ભારતમાં રમતોની વાત શરૂ થતાં જ સ્ટેડિયમથી લઈને શેરીઓ સુધી 'ક્રિકેટ'નો અવાજ ગુંજવા માંડે છે. હવે હોકી, કબડ્ડી અને ફૂટબોલ જેવી અન્ય રમતોનો પણ ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ ટીવી પર બતાવવામાં આવતી આ રમતો સિવાય પણ આપણા દેશમાં કેટલીક એવી વિચિત્ર રમતો છે જેના નામ સાંભળીને જ તમે આશ્ચર્યચકિત થઈ જશો.
'આ કેવા પ્રકારની રમતો છે?' જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો આ લિસ્ટ તમારા માટે છે, જરા ધ્યાનથી વાંચજો.
1. કબૂતરબાઝી
આ રમતનું નામ સાંભળીને તમને ખબર તો પડી જ ગઈ હશે કે તેમાં કબૂતરો ઉડાડવામાં આવે છે. પરંતુ આ કોઈ સરળ રમત નથી હો. આમાં જુદી જુદી ટીમો તેમના કબૂતરોના ઝુંડને એક સાથે ઉડાડે છે અને પછી જે ટીમના સૌથી વધુ કબૂતરો યોગ્ય જગ્યાએ પરત ફરે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. રમતને મુશ્કિલ બનાવવા માટે બીજી ટીમના કબૂતરોને “આઓ આઓ” અને “હુર્ર” જેવા અવાજો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ રમત 5-10 કબૂતરો વચ્ચે નહીં પણ 100-150 કબૂતરોના ટોળામાં રમાય છે!
કબૂતરબાઝી ક્યાં જોવી - દિલ્હી, આગ્રા
2. મોતનો કુવો

તમે ફિલ્મોમાં આ રમત ઘણીવાર જોઈ હશે, પરંતુ જીવનને જોખમમાં મુકતી આ રમત માત્ર સિનેમાના પડદા સુધી મર્યાદિત નથી. આજે પણ ભારતમાં ઘણા મેળામાં, ઘણા બહાદુરો આ રમતમાં જીવની બાજી લગાડે છે. આમાં કુવા જેવુ એક લાકડાનું ગોળ પ્લેટફોર્મ બનાવવામાં આવે છે, જેના પર મોટરબાઈક અને ફૉરવ્હીલ પર સવાર રાઈડર પોતાનો કરતબ દેખાડે છે.
ક્યાં જોવા મોતના કુવા: ગ્વાલિયર, પંજાબ
3. કંબાલા ભેંસ રેસ

દર વર્ષે નવેમ્બર અને માર્ચની વચ્ચે કર્ણાટકના ઉડુપીમાં કંબાલા એટલે કે ભેંસ દોડનું આયોજન કરવામાં આવે છે. આમાં ડાંગરના ખેતરમાં બે ભેંસની જોડ વચ્ચે રેસ થાય છે અને પછી વિજેતા ભેંસના માલિકને પૈસા અથવા સોનાના સિક્કાઓનુ ઈનામ આપવામાં આવે છે. આ રમતની શરુઆત ભેંસના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનનો આભાર માનવા માટે થઈ હતી. પરંતુ જલ્લીકટ્ટુની જેમ આ રમત પણ હવે વિવાદોની વચ્ચે છે.
કમ્બાલા ક્યાં જોવા મળે છે: કર્ણાટક
4. આસોલ તાલે આપ

દરિયાકિનારા પર રમાતી આ રમત એકદમ વિચિત્ર છે. આમાં નાળિયેરના થડથી બનેલી હોડી રેતી પર ચલાવવામાં આવે છે. હા, ખેલાડીઓ એક પગ હોડીમાં અને બીજો રેતીમાં ઘસીને રેસ જીતવાનો પ્રયાસ કરે છે. જે ટૂંકા સમયમાં રેસ પૂરી કરે છે તે વિજેતા બને છે.
ક્યાં જોવા મળે છે: નિકોબાર ટાપુ
5. હાથી પોલો

તમે ઘોડા પર સવાર લોકોને પોલો રમતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે હાથી પર બેસીને પણ પોલો રમાય છે? આમાં, હાથીને લાલ અને સોનાના કપડાં પહેરાવી જોડીઓમાં પોલો રમવામા છે. હવે તમે અનુમાન કરી જ શકો છો કે આ રજવાડી રમત ક્યાં રમાતી હશે?
હાથી પોલો ક્યાં જોવા મળે છે: રાજસ્થાન
છે ને આ બધી વિચિત્ર રમતો! ખરેખર ભારત જેવું કોઈ અનોખું સ્થળ નથી!