કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...' જ્યારે જ્યારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની આ જાહેરાત આવે ત્યારે ત્યારે આપણા માનસપટ ઉપર કચ્છ રણોત્સવ (Kutch Rann Utsav)ની વાત ઉપસી આવે છે. કચ્છનું સફેદ રણ હવે એક પ્રસિદ્ધ નામ બની ગયું છે. રણોત્સવનો પ્રારંભ થયા બાદ કચ્છ દુનિયામાં સફેદ રણના નામે પ્રખ્યાત બન્યું છે. જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ સફેદ રણના આહ્લાદક કુદરતી સૌંદર્યને નિહાળવા આવે છે.
કચ્છનું ટેન્ટ સીટી તા.12 નવેમ્બરને ધનતેરસના પવિત્ર દિવસથી મહેમાનોને આવકારવા માટે સજ્જ બન્યું છે. ટેન્ટ સીટીમાં કોરોના વાયરસથી દૂર રહેવાય તે રીત મહેમાનોની સલામતી માટે ફૂલ પ્રુફ પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવી છે. રણોત્સવ 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.
આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને સેફ્ટી પ્રોટોકોલ અમલી બની ચૂક્યો છે. તેમાં ક્લિનીંગ અને ડીસઈન્ફેક્શનની નવી પધ્ધતિઓ, કોમન એરિયામાં વિશેષ ધ્યાન આપવાની બાબત તથા હેન્ડ સેનેટાઈઝર, ફેસ માસ્ક અને અન્ય સુરક્ષા સાધનોની પૂરતી ઉપલબ્ધિનો સમાવેશ થાય છે. કચ્છનું ટેન્ટ સીટી 350 ટેન્ટ ધરાવે છે. 7500 ચો.મી.ના કચ્છના સફેદ રણમાં આવેલા આ સ્થળનો વિશ્વના સૌથી મોટા સોલ્ટ ડેઝર્ટમાં સમાવેશ થાય છે.
રણોત્સવનું આકર્ષણ
આ રણોત્સવ ત્યાંના સ્થાનિક લોકનૃત્યો અને લોક કલાઓની ભવ્ય રજુઆતો સાથે પ્રવાસીઓમાં આકર્ષણ જાગાડે છે. તેમાંય કચ્છનો સ્થાનિક અને પારંપારિક વારસો અહીંની લોક કલાનું જુદું જ ગૌરવ પ્રસ્થાપિત કરે છે. આ રણોત્સવમાં અહીના સ્થાનિક કલાકારોની કલાની કસબ સાથે લોકવાયકાઓ અને લોક કથાઓને પર્યટક મહેમાનો સામે એવી ભવ્ય રીતે રજૂ કરવામાં આવે છે કે જેથી કોઈપણ પર્યટક અહીંથી પાછો ઘરે જાય તો બીજા વર્ષે ફરી કચ્છના રણોત્સવને માણવાની તાલાવેલી સાથે પરત ફરે.
કચ્છમાં સફેદ રણ ઉપરાંત અન્ય પર્યટન સ્થળ પણ છે. જેમાં ભુજીયો ડુંગર, કાળો ડુંગર, આઇના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, મ્યુઝિયમ, હમીસર તળાવ, માંડવીમાં રમણીય દરિયા કિનારો પણ અલૌકિક સુંદરતા ધરાવે છે. સરહદી લખપત તાલુકામાં માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક પવિત્ર સ્થાનો પણ છે.
માંડવી બીચ
ભુજથી માંડવી બીચનું અંતર 58 કિલોમીટરનું છે. માંડવી બીચને કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ સંબોધવામાં આવે છે. અહીંની રેતી અને સુંદરતાના કારણે માંડવી બીચ પ્રવાસીઓ માટે પસંદગીનો બીચ છે. આ સિવાય અહિયા 20 પવન ચક્કીઓ આવેલી છે જે પ્રવાસીઓને આકર્ષે છે. તે ઉપરાંત અહિનું સ્વામીનારાયણ મંદિર પણ ખૂબજ મહત્વ ધરાવે છે. આ બીચ નજીકમાં આવેલો છે બ્રીટીશ રાજ્યના સમયમાં બનાવેલો વિજયવિલાસ પેલેસ. જે અહિના જોવાલાયક સ્થળો માનો એક છે. અહિના ભોજનની વાત કરીએ તો અહિ ડબલ રોટી (પાઉં) ખૂબ જાણીતી છે. કચ્છી દાબેલી હવે તો સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે. જો તમે બે દિવસના પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યા બેસ્ટ રહી શકે છે.
કાળો ડુંગર
ભૂજથી કાળો ડુંગર લગભગ 90 કિલોમીટર દૂર છે. કચ્છના ઉતર ભાગમાં આવેલ કચ્છના મોટા રણની કાંધી પર ઉભેલ કચ્છનો ઉંચામાં ઉંચો ૧૫૫૨ ફુટ કાળો ડુંગર દતાત્રેય ભગવાનનું સ્થાન છે. દત્ત શિખર તરીકે ઓળખાતી ટોચ પર વિશાળ સપાટ જગ્યામાં મંદિર છે. કચ્છની ડુંગરની ત્રણ ધાર પર માંહેલી ઉતર ધાર પર કાળો ડુંગર સ્થિત છે. મુળ અરવલ્લી કુળનું આ પર્વત જુરાસીક પીરીયડનું છે એટલે કે સાડા છ કરોડ વર્ષ પ્રાચીન છે અને એટલા જ માટે તેની ટોચ ઉપરના પથ્થરો વચ્ચે લાકડાના તથા દરિયાઈ જીવોના અશ્મિઓ જોવા મળે છે. કહેવાતો આ કાળો પરંતુ ઉપર જતા જ લાગે આ કાળો નથી. આ સ્થાન ઊંચુ હોવાથી ભારત-પાક બોર્ડર પ્રવાસી દુરથી જોઈ શકે છે. સવારે સુર્યોદય અને સાંજે સુર્યાસ્ત માઉન્ટ આબુને ભુલાવી દે તેવો છે.
કચ્છના રણ સુધી પહોચવું કેવી રીતે :કચ્છના ધોરડો ગામમાં યોજાતો રણોત્સવ ભુજથી ૮૦ કિમી દુર આવેલો છે.
રોડ માર્ગ : અંગત વાહનમાં જનાર માટે ટ્રાવેલની સ્લીપર બસ સુવિધાઓ અમદાવાદથી ઉપલબ્ધ છે જેમાં અમદાવાદથી રાત્રે ૮ કલાકે ઉપડીને બસ ભુજમાં સવારે ૬ વાગે પહોચે છે. મુસાફરી થોડી મોંઘી પરંતુ સુખકારક છે. ભૂજ જવા માટે ખાનગી બસ સુવિધા ધરાવતી ટ્રાવેલ એજન્સીઓ પાલડી અને ગીતામંદિર વિસ્તારમાં આવેલી છે.
રેલવે માર્ગ : ભૂજ અને ગાંધીધામ એ લાંબા અંતરની ટ્રેનો સાથે ખુબજ સારી રીતે સંકળાયેલા છે અમદાવાદ સાથે અન્ય સ્થળો જેવા કે પુણે, મુંબઈ, કલકત્તા, નાગરકોઇલ વગેરે.
હવાઈ માર્ગ : ભૂજને તેનું પોતાનું સ્થાનિક હવાઈ મથક છે જે મુંબઈ અને અમદાવાદથી વિમાની સેવાઓ સાથે સંકળાયેલું છે.
ટેન્ટ સિટીનું બુકિંગ કેવી રીતે કરશો
કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ (સફેદ રણ)માં ધોરડો ખાતે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં 1 રાત-2 દિવસ, 2 રાત-3 દિવસ, 3 રાત-4 દિવસ એમ અલગ અલગ પેકેજ છે. ભુજ રેલવે સ્ટેશનથી અને એરપોર્ટથી પીક અને ડ્રોપની વ્યવસ્થા છે. પેકેજ અનુસાર સફેદ રણ ઉપરાંત આસપાસના જોવાલાયક સ્થળોની પણ વિઝિટ કરાવવામાં આવે છે.
કચ્છ રણોત્સવમાં ટેન્ટનું બુકિંગ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.rannutsav.net/rann-utsav-packages/
ફોન નંબરઃ 1800 270 2700
1 રાત 2 દિવસના પેકેજમાં શું હોય છે
જો તમે 1 રાત અને 2 દિવસનું પેકેજ પસંદ કરો છો તો નોન-એસી સ્વિસ કોટેજમાં 4900 રૂપિયા, ડિલક્સ એસી સ્વિસ કોટેજમાં 6500 રૂપિયા અને પ્રીમિયમ ટેન્ટ્સમાં 7500 રૂપિયા થશે. જીએસટી અલગથી લાગે છે. ચેકઇન ટાઇમ બપોરે 12.30 વાગ્યાનો છે. બહારથી આવનારા માટે ભૂજથી પિક અને ડ્રોપની વ્યવસ્થા છે. જો કે તમારે બસના ટાઇમિંગ અનુસાર પહોંચી જવું પડે છે. અહીંથી ધોરડો ટેન્ટ સિટી જવામાં લગભઘ દોઢ કલાકનો સમય લાગે છે. પેકેજની શરૂઆત બપોરના લંચથી થાય છે. 4 વાગે હાઇ-ટી અને રાતે ડીનરનો સમાવેશ થાય છે. સાંજે બસ કે ઊંટ ગાડીમા મહેમાનોને સફેદ રણમાં લઇ જવાય છે જ્યાં તમે સનસેટ માણી શકો છો. ટેન્ટ સિટીમાં રાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે. બીજા દિવસે સવારે બ્રેક ફાસ્ટ પછી 9.30 કલાકે ચેક આઉટ કરવામાં આવે છે. સાઇટસીન કોમ્પ્લિમેન્ટરી છે.
નોંધઃ કોરોનાના સમયમાં કચ્છ જતા પહેલા એક વાર ફોનથી બુકિંગ કન્ફર્મ કરવું. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.