અસલી ઘુમક્કડ તે છે જે અજાણ્યા સ્થળોએ જવાની હિંમત કરે છે. આ સ્થળોએ જવામા જોખમ તો હોય છે, પરંતુ એવી ઘુમક્કડી જ શું જેમાં કોઈ જોખમ ન હોય. બુંદેલખંડને વીરોની ભૂમિ કહેવામાં આવે છે. અહીંનું દરેક શહેર-નગર ઇતિહાસ સાથે જોડાયેલું છે. તેમ છતા ઘુમક્કડો ફક્ત ખજુરાહો અને ઓરછા સુધી જ મર્યાદિત રહે છે. કેટલાક એવા સ્થળો પણ છે જેનું ઇતિહાસમાં ખૂબ મહત્વ હતું પરંતુ હવે તે ભૂલાવા લાગી છે. બુંદેલખંડનું આવુ જ એક સુંદર શહેર છે કાલપી. દરેક મુસાફરે આ શહેરની મુલાકાત લેવી જ જોઇએ.
કાલપી યમુનાના કાંઠે આવેલું એક નાનકડું શહેર છે, જે ઝાંસી-કાનપુરના નેશનલ હાઇવે 25 પર આવેલું છે. એવું કહેવામાં આવે છે કે કાલપી જૂના સમયના રાજા કાલિબ દેવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ હ્તુ. આ નગરને સ્થાનિક લોકો કાલ્પી પણ કહે છે. બુંદેલ રાજા છત્રસાલથી માંડીને લક્ષ્મીબાઈ સુધીના બધાએ કાલપી પર મજબુત પકડ બનાવી રાખી. પાછળથી અન્ય સ્થળોની જેમ આ નગર પણ અંગ્રેજોના નિયંત્રણમાં આવી ગયુ. મોગલ શાસક અકબરના દરબારી બીરબલ પણ કાલપી શહેરના જ હતા. ઇતિહાસનાં પાનામાં મહત્વનું સ્થાન મેળવનાર કાલપી તેની ઓળખની શોધમાં છે. આ ભુલાયેલા શહેરની મુલાકાત લેવાની યોજના જરુર બનાવો.
કેવી રીતે પહોંચવુ ?
ફ્લાઇટ દ્વારા: જો તમારે હવાઈ માર્ગે કાલપી જવું હોય તો નજીકનું એરપોર્ટ કાનપુર છે. કાનપુરથી કાલપીનું અંતર લગભગ 115 કિ.મી. છે. કાનપુરથી તમે સરકારી અથવા ખાનગી બસ દ્વારા કાલપી પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા: જો તમે ટ્રેન દ્વારા કાલપી જવાનું વિચારી રહ્યા છો તો નજીકનું રેલ્વે સ્ટેશન ઉરઈ છે. ઉરઈથી કાલપી માત્ર 35 કિલોમીટર દૂર છે. છે. તમે ટેક્સી અથવા બસ દ્વારા કાલપી પહોંચી શકો છો.
વાયા રોડ: કાલપી વાયા રોડ સારી રીતે જોડાયેલ છે. ઝાંસી 105 અને કાનપુર 115 કિ.મી. ના અંતરે છે. તમને આ શહેરોથી કાલપીની બસ મળી જશે. જો તમારે તમારી પોતાની ગાડી દ્વારા આવવું હોય તો પણ કોઈ સમસ્યા નથી.
ક્યારે જવું ?
બુંદેલખંડનો મોટાભાગનો વિસ્તાર પઠારી છે. અહિં ઉનાળામાં બાળી નાખતો તાપ પડે છે અને શિયાળામાં ઠંડુ રહે છે. જો તમારે કાલપીની મુલાકાત લેવી હોય તો શિયાળામાં આવવાનો પ્લાન કરો. કાલપીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો છે. તે સમયે તમે કાલપી સારી રીતે ફરી શકો છો. કાલપીમાં રહેવાની પણ કોઈ સમસ્યા રહેશે નહીં. આ નાના શહેરમાં ઘણી બધી લોજ અને હોટેલ છે. જ્યાં તમે રાત પસાર કરી શકો છો. આ સિવાય ઉરઈ પણ માત્ર થોડા કિલોમીટર જ દૂર છે. ત્યાં તો તમને મોટી મોટી હોટેલો મળી રહેશે.
શું જોવું ?
1. ચોર્યાશી ગુંબજ
કાલ્પી એક ઐતિહાસિક સ્થળ છે, તેથી અહીં જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે જેમાંથી એક ચૌરયાસી ગુમ્બજ છે. સ્થાપત્યનો એક ભવ્ય નમૂનો એવો આ ગુંબજ ચોરસ આકારથી બનેલો છે. 15 મી સદીમાં બનેલા આ ગુંબજની અંદર લોદી શાહ બાદશાહ સહિત બે કબરો છે. તેમાં 84 કમાનો છે અને અંદરથી સંપૂર્ણ રીતે ચેસ જેવુ દેખાય છે. આ ગુંબજો પરની કોતરણી 60 ફૂટ ઊંચી છે. સરકાર અને લોકોની ઉપેક્ષાને કારણે તેની સ્થિતિ પણ ઠીક નથી. જો તમે કાલ્પી આવો છો, તો આ સ્થાનની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
2. લંકા મિનાર
દરેકે કાલ્પીનો લંકા મિનાર જોવો જોઈએ. આ મિનાર બુંદેલખંડના પ્રથમ વકીલ મથુરા પ્રસાદ નિગમે બનાવ્યો હતો. આ મિનાર ઉપર રાવણનું પુતળું છે. જેની આંખમાં હીરા છે. મિનાર ઉપર એક છત્ર અને બ્રહ્મા જીની મૂર્તિ હતી. 1936 માં તે બુર્જ તૂટી ગયો હતો. મિનારની નજીક 100 ફૂટથી પણ લાંબા નાગ-નાગણ બનાવેલા છે. અહીં કુંભકર્ણ, મેઘનાદ અને અંગદની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ 7 માળનો મિનાર 225 ફૂટ ઊંચો છે. આ મિનાર જેટલો જમીનથી ઊપર છે તેટલો જ જમીનની અંદર છે. મિનારની ટોચ પરથી આખું શહેર દેખાય છે. તમારે 200 વર્ષ જૂના આ એન્જિનિયરિંગને જોવા જવુ જ જોઇએ.
3. વેદ વ્યાસ મંદિર
કાલ્પીમાં એક પ્રખ્યાત વેદ વ્યાસ મંદિર છે. એવું કહેવામાં આવે છે કે વેદ વ્યાસે આ સ્થળે ભગવાન ગણેશની સાથે મહાભારત લખ્યુ હયુ. વેદ વ્યાસના આ મંદિરમાં ભગવાન ગણેશ અને વેદ વ્યાસની મૂર્તિ છે. ભલે તમે ધર્મમાં વિશ્વાસ કરો કે નહીં, પરંતુ આ સ્થળોને ઘુમક્કડોની નજરે જોવા જોઈએ. કાલ્પી જાઓ તો તમે આ મંદિર જોઈ શકો છો.
4. મંત્ર કક્ષ
કાલ્પી ઇતિહાસથી ભરેલું સ્થાન છે. આ સ્થાનની સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા હતી. રાણી લક્ષ્મીબાઈએ કાલ્પી પર પોતાની પકડ જમાવી રાખી હતી અને તેઓ અહિં રહ્યા પણ હતા. આ નગરમાં એક જુનો મંત્ર કક્ષ છે. એવું કહેવામાં આવે છે કે આ ઓરડામાં રાણી લક્ષ્મીબાઇ ગુપ્ત સભાઓ કરતા હતા. ઝાંસીને અંગ્રેજોથી મુક્ત કરાવા માટે આક્રમણ પહેલાં પણ આ જ ઓરડામાં મીટિંગ કરી હતી. તમે આ સ્થળે પણ આવી શકો છો.
5. જગમનપુર કિલ્લો
કાલ્પીથી થોડાક જ કિલોમીટર દૂર સુંદર જગમનપુર કિલ્લો છે. તેને ચોમાસુ કિલ્લો પણ કહેવામાં આવે છે. તે સમયે આ કિલ્લો વધુ સુંદર બની જાય છે. આ કિલ્લો 5 નદીઓના સંગમ કિનારે વસેલો છે. કિલ્લા પરથી નદીઓનુ સુંદર દૃશ્ય જોઇ શકાય છે. આ કિલ્લો જગમન શાહે 1593 માં બનાવરાવ્યો હતો. પછીના રાજાઓએ તેમાં વધુ વસ્તુઓ ઉમેરી. કિલ્લામાં પ્રવેશવા માટે બે મોટા દરવાજા છે. કિલ્લાની અંદર મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. જો તમે રામપુરા કિલ્લો જોવા જાઓ તો સાથે જગમનપુર કિલ્લો પણ જુઓ.
6. રામપુર કિલ્લો
રામપુરાનો કિલ્લો કાલ્પીને અડીને જાલૌન જિલ્લાના રામપુરા ગામમાં છે. ચંબલના લીલાછમ જંગલોથી ઘેરાયેલો આ સુંદર કિલ્લો કુશવાહા રાજપૂતે બનાવ્યો હતો. લગભગ 600 વર્ષ જૂનો કિલ્લો આજે પણ તેના સ્વરૂપમાં છે. હાલમાં મહારાજા સમરસિંહ આ કિલ્લાના રાજા છે. તેઓએ આ કિલ્લાનો અમુક હિસ્સો હોમસ્ટેમાં ફેરવ્યો છે. જેથી અહીં આવતા લોકો અહિં રહી શકે અને આ સ્થળનો અનુભવ કરી શકે. જો તમે બુંદેલખંડ જાવ તો રામપુરા કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.