
આ સૃષ્ટિના રચિયતા કહેવાતા ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને 'ॐ' (ઓમ)નું પ્રતીક માનવામાં આવે છે. ઓમનું નિરાકાર સ્વરુપ ધરતી પર પહેલીવાર રાજસ્થાનમાં સાકાર થયું છે. રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ તાલુકાના જાડન ગામમાં ઓમની આકૃતિવાળુ શિવ મંદિર લગભગ બનીને તૈયાર છે. ભગવાન શિવની આરાધનાના મહિના શ્રાવણમાં જાઓ ઓમ આશ્રમ અંગે.

250 એકરમાં ફેલાયેલો છે ઓમ આશ્રમ
વન ઇન્ડિયા હિંદી સાથે વાતચીતમાં ઓમ આશ્રમ જાડનના સચિવ સ્વામી ફુલપુરીએ જણાવ્યું કે વિશ્વદીપ ગુરુકુળમાં સ્વામી મહેશ્વરાનંદના આશ્રમમાં ઓમની આકૃતિવાળા ભવ્ય શિવ મંદિરનું નિર્માણ છેલ્લા 25 વર્ષથી ચાલુ છે. અંદાજે 250 એકરમાં ફેલાયેલા આશ્રમની વચ્ચોવચ આ મંદિરને બનાવાયું છે.

ચાર ખંડોમાં વિભાજીત છે ઓમ આકૃતિનું શિવ મંદિર
પાલીના ગામ જાડનમાં સ્થિત ઓમ આકૃતિવાળુ આ શિવ મંદિર ચાર ખંડોમાં વિભાજીત છે. એક આખો ખંડ ભૂગર્ભમાં બનેલો છે જ્યારે ત્રણ ખંડ જમીનની ઉપર છે. વચ્ચોવચ સ્વામી માધવાનંદની સમાધિ છે. ભૂગર્ભમાં સમાધિની ચારેબાજુ સપ્ત ઋષિઓની મૂર્તિઓ છે.

1995માં થયો હતો શિલાન્યાસ
ઓમ આશ્રમ જાડન પાલીનું નિર્માણ ઉત્તર ભારતની નાગર શૈલી સ્થાપત્ય કળા તેમજ વાસ્તુ કળાના આધાર પર કરવામાં આવી રહ્યું છે. લગભઘ અડધો કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ઓમની આકૃતિના આ શિવ મંદિરનું નિર્માણ કાર્ય 1995માં શરુ થયું હતું. તે સમયે શિલાન્યાસ સમારોહમાં દેશભરમાં સાધુ સંતોએ ભાગ લીધો હતો.

શિખર પર બ્રહ્માંડની આકૃતિ
રાજસ્થાનના આ ઓમ આશ્રમમાં ભગવાન શિવની 1008 અલગ-અલગ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. મંદિર પરિસરમાં કુલ 108 કક્ષ છે. તેનું શિખર 135 મીટર ઊંચું છે. સૌથી વચ્ચે ગુરુ મહારાજ સ્વામી માધવાનંદની સમાધિ છે. સૌથી ઉપરના ભાગમાં મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે. તેની ઉપર બ્રહ્માંડની આકૃતિ બનાવાઇ છે.

2021-2022માં ઓમ આશ્રમના ઉદ્ઘાટનની આશા
ઓમ આશ્રમના સચિવ સ્વામી ફૂલપુરીના અનુસાર વિશ્વના એકમાત્ર ઓમ આકૃતિવાળા આ શિવ મંદિરનું નિર્માણ કાર્ય 95 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. હાલ લાઇટ ફિટિંગ, પીવાનું પાણી વગેરેનું કાર્ય અંતિમ તબક્કમાં છે. લગભગ ચારસો લોકો આ કાર્યમાં લાગેલા છે. વર્ષ 2021-2022માં ઓમ આશ્રમનું ઉદ્ઘાટન થવાની આશા છે.

ઓમ આશ્રમમાં યોગા વિશ્વવિદ્યાલય પણ
દેશના સૌથી અનોખા ॐ આકૃતિવાળા જાડન આશ્રમમાં શિવાલય ઉપરાંત શ્રી માધવાનંદ યોગા વિશ્વવિદ્યાલય પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. ચાર માળની આ ઇમારતમાં સ્કૂલ-કૉલેજ પણ હશે. તેનું નિર્માણ વિશ્વદીપ ગુરુકુળ ટ્રસ્ટ તરફથી કરાવાઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે આશ્રમના નિર્માણમાં ધૌલપુરના બંશી પહાડના પથ્થરનું કામ લેવામાં આવ્યું છે.

કેવી રીતે પહોંચશો ઓમ આશ્રમ
જાડન પાલી રાજસ્થાન
જાડન આશ્રમ પાલીથી પસાર થતા નેશનલ હાઇવે 62 પર રોડ કિનારે સ્થિત છે. તેની નજીકનું એરપોર્ટ જોધપુર છે, જે અંદાજે 71 કિલોમીટર દૂર છે. જાડન આશ્રમ ટ્રેન દ્ધારા પહોંચી શકાય છે. દિલ્હીથી અમદાવાદની વચ્ચે ચાલનારી ટ્રેનમાં મારવાડ જંકશન સુધીની મુસાફરી કરવી પડશે. મારવાડ જંક્શન અહીંથી 23 કિલોમીટર છે. પાલી-સોજત રુટ પર ચાલતી બસોના માધ્યમથી જાડન આશ્રમ પહોંચી શકાય છે.