વિકાસનું સમાનાર્થી તેવું ગુજરાત વ્યાપાર ક્ષેત્રમાં તો કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું જ છે, પરંતુ પર્યાવરણના સંરક્ષણની વાત ક્યાંક પાછળ રહી જાય છે.
હવે આવું નહિ રહે. આપણા રાજ્યનો એક જિલ્લો પણ સત્તાવાર રીતે ‘પ્રાકૃતિક જિલ્લો’ ઘોષિત થવા જઈ રહ્યો છે.
પ્રાકૃતિક જિલ્લો એટલે શું?
કોઈ પણ કેમિકલ અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ખેતી કરવી તેને ઓર્ગેનિક ફાર્મિંગ કહેવાય છે. આખા પ્રદેશમાં (અહીં- જિલ્લામાં) આવેલા બધા જ ખેતરોમાં રસાયનયુક્ત ખાતરનો ઉપયોગ કર્યા વગર સંપૂર્ણપણે કુદરતી રીતે ખેતી કરવામાં આવે તો તે જિલ્લાને ઓર્ગેનિક ડિસ્ટ્રિક્ટ (પ્રાકૃતિક જિલ્લો) જાહેર કરવામાં આવે છે.
આવી કુદરતી/ જૈવિક ખેતી માટે દેશી ગાયનું ગોમૂત્ર અને છાણમાં પાણી, ગોળ, ચણાનો લોટ ઉમેરીને ખાતર બનાવાય છે અને તેના દ્વારા ખેતી કરવામાં આવે છે. આ ખેતી કરવાની એક અલગ પદ્ધતિ છે જેમાં જમીનમાં પાક વાવતા પહેલા જમીનને ખેડતી વખતે જ ખાતર નખાય છે. ત્યારપછી પાક ઊગ્યા બાદ જરુર પ્રમાણે વધારે ખાતર નાખવામાં આવે છે. કેમિકલથી પકવવામાં આવેલા ફળો અને શાકભાજી અનેક રોગોને આમંત્રણ આપે છે જ્યારે આ ખાતરથી થતાં પાકથી કોઈ જ આડઅસર થતી નથી.
શું કામ ડાંગ?
અઢળક કુદરતી સંસાધનોથી ભરપૂર આદિવાસી જિલ્લો ડાંગ એ ગુજરાતનાં દક્ષિણે આવેલો એક નાનકડો જિલ્લો છે.
ગુજરાતનાં રાજ્યપાલ પદે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ થયા બાદ તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી, એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગનો પ્રચાર-પ્રસાર કરવાનું નક્કી કર્યું હતું અને તેની શરૂઆત કરવા માટે ખૂબ જ નૈસર્ગિક સંપત્તિ ધરાવતા ડાંગની પસંદગી કરી.
કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી કુલ વિસ્તારમાં 77 ટકા જંગલ, 2205 પ્રકારનાં ફૂલો અને 400થી વધુ પ્રકારની વનસ્પતિ ધરાવે છે. છેલ્લા 2 વર્ષથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા પ્રયાસ હાથ ધરાતા જિલ્લાના 12 હજાર ખેડૂતો તેમની 57 હજાર હેકટર જમીનમાં આ પ્રકારની ખેતી કરે તેવા પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. ડાંગમાં અત્યારે આશરે 19,600 હેકટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે. ડાંગમાં શૉ-પીસ તરીકે વપરાતું અને 15 દિવસ સુધી કરમાઇ નહીં તેવું એન્થોરીયમ ફલાવર થાય છે. ઉપરાંત 12થી13 જાતના ચોખા, ચણા, નાગલી, રાજગરો, અડદ, મગ, મગફળી, ચણા, વટાણા, તુવેર થાય છે.
જૈવિક ખેતીથી શું ફાયદો થશે?
ખેડૂતો રાસાયણિક ખાતરથી ખેતી કરે તો તેમને ખર્ચ થાય છે,આ કૃષિમાં ખાતર ખેડૂતો દેશી ગાયના છાણ-ગૌમુત્રથી તૈયાર થતું હોવાથી જીરો બજેટથી ખેતી થશે તેવો રાજય સરકાર દાવો કરે છે. ઉપરાંત રાસાયણિક ખાતરથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, જે આ ખેતીમાં ઘટશે નહીં. પ્રાકૃતિક કૃષિથી બે વર્ષમાં જમીન ફળદ્રુપ થઇ જતી હોવાથી પાક ઉત્પાદન વધે છે. પાક રાસાયણિક ખાતર વગરનો હોવાથી તેનો બજાર કિંમત વધારે મળે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે એટલે બજેટ વધુ ફાળવાશે. ચાલુ નાણાંકીય વર્ષમાં રાજયમાં પ્રાકૃતિક કૃષિ માટે રૂ. 225 કરોડનું બજેટ ફાળવાયું છે.
માહિતી/સંદર્ભ: દિવ્ય ભાસ્કર
.