જો ભારતમાં રોડ યાત્રા કરવાનો આઇડિયા માંગવામાં આવે તો ફટાક દઇને એ જ સાંભળવા મળે છે કે, ' ભઇ બાઇક ઉઠાવો અને લેહ-લદ્દાખ તરફ નીકળી જાઓ!' આ આઇડિયા પણ સારો છે, આખરે તો બરફની ચાદરથી ઢંકાયેલા પહાડોની વચ્ચે, સુસવાટા મારતી હવાની સાથે વાતો કરતાં કરતાં સફર કરવી ઝિંદગીનો અલગ જ અનુભવ છે. તો આનો જાત અનુભવ કરવા માટે હું લેહ-લદ્દાખની મુસાફરી કરવા નીકળી પડ્યો. ચાલો હું મારી સફરની કહાની તમને જણાવું છું અને જો તમે પણ ભારતના આ બર્ફિલા રણની મુસાફરી કરવાનો વિચાર ધરાવો છો તો તમારા માટે કેટલીક જરુરી ટિપ્સ પણ છે:
ક્યાં ફરશો, શું જોયું?
લેહ- લામાયુરુ મઠ: અમે એક આખો દિવસ લિકિર મઠ, મેગ્નેટિક હિલ, ગુરુદ્ધાર પથ્થર સાહિબ, જંસ્કર સંગમ અને યુદ્ધ સંગ્રહાલય જોવામાં વિતાવ્યું.
લેહ- પેંગૉંગ ત્સોઃ રસ્તામાં તમને ઘણાં બધા યાક, લદ્દાખી બકરીઓ અને બે ખૂંધવાળા ઊંટ જોવા મળશે. પેંગૉંગ સરોવર સૌથી વધુ ઊંચાઇ પર સ્થિત ખારાપાણીના સરોવરમાંનું એક છે. અહીંનું વાતાવરણ અને દ્રશ્યો બન્ને અતિ સુંદર છે અને સરોવરનું પાણી એકદમ ઠંડુ. દિવસમાં સમયની સાથે જ સરોવરના પાણીનો રંગ પણ બદલાતો રહે છે. આ જગ્યાની ઊંચાઇ લેહની તુલનામાં વધુ છે. સપ્ટેમ્બરના અંત સુધી મોટાભાગના ગેસ્ટ હાઉસ બંધ થઇ જાય છે કારણ કે તાપમાન ઘણું નીચે જતું રહે છે અને અહીં રહેવાનું મુશ્કેલ થઇ જાય છે. નસીબથી અમને એક ગેસ્ટ હાઉસ મળ્યું, જેને અમારા માટે ખોલવામાં આવ્યું અને અમે ત્યાં એક રાત પસાર કરી. ઑક્સિજનનું લેવલ એટલુ ઓછુ હતું કે માથુ દુખવાના કારણે રાતે ઊંઘ પણ ન આવી.
લેહ શહેર: નુબ્રા ખીણનો રસ્તો બે દિવસ માટે બંધ હતો અને એટલા માટે અમારે દિવસ લેહ શહેરમાં પસાર કરવો પડ્યો. લેહ એક પ્રાચીન શહેર છે અને શાંતિ સ્તૂપ કે લેહ પેલેસથી આખા શહેરનો નજારો લઇ શકાય છે. ઘણી બધી દુકાનો પણ છે જ્યાંથી તમે સુંદર યાદગાર ગિફ્ટ ખરીદી શકો છો.
લેહ- ખારદુંગ- લા પાસ: જેવી અમને ખબર પડી કે ખારદુંગલા પાસ પછી ખીણ તરફ જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો છે અમે એક મોટરસાયકલ ભાડે લીધી અને ખારદુંગલા તરફ નીકળી પડ્યા કારણ કે આ દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રસ્તામાંનો એક છે. ખારદુંગલા લેહ શહેરથી લગભગ 24 કિ.મી. દૂર છે. અમે લગભગ 10 કિ.મી.ની યાત્રા જ કરી હશે કે અમને બરફવર્ષાનો સામનો કરવો પડ્યો. ગમેતેમ કરીને અમે વધુ બે કિલોમીટરની યાત્રા કરી અને દક્ષિણ પુલ્લૂ પહોંચ્યા. દક્ષિણ પુલ્લૂ પર એક આર્મી સ્ટેશન છે જ્યાં મેડિકલ સુવિધાઓ પણ છે. અહીં એક દુકાન પણ છે જ્યાં તમે હાથના ગ્લોવ્ઝ, શિયાળાના કપડા, મેગી અને અન્ય જરુરી સામાન લઇ શકો છો.
થોડોક સામાન લીધા પછી અમે ખારદુંગલા પાસ તરફ જવાનો નિર્ણય કર્યો. રસ્તામાં અમે ત્રણ વાર લપસ્યા, પરંતુ નસીબ સારુ કે પહાડ પરથી પડ્યા નહીં. દૂર દૂર સુધી બરફના પહાડ સિવાય કંઇ જ નહોતુ દેખાઇ રહ્યું. વધુ એક વાર ખરાબ રીતે લપસ્યા બાદ બાઇકની પાછળની બ્રેક જામ થઇ ગઇ અને ઠંડીના કારણે અમારુ શરીર જામવા લાગ્યું. આ સાથે જ અમે ઘાયલ થયા વિના પાછા લેહ ઉતરવાનું નક્કી કર્યું. પહાડોના વળાંકદાર રસ્તા પરથી બાઇક ફક્ત આગળની બ્રેકના ભરોસે ઉતારી રહ્યા હતા. અને જેમતેમ કરીને અમે દક્ષિણી પુલ્લૂ પહોંચી ગયા. ઠંડીની ઋતુમાં અને ચા પીને ગરમી મેળવવાનું વિચાર્યું તો ખબર પડી કે પહાડોના વળાંકદાર રસ્તાથી ઉતરતી વખતે મારુ પર્સ ક્યાંક પડી ગયું છે. દુકાનદારે સલાહ આપી કે પહાડી રસ્તા પર બાઇક ચલાવતી વખતે પાકિટ પાછળના ખિસ્સામાં ન રાખો. જો કે, અમે દક્ષિણ પુલ્લૂના આર્મી સ્ટેશન અને તે દુકાનની બહાર ઉભેલા કેટલાક અન્ય પર્યટકો તેમજ ડ્રાઇવરોને ખોવાયેલા પર્સ અંગે જણાવી દીધું હતું. પછી મોટરસાયકલને પહેલા ગિયરમાં ધીમે-ધીમે ફક્ત આગળની બ્રેકના ભરોસે લેહ શહેરમાં પાછા લઇ ગયા. શું જબરજસ્ત અનુભવ રહ્યો!
હિમાલયની ઊંચાઇઓ પર પ્રામાણિક લોકો
કારણ કે મારા બધા રૂપિયા (લગભગ 5000 રુપિયા) અને બધા ડેબિટ / ક્રેડિટ તેમજ ઓળખ કાર્ડ પર્સમાં જ હતા, એટલે સવાર પડતા જ મેં પહેલા પોતાના બધા કાર્ડ બંધ કરાવી દીધા અને ઓરિએન્ટલ ગેસ્ટ હાઉસના ખાતામાં કેટલાક રુપિયા જમા કરાવી દીધા જેથી ગેસ્ટ હાઉસ અને ટેક્સીનું ભાડું ચુકવી શકું. લેહના લોકોના નૈતિક ધોરણો એટલા ઉચ્ચ હતા કે તેમણે મને પૈસા પછીથી ચૂકવવાનું પણ કહ્યું. મને એમ પણ કહ્યું કે જો કોઇ લદ્દાખના ડ્રાઇવરને તમારુ પર્સ મળશે તો તે તમારા સુધી તેને પહોંચાડી પણ દેશે. અને વિચારો બીજા દિવસે શું થયું હશે? બીજા દિવસે મારી પાસે એક ડ્રાઇવરનો ફોન આવ્યો જેને મારુ પાકિટ મળી ગયું હતું. મારુ સરનામુ જાણીને તે સાંજે મારા ગેસ્ટ હાઉસ સુધી આવી ગયો અને મને મારુ પાકિટ પાછુ મળી ગયું. પાકિટમાં બધી વસ્તુઓ સલામત હતી. જ્યારે હું તેને કેટલાક રુપિયા આપવા લાગ્યો તો તેણે રુપિયા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. લેહના લોકોએ મને ખુબ પ્રભાવિત કર્યો. તે ટેક્સીવાળાનો નંબર + 91-9419242940 છે. જો તમે લેહમાં ટેક્સી કરવાનું વિચારી રહ્યા છો તો આ ડ્રાઇવરનો સંપર્ક જરુર કરો.
લેહ-શ્રીનગર: બીજા દિવસે અમે એર ઇન્ડિયાના વિમાન દ્ધારા શ્રીનગર તરફ નીકળી ગયા. આ વિમાન માત્ર બુધવારે ઉપડે છે અને ખર્ચો 2500 રુપિયા છે.
અમે લેહ કેવી રીતે પહોંચ્યા?
અમે શ્રીનગર પહોંચીને અહીંથી લહે માટે એર ઇન્ડિયાનું વિમાન (એઆઇ-447) પકડ્યું. આ વિમાનની સૌથી ખરાબ વાત એ છે કે આ ફક્ત બુધવારે જ ઉડે છે પરંતુ સૌથી સારી વાત એ છે કે ઑફ સીઝનમાં સસ્તામાં ટિકિટ (રુ.2000 પ્રતિ વ્યક્તિ) હોય છે. જો કે અમે રોડ ટ્રિપ જ કરવા માંગતા હતા કારણ કે અમને ખબર હતી કે રોડ ટ્રિપ ઘણી જ લોભામણી અને પ્રાકૃતિક સુંદરતાથી ભરેલી હશે, પરંતુ સમયની કમીના કારણે અમે રોડ દ્ધારા ન જઇ શક્યા.
લેહમાં ક્યાં રોકાશો
અમે ઓરિએન્ટલ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, જે શાંતિ સ્તૂપની બરોબર નીચે છે. અમારો નાસ્તો અને ડિનર રૂમના ભાડામાં સામેલ હતું. અહીં કેટલાક રૂમમાં સેન્ટ્રલ હિટિંગ સિસ્ટમ પણ હતી, એટલે કે જો તમે શિયાળામાં અહીં રોકાવા માંગો છો તો અહીં ઠંડીથી બચવાની સારી વ્યવસ્થા છે. આ હોમ સ્ટેના લોકો ઘણાં જ વિનમ્ર અને સરળ સ્વભાવના છે.
લેહમાં હરવા-ફરવાનું સાધન
લેહમાં બાઇક સહેલાઇથી ભાડે મળી જાય છે. એક ટેક્સી યૂનિયન પણ છે જેણે ટેક્સીના ભાડા નિર્ધારિત કર્યા છે. તમને લેહમાં ટેક્સીના ભાડા ભારતના અન્ય રાજ્યો કરતાં વધારે લાગી શકે છે પરંતુ જ્યારે તમે અહીંનું હવામાન અને લદ્દાખના ઊંચા ભૂગોળ અંગે વિચારશો તો ભાડું વાજબી લાગશે. અમે ચંબાજીની (+ 91-9419537515 / + 91-9654503307) ઇનોવા ભાડેથી લીધી. ચંબાજી ઘણાં સારા વ્યક્તિ છે અને ઘણી સાવધાનીથી ગાડી ચલાવવાની સાથે જ તે આ વિસ્તારને પણ સારી રીતે ઓળખે છે. તમે તમારી મુસાફરી માટે પણ આમનો સંપર્ક કરી શકો છો.
જરુરી સામાન
સનગ્લાસ હોવા જ જોઇએ. સનસ્ક્રીન હોવા જોઇએ, અહીં બોરો પ્લસ ઘણું લોકપ્રિય છે. શિયાળાના કપડા, મોજા અને કાન પર ઢાંકવા માટે ટોપી જરુર રાખો. (જો તમે અહીં મોટરસાઇકલ ચલાવવા માંગતા હો તો)!
ટિપ- આરામ જરુર કરો
કારણ કે દુનિયામાં કેટલીક ઊંચી જગ્યાઓમાંની એક પર જઇ રહ્યા છો તો તૈયારી પૂરી રાખો. જો શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે હાઇ બ્લડ પ્રેશરની બીમારી છે, તો જતા પહેલા ડૉક્ટરની સલાહ જરુર લો. સ્વસ્થ લોકોએ પણ લેહ પહોંચીને એક-બે દિવસનો આરામ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે શરીરને અહીંના વાતાવરણને અનુકૂળ બનવા માટે સમય જોઇએ. અને હાં ખુબ પાણી પીવાનું ન ભૂલતા.