આ 5 કારણોને લીધે લાંબા રોકાણ માટે પણ પોંડિચેરી બેસ્ટ છે!

Tripoto

ત્રણ બાજુ તમિલનાડુ રાજ્ય અને એક બાજુ સમુદ્રથી ઘેરાયેલું પોંડિચેરી એ દક્ષિણ ભારતમાં આવેલો એક નાનકડો કેન્દ્રશાસિત પ્રદેશ છે. દક્ષિણ ભારતનો પ્રવાસ કરતાં સૌ પ્રવાસીઓ આ અનોખા સ્થળને પોતાની ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરવા ઈચ્છે છે.

Photo of આ 5 કારણોને લીધે લાંબા રોકાણ માટે પણ પોંડિચેરી બેસ્ટ છે! 1/2 by Jhelum Kaushal

અલબત્ત, પોંડિચેરી એક જરુર ફરવાલાયક જગ્યા છે. પણ બે દિવસમાં અમે આ ફ્રેંચ કેપિટલની મુલાકાત લીધી ત્યારે એવો અનુભવ થયો કે આ માત્ર ફરવાની જ નહિ, લાંબો સમય રોકાવાની જગ્યા છે!! ચાલો, તમને તેના કારણો જણાવું:

1. આધ્યાત્મ અને આધુનિકતાનો અદભૂત સંગમ

પોંડિચેરી શહેર આજે સૌથી પ્રસિદ્ધ છે તેનું સૌથી મોટું કારણ અરવિંદ આશ્રમ છે. જાણીતા આધ્યાત્મિક ગુરુ શ્રી અરવિંદ અને તેમના ફ્રેંચ અનુયાયી કે જેને ધ મધર તરીકે ઓળખવામાં આવતા હતા- તેમનો આ આશ્રમ છે. પોંડિચેરીમાં જેટલા યુવાન ટ્રાવેલર્સ જોવા મળે તેટલા જ પ્રૌઢ પ્રવાસીઓ પણ જોવા મળે છે તેનું મૂળ કારણ અરવિંદ આશ્રમ. અલબત્ત, તમે અહીંની મુલાકાત લેશો ત્યારે નવાઈ લાગશે કે આશ્રમમાં ધ્યાન કરવા માટે અહીં માત્ર ભારત જ નહિ, વિદેશથી પણ યુવાનો આવે છે. નજીકમાં જ આવેલું ઓરો વિલે પણ મેડિટેશન માટે લોકોનું પ્રિય સ્થળ છે.

સવાર-સાંજ અરવિંદ આશ્રમમાં ધ્યાન એ એક ખૂબ જ આધ્યાત્મિક અનુભવ છે. વળી, પોંડિચેરી પૂરતું વિકસિત શહેર છે. એટલે એમ કહી શકાય કે અહીં આધ્યાત્મ અને આધુનિકતાનો અદભૂત સંગમ છે!

2. ભાષાની કોઈ જ સમસ્યા નહિ

તમિલનાડુને અડીને આવેલું હોવા છતાંય પોંડિચેરી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે અહીં લગભગ બધા જ સ્થાનિકો કડકડાટ હિન્દી જાણે છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલ નાડુમાં, પ્રવાસ કર્યો તે લોકો બરાબર સમજતાં હશે કે ત્યાં ભાષાની કેટલી જટિલ સમસ્યા છે. તેવામાં હિન્દી ભાષામાં સરળતાથી વાતચીત કરતાં લોકો ઘણી મોટી રાહત લાગે.

Photo of આ 5 કારણોને લીધે લાંબા રોકાણ માટે પણ પોંડિચેરી બેસ્ટ છે! 2/2 by Jhelum Kaushal

3. ગુજરાતીઓની હાજરી

આમ તો ગુજરાતીઓની હાજરી ક્યાં નથી? તો પોંડિચેરી ક્યાંથી બાકાત રહે? શ્રી અરવિંદના આશ્રમમાં આમ તો દેશ વિદેશમાંથી લોકો આવે છે પણ તેમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી વધુ છે. અમુક ઉતારાઓ જ એવા છે જ્યાં તમને અઢળક ગુજરાતી પરિવારો જોવા મળશે. (અમે સમર્પણ યાત્રી ભવનમાં રોકાયા હતા જે આવું જ એક અનઓફિશિયલ ગુજરાતી સમાજ હતું) અને કદાચ એટલે જ અહીં વેજ રેસ્ટોરાં પણ પૂરતા પ્રમાણમાં છે.

4. ફ્રેંચ કેપિટલ ઓફ ઈન્ડિયા

ભારતના મોટા ભાગના વિસ્તારો પર જેમ અંગ્રેજોનુ શાસન હતું તેમ પોંડિચેરી પર ફ્રાંસનુ શાસન હતું. ભારતને સ્વતંત્રતા મળ્યાના આશરે એકાદ દાયકા બાદ પોંડિચેરી આઝાદ થયું. પોંડિચેરીની ગલીઓમાં તેમજ બાંધકામમાં યુરોપિયન સંસ્કૃતિની સ્પષ્ટ ઝાંખી જોવા મળે છે. ફ્રેંચ કોલોની એક ખૂબ જ આકર્ષક જગ્યા છે. જાણે તમે ફ્રાંસમાં જ પહોંચી ગયા હોવ!

જો તમને એવું લાગતું હોય કે પોંડિચેરીમાં લાંબુ રોકાણ બોરિંગ હશે, તો આ ફ્રેંચ કોલોનીની લટાર તમારી આ શંકા દૂર કરી દેશે.

5. નજીકમાં ફરવાની જગ્યાઓ

દક્ષિણ ભારતમાં પ્રવાસ દરમિયાન સામાન્ય રીતે લોકો ચેન્નાઈને બેઝ રાખીને પ્રવાસનું આયોજન કરતાં હોય છે. એટલે કે સૌથી વધુ રોકાણ ચેન્નાઈમાં અને રોજ સવારથી સાંજ આસપાસની જગ્યાઓ ફરવા જવાનું. પણ, આવું જ આયોજન પોંડિચેરીથી પણ થઈ શકે છે. નજીકમાં ઘણા સારા બીચ તો છે જ, તે સિવાય અહીંથી એક દિવસમાં ચેન્નાઈ અને એક દિવસ મહાબલીપુરમ જઈને પાછા આવી શકાય છે. ચેન્નાઈની સરખામણીમાં પોંડિચેરી સાવ નાનું શહેર છે એટલે અહીં અમસ્તા પણ અલગારી રખડપટ્ટી કરવાની મજા આવે છે.

તો હવે તમે કદાચ દક્ષિણ ભારતનાં પ્રવાસનું આયોજન કરો તો વધુમાં વધુ દિવસો પોંડિચેરી માટે અલાયદા રાખવા. Trust me, you won’t regret!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ