ગુજરાતીઓ માટે વર્ષમાં એક વખત પ્રવાસ કરવો એ પ્રાણવાયુ જેવી આવશ્યક બાબત છે. દેશ વિદેશમાં ક્યાંય પણ જાઓ તો તમને ગુજરાતી પર્યટક અચૂક મળશે. કોવિડ-૧૯ને કારણે હજુ નજીકના ભવિષ્યમાં પણ વિદેશ પ્રવાસ હજુ પહેલા જેટલા સામાન્ય નહિ બને. એવામાં જો તમને ભારતમાં જ ફ્રાંસ દેશની ઝાંખી મળે તો એનાથી સારું બીજું શું હોય શકે? મેં મારા પરિવાર સાથે ડિસેમ્બર ૨૦૧૮માં પોંડિચેરીની મુલાકાત લીધી હતી જે અલબત્ત એક ખૂબ જ યાદગાર સફર હતી. ચેન્નાઈથી નજીકમાં આવેલો આ કેન્દ્રશાસિત પ્રદેશ ચોક્કસપણે માણવા જેવો છે.
પોંડિચેરીને શું કામ ફ્રેંચ કેપિટલ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે?
સદીઓ પહેલા ભારતમાં માત્ર અંગ્રેજો જ નહિ, યુરોપના અનેક દેશોના લોકો વેપાર કરવા આવેલા. બ્રિટીશરોનો વ્યાપ વધુ હતો એટલે ભારતનાં મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજોનું શાસન હતું. દીવ, દમણ અને ગોવા પોર્ટુગલ શાસન હેઠળ હતું જ્યારે પોંડિચેરીમાં ફ્રાંસની સત્તા હતી. દેશ આઝાદ થયાનાં ૧૫ વર્ષ બાદ, ૧૯૬૨ માં ફ્રાન્સ અને ભારત વચ્ચે થયેલા કરાર બાદ પોંડિચેરી ભારતનો હિસ્સો બન્યું.
અહીંનાં અમુક રસ્તાઓ કે ઇમારતો પણ હજુ ફ્રેન્ચ નામ ધરાવે છે. પોંડિચેરીની પ્રથમ ભાષા તમિલ છે, પણ તે એક કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે લોકો હિન્દી અને અંગ્રેજીનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરે છે. ફ્રેંચ કોલોની રહી ચૂકેલા પોંડિચેરીમાં અમુક લોકો આજે પણ ફ્રેંચ ભાષા જાણે છે.
દિવસ ૧:
સવારે પોંડિચેરીમાં આગમન. હોટેલ જઈને નાસ્તો કર્યો અને ફ્રેશ થયા. અમે પહેલા દિવસે નાસ્તા અને જમવા માટે પૂરતાં થેપલા લઈને ગયા હતા. બપોર પહેલા નજીકમાં જ આવેલા રૉક બીચ પર લટાર મારી. બીચ પર ઠીકઠાક માત્રામાં પ્રવાસીઓ હતા અને દરિયામાં દૂર ઘણી સ્ટીમર્સ પણ દેખાઈ રહી હતી. દરિયો ખૂબ ચોખ્ખો કહી શકાય તેવો નહોતો પણ ખરાબ પણ નથી. ખુશનુમા આબોહવા હોય તો અહીં બેસીને લાંબા સમય સુધી શાંતિથી કુદરતને માણી શકાય છે. તે બીચની નજીકમાં જ આકર્ષક આર્કિટેક્ચર ધરાવતી પોંડિચેરીની સરકારી કચેરીઓ આવેલી હતી તેની પણ બહારથી મુલાકાત લીધી.
અમારી હોટેલની નજીકમાં જ ફ્રેંચ કોલોની હતી ત્યાં લટાર મારવાની ખૂબ મજા આવી. ઈમારતોની બનાવટ હજુ આજેય યુરોપિયન શૈલીની ઝાંખી દર્શાવે છે. થોડી ક્ષણો માટે એવું લાગે કે જાણે આપણે ભારતમાં છીએ જ નહિ! શાનદાર, આકર્ષક ઇમારતોનાં અમે ખૂબ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા.
સાંજે અંધારું થાય તે પહેલા અહીં આવેલા સુવિખ્યાત અરવિંદ આશ્રમની મુલાકાત લીધી. મહર્ષિ અરવિંદની સમાધિ ધરાવતા આ આશ્રમમાં ગજબની શાંતિનો અનુભવ થાય છે. ૧૯૨૬ માં બનાવવામાં આવેલો આ આશ્રમ એ ધ્યાન અને આધ્યાત્મમાં રુચિ ધરાવતા લોકો માટે સ્વર્ગ-સમાન જગ્યા છે. દેશ-વિદેશમાંથી લોકો આ અલૌકિક શાંતિની અનુભૂતિ કરવા આ આશ્રમની મુલાકાત લે છે. આશ્રમની નજીકમાં આવેલી દુકાનોમાં નાંની-મોટી ઘણી ગિફ્ટ્સ મળે છે. પોંડિચેરીનાં સંભારણા તરીકે પોતે રાખવા કે પછી કોઈને ભેટ આપવા અહીંથી ખરીદી કરવાની બહુ મજા આવે છે.
દિવસ ૨:
સવારે માત્ર પોંડિચેરી મ્યુઝિયમની મુલાકાત લીધી. ફરીથી થોડો સમય અરવિંદ આશ્રમમાં પસાર કર્યા બાદ હોટેલ પાછા ફર્યા. બપોરે ૧.૪૫ વાગે અમારે ‘ઓરોવીલ ટૂર’ માટે નીકળવાનું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાનાં લોકો માટે ધ્યાન સાધનાની શ્રેષ્ઠ જગ્યા એવું ઓરોવીલ ઇન્ફોર્મેશન સેન્ટર આમ તો પોંડિચેરીથી નજીક તમિલનાડુમાં આવેલું છે પણ ઓરોવીલ સેન્ટર, માત્રીમંદિર ગાર્ડન, એમ્ફી થિએટર અને હનુમાન મંદિર જેવા સ્થળોની મુલાકાત કરાવતી એક ટુર નિયમિત ધોરણે પોંડિચેરીથી બપોરથી સાંજ સુધી લઈ જવામાં આવે છે જેનું ડિસેમ્બર ૨૦૧૮માં શુલ્ક ૧૦૦ રૂ પ્રતિવ્યક્તિ હતું.
તમિલનાડુનાં વિલુપુરમ જિલ્લામાં આવેલું ઓરોવીલ એક એવી ટાઉનશિપ છે જ્યાં જગતભરમાંથી લોકો અમુક મહિનાઓ માટે ધ્યાન કરવાના હેતુથી રોકાણ કરવા આવે છે. ૧૯૬૮ માં મહર્ષિ અરવિંદનાં સાથી એવા મીરા અલફસા (જેમને ‘માતા’ કે ‘ધ મધર’નાં નામે ઓળખવામાં આવે છે) દ્વારા કરવામાં આવી હતી. આ જગ્યાનું ભૂમિ પૂજન કરવા ૧૦૦ થી પણ વધુ દેશોમાંથી માટી લાવવામાં આવેલી અને આજે ૧૦૦ કરતાં વધુ દેશોના લોકો અહીં આધ્યાત્મનો અવર્ણનીય અનુભવ કરવા આવે છે. આ નગરની બરોબર મધ્યે આવેલું ‘માત્રી મંદિર’ ધ્યાન માટે બનાવવામાં આવેલી એક વિશેષ રચના છે. અહીંની બનાવટ એ રીતે કરવામાં આવી છે કે કોઈ પણ વીજળી વગર દિવસ દરમિયાન અહીં પૂરતો પ્રકાશ રહે છે. અંદર જવા માટે અગાઉથી મંજૂરી લેવી પડે છે અને તે પણ બહુ જ મર્યાદિત હોય છે એટલે અમે પણ માત્ર બહારથી જ માત્રી મંદિર જોયું. આ જગ્યાએ ઘણી મોટી સંખ્યામાં આંતર-રાષ્ટ્રીય પ્રવાસીઓની હાજરી જોવા મળે છે.
સાંજે ફરીથી દરિયાકિનારે બેસીને અમે હોટેલ પાછા ફર્યા.
રોકાણ અને ભોજન માટે:
અમે સમર્પણ યાત્રી ભવનમાં રોકાયા હતા જે કોઈ ગુજરાતી દ્વારા જ સંભાળવામાં આવે છે. નાના –મોટા, એસી તેમજ નોન-એસી રૂમો ઉપલબ્ધ છે. ઘણાં જ મોકળા રૂમ ધરાવતી આ હોટેલમાં ગુજરાતીઓ સિવાયના પ્રવાસીઓ પણ રહે છે પણ ગુજરાતીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. હોટેલ સાથે જ એક નાનકડું ફૂડ કોર્નર જોડાયેલું છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે, અગાઉથી વાત કરવામાં આવે તો તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરી આપે છે. એ સિવાય પણ પોંડિચેરીમાં ઘણી નાની-મોટી હોટેલ્સ ઉપલબ્ધ છે, તેમજ કેટલીક શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંમાં પણ સારું ભોજન મળી રહે છે.
સોલો ટ્રીપ, રોમેન્ટિક ટ્રીપ કે પછી ફેમિલી ટ્રીપ, પોંડિચેરી કોઈને પણ નિરાશ નથી કરતું. દરેક ઉંમરનાં વ્યક્તિઓ કે કોઈ પણ પ્રકારના પ્રવાસ અહીં એન્જોય કરી શકાય છે. ઓછા ખર્ચે, રહેવા, ખાવા અને ભાષાની કોઈ પણ તકલીફ વિના જો ફ્રાન્સની ઝલક જોવી હોય તો પોંડિચેરી એક અવિસ્મરણીય પ્રવાસ બની રહેશે. કોવિડ-૧૯ બાદ પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે આ સુંદર કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેવા તૈયાર છો ને?