ભાવનગરના આ કપલે પોતાની ૨૫મી એનિવર્સરી પાર્ટીને બદલે પ્રવાસ કરીને ઉજવી

Tripoto

૨૫ મી એનિવર્સરી એ જીવનનો એક મહત્વનો પ્રસંગ કહી શકાય. જીવનનો એક ઘણો જ અગત્યનો દિવસ જે કોઈ પણ કપલે પૂરેપૂરો એન્જોય કરવો જ રહ્યો. સામાન્ય રીતે સૌ આ ખાસ દિવસ મનાવવા સૌ મિત્રો અને સ્વજનોને આમંત્રણ આપીને કોઈ ભવ્ય પાર્ટીનું આયોજન કરતાં હોય છે અને તેને યાદગાર બનાવે છે. આ એક ઘણું સારું આયોજન જ છે, અલબત્ત. પણ એમાં કશુંક નવું કરવું હોય તો? અહીં આપણે ભાવનગરના એક એવા કપલ વિષે વાત કરીશું જેમણે પોતાની ૨૫મી લગ્નતિથિની ઉજવણી કરવા પાર્ટી કરવાને બદલે પ્રવાસ કરવા પર પસંદગી ઉતારી. ઓવર ટુ ધ કપલ:

Photo of ભાવનગરના આ કપલે પોતાની ૨૫મી એનિવર્સરી પાર્ટીને બદલે પ્રવાસ કરીને ઉજવી 1/1 by Jhelum Kaushal

કેવી રીતે કરી ઉજવણી?

૪ મે ૨૦૧૮ના રોજ અમારા લગ્નજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. અમારા કુટુંબમાં આ પેલા ઘણા કપલ્સએ પોતાના લગ્નની સિલ્વર જ્યુબિલી ઉજવવા ખૂબ જ ભવ્ય પાર્ટી ગોઠવી હતી. કોઈ સુંદર ગાર્ડન રેસ્ટોરાં, સૌને ભાવે તેવી જાતજાતની ચટપટી વાનગીઓ, કોઈ સ્પેશિયલ કેક, અનેક સ્વજનો અને ઢગલોબંધ ફોટોગ્રાફ્સ... અમારો પણ વિચાર કઈક એવો જ હતો. અમારા બંને બાળકો આવું કશુંક આયોજન કરવા થનગની રહ્યા હતા. આ પાર્ટીમાં શું યુનિક કરવું તે અમે સૌ વિચારી રહ્યા. ઘણો બધો વિચાર કર્યું પણ એક કે બીજી રીતે દરેક વસ્તુ કોમન જ હતી. એટલે અમને થયું કે પાર્ટીનો વિચાર પડતો મૂકીએ? તેના બદલે ક્યાંક બહાર ફરવા જઈએ તો કેવું? થોડો-ઘણો વિચાર કર્યા બાદ અમને બંનેને આ જ વિચાર યોગ્ય લાગ્યો. ઘરની જવાબદારીઓને કારણે કોઈ મોટી ટ્રીપ તો શક્ય નહોતી પણ બે ત્રણ દિવસ તો કાઢી જ શકીએ એમ હતા. અમે ભાવનગરથી સાપુતારા જવાના નિષ્કર્ષ પર આવ્યા.

પ્રવાસ:

અમારી ૨૫મી એનિવર્સરીએ સ્વાભાવિક રીતે જ બાળકો મોટા થઈ ગયા હોય એટલે આ પ્રવાસ ફક્ત અમે બે જ કરવાનાં હતા. ભાવનગરથી સુરત રોજ પુષ્કળ નાઈટ-બસ જાય છે. અમે ૩જી મે રાતની બસમાં ભાવનગરથી સુરત ગયા. સવારે સુરતથી જ સાપુતારાની બસમાં સવારે ૧૧ વાગે અમે સાપુતારા પહોંચ્યા.

અમારો સ્ટે ગુજરાત ટુરિઝમની હોટેલમાં હતો. આ ઉતારામાં સવારનો નાસ્તો તેમજ બંને ટાઈમનું ભોજન સમાવિષ્ટ હતું. આગલા દિવસથી અમે મુસાફરી કરી રહ્યા હતા એટલે લંચ કરીને આરામ કર્યો. પ્રવાસનો મૂળ હેતુ જ એ હતો કે વ્યવસ્થિત આરામ મળે. સાંજે અમે અહીંના પ્રસિધ્ધ લેક પાર્કમાં બેસવા ગયા. કેટલાય વર્ષો પછી અમે બંને એકબીજા સાથે પાર્કમાં બેસીને એકબીજા સાથે વાતો કરી, નિરાંતે, કોઈ જ ડિસ્ટર્બન્સ વગર. સનસેટ પોઈન્ટ પર રમણીય સનસેટ નિહાળીને અમે હોટેલ પાછા ફર્યા. ડિનર કરીને બધા જ પરિવારજનો સાથે ફોનમાં વાત કરી. અમારી એનિવર્સરી ખૂબ જ શાંત, રમણીય જગ્યાએ ખૂબ જ આનંદમય રીતે વીતી.

બીજા દિવસે અમે સાપુતારાના પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસીસ જોયા. ઇકો પોઈન્ટ, રોઝ ગાર્ડન અને સાપુતારા ટ્રાઈબલ મ્યુઝિયમ. ૨૫ વર્ષનાં લગ્નજીવનમાં અમે ભારતનાં વિવિધ રાજ્યોમાં પુષ્કળ પ્રવાસો કર્યા છે એટલે આ બધી જગ્યાઓ કશી વિશેષ તો નહોતી લાગતી પણ છતાંય આ અનુભવ ઘણો જ ખાસ હતો. રોઝ ગાર્ડનમાં બેઠા બેઠા અમે ૨૫ વર્ષ પહેલા લગ્ન પછી દિલ્હી ફરવા ગયા હતા ત્યાં રાષ્ટ્રપતિ ભવન ખાતે મુઘલ ગાર્ડનની મુલાકાત વાગોળી.

ત્રીજા દિવસે સવારે ટેબલ લેન્ડ રોપવેની મુલાકાત લીધા બાદ ૧૧ વાગ્યા આસપાસ અમે સુરતની બસમાં બેઠા. સાપુતારામાં વધુ પડતી દોડાદોડી નહોતી થઈ, પૂરતો આરામ મળ્યો હતો એટલે સાંજે સુરતની બજારમાં લટાર મારવા નીકળ્યા. અમારી ૨૫ મી એનિવર્સરીની યાદગીરી રૂપે સુરતની સાડી ખરીદી. રાત્રે બસમાં બેસીને ચોથે દિવસે સવારે અમે ભાવનગર આવ્યા. ફરીથી એ જ જીવન જીવવા જએ અમે છેલ્લા અઢી દાયકાથી જીવી રહ્યા હતા.

બંને નોકરિયાત હોવાથી એક કપલ જેટલો સમય એકબીજાને આપતું હોય એવું અમે ભાગ્યે જ કરી શક્યા. વર્ષોથી અમે કઈ-કેટલીય જવાબદારીઓ સાથે જીવી રહ્યા હતા. જવાબદારીઓ હજુયે છે જ, આજીવન રહેશે, પણ એકબીજા સાથે સમય વિતાવવાની આ સુવર્ણ તક અમે ઝડપી લીધી એ વાતનો આનંદ છે. બાળકોને કોઈ પણ સારી જગ્યાએ ફોટોગ્રાફ્સ પાડવાનું યાદ આવે; અમને તો ફોટોઝ યાદ આવતા પણ નથી અને એમના જેટલા સરસ ફોટોઝ પાડતાં ફાવતું પણ નથી. પણ હા, અમને ફરવાના સ્થળને માણતા ચોક્કસ આવડે છે. અમે બંને આ દિવસોને હંમેશા વગોળીશું...

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads