માર્ચ 2020માં મારા હસબન્ડના ઓફિસના કામથી અમે એક મહિના માટે કર્ણાટકમાં આવેલ શિમોગા શહેરમાં આવેલા. લોકડાઉનને લીધે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને અમારે જુલાઇ સુધી શિમોગા જ રહેવું પડ્યું. અમે આવ્યા તે પછીના અઠવાડિયાથી જ લોકડાઉન શરુ થયેલું જેથી આ શહેરમાં ૩ મહિનાથી રહેતી હોવા છતાં એક રીતે અજાણ્યું જ હતું.
લગભગ ૩ મહિને હું બહાર નીકળી. શિમોગા (જેને અહીં સ્થાનિક લોકો શિવમોગ્ગા કહે છે, અને સત્તાવાર રીતે બંને નામ માન્ય છે)ની બાજુમાં જ મત્તુર નામનું એક ગામ આવેલું છે જ્યાં લોકો હજુ આજે ૨૦૨૦માં પણ સંસ્કૃત ભાષામાં વાત કરે છે તે વાત મને અત્યંત રોમાંચક લાગેલી. અમે એક સહકર્મી પાસેથી તેનું સ્કૂટર લઇ શિમોગાથી મત્તુર ગયા. શિમોગા શહેર બેંગલોરથી ૩૧૧ કિમી દૂર આવેલું છે અને ત્યાંથી ૮-૧૦ કિમીના અંતરે, તુંગ નદીના કિનારે આ મત્તુર નામનું ગામ છે. ચોમેર હરિયાળીથી ઘેરાયેલી પાક્કી સડક વીંધીને શિમોગાથી મત્તુર પહોંચી શકાય છે.
શિમોગાથી અમે બે-ત્રણ વ્યક્તિઓનો કોન્ટેક નંબર લઈને ગયેલા પણ તે પૈકી કોઈ જ તે સમયે મત્તુરમાં હાજર નહોતું. ગામમાં લોકોને પૂછતાં પૂછતાં અમે એક સંસ્કૃત શિક્ષિકા પાસે પહોંચ્યા. પાંચેક હજારની વસ્તીનું ગામ, અમને કન્નડ આવડે નહિ, એટલે મોટા ભાગના લોકો સમજી ગયેલા કે અમે એમની આ સંસ્કૃત વિશેષતા વિષે જાણવા આવ્યા હતા. મત્તુરના લોકો માટે બહારના લોકો તેમના ગામની મુલાકાતે આવે તે સહેજ પણ નવાઈની બાબત નથી. હિસ્ટરીથી માંડીને ડિસ્કવરી, વિદેશીઓથી માંડીને ભારતીયો સુધીના કેટલાય નામી-અનામી ચેનલો-લોકોએ આ ગામની મુલાકાત લીધેલી છે. મત્તુર એક ઘણું નાનું કહી શકાય એવું ગામ છે એટલે અહીં કોઈ ખાસ પર્યટન સ્થળ હોવાને કોઈ જ અવકાશ નથી. પણ સદીઓથી અહીંના લોકો દ્વારા બોલવામાં આવતી સંસ્કૃત ભાષાને કારણે આ ગામ સ્વયં એક પર્યટન સ્થળ બની રહે છે. સંસ્કૃત શિક્ષિકા શાલિની બહેને મત્તુર વિષે અમને કેટલીક રસપ્રદ વાતો જણાવી.
મત્તુરમાં હિન્દુ ધર્મ અનુસાર તમામ વર્ણના લોકો વસે છે, નાનકડા ગામમાં કેટલાક મુસ્લિમ પરિવારો પણ છે. આ તમામ લોકો પૈકી ૭૦થી ૮૦% લોકો કડકડાટ સંસ્કૃત જાણે છે જેમાં અબાલવૃદ્ધ સૌનો સમાવેશ થઇ જાય છે. શાળાઓમાં બાળકોને બાલમંદિરથી સંસ્કૃત શીખવવામાં આવે છે. સંસ્કૃત શીખવવા બીજી કોઈ પણ ભાષાના અનુવાદનો આશરો લેવામાં નથી આવતો. એટલે એક તો આમ પણ ગામનું વાતાવરણ અને શાળામાં અનુવાદ વગર શીખવવામાં આવતી ભાષા, તેને કારણે બાળકોના મનમાં સંસ્કૃત ભાષા બરાબર છપાઈ જાય છે. બધા જ ધર્મના, તમામ વર્ણના બાળકો સાથે બેસીને સંસ્કૃત ભાષા શીખે છે. શરૂઆતમાં સાવ પ્રાથમિક કક્ષાનું, રોજિંદી વાતચીતમાં વપરાતું સંસ્કૃત ભણાવવામાં આવે છે જેનું ધીમે ધીમે સ્તર ઊંચું આવતું જાય છે અને વિદ્યાર્થીઓ વિવિધ વેદ અને શ્લોકોનો અભ્યાસ કરે છે.
બ્રાહ્મણોની સંખ્યા મત્તુરમાં સૌથી વધુ છે અને તે લોકો રોજિંદા જીવનમાં 'સાંકેતી' બોલીનો ઉપયોગ કરે છે. આ બ્રાહ્મણો આજથી ૫-૬ સદીઓ પહેલા આજના તામિલનાડુ અને કેરળ રાજ્યની સીમા પર આવેલા કોઈ ગામમાંથી અહીં સ્થળાંતરિત થયા હતા. આથી તેઓ તમિલ, સંસ્કૃત, કન્નડ અને મલયાલમની મિશ્ર બોલી બોલે છે. સાંકેતીની કોઈ લિપિ નથી, તે માત્ર બોલી જ છે. પણ આ બોલીની વિશેષતા એ કે તેનો ઉપયોગ માત્ર ગામમાં વસતા બ્રાહ્મણો પોતાના ઘર કે સમુદાયના લોકો વચ્ચે જ કરે છે. અન્ય કોઈ સાંકેતી નથી બોલતું. મત્તુરના બ્રાહ્મણો સિવાયના લોકો સંસ્કૃત અને કન્નડ બોલે છે.
મત્તુરમાં હિન્દુ બાળકીઓ કે સ્ત્રીઓ માટે ચાંદલો કરવો ફરજીયાત છે. ન્હાઈને પહેલું કામ ચાંદલો કરવાનું. પહેલાના સમયમાં માત્ર કંકુનો ચાંદલો જ કરતા, હવે આધુનિક બિંદી પણ સ્વીકાર્ય છે. પણ શરત એટલી જ કે તિલક વગરનું કપાળ ન હોવું જોઈએ.
કોઈ પણ નવપરિણીત સ્ત્રી કોઈના ઘરમાં પહેલી વાર આવે (ભલે ગમે તે કારણોસર) તો એને અને એના મંગળસૂત્રને કંકુથી ચાંદલો કરીને મીઠાઈ ખવડાવે છે અને નાનકડી ભેટ આપે છે. (મને આવી કોઈ જ પરંપરાનો અણસાર નહોતો. પણ એક ગામડે જઈ રહ્યા હતા એટલે પરંપરાગત રીતે તૈયાર થવું સારું એમ માનીને સલવાર-કુર્તી જ પહેર્યા હતા, મંગળસૂત્ર પણ પહેરેલું અને કપાળે ચાંલ્લો પણ કરેલો. ત્યાં જઈને થયું કે સારું કર્યું ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગઈ એ. મત્તુરના લોકો રૂઢિચુસ્ત સહેજ પણ નથી પણ પોતાની સંસ્કૃતિ સાથે તેમને બહુ જ લગાવ છે તે સ્પષ્ટપણે જોઈ શકાતું હતું). મેં તે બહેનને કહ્યું પણ ખરું, "સારું કર્યું હું ચાંલ્લો કરીને ને મંગળસૂત્ર પહેરીને આવી." તેમણે હસતા મોઢે જવાબ આપ્યો, "અમારા ગામની જે પ્રથા છે તે તમે પણ અનુસરો એવી અમારી કોઈ જ અપેક્ષા નથી. સૌભાગ્યવતીને કંકુથી ચાંલ્લો કરવાનો અમારે ત્યાં રિવાજ જ છે. હા, મંગળસૂત્ર પહેર્યું એ સારું કર્યું." મોટાભાગના બ્રાહ્મણ પુરુષોએ પણ તિલક કરેલા હોય તેવું જોવા મળે પણ તેમની માટે ફરજીયાત નથી. ગ્રામજનોના રોજિંદા જીવનમાં પૂજા-પાઠનું પણ આગવું સ્થાન છે. ધાર્મિક ગ્રંથો અને વેદો વિષે અહીંના લોકો નિષ્ણાત તો નહિ, પણ જાણકાર જરૂર છે.
સંસ્કૃત ભાષાની અસર કહો કે પછી ગમે તે પણ મત્તુરમાં ક્રાઇમ-રેટ ઝીરો છે. ચોરી, લૂંટ, મારામારી કશું જ નહિ. અંદરોઅંદર ક્યારેક કોઈ વાતમાં ઝઘડી પડે તો અંદરોઅંદર જ સમાધાન કરી લેવામાં આવે. કોઈ ઝઘડાઓ ગ્રામ-પંચાયત સુધી પણ નથી પહોંચતા! ગામમાં એટલી બધી શિસ્ત અને ભાઈચારો છે કે ૫૦૦૦ લોકોની વસ્તી ધરાવતા મત્તુરમાં એક પણ પોલીસ સ્ટેશન નથી. અને એવું નથી કે આ નાનકડું ગામ પછાત હશે. દરેક ઘરમાં એક એન્જીનીયર છે. ગામડાની સરખામણીએ મોટા ભાગના ઘરોમાં કાર છે.
ગામમાં કોઈ કોલેજ નથી એટલે કોલેજ માટે મોટા ભાગના યુવાનો શિમોગા જાય છે, ઘણા યુવાનો ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર, દિલ્હી, મુંબઈ કે વિદેશ જતા હોય તેવા પણ ઉદાહરણ છે. (લોકડાઉનને કારણે શાલિની બહેનના બેંગ્લોર રહેતા દીકરો-વહુ પણ મત્તુરમાં હાજર હતા જેઓ બંને એમ.ટેકની ડિગ્રી ધરાવે છે). મત્તુરના યુવાનો ભારતમાં કે ભારત બહાર ક્યાંય પણ સ્થાયી થાય અને તેમની આસપાસના લોકોને ખબર પડે કે તેઓ 'Sanskrit Speaking Village'માંથી આવે છે તો તેમની અચરજનો પાર નથી રહેતો.
એક નાનું સુઘડ ગામ એવું મત્તુર એ વાતની સાબિતી આપે છે કે સંસ્કૃત ભાષાને કારણે તેમની માનસિકતા બહુ જ ઉદાર અને આધુનિક છે. આ ગામની મુલાકાત લેનાર કોઈ પણ વ્યક્તિ અહીંથી પાછા ફરતા મત્તુરનો 'ફેન' બની જતો હશે તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ છે.
.