અજાણ્યા શહેરમાં 14 Days Quarantine: એક બારીમાંથી જોયેલી જમશેદપુરની ઝલક

Tripoto

૧૧ જુલાઈ, 2020એ જમશેદપુર શહેરની હદ શરુ થાય છે ત્યાં જ પોલીસની છાવણીએ અમને આવકાર્યા. 'Institutional Quarantine' થવું પડશે એવું ફરમાન છોડ્યું. અમે Quarantine ની તૈયારી સાથે જ આવેલા પણ એમણે અમને પહેલા ૩ દિવસ Institutional Quarantine અને પછી ૧૪ દિવસ Home Quarantine થવા કહ્યું. આમ થાય તો કૌશલને જોઈનીંગની તારીખ પાછળ જાય. જોઈનીંગમાં મોડું ન થાય એટલે જ સ્તો જાન્યુઆરીમાં લગ્ન કરવા ખાલી ત્રણ રજા લઈને આવ્યો હતો. અમે બહુ આજીજી કરી, બધા ડોક્યુમેન્ટ્સ બતાવ્યા અને એકાદ બે LIC Officers સાથે વાત કરાવી એટલે અમારું લોકેશન ટ્રેસ કરવાની શરત સાથે અમને Institutional Quarantine ને બદલે સીધા Home Quarantine કરવામાં આવ્યા. અમે શિમોગાથી આગલા દિવસે સાંજના નીકળેલા એટલે ઓફિસ ગેસ્ટહાઉસ સુધીનું પણ જમશેદપુર જોવાની ખાસ હોંશ નહોતી. આમેય હવે તો અહીં જ છીએ ને!

Photo of Jamshedpur, Jharkhand, India by Jhelum Kaushal

સાવ રોડ ઉપર આવેલા LIC ની માલિકીના બિલ્ડિંગના ત્રીજા માળે રોડ ઉપર ખુલતી બારી અને ઘણી જ મોકળાશવાળા એક રૂમમાં અમારો Quarantine Period શરુ થયો. એક જ દેશમાં હોવા છતાંય ગુજરાત કરતા એક કલાક પહેલા સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે એનો પણ એક રોમાંચ છે. પહેલા દોઢ-બે દિવસ તો કુંટુંબીઓને અમારી અપડેટ આપવામાં, જરૂરી સામાન રૂમમાં ગોઠવવામાં અને ભરપૂર ઊંઘમાં ક્યાં પસાર થઇ ગયા એ ખબર જ ન પડી. ખરો સમય એ પછી શરુ થયો.

Photo of અજાણ્યા શહેરમાં 14 Days Quarantine: એક બારીમાંથી જોયેલી જમશેદપુરની ઝલક by Jhelum Kaushal

મારું પર્સનલી એવું માનવું છે કે (વધુ પડતી) ફુરસતના સમયમાં મોબાઈલ, લેપટોપ, ટીવીએ લોકોને લોકડાઉન સર્વાઇવ કરવામાં જેટલી મદદ કરી, એટલી બીજી કોઈ જ વસ્તુએ નથી કરી (જેમને WFH હતું તેમને કદાચ આ જ વસ્તુઓ ત્રાસજનક લાગી હશે). ૧૪ દિવસ quarantine રહેવું આકરું નથી લાગ્યું એ માટે સૌથી વધુ જવાબદાર પરિબળ આ ઉપકરણો. બધી જ સુવિધા આંગળીને ટેરવે છે તેનો યશ પણ આ જ સાધનોને આપવો ઘટે. દિવસમાં આટલો બધો મોબાઈલ મેં જીવનમાં ક્યારેય નહિ વાપર્યો હોય! જમવાનું મંગાવવા, છાપાં વાંચવા, એમાં virtually ક્રોસવર્ડ્સ ભરવા, ફિલ્મો કે વેબસીરીઝ જોવા, ઘર, વાહન, ફર્નિચર, ઇલેક્ટ્રિક હોમ એપ્લાયન્સની તપાસ કરવા, બધા જ કામ માટે મોબાઈલ ફોન્સ અમારી સંકટ સમયની સાંકળ બની રહ્યા.

Photo of અજાણ્યા શહેરમાં 14 Days Quarantine: એક બારીમાંથી જોયેલી જમશેદપુરની ઝલક by Jhelum Kaushal

જે કોઈ ચીજવસ્તુઓના ઓર્ડર આપ્યા હોય તેની ડિલિવરી આપવા ડિલિવરીમેન આવે એટલે બારીએ આવીને એમને એડ્રેસ સમજાવીએ. જમશેદપુરમાં લોકો પ્રથમ પુરુષ એકવચન માટે 'મેં' ને બદલે 'હમ' શબ્દ વાપરે છે: "હા મેડમ, હમ સિગ્નલ પે ખડે હૈ." મને ડર છે કે કદાચ અહીંના લોકો સાથે વાત કરતી વખતે હું પણ 'મેં'ને બદલે 'હમ' બોલતી થઇ જઈશ.

Photo of અજાણ્યા શહેરમાં 14 Days Quarantine: એક બારીમાંથી જોયેલી જમશેદપુરની ઝલક by Jhelum Kaushal

સ્ક્રીન સામે બેસીને કંટાળીએ એટલે બારીએ ઉભા રહેવાનું અને બહારની ગતિવિધિઓ જોયા કરવાની. મેઈન સિગ્નલ પર કોઈ દિવસ ટ્રાફિક પોલીસને નથી જોયા (એટ લિસ્ટ, અહીંથી તો નથી જ દેખાતા), પણ મોટા ભાગના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એવું મેં તારણ કાઢ્યું. જો કે બિંદાસ સિગ્નલ તોડવાવાળા લોકો પણ છે. અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકો હેલમેટ પહેરે છે. ૧૪માંથી ૮-૧૦ દિવસ સવારે દસેક વાગે ૪-૫ નાના નાના બાળકો આવે અને એક બંધ દુકાનની બહાર ઉભા રહીને પમ્પથી ફુગ્ગા ફુલાવે; સિગ્નલ પર ઉભેલા વાહનો પાસે ફુગ્ગા વેચવા જાણે તેમના પિતાશ્રીનો રોડ હોય એમ દોડાદોડી કરતા હોય છે. ૨૪*૭ આ રસ્તો વાહનોથી ધમધમ્યાં કરે છે, દિવસ આખો લોકોની ચહેલપહેલ અને આખી રાત મોટા મોટા ટ્રક્સ. નજર સામેથી આ રસ્તો અને દુકાનો પતે એટલે મસમોટા વૃક્ષો દેખાય. મેં જમશેદપુર વિષે ઘણું બધું વાંચ્યું એમાં એક વાતનો સતત ઉલ્લેખ છે કે અહીં જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે, એટલી જ હરિયાળી પણ છે.

Photo of અજાણ્યા શહેરમાં 14 Days Quarantine: એક બારીમાંથી જોયેલી જમશેદપુરની ઝલક by Jhelum Kaushal

અને આ બારીમાંથી છેલ્લે દેખાય કદાવર ભૂંગળાઓ. જેના પ્રતાપે દેશ અને દુનિયાના નકશામાં આ શહેર ટટ્ટાર ખડું છે એવો ટાટા સ્ટીલ પ્લાન્ટ. કૌશલના એક સ્થાનિક સહકર્મી અહીં મળવા આવ્યા ત્યારે તેમને અમે પૂછ્યું કે ગૂગલ મેપમાં ટાટા સ્ટીલ ૧.૫ જ કિમી દૂર બતાવે છે, આ દૂર જે દેખાય છે એ જ ટાટા સ્ટીલ છે? એમણે ગર્વભેર કહેલું, "જી, એ જ ટાટા સ્ટીલ પ્લાન્ટ છે." દેશનું પ્રથમ planned city, સ્ટીલ સિટી, ટાટાનગર- આ બધા જ બહુમાન આ પ્લાન્ટને જ તો આભારી છે. કોઈ વખત ટાઈમપાસ કરવા કંઈ જ ન મળે તો એ ભૂંગળાઓની સંખ્યા ગણું. પ્લાન્ટમાં ધુમાડા કે વાદળને કારણે દરેક વખતે ભૂંગળાઓની સંખ્યા બદલાઈ જાય. અહીં બીજો ત્રીજો દિવસ હતો ત્યારે જ દૂર દૂર સહેજ આગની જ્વાળાઓ દેખાણી, બહુ જલ્દી સમજાઈ ગયું કે આ પ્લાન્ટના કામનો હિસ્સો છે. નવરા બેઠા એવું ગેસવર્ક કરીએ કે એ આગ ક્યારે લાગશે. કોઈ વાર ટ્રેઈનનો પણ અવાજ સંભળાય છે. પણ નિયમિત નહિ. કદાચ અહીં એરપોર્ટ માત્ર ટાટા ગ્રુપના ઉપયોગ માટે છે તેમ ટાટા સ્ટીલ સુધી કોઈ અલગથી રેલવે ટ્રેક પણ હશે. શિમોગામાં વરસાદ રૂટિન હતો, જમશેદપુરમાં અહીં આવ્યાના દસેક દિવસ બાદ વરસાદ આવ્યો. પણ અહીં પાવરકટનો કોઈ જ પ્રશ્ન નથી. જમશેદપુર શહેરના અડધા કરતા વધુ વિસ્તારોના વીજળી, પાણી, રસ્તાઓ, સફાઈની વ્યવસ્થા ટાટા ગ્રુપની જ પેટા-કંપની JUSCO (Jamshedpur Utilities & Services Co Ltd) સંભાળે છે.

સાવ નવા શહેરમાં ૧૪ દિવસ quarantine period ધાર્યા કરતા ઘણો જ enjoyable હતો, બેમાંથી એકેયને સહેજ પણ કંટાળો નથી આવ્યો. એક બારીમાંથી સતત 14 દિવસ જોઈને ધારણા બાંધેલી કે ટાટા ગ્રુપ દ્વારા 100 કરતાં વધુ વર્ષથી સચવાતું દેશનું પ્રથમ planned city ખૂબ નિરાળું છે.

અમે છેલ્લા એક વર્ષથી જમશેદપુર રહીએ છીએ. અને સાચે જ, આ શહેર ખૂબ સુંદર છે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads