસ કેટલીક જગ્યાઓ એવી છે જેના વિશે ઘણાં ઓછા લોકોને ખબર છે. હું પણ અગાઉ બે વાર સોમનાથ ગયો છું પરંતુ મને પણ તેના વિશે ખાસ ખબર નહોતી. જો કે આ વખતે મેં એ કમી પુરી કરી નાંખી.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 1/9 by Paurav Joshi

સોમનાથ તરફ પ્રયાણ

કોરોનાના કારણે ઉનાળાના વેકેશનમાં ક્યાંય બહાર જવાની તક મળી નહોતી એટલે જન્માષ્ટમીની રજાઓમાં સોમનાથ જવાનો પ્લાન બનાવ્યો. આ વર્ષે એટલે કે 2021માં જન્માષ્ટમી સોમવારે આવતી હતી એટલે શનિવાર, રવિવાર અને સોમવાર એમ સળંગ ત્રણ રજા આવતી હોવાથી એ મુજબ આયોજન કર્યું. અમે પાંચ વ્યક્તિ (મમ્મી, પપ્પા, પુત્ર અને પત્ની) શનિવારે બપોરે કારમાં અમદાવાદથી સોમનાથ જવા નીકળ્યા. રસ્તામાં ગોંડલમાં ભુવનેશ્વરી મંદિરના દર્શન કર્યા. એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી લગભગ પાંચ કલાકની મુસાફરી કરી અમે જેતપુર પહેલા કાગવડ મુકામે આવેલા ખોડલધામ મંદિર પહોંચ્યા.

ખોડલધામના દર્શન

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 2/9 by Paurav Joshi

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. લેઉઆ પટેલ સમાજ દ્ધારા બનાવેલું ખોડલધામ મંદિર રાજકોટ-જુનાગઢ તરફ જતા પ્રવાસીઓ માટે એક ફેવરિટ ડેસ્ટીનેશન બની ગયું છે. હવે તો લોકો વીકેન્ડ્સમાં પણ ખોડલધામના દર્શન કરીને અમદાવાદ પાછા આવી જાય છે. ખોડલધામ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઉંચાઈ ધરાવે છે. આ મંદિરમાં ખોડીયારની ભવ્ય મૂર્તિ ઉપરાંત અન્ય દેવીમાંઓ માં અંબા, માં બહુચર, માં વેરાઈ, માં મહાકાલી, માં અન્નપુર્ણ , માં ગાત્રાડ, માં રાંદલ , માં બુટભવાની, માં બ્રમ્હાણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ અને માં શિહોરની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા થયેલી છે.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 3/9 by Paurav Joshi

અમે ખોડલધામ મંદિર પહોંચ્યા ત્યારે અંધારુ થઇ ગયું હતુ. રાતના સમયે મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે. મંદિરની પાળી પર બેસીને શાંતિનો અનુભવ કરી શકાય છે. અહીંના ભોજનાલયમાં 80 રુપિયામાં ગુજરાતી થાળી મળે છે જેનો આનંદ અમે માણ્યો. કાગવડથી અમે વિરપુર પહોંચીને એક ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું. કોરોનાના કારણે જન્માષ્ટમીની રજાઓમાં જલારામ મંદિર બંધ હતું.

મહેશ્વરી ધર્મશાળા

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 4/9 by Paurav Joshi

વિરપુરથી વહેલી સવારે 8 વાગ્યે સોમનાથ તરફ પ્રયાણ કર્યું. લગભગ 11 વાગ્યાની આસપાસ અમે સોમનાથમાં મહેશ્વરી ધર્મશાળા પહોંચ્યા. રજાઓમાં અહીં હોટલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ ફુલ હોવાથી એડવાન્સમાં બુકિંગ કરીને જવાની મારી સલાહ છે. અમે પણ એડવાન્સમાં બે રુમ બુક કરાવી લીધા હતા. મહેશ્વરીમાં અહીં એક રાત રોકાવા માટે નોન એસી રુમના 750 રુપિયા અને એસી રુમના 950 રુપિયા છે. અમે બે નોન એસી રુમના 2000 રુપિયા ચૂકવ્યા હતા પરંતુ ચેક આઉટ સમયે 500 રુપિયા રિફંડ મળ્યું હતું. અહીં ગુજરાતી થાળી 80 રુપિયામાં મળે છે.

સોમનાથમાં જોવાલાયક સ્થળો

સોમનાથમાં દર્શન માટે બુકિંગનો સમય ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને રીતે બુક કરાવી શકો છો. સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકાય છે. અમે દર્શન માટે સાંજે 5 વાગ્યાનો સમય બુક કરાવ્યો હોવાથી નજીકના સ્થળો જોવાનું નક્કી કર્યું. સોમનાથમાં આસપાસના જોવાલાયક સ્થળો 6-7 કિલોમીટરમાં આવી જાય છે.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 5/9 by Paurav Joshi

સૌ પ્રથમ અમે સોમનાથ મંદિરથી દોઢ કિલોમીટર દૂર ભાલકાતીર્થ પહોંચ્યા. આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણને શિકારીએ તીર માર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ ભાલકામાં પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. ત્યારે જરાનામના ભીલને દૂરથી એમ લાગ્યું કે કોઈ મૃગ છે. આથી તેણે બાણ છોડ્યું. આ તીર ભગવાનના ડાબા પગના તળિયામાં વાગ્યું.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 6/9 by Paurav Joshi

બાણ વાગવાથી ઘાયલ ભગવાન કૃષ્ણ ભાલકાથી થોડા દુર આવેલા ગોલકનાથ નામના સ્થળે હિરણ નદીના કાંઠે પહોંચ્યા. કહેવામાં આવે છે કે આ સ્થળ ઉપર ભગવાન પંચતત્વમાં જ વિલીન થઇ ગયા હતા. આ સ્થળ પણ જોવાલાયક છે.

ગોલકનાથ જતા રસ્તામાં ત્રિવેણી સંગમ આવે છે. અહીં વ્યક્તિ દીઠ 30 રુપિયામાં બોટિંગ કરી શકાય છે. બોટ દ્ધારા તમે ત્રણ નદીઓ હિરણ, સરસ્વતી અને કપિલના સંગમ સ્થળે જઇ શકો છો.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 7/9 by Paurav Joshi

ત્રિવેણી સંગમની બરોબર સામેની બાજુ રુદ્રેશ્વર મંદિર, હરીહર વન, સુરજ મંદિર, બલરામજીની ગુફા આવેલી છે.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 8/9 by Paurav Joshi

સોમનાથ મંદિરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલું અદ્ભુત સ્થળ છે બાણગંગા. અહીં દરિયા કિનારે બે શિવલિંગ બિરાજમાન છે. ફોટોગ્રાફી માટે આ જગ્યા બિલકુલ પરફેક્ટ છે. અહીં તમે એકાદ કલાક આરામથી પસાર કરી શકો છો. બાણગંગાની જતા ડાબી તરફ ભીમનાથ મહાદેવનું મંદિર પણ છે.

સોમનાથ મહાદેવના દર્શન

સાંજે પાંચ વાગે અમે સોમનાથ જ્યોર્તિલિંગના દર્શને ગયા. રજા હોવાથી દર્શનાર્થીઓની ભીડ વધારે હતી છતાં શાંતિથી દર્શન થયા. ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી. ભોળાનાથના દર્શન કરી મંદિરની પાછળ જ બનાવેલા વોક-વેની મુલાકાત લીધી. 45 કરોડ રુપિયાના ખર્ચે બનેલા આ વોક-વેને તાજેતરમાં જ પીએમ મોદીએ ખુલ્લો મુક્યો હતો. વોક-વેની ટિકિટ પાંચ રુપિયા છે. એલઇડી બલ્બથી ઝગમગતા વોક-વે પર સાંજના સમયે લટાર મારવાની ખુબ મજા આવી. અહીં સુદર બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. મન તો અવું થયું કે અહીં કલાકો સુધી બેસીને દરિયાને બસ જોયા જ કરીએ પરંતુ તહેવારોની રજામાં ભીડ ખુબ હોવાથી એકાદ કલાક બેસીને અમારી રુમ તરફ પાછા ફર્યા. બીજા દિવસે અમદાવાદ તરફ રવાના થયા.

Photo of વોક-વે પર લટાર, બાણગંગામાં શિવલિંગના દર્શન, સોમનાથની આ જગ્યાઓ પણ જોવા જેવી છે 9/9 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો