પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી

Tripoto

જાન્યુઆરી 2020માં ભાવનગરમાં અમારા લગ્ન થયા અને માર્ચ 2020માં મેરિડ કપલ તરીકેનું જીવન શરું થયું. ક્યાં? જે શહેરનું કોઇ દિવસ નામ જ નહોતું સાંભળ્યું એવા કર્ણાટક રાજ્યમાં આવેલા શિમોગા (શિવમોગ્ગા)માં.

Photo of Gujarat, India by Jhelum Kaushal

હસબન્ડની ટ્રેનિંગ માટે ગૂગલ પર જેટલી મળી એટલી માહિતી લઈને 15.03.2020 ના રોજ વહેલી સવારે અમે આ શહેરમાં આવ્યા. સવારે ૫ વાગે પહેલી વાર સ્ટેશન પર ઉતરીને મને કોઈ બોર્ડ ન દેખાતા (જે લખેલું હતું એ વાંચતા નહોતું આવડતું) મેં કોઈને પૂછ્યું હતું, "ઇઝ ધીસ શિમોગા?"

પહેલા જ દિવસે રવિવાર હોવાથી વીસેક કિમી દૂર આવેલા તુંગ અને ભદ્ર નદીના સંગમ સ્થાને આવેલા, દક્ષિણના કાશી તરીકે ઓળખાતા પ્રાચીન રામેશ્વર મંદિરની મુલાકાત લીધી. અમારા રહેવાની વ્યવસ્થા LIC ઓફિસના કેમ્પસમાં જ આવેલા ગેસ્ટ હાઉસમાં કરવામાં આવી હતી. પહેલું અઠવાડિયું તો સવાર સાંજ અમે અહી વોકિંગ ડિસ્ટન્સે આવેલી વેજ રેસ્ટોરન્ટમાં જમી આવતા.

Photo of Shivamogga, Karnataka, India by Jhelum Kaushal

૧૩મી માર્ચે એક બેગ લઈને ભાવનગરથી નીકળી એના દસમાં દિવસે નેશનવાઇડ લોકડાઉન જાહેર થયું.

Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal

પણ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુના દિવસથી અમારા જમવાની વ્યવસ્થા અટકી પડી. લોકડાઉનની શરુઆત થઇ અને અહીના લોકો રોજરોજ અમને અતિથિ દેવો ભવ:નો અનુભવ કરાવતા રહ્યા. આ જ કેમ્પસમાં આવેલા સ્ટાફ ક્વાટર્સમાં રહેતા એક સાહેબને ત્યાંથી અમારા માટે 4-5 દિવસ જમવાનું મોકલવામાં આવ્યું. છઠ્ઠે દિવસે મેં સંકોચ ભાવે તે સાહેબને ત્યાં જઈને પુછ્યું કે હું જાતે કંઈક બનાવી શકું? અમને બધી જ ટંક આટલા બધા ભાત ખાવા નથી ફાવતા. એમણે સહર્ષ સ્વીકાર કર્યો. અને એકાદ અઠવાડિયું મેં એમના રસોડામાં રસોઇ કરી.

Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal
Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal

એપ્રિલ મહિનાથી રૂમમાં જ જમવાનું બનાવવાની થોડી વ્યવસ્થા થઇ ગઈ હતી, પણ તાવડી તેર વાનાં માંગે! થોડું થોડું કરિયાણું લાવ્યા કરતા. કેમકે અહીંથી ક્યારે નીકળવાનું આવે તે અનિશ્ચિત હતું. અહીં પાડોશમાં હિન્દી-ઈંગ્લીશ જાણતા એકમાત્ર દીદી ક્યારેક રમૂજમાં કહેતા કે એમની નાનકડી દીકરીના રમકડાના 'કિચન સેટ'માં પણ મારી પાસે હતા એના કરતા વધારે વાસણ હશે. ફ્રીઝ હતું નહિ એટલે એક ટંકનું બનાવીને ફરજીયાત પૂરું જ કરવાનું.

કૌશલના સહકર્મીઓ સિવાય મોટા ભાગના લોકો સાથે કમ્યુનિકેટ કરવામાં તકલીફ પડતી હતી. કંઈક વસ્તુ લેવા ગયા હોઇએ અને રસ્તે ચાલતા કોઇક વ્યક્તિને બોલાવીને તેમની મદદથી દુકાનદારને અમારી વાત સમજાવી હોય એવું પણ બન્યું હતું. હિન્દી કે ઇંગ્લિશ એકેય ન આવડે તો ગૂગલ ટ્રાન્સલેશનનો સહારો લેવો પડે એવું પણ બન્યું. પણ શિમોગા જર્ની સ્મૂધ બની રહી એનું કારણ અહીંના લોકો. કેટલાય જાણ્યા-અજાણ્યા લોકોએ અમારી મદદ કરી.

જોકે કોવિડ-૧૯ને લીધે લાખો લોકોએ વેઠેલી અપાર મુશ્કેલીઓ સામે અમારી મુશ્કેલીઓ તો ઘણી જ સૂક્ષ્મ હતી.

Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal
Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal

શિમોગા જિલ્લામાં આવેલું અગુંબે- તે ચેરાપુંજી બાદ ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર છે. આપણા દેશમાં ભરપૂર વરસાદ સાથે પાવર-કટ ફ્રીમાં મળતી ગિફ્ટ છે. કેટલીય વાર લાઈટ જાય. પણ ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા કુટુંબીજનોની સરખામણીમાં શિમોગામાં પંખા વગર પણ ખાસ વાંધો ન આવતો એવી મસ્ત આબોહવા હતી. આસપાસમાં અઢળક જોવાલાયક જગ્યાઓ હતી. બધી જગ્યાએ તો ન જવાયું પણ અતિવિખ્યાત ધોધ- જોગ ફોલ્સ, ભારતનું બીજું સૌથી ઉંચુ મંદિર- મુરુડેશ્વર, સંસ્કૃત બોલતા લોકોનું ગામ- મત્તુર, વગેરે જેવી ઘણી જગ્યાઓ જોઈ શક્યા તેનો સંતોષ છે.

Photo of Jog Falls, Jog Falls, Karnataka, India by Jhelum Kaushal

જુલાઇ 2020માં કૌશલને જમશેદપુરમાં પોસ્ટિંગનો ઓર્ડર મળ્યો. નયનરમ્ય શિમોગાની ખૂબસુરત યાદો લઈને વાયા બેંગલોર અને રાંચીનાં ખાલીખમ એરપોર્ટ થઈને અમે સ્ટીલ સિટીમાં આવ્યાં. અહીં પણ બે મહિના ગેસ્ટહાઉસનાં એક રૂમમાં રહ્યા.

Photo of Kempegowda International Airport Bengaluru (BLR), KIAL Road, Devanahalli, Bengaluru, Karnataka, India by Jhelum Kaushal

બેંગલોર એરપોર્ટ

Photo of Kempegowda International Airport Bengaluru (BLR), KIAL Road, Devanahalli, Bengaluru, Karnataka, India by Jhelum Kaushal

14 Days Quarantine

એક બારીમાંથી જોયેલી જમશેદપુરની ઝલક:

૧૧ જુલાઈએ જમશેદપુર શહેરની હદ શરુ થાય છે ત્યાં જ પોલીસની છાવણીએ અમને આવકાર્યા અને અમને Home Quarantine કરવામાં આવ્યા. અમે શિમોગાથી આગલા દિવસે સાંજના નીકળેલા એટલે ઓફિસ ગેસ્ટહાઉસ સુધીનું પણ જમશેદપુર જોવાની ખાસ હોંશ નહોતી. આમેય હવે તો અહીં જ છીએ ને!

સાવ રોડ ઉપર આવેલા LIC ની માલિકીના બિલ્ડિંગના ત્રીજા માળે રોડ ઉપર ખુલતી બારી અને ઘણી જ મોકળાશવાળા એક રૂમમાં અમારો Quarantine Period શરુ થયો. એક જ દેશમાં હોવા છતાંય ગુજરાત કરતા એક કલાક પહેલા સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે એનો પણ એક રોમાંચ છે. પહેલા દોઢ-બે દિવસ તો કુંટુંબીઓને અમારી અપડેટ આપવામાં, જરૂરી સામાન રૂમમાં ગોઠવવામાં અને ભરપૂર ઊંઘમાં ક્યાં પસાર થઇ ગયા એ ખબર જ ન પડી. ખરો સમય એ પછી શરુ થયો.

Photo of Jamshedpur, Jharkhand, India by Jhelum Kaushal

મારું પર્સનલી એવું માનવું છે કે (વધુ પડતી) ફુરસતના સમયમાં મોબાઈલ, લેપટોપ, ટીવીએ લોકોને લોકડાઉન સર્વાઇવ કરવામાં ખૂબ મદદ કરી હતી. બધા જ કામ માટે મોબાઈલ ફોન્સ અમારી સંકટ સમયની સાંકળ બની રહ્યા.

જે કોઈ ચીજવસ્તુઓના ઓર્ડર આપ્યા હોય તેની ડિલિવરી આપવા ડિલિવરીમેન આવે એટલે બારીએ આવીને એમને એડ્રેસ સમજાવીએ. શિમોગાની સરખામણીએ અહીં એક સૌથી મોટી રાહત એ છે કે અમારે ફોન પર "I don't know Kannada"ની રેકર્ડ નથી વગાડવી પડતી.

Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal

સ્ક્રીન સામે બેસીને કંટાળીએ એટલે બારીએ ઉભા રહેવાનું અને બહારની ગતિવિધિઓ જોયા કરવાની. મેઈન સિગ્નલ પર કોઈ દિવસ ટ્રાફિક પોલીસને નથી જોયા પણ મોટા ભાગના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એવું મેં તારણ કાઢ્યું. જો કે બિંદાસ સિગ્નલ તોડવાવાળા લોકો પણ છે. અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકો હેલમેટ પહેરે છે. ૧૪માંથી ૮-૧૦ દિવસ સવારે દસેક વાગે ૪-૫ નાના નાના બાળકો આવે અને એક બંધ દુકાનની બહાર ઉભા રહીને પમ્પથી ફુગ્ગા ફુલાવે; સિગ્નલ પર ઉભેલા વાહનો પાસે ફુગ્ગા વેચવા જાણે તેમના પિતાશ્રીનો રોડ હોય એમ દોડાદોડી કરતા હોય છે.

નજર સામેથી આ રસ્તો અને દુકાનો પતે એટલે મસમોટા વૃક્ષો દેખાય. મેં જમશેદપુર વિષે ઘણું બધું વાંચ્યું એમાં એક વાતનો સતત ઉલ્લેખ છે કે અહીં જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે, એટલી જ હરિયાળી પણ છે.

Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal

અને આ બારીમાંથી છેલ્લે દેખાય કદાવર ભૂંગળાઓ. જેના પ્રતાપે દેશ અને દુનિયાના નકશામાં આ શહેર ટટ્ટાર ખડું છે એ ટાટા સ્ટીલ પ્લાન્ટ. દેશનું પ્રથમ planned city, સ્ટીલ સિટી, ટાટાનગર- આ બધા જ બહુમાન આ પ્લાન્ટને જ તો આભારી છે. કોઈ વખત ટાઈમપાસ કરવા કંઈ જ ન મળે તો એ ભૂંગળાઓની સંખ્યા ગણું. પ્લાન્ટમાં ધુમાડા કે વાદળને કારણે દરેક વખતે ભૂંગળાઓની સંખ્યા બદલાઈ જાય.

કોઈ વાર ટ્રેઈનનો પણ અવાજ સંભળાય છે. પણ નિયમિત નહિ. કદાચ અહીં એરપોર્ટ માત્ર ટાટા ગ્રુપના ઉપયોગ માટે છે તેમ ટાટા સ્ટીલ સુધી કોઈ અલગથી રેલવે ટ્રેક પણ હશે. શિમોગામાં વરસાદ રૂટિન હતો, જમશેદપુરમાં અહીં આવ્યાના દસેક દિવસ બાદ વરસાદ આવ્યો. પણ શિમોગાથી વિરુદ્ધ અહીં પાવરકટનો કોઈ જ પ્રશ્ન નથી. જમશેદપુર શહેરના અડધા કરતા વધુ વિસ્તારોના વીજળી, પાણી, રસ્તાઓ, સફાઈની વ્યવસ્થા ટાટા ગ્રુપની જ પેટા-કંપની JUSCO (Jamshedpur Utilities & Services Co Ltd) સંભાળે છે.

લિમિટેડ ટ્રાન્સપોર્ટેશન અને ૧૪ દિવસ quarantineનાં નિયમને કારણે મમ્મી પપ્પા ૨૦૦૦ કિમી દૂર આવી શકે એમ નહોતા એટલે અમે બે અને માત્ર બે જ માણસે ઘર વસાવ્યું. ઘણી જગ્યાએ છેતરાયાં પણ હશું તો ક્યાંક ‘આપ પકકે ગુજરાતી હૈ’ની શાબાશી પણ મળી.

દેશનાં વિવિધ પ્રાંતોમાંથી વ્યાપારઅર્થે જમશેદપુર આવેલા લોકોની ધંધાદારી પણ જોઈ અને ઝારખંડની મૂળ આદિવાસી પ્રજાની અપાર ગરીબી પણ. ઓલ થેંક્સ ટૂ ટાટાઝ, જમશેદપુર ઝારખંડ રાજ્યમાં સૌથી વધુ રોજગારી ધરાવતું નગર છે. તેમ છતાંય પુષ્કળ ગરીબી છે.

વક્ત મુશ્કિલ થા મગર જૈસે ભી વો બિત ગયા...

શિમોગા નજીકનું મુરુડેશ્વર મહાદેવ મંદિર

Photo of પશ્ચિમથી પૂર્વ વાયા દક્ષિણ: એક લોકડાઉન ઐસા ભી by Jhelum Kaushal

આખા વર્ષમાં એવી અઢળક ઘટનાઓ બની જેણે સતત ભાન કરાવ્યું કે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલું ઓછું છે. માંડ એકાદ વર્ષના લગ્નજીવનમાં અમારી પાસે અનુભવોનું મબલખ ભાથું છે. ક્યારેક કોઈ 'Most Thrilling Start of Married Life' નો એવૉર્ડ આપે તો અમારું નામ ચોક્કસ નોમિનેશનમાં હશે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ