ભારતનું પ્રથમ Planned City, સ્ટીલ સિટી, મીની બોમ્બે જેવા બહુમાન ધરાવતું જમશેદપુર ઉદ્યોગો અને હરિયાળીના સહઅસ્તિત્વનો એક વિશેષ દાખલો છે. જમશેદજી ટાટાના સ્વપ્નનું નગર આજે એક સદી કરતા પણ વધુ વર્ષોથી ભારતનું Industrial Hub બની રહ્યું છે. પારંપરિક પર્યટન સ્થળો કરતા કંઈક જુદો અનુભવ કરવો હોય તો કુછ દિન તો ગુઝારો ટાટાનગર મૈ.
"યાદ રહે, વિશાળ સડકની બંને બાજુ ઘટાટોપ વૃક્ષો હોવા જોઈએ. બાગ-બગીચાઓ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. અમુક જગ્યાઓ ફૂટબોલ, હોકીના મેદાનો અને બાગ માટે અલાયદી રાખવી. મંદિર, મસ્જિદ અને ચર્ચ બનાવવા પણ અલગથી જોગવાઈ રાખવી." ૧૯૦૨માં, સાકચી નગરની ભાળ મળ્યાનાં પાંચ વર્ષ અગાઉ, જમશેદજી ટાટાએ સ્ટીલ સિટીની બ્લુપ્રિન્ટ આપેલી અને ટાટા ગ્રુપના પ્રથમ ચેરમેન દોરાબજી ટાટાએ પોતાના પિતાના આ શબ્દોનું અક્ષરશઃ પાલન કર્યું.
૧૯મી સદીના અંતમાં માન્ચેસ્ટર ખાતે કાપડ ઉદ્યોગનો વ્યાપ જોતા જમશેદજીને ભારતના અર્થતંત્રને ઉપર લાવવા ભારતમાં વિશ્વ કક્ષાની સ્ટીલ ફેક્ટરી સ્થાપવાનો વિચાર આવ્યો. ૩ માર્ચ, ૧૮૩૯માં નવસારીમાં જન્મેલા જમશેદજી નુસરવાનજી ટાટાનો મૂળ વિચાર મધ્ય ભારતમાં કોઈ યોગ્ય પ્રદેશ શોધીને ભારતમાં (તે સમયે બ્રિટિશ ઇન્ડિયામાં) ત્યાં લોખંડ પોલાદના ઉદ્યોગની શરૂઆત કરવાનો હતો. આ માટે મધ્ય ભારતમાં શોધ પણ આરંભી હતી. પણ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગ્રેડેડ ઓફિસર પી.એન.બોઝે તેમને પૂર્વ તરફ આમંત્રિત કર્યા. બોઝના સૂચનને માન આપતા, મુખ્ય પ્રણેતાઓ દોરાબજી ટાટા અને શાપૂરજી સાંકળાટવાલા કેટલાક નિરીક્ષકોના સંગાથે હાલ ઓરિસ્સા રાજ્યમાં આવેલા મયૂરભંજ રજવાડામાં ગયા અને તેની આસપાસના વિસ્તારોમાં શોધ આદરી. ડિસેમ્બર ૧૯૦૭માં આ નિષ્ણાતોએ સ્ટીલ પ્લાન્ટ માટે બિહારના જંગલોમાં સુવર્ણરેખા અને ખરકાઈ નદીના સંગમે વસેલા એક શાંત નગર સાકચી પર પસંદગીનો કળશ ઢોળ્યો. ૧૯૦૮માં ટાટા સ્ટીલની સ્થાપના થઇ.
ટાટા સ્ટીલ પ્લાન્ટનો આસપાસનો વિસ્તાર તે પછીના એકાદ દાયકામાં અદભુત પરિવર્તનોનો સાક્ષી બન્યો. દેશ વિદેશથી આવેલા કેટલાય નિષ્ણાતોએ જમશેદજીએ તૈયાર કરેલી બ્લુપ્રિન્ટને વાસ્તવિકતામાં મઢી અને ભારતને દેશના સર્વ પ્રથમ 'Planned City'ની ભેટ મળી.
એક પારસીની દૂરદ્રષ્ટિ, અમેરિકનનું પ્લાનિંગ, જર્મન વનસ્પતિશાસ્ત્રીનું નૈસર્ગીક આયોજન સાથે રચાયેલા સાકચીનું એક અંગ્રેજે નામકરણ કર્યું. ૨જી જાન્યુઆરી ૧૯૧૯ના રોજ આ સ્ટીલ સિટીની મુલાકાતે આવેલા ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ચેમ્સફર્ડએ જાહેરાત કરી, "આ શહેરનું નામ બદલવામાં આવશે અને તે અહીંના સ્થાપકનું નામ ધારણ કરશે. સદીઓ સુધી આ શહેર તેના સ્થાપક- જમશેદજી ટાટાને હંમેશા યાદ કરતું રહે તે માટે આજ પછી સાકચીને 'જમશેદપુર'ના નામે ઓળખવામાં આવશે."
વાઇસરોય દ્વારા ૨જી જાન્યુઆરી, ૧૯૧૯એ કરવામાં આવેલી જમશેદપુરના નામકરણની જાહેરાત જમશેદજી ટાટાનાં જન્મદિવસ ૩ માર્ચ, ૧૯૧૯થી અમલી બની. વર્ષ ૨૦૧૯માં ૩જી માર્ચે જમશેદપુરે પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઉજવ્યો.
૧૯૨૦માં લોરેન્સ સેમ્યુઅલ ડ્યુરેલે જમશેદપુરની મુલાકાત લીધી અને તેણે ટાટા સ્ટીલની જનરલ ઓફિસ અને શહેરની પ્રખ્યાત ટાટા મેઈન હોસ્પિટલનું નિર્માણ કર્યું. ૧૯૩૫માં ટાટા સ્ટીલમાં બહારથી કામ કરવા આવતા પારસી યુવાનોના રહેઠાણની વ્યવસ્થા માટે ટાટા સ્ટીલના પ્રથમ ભારતીય ચીફ કેશિયર ખુરશેદ માણેકજી ભરૂચાએ 'રિગાલ મેન્શન'નું નિર્માણ કરાવ્યું. આ એક અદ્વિતીય બાંધકામ છે. ૧૯૪૦માં જમશેદપુરના વહીવટી અધિકારીએ TISCO ના એક અગ્રણી કોન્ટ્રાક્ટરના પુત્ર જ્હોન ડિકોસ્ટા સમક્ષ તેમની કંપની માટે ૬ મહિનામાં એક હોટેલ બનાવી આપવાનો પ્રસ્તાવ રજુ કર્યો. જ્હોન ડિકોસ્ટાએ પહેલેથી જ તૈયાર હોટેલ પ્લાનનો ઉપયોગ કરીને આકર્ષક 'બુલવાર્ડ હોટેલ' ઉભી કરી આપી. આર્કિટેક્ચરનો કમાલ કહી શકાય એવા ઘણા બાંધકામો આજે પણ જમશેદપુરમાં અડીખમ છે.
જમશેદપુર શહેરના આંગણે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની/ ટાટા સ્ટીલ (TISCO), ટાટા એન્જીનીયરીંગ એન્ડ લોકોમોટિવ કંપની/ ટાટા મોટર્સ (TELCO), ટાટા પાવર, ટાટા કમિન્સ, લાફાર્જ સિમેન્ટ, ટેલ્કોન, BOC ગેસ, ટાટા કન્સલ્ટિંગ એન્જીનીયર્સ લિમિટેડ (TCE), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS), ટિમકેન, ટાટા રોબિન્સ ફ્રઝર (TRF ) લિમિટેડ, ટીનપ્લેટ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ (TCIL), વગેરે જેવા કેટલાય ઉદ્યોગો ધમધમે છે.
ઘણી વાર જમશેદપુરને 'આધુનિક ભારતનું એક સૂક્ષ્મ ઉદાહરણ' (microcosm of modern India) તરીકે ઓળખવામાં આવે છે કેમકે છેલ્લા સો વર્ષમાં દેશના તમામ પ્રદેશોમાંથી તમામ ધર્મ, ભાષા, સંસ્કૃતિના લોકો અહીં સ્થળાંતરિત થાય છે. રોજેરોજ બદલાતા આ શહેરે અહીંની મૂળ આદિવાસી સંસ્કૃતિ પણ કાળજીપૂર્વક સાચવી રાખી છે. વિવિધતામાં એકતાનું સચોટ ઉદાહરણ પૂરું પડતી અહીંની cosmopolitan પ્રજાની મુખ્ય ભાષા હિન્દી છે. અલબત્ત, બંગાળ અને બિહારથી નજીક હોવાના પરિણામે લોકોની હિન્દીમાં બંગાળી ભાષાનો પ્રભાવ અને બિહારી લહેકાની છાંટ જોવા મળે છે.
ઝારખંડ રાજ્યમાં, સમુદ્રસપાટીથી ૪૦૦ ફુટની ઉંચાઈએ, પૂર્વ સિંહભૂમ જિલ્લામાં પર્વતો અને જંગલોની કુદરતી સમૃદ્ધિ વચ્ચે આવેલું અને રાજ્યનું સૌથી વધુ વિકસિત શહેર એવું જમશેદપુર ૬૪ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ઉત્તરે સુવર્ણરેખા અને પૂર્વે ખરકાઈ નદી વહે છે. અહીં ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૪' છે, જે શિયાળામાં ૬' નીચું જાય છે. નવેમ્બરથી માર્ચ એ જમશેદપુરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. સડકમાર્ગે તેમજ રેલમાર્ગે (રેલવે સ્ટેશનનું નામ: ટાટાનગર) જમશેદપુર પહોંચવા દેશભરમાં પુષ્કળ બસો અને ટ્રેઇન્સ ઉપલબ્ધ છે. જમશેદપુરનું એરપોર્ટ માત્ર ટાટા ઉદ્યોગના અંગત ઉપયોગ માટે છે, નાગરિકો માટે હવાઈમાર્ગે જમશેદપુર પહોંચવા ઝારખંડની રાજધાની રાંચીનું બિરસા મુંડા એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી ખાનગી વાહનો ઉપરાંત રાંચીથી બસ અથવા ટ્રેઈન દ્વારા જમશેદપુર પહોંચી શકાય છે.
૧૯૦૮માં ટાટા સ્ટીલની સ્થાપના થઇ તે સમયે જંગલ જેવું સાકચી નગર જમશેદપુર શહેરમાં પરિવર્તિત થયું તે યશનો સંપૂર્ણ હકદાર ટાટા વંશ છે. ટાટા વંશ માટે પુષ્કળ માન ધરાવતા જમશેદપુરમાં નાના મોટા વેપારીઓના રોજગારના સ્થળોએ, સ્થાનિકોના ઘરમાં કે ઇવન મંદિરમાં પણ ટાટા વંશના વ્યક્તિઓના ફોટોઝ જોવા મળે છે. જમશેદપુર નિવાસી માટે 3 માર્ચ એ સૌથી મહત્વનો દિવસ છે કેમકે આ દિવસને ઉજવવા એક સપ્તાહ માટે આખું શહેર સજાવવામાં આવે છે.
કોઈ ખાનગી કંપનીના વહીવટ હેઠળ એક શહેરની સ્થાપના અને તેનો વિકાસ થાય તો તે કેટલી હદે પરફેક્ટ બની શકે તેનું જમશેદપુર શ્રેષ્ઠ ઉદાહરણ છે.
.