એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની

Tripoto

વીસમી સદીની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગપતિ RD ટાટાના પુત્ર જહાંગીર રતનજી દાદાભોય ટાટા (JRD ટાટા)એ 15 વર્ષની નાની ઉંમરે ફ્રાંસમાં સર્વ પ્રથમ વખત હવાઈ મુસાફરીનો અનુભવ કર્યો. હવાઈ યાત્રા અને તેના સારથિ- એ વિમાનના પાઇલટને JRD કુતૂહળતાપૂર્વક નિહાળી રહ્યા. ભારતને સતત કઈક આપવા પ્રતિબદ્ધ તેવા ટાટા વંશના આ બાળકે તે જ દિવસે નક્કી કર્યું કે મોટો થઈને તે એક પાઇલટ બનશે!

કોને ખબર હતી કે આ નાનકડી ઘટના ઇતિહાસ સર્જશે?

JRDએ તેમના આ સપનાંની નજીક જવા નવ વર્ષ રાહ જોવી પડી. તેઓ 24 વર્ષના થયા ત્યારે તેમના વતન બોમ્બેમાં ભારતીય ઉપખંડના પ્રથમ ફ્લાઈંગ કલબની શરૂઆત થઈ. આ ક્લબમાં ‘નંબર-1’ કક્ષા સાથે પાસ થઈને ફ્લાઈંગ લાયસન્સ મેળવનારા JRD પ્રથમ ભારતીય હતા. આમ, JRD ભારતનાં સર્વ પ્રથમ પાઇલટ હતા જેણે ભારતને સર્વ પ્રથમ એરલાઇનની ભેટ આપીને આ દેશને નવી ઉડાન ભરવા પાંખો આપી.

Photo of એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની 1/6 by Jhelum Kaushal

તે વર્ષો અવનવા પ્રયોગો કરવાના વર્ષો હતા. વર્ષ 1930માં આગા ખાને જાહેરાત કરી હતી કે જે ભારતીય ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સોલો ઉડાન ભરશે તેને 500 પાઉન્ડનું ઈનામ આપવામાં આવશે. બે વ્યક્તિઓની નિષ્ફળતા પછી ઇંગ્લેન્ડથી એસ્પાય એન્જિનિયર નામનાં યુવાને ભારત ભણી ઉડાન ભરી અને તેના એક સપ્તાહ પછી આ બાજુ કરાચીથી 26 વર્ષના JRDએ ઉડાન ભરી. JRDની ઈજિપ્તમાં એસ્પાય સાથે મુલાકાત થઈ જેની યાત્રામાં કોઈ સાધનની કમીને લીધે બાધા આવી હતી. JRD એ તેમને પોતાના સ્પેર સ્પાર્ક પ્લગસ આપ્યા હતા. JRDની મદદથી તેઓ ઈંગ્લેન્ડ પહોંચે તે પહેલા જ એસ્પાય એન્જિનિયર કરાચી પહોંચી ગયા અને આ સ્પર્ધાના વિજેતા બન્યા. અલબત્ત, JRDના મનમાં તો કોઈ બીજી જ યોજના ઘડાઈ રહી હતી.

અંતે એ ઘડી આવી! ઓકટોબર 1932ની એક વહેલી સવારે કરાંચીથી બોમ્બે આવવા એક વિમાને ઉડાન ભરી અને આ સાથે ભારતમાં ટાટા એરલાઇનના શ્રી ગણેશ થયા. કોઈ અંગ્રેજના સૂચનથી JRDએ ટાટા ગ્રુપના ચેરમેન દોરબજી ટાટાને તે સમયે 2,00,000 રૂનું રોકાણ કરવા મનાવ્યાં હતા.

Photo of એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની 2/6 by Jhelum Kaushal
Photo of એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની 3/6 by Jhelum Kaushal
Photo of એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની 4/6 by Jhelum Kaushal
Photo of એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની 5/6 by Jhelum Kaushal
Photo of એર ઈન્ડિયા બન્યા પહેલા ટાટા એરલાઇનની સફળતાની કહાની 6/6 by Jhelum Kaushal

કરાંચીથી આ ઉદ્યોગ શરુ કરવાનું કારણ એ કે ઇંગ્લેન્ડથી માલ-સામાન સાથે આવેલું Imperial Airwaysનું છેલ્લું વિમાન કરાંચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

જમીન પર કે આકાશમાં કોઈ પણ આધુનિક સુવિધા વગર JRDએ આ ક્રાંતિકારી પગલું લેવાની હામ ભરી હતી. કોઈ રેડિયો, નેવિગેશન કે લેન્ડિંગ થવાના માર્ગદર્શનની વાત તો છોડો, બોમ્બેમાં ફ્લાઇટ લેન્ડ કરવા નાનકડું એરોડ્રોમ પણ નહોતું!

વર્ષ 1933-34ના Directorate of Civil Aviation (DCA) of Indiaના વાર્ષિક રિપોર્ટમાં ટાટા એરલાઇન વિષે નોંધ કરવામાં આવી હતી કે એક વર્ષની નિયમિત ફ્લાઇટ્સમાં, હવામાનની ગમે તેવી પરિસ્થિતિ હોવા છતાં, એક પણ ફ્લાઇટ સમય કરતાં મોડી નહોતી પહોંચી. કરાંચીથી મદ્રાસ વાયા બોમ્બે સમયસર પહોંચવાના 100% રેશિયો ધરાવવો એ ખૂબ મોટી સિદ્ધિ હતી. સંપૂર્ણ સમયસૂચકતા!

ટાટા દ્વારા સરકાર પાસે સાવ નગણ્ય રકમની સબસિડીની માંગણી કરવામાં આવી હતી જે માટે સરકારે ના પાડી દીધી હતી. પણ JRDને આ ક્ષેત્રનો વિકાસ થવાની ભરપૂર શ્રદ્ધા હતી. પરિણામે ટાટા દ્વારા નાગરિકો પાસેથી માત્ર Imperial Airways ખાતે મેઈલ-સ્ટેમ્પનો જે ચાર્જ થતો તે જ વસૂલ કરવામાં આવતો.

સતત દોઢ દાયકા સુધી આ એરલાઇન ટાટા ગ્રુપની શાખ અને નૈતિકતા પ્રમાણે સફળતાપૂર્વક ચાલતી રહી.

બીજા વિશ્વયુદ્ધે પણ ટાટા એરલાઇન્સને નબળી ન પડવા દીધી. વર્ષ 1946માં ટાટા એરલાઇન્સ એક લિસ્ટેડ કંપની બની જેને નવું નામ મળ્યું: Air India. તે પછીના બે વર્ષમાં જ્યારે દેશ વિભાજનની પીડામાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે 51% શેર સાથે સરકારે આ એરલાઇન પોતાના હસ્તગત કરી. સ્વતંત્ર ભારતમાં ખાનગી કંપની અને સરકાર વચ્ચે થયેલી આ સર્વ પ્રથમ ડીલ હતી. 8 જૂન 1948 ના રોજ વિખ્યાત ‘મહારાજા’ના લોગો સાથે એર ઈન્ડિયા ઇન્ટરનેશનલના પ્રથમ વિમાને ઉડાન ભરી હતી.

એર ઈન્ડિયા બની ગયા હોવા છતાં JRDને પોતાના પરસેવાના પરિણામ સમાન એવિએશન ક્ષેત્ર સાથે ખૂબ લગાવ હતો. 73 વર્ષ બાદ આજે ફરીથી જ્યારે એર ઇન્ડિયાનું સુકાન ટાટા ગ્રુપના હાથમાં આવ્યું છે તે JRD માટે કેટલી મોટી અંજલિ કહેવાય તે સમજી શકાય છે.

માહિતી: Wings for a Nation (Tata.com)

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ