કુંબલાંગી
કેરળના કોચીની નજીક માછીમારોનું એક નાનકડું ગામ છે જે આજ સુધી ખાસ લાઇમલાઇટમાં નહોતું. પણ જ્યારથી કેરળ સરકારે આ ગામને મોડેલ ફિશિંગ વિલેજ ઘોષિત કર્યું છે ત્યારથી આ ગામ તરફ પ્રવાસીઓનું વિશેષ ધ્યાન ખેચાયું છે. આ ગામ આજે કેરળની સંસ્કૃતિ જોવા માટે અને પરંપરાગત સ્થાનિક ભોજન માણવા માટે શ્રેષ્ઠ જગ્યાઓમાંનું એક બની ચૂક્યું છે.
પ્રવાસીઓ માટે આકર્ષણ:
મોડેલ ફિશિંગ વિલેજ બન્યા બાદ આ પદવીને લાયક બનવા આ ગામે પોતાનામાં ઘણાં જરૂરી ફેરફારો કર્યા છે.
માછીમારી અને ચીની જાળ:
મોટા ભાગે અહિયાં માછીમારો રહેતાં હોવઅને કારણે માછીમારીની પરંપરાગત કળાનાં દર્શન થઈ શકે છે. માછલીઓને પકડવા માટે અહિયાં ચીની જાળનો ઉપયોગ કરવામાં આવે છે. મુસાફર પણ પોતાનું નસીબ અજમાવીને માછલી પકડવાનો પ્રયત્ન કરી શકે છે.
જીવનનિર્વાહની પરંપરાગત પદ્ધતીઓ શીખો:
સ્થાનિક લોકોના જીવનને સમજવા માટે અહિયાં અનેક પ્રકારના પ્રદર્શન યોજવામાં આવે છે, જેમકે, નાળિયેરના છોતરાં કાઢવા, ટોકરીઓ, માટીના વાસણો અને દોરડા બનાવવા,વગેરે. સ્થાનિક સ્ત્રીઓ દ્વારા છત બનાવવા માટે નાળિયેરના પાનને સિવવામાં આવે છે જે જોવાનો લહાવો લેવા જેવો છે.
સોનેરી દોરડાનો સ્પર્શ:
નાળિયેરની જટા એટલે કે સોનેરી દોરી એ કેરળની સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પૌરાણિક સમયથી ચાલી આવતી આ પ્રથામાં નાળિયેરની જટાને પાણીમાં ભીના કરીને તેમાંથી જાદુઇ રીતે દોર કાઢવામાં આવે છે જે ખરેખર જોવાલાયક છે.
હોડીઓમાં ગામડાઓની સફર:
ગામડું એક ટાપુ જેવુ હોવાથી તેણી ચારે તરફ પાણીમાં હોડીઓથી સફર ખેડી શકાય છે. ક્યારેક આ હોડીના નાવિક પણ તમારા માટે ગાઇડની સેવા પૂરી પાડે છે. શાંત પાણી અને ઠંડા પવન સાથે ગામડાના જ લાકડામાંથી બનાવાયેલી આ હોડીઓની સફર તમને ઘર જેવી જ લાગણી આપે છે.
સ્વાદનો આનંદ:
કુંબલાંગી ગયા હોઈએ અને કેરલનું ખાણું ન ખાઈએ એવું તો બને જ કઈ રીતે! પ્રવાસીઓ માટે અહિયાં અસલી સમુદ્રી ભોજનની વ્યવસ્થા મળી રહે છે. કેરળના ભોજનમાં ઉપયોગમાં લેવાતા વધુ પડતાં મસાલાઓથી જો ગભરાટ થતી હોય તો અહિયાં એ ડર રાખવાની જરૂર નથી કેમકે અહિયાં ઓછા મસાલા વાળું ભોજન જ બનાવવામાં આવે છે. લોકો અહી લાઈવ ઝીંગાની લહેજત માણે છે. સાથે નાળિયેર પાણી તો ખરું જ.
કલાગ્રામમ
કલાગ્રામમ એ કુંબલાંગીનું અન્ય એક આકર્ષણ છે. કલાગ્રામમ એટલે કે "કળાનું ગામ". કલાકારોના આ ગામમાં માછલી પકડવાના લાકડાના ઓજારો અને અન્ય હસ્ત શિલ્પકલાના સાધનો જે વિશ્વ વિખ્યાત છે તે જોવા મળે છે.
આજુ બાજુ ફરવા લાયક સ્થળો:
કુંબલાંગીથી ૧૨ કિમી દૂર આવેલ ફોર્ટ કોચિ એ પહેલાના સમયમાં વ્યાપરનું સ્થળ હતું. અહિયાં રંગીન શહેર દૂર રહી જાય છે અને પ્રાચીન શહેરના દર્શન થાય છે. પાતળી ગલીઓ અને તૂટેલા ઘર અહીનો ગૌરવશાળી ઇતિહાસ યાદ કરાવે છે. કિલ્લામાં પ્રવેશતા જ પ્રવાસીઓ બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ શાસનકાળનાં અવશેષો જોઈ શકે છે. પોર્ટુગીઝોએ બનાવેલો હોવાને કારણે કિલ્લાના નામ પણ પોર્ટુગીઝ છે. અહિયાં ભારતનાં સૌથી જૂન ચર્ચમાંનું એક એવું યુરોપીય પ્રકારનું સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ પણ આવેલું છે. અહિયાં વાસ્કો ડી ગામા નું અંતિમ સ્થળ પણ આવેલું છે જેણે સદીઓ પહેલા ભારતમાં પગ મૂક્યો હતો. ફોર્ટ કોચી ઇતિહાસ નું એક અજોડ પાનું છે.
કુબલાંગીથી થોડે દૂર મતાનચેરીમાં જૈન, ગુજરાતીઓ અને કોંકણી લોકો રહેતાં હોવા છતાં અહિયાં યહૂદી લોકોની વધુ છાપ જોવા મળે છે.
ભારતનું સૌથી જૂનું એવું યહૂદી સાઈનાગોગ - યહૂદી પ્રાર્થના સ્થળ અહિયાં આવેલું છે. પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરતાં ઘણાં યહૂદીઓ અહી આજે પણ રહે છે.
અહીનો ડચ મહેલ પણ જોવા લાયક છે જેનું નામ માત્ર ડચ છે બાકી તેનું બાંધકામ તો કેરલનું જ છે. આ મહેલની સુંદરતા જોવા જેવી છે.
થ્રિપુનિઠુંરા:
ખરેખર આ કુંબલાંગીથી નજીક નથી પરંતુ અહિયાં કેરલનું સૌથી જૂનું સંગ્રહાલય આવેલું છે. અહિયાં કોચીન શાહી પરિવારની ઝલક આપતી કલાકૃતિઓ ઉપરાંત ઓઇલ પેંટિંગ, જૂન સિક્કાઓ, અને મૂર્તિઓ પણ આવેલી છે. મહેલમાં પ્રવેશતા જ તમે રજાઓ અને રાણીઓના સમયમાં જતા રહેશો તેવો ભાસ અહિયાં થાય છે.
કુંબલાંગી કઈ રીતે પહોંચવું?
કોચીથી નજીક આવેલું હોવાથી કુંબલાંગી દરેક રીતે પહોંચી શકાય છે:
વિમાનયાત્રા: કોચીન આંતરરાષ્ટ્રીય વિમાનમથક કુંબલાંગીથી ૪૫ કિમી દૂર છે. કોચિ દરેક જગ્યાઓ સાથે સંકળાયેલું હોવાથી હવાઈ યાત્રા જ ઉત્તમ છે.
ટ્રેન: કુંબલાંગીથી ૧૨ કિમી દૂર એર્નાકુલમ જંકશન આવેલુ છે. સામાન્ય માણસના જીવનને નજીકથી જોવા માટે ટ્રેન યાત્રાથી સારું કશું જ નથી.
વાહનમાર્ગ: કોચીથી કોઈ પણ બસ ૧૫ મિનિટમાં કુંબલાંગી પહોંચાડી દે છે.
કુંબલાંગીમાં રહેવાના વિકલ્પ:
જેવો દેશ એવો વેશ એમ માનીને જો ચાલો તો કુંબલાંગીમાં એક ગામડાના વ્યક્તિ તરીકે રહેવા માટે ઘણાં વિકલ્પ મળી રહે છે. તેમની જેમ જ સાદું ભોજન લૉ અને સાદું ભોજન કરો. અને આરામથી ગામડાંની સફરને માણો. પરંતુ જો તમને રિસોર્ટ માં રહેવાની ઈછ હોય તો નજીકમાં ઘણી હોટેલ અને રિસોર્ટ પણ આવેલા છે.
કુંબલાંગી પર્યટન સ્થળ પ્રવાસીઓને ગ્રામ્ય જીવન નજીકથી જોવાનો મોકો આપે છે. હવે જ્યારે અહીની યાત્રા કરશો તો તમને થશે કે શા માટે તમે વર્ષો પહેલા અહી ન આવ્યા?