ખર્ચ બચાવવા જોધપુરમાં અમારું હોસ્ટેલમાં રોકાણ: એક પૈસા વસૂલ નિર્ણય!

Tripoto

વર્ષ 2022માં ઉત્તરાયણ એ લોંગ વેકેન્ડ હતો અને અમે કેટલાક સહકર્મીઓએ અમદાવાદથી જોધપુરનો પ્રવાસ કરવાની યોજના બનાવી હતી. અમદાવાદથી રાતની બસમાં નીકળીને અમે સવારે 5 વાગે જોધપુર પહોંચ્યા.

જોધપુર એ મારા એક સહકર્મીનું વતન હતું. એટલે તેના માટે તો રોકાવાનો કોઈ પ્રશ્ન ન હતો. બાકી બચ્યા અમે 3 જણા જે સંપૂર્ણ કરકસરપૂર્વક આ પ્રવાસ કરવા ઇચ્છતા હતા. જોધપુર એ એક ટુરિસ્ટ સિટી છે, એટલે અત્યાધુનિક હોટેલ્સ અહીં હોવાની જ. પણ એ અત્યાધુનિક હોટેલ્સ અમારા ખિસ્સાને પરવડે એમ નહોતી એટલે અમે સૌએ કોઈ અફોર્ડેબલ ઉતારાની વર્ચ્યુઅલ શોધ આદરી.

Photo of ખર્ચ બચાવવા જોધપુરમાં અમારું હોસ્ટેલમાં રોકાણ: એક પૈસા વસૂલ નિર્ણય! 1/1 by Jhelum Kaushal

Booking.com પર એક હોસ્ટેલ વિષે જાણવા મળ્યું અને એ જ અમે બૂક કરાવી. વેબસાઇટ પર જોયેલા ફોટોઝથી થોડી-ઘણી આશા બંધાણી હતી કે ‘હોસ્ટેલ’ની જે આપણા માનસપટ પર ટિપિકલ ઇમેજ હોય તેના કરતાં આ સાવ અનોખી હતી. આપણી જનરેશનની ભાષામાં કહું તો, super cool હોસ્ટેલ હતી!

HosteLaVie

HosteLaVie નામની આ હોસ્ટેલમાં અમે એક રૂમમાં 4 લોકો રહી શકે તેવી ડોરમેટરી બૂક કરાવી હતી. ત્રણ તો અમે જ હતા અને ચોથું કોઈ અન્ય ટુરિસ્ટ. એટલે એક રીતે જોઈએ તો અમને અમારો અલાયદો રૂમ જ મળી ગયો હતો. લોકેશન અનુસાર જોઈએ તો આ હોસ્ટેલ શહેરના ખૂબ વ્યસ્ત એરિયામાં આવેલી જ્યાં કેટલાય ગલી-ખાંચાઓ પગપાળા વીંધીને પહોંચવું પડે. પણ તેને કારણે રાજસ્થાનના આ બ્લૂ સિટીને ખૂબ નજીકથી જોવાની તક મળી.

જાન્યુઆરી 2022માં આ જગ્યાએ અમે એક રાત્રિરોકાણના પ્રતિ-વ્યક્તિ 425 રૂ ચુકવ્યા હતા.

Photo of HosteLaVie Jodhpur, 72WC+RQ, Jodhpur, Rajasthan, India by Jhelum Kaushal
Photo of HosteLaVie Jodhpur, 72WC+RQ, Jodhpur, Rajasthan, India by Jhelum Kaushal
Photo of HosteLaVie Jodhpur, 72WC+RQ, Jodhpur, Rajasthan, India by Jhelum Kaushal
Photo of HosteLaVie Jodhpur, 72WC+RQ, Jodhpur, Rajasthan, India by Jhelum Kaushal

બિન બેગ્સ, જુના ટાયર્સની સજાવટ, જૂની સૂટકેસમાંથી બનાવેલા ટેબલ્સ, લાઇટના સ્થાને સાઇકલના પૈડામાં ગોઠવાયેલા બલ્બ, પેસેજમાં ગોઠવાયેલા હીંચકા અને કોમન પેસેજ OTS (open to sky) જ્યાંથી સીધું આકાશ દેખાય. એકદમ અનોખું અને ખૂબ જ આકર્ષક ઇન્ટિરિયર હતું આ હોસ્ટેલનું. રાજસ્થાનમાં આવ્યા છીએ તેવી લાગણી અહીં આવીને હોંશભેર ઉછાળા મારવા લાગે!

અહીં કાફે તેમજ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન, પહેલા બે માળ મિક્સ ડોરમેટરી અને ઉપર રૂફટોપ રેસ્ટોરાં- એક આદર્શ બાંધકામ હતું જાણે! ચેક-ઇનનો સમય સવારે 10 વાગ્યાનો હતો અને અમે સવારે 6 વાગે પહોંચી ગયેલા એટલે અર્લી ચેકઇનના નાણાં બચાવવા અમે રૂફટોપ રેસ્ટોરાંની વાટ પકડી.

અને આ હોસ્ટેલની અગાશીમાં જાઓ એટલે સામે દેખાય જોધપુર શહેર ફરતે ગૌરવભેર ઉભેલો મહેરાનગઢ ફોર્ટ. જાન્યુઆરીની વહેલી સવારની ઠંડી, કૂણો તડકો અને મહેરાનગઢ ફોર્ટનો અદભૂત નજારો. ચેકઇનના સમય સુધી અહીં બેસી રહેવું સહેજ પણ કંટાળાજનક ન લાગ્યું.

આ જગ્યાએ અમે આશરે 3 દિવસ રોકાયા. ‘હોસ્ટેલ’ શબ્દ સાથે મારી જે માન્યતા હતી તે આ જગ્યાએ તદ્દન ખોટી સાબિત થઈ અને અમને ત્રણેય મિત્રોને જોધપુરમાં ‘બજેટ સ્ટે’ શોધવાના નિર્ણય પર ગર્વ થયો!

જો તમે પણ હોટેલના ખર્ચાથી ત્રસ્ત હોવ તો હોસ્ટેલ ચોક્કસ ટ્રાય કરો. કદાચ તમને પણ અમારી જેમ cool અનુભવ થાય!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ