કેરળવાસીઓ કે.આર. વિજયન અને તેમની પત્ની મોહનાથી તો સુપેરે પરિચિત છે જેઓ તેમના પ્રવાસ પ્રત્યેના બુલંદ જુસ્સા માટે જાણીતા છે. કોચીના ગાંધીનગરમાં બાલાજી કોફી હાઉસ ચલાવતા આ દંપતીએ તેમની આ સામાન્ય ધંધામાંથી થયેલી આવકનો સદુપયોગ કરીને ઘણા દેશોની મુલાકાત લીધી હતી.
જો કે, નવેમ્બર 2021 માં, વિજયનનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું, અને તેમણે મોહનાને વિવિધ સ્થળો ફરવા માટે એકલી છોડી દીધી. વિજયનની અંતિમ ઇચ્છા હતી કે તે તેમની પત્ની સાથે જાપાન ફરવા જાય. જો કે, વિધાતાને તો આ મંજૂર ન હતું. તેમણે તો કંઇક જુદુ જ તેમના ભાગ્યમાં લખ્યું હતું.
દરમિયાન મોહનાએ તેમના પતિના સપનાઓને અનુસરીને પોતાના પ્રિય પતિની યાદોને જીવંત રાખવાનું નક્કી કર્યું. મોહના કહે છે, “તે દરેક જગ્યાએ મારી સાથે હતા અને મને દરેક વસ્તુનો અનુભવ કરાવ્યો.
મોહનાએ જાપાન અને દક્ષિણ કોરિયા જઈને વિજયનનાં સપનાં પૂરાં કર્યાં. તેમની સાથે તેમની પુત્રી ઉષા વી પ્રભુ, જમાઈ મુરલીધર પાઈ અને પૌત્રી અમૃતા અને પૌત્ર મંજુનાથ હતા.
ચેરી બ્લોસમ તહેવાર અને સરહદ
મોહના અને તેમના ગ્રુપે 22 માર્ચે તેમની યાત્રા શરૂ કરી હતી અને પંદર દિવસ પછી 6 એપ્રિલે પરત ફર્યા હતા. તેણે જાપાનનો પ્રખ્યાત ચેરી બ્લોસમ ફેસ્ટિવલ માણ્યો. મોહનાએ દક્ષિણ કોરિયાનો પણ પ્રવાસ કર્યો જે ઉત્તર કોરિયાની સરહદે આવેલું છે. વિજયન અને મોહનાએ તેમની કોફી શોપની આવકનો ઉપયોગ કરીને ચૌદ વર્ષમાં લગભગ છવ્વીસ દેશોની મુલાકાત લીધી હતી.
આગામી પ્રવાસ બે વર્ષ પછી
હવે, મોહનાએ જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 28 દેશોની યાત્રા કરી લીધી છે. મોહના તેના જુના દિવસો યાદ કરતાં કહે છે કે તેમની એટલે કે પતિ-પત્નીની સાથે છેલ્લી સફર રશિયાની હતી. મોહનાને તેના જાપાન પ્રવાસ માટે સ્પોન્સર મળ્યો હોવા છતાં તેમના પર કેટલાક દેવું છે. દરમિયાન, તેમની પૌત્રી અમૃતા ઉચ્ચ અભ્યાસ માટે યુકે જવાની છે.
મોહના કહે છે કે અમૃતાને ત્યાં મોકલવાનું વિજયનનું સપનું હતું. તે કહે છે કે તે તેની આગામી મુસાફરી બે વર્ષ પછી જ પ્લાન કરશે. વિજયન અને મોહનાએ એકસાથે પચાસ દેશોનો પ્રવાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. મોહના હવે સમગ્ર દુનિયાનો પ્રવાસ કરીને વિજયનની ઇચ્છાઓને પૂરી કરવા માટે સંકલ્પબદ્ધ છે.
70 વર્ષી મોહનાએ 22 માર્ચથી પોતાની પુત્રી અને પરિવારની સાથે 15 દિવસની જાપાન યાત્રા શરૂ કરી હતી. કપલ કોચીમાં બાલાજી કેફે, ચાની દુકાનથી પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. પોતાની નાની-નાની બચત કરીને તેમણે 2007માં પોતાની વિદેશ યાત્રા શરૂ કરી હતી. આટલી ઓછી બચતથી વિદેશ યાત્રાએ ધીમે ધીમે કપલને લોકોમાં ફેમસ બનાવી દીધા. કેટલીક ટ્રાવેલ એજન્સીએ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા અને કેટલીક ટૂરને સ્પોન્સર પણ કરી. કપલએ એકસાથે છેલ્લી યાત્રા સપ્ટેમ્બર 2021માં કરી હતી.
વિજયનના જમાઈ મુરલીધરે મીડિયાને કહ્યું હતું કે જો કોવિડ ન આવ્યો હોત તો તેઓ જાપાન ગયા હોત. તેમણે કહ્યું હતું કે નવેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત લીધા બાદ તે કોવિડને કારણે લગભગ બે વર્ષ સુધી મુસાફરી કરી શક્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમની દુનિયા ફરવાની ઈચ્છાને સમર્થન આપ્યું હતું.
કેઆર વિજયન અને તેમની પત્ની મોહના વિજયન કોચીમાં એક ચાની દુકાનમાંથી થતી સામાન્ય આવકમાંથી વિશ્વની મુસાફરી કરી. વિજયન અને મોહનાએ 'શ્રી બાલાજી કોફી હાઉસ' નામના તેમના ચાના સ્ટોલ પરથી વિશ્વની મુસાફરી કરવા માટે તેમની દૈનિક આવકમાંથી 300 રૂપિયા બચાવ્યા. જ્યારે પૈસા ન હતા ત્યારે તે બેંકોમાંથી લોન લેતા હતા.
આ કપલે છેલ્લા 16 વર્ષમાં 26 દેશોની મુલાકાત લીધી છે. કેરળમાં એવા ઘણા લોકો છે જેમણે આ પ્રેરણાથી વિશ્વમાં ફરવાનું શરુ કર્યું. વિજયનને તેમના પ્રવાસના અનુભવો TEDx જેવા વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવાની તક પણ મળી છે. સપ્ટેમ્બર 2021 માં, દંપતી રશિયાના પ્રવાસ પહેલા કેરળના પ્રવાસન મંત્રી પીએ મોહમ્મદ રિયાઝને મળ્યા હતા.
વિજયને તેમના પિતા સાથે દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો હતો, ત્યારબાદ પ્રવાસ તેમના માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. 1988માં તેમણે હિમાલયની મુલાકાત લીધી અને પછી ભારતના તમામ રાજ્યોની મુલાકાત લીધી. આંતરરાષ્ટ્રીય પ્રવાસ ડિસેમ્બર 2007માં શરૂ થયો હતો અને ઇજિપ્ત તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હતો. આ કપલે યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, બ્રાઝિલ, આર્જેન્ટિના અને પેરુ સહિત 26 દેશોની મુલાકાત લીધી છે. આ દેશોમાં તેઓ જોર્ડન, લંડન, પેરિસ, વેનિસ, સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ, મલેશિયા વગેરે સ્થળે ફર્યા હતા. તેમનો છેલ્લો પ્રવાસ રશિયાનો હતો.
બાળપણથી હતો ફરવાનો શોખ
મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કેઆર વિજયને કહ્યું હતું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ ઘરેથી અનાજ લઈ જતા હતા અને તેને વેચીને જે પૈસા મળતા હતા તેમાંથી ફરવા જતા હતા. બાળપણમાં, વિજયનના પિતા પોતે તેમને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતા હતા. જોકે, પિતાના અવસાન પછી ઘરની જવાબદારીઓનો બોજ વિજયન પર આવી ગયો અને તેમણે ચા બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું.
દરમિયાન, વર્ષ 1998માં, કે આર વિજયન તેમના બાળપણના સ્વપ્નને ફરીથી જીવવા માટે નીકળ્યા અને દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમનો પ્રથમ પ્રવાસ હિમાલય ક્ષેત્રમાં સ્થિત ધાર્મિક સ્થળોનો હતો. આ સફર દરમિયાન એક તીર્થયાત્રીએ તેમને રસોઈયા તરીકે નોકરી પર રાખ્યા અને તેઓ તેમની સાથે જ આ યાત્રાઓ કરતા હતા.
તેમના બીજા પ્રવાસ દરમિયાન, કે.આર. વિજયને તેમની પત્ની મોહનાને સાથે લેવાનું નક્કી કર્યું અને દંપતીએ તેમની મુસાફરી માટે નાણાંકીય ખર્ચ કરવા માટે આગામી ત્રણ વર્ષ માટે દરરોજ રૂ. 300 ઉમેર્યા. બચતની સાથે દંપતીએ લોન પણ લીધી હતી અને આ રીતે તેમની પ્રથમ વિદેશ યાત્રા પૂર્ણ થઈ શકી. શરૂઆતમાં, આ દંપતી ભારતના તમામ ભાગોમાં મુસાફરી કરતા હતા, પરંતુ તેમની પુત્રીના લગ્ન પછી, તેઓએ અન્ય દેશોમાં પણ જવાનું નક્કી કર્યું.
નોંધપાત્ર વાત એ છે કે, દરેક ટ્રિપ પછી, દંપતી તેમની જૂની લોન ચૂકવવા માટે આગામી કેટલાક વર્ષો માટે બચત કરતા હતા. તેમના એક ઈન્ટરવ્યુમાં કેઆર વિજયને કહ્યું હતું કે 'ટૂરિંગ એ તેના જીવનનું લક્ષ્ય છે અને જો તે આમ નહીં કરે તો પણ કંઈ બદલાશે નહીં. આપણી પાસે આ જ એક જિંદગી છે જેને જીવી શકાય છે કારણ કે કોઇને પણ આનાથી એકસ્ટ્રી સમય નથી મળતો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો