૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ

Tripoto
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

૨૬ જાન્યુઆરી ૨૦૦૧.

આ દિવસ તો કોઈ ગુજરાતી કેવી રીતે ભૂલી શકે? આખો દેશ જ્યારે ભારતનાં ૫૨માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સવારે પોણા નવ વાગે ગુજરાતની જાહોજલાલી થરથર કાંપી ઉઠી. ગૌરવવંતા ગુજરાતની ધરા ધ્રુજી. કચ્છ અને અમદાવાદ જેવા મોટા જિલ્લાઓ જમીનદોસ્ત થઈ ગયા.

ગુજરાતના વિવિધ સ્થળોએ મહિનાઓ સુધી આફ્ટર-શોક્સ અનુભવાયાં હતા. શાળાઓ બંધ. કોઈ પણ અકારણ પરિવહન બંધ. બહુમાળી ઇમારતોમાં રહેવાની પ્રથા હજુ બાલ્યાવસ્થામાં જ હતી. મહિનાઓ સુધી ગુજરાતમાં લોકો એ રીતે રહ્યા કે ફરી ભૂકંપ આવે તો તાત્કાલિક ભાગી શકાય.

Photo of Kutch, Gujarat, India by Jhelum Kaushal

૨૦૦૧નો ભૂકંપ એ ગુજરાત સામે આવેલી સૌથી ભયાનક કુદરતી આપત્તિ માનવામાં આવે છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા ચોબારી ગામમાં એપીસેન્ટર હતું. ૭.૭ રેક્ટર સ્કેલનો મેગ્નીટ્યુડ ધરાવતાં એ ભૂકંપનું ૨૨ સેકન્ડનું કંપન આખા ગુજરાત રાજ્યએ અનુભવ્યું હતું. ૨૦,૦૦૦ કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા, ૧,૭૦,૦૦૦ લોકો ઘાયલ થયા અને આશરે ૩,૫૦,૦૦૦ જેટલી ઇમારતો કડડભૂસ થઈ ગઈ. સૌથી વધુ અસરગ્રસ્ત હતો કચ્છ જિલ્લો. ભૂજ, ભચાઉ અને અંજારના સેંકડો ગામડાઓ છિન્નભિન્ન થઈ ગયા. બે હોસ્પિટલ, આઠ શાળાઓ અને કેટલીય ઐતિહાસિક ઇમારતો સહિત ૪૦% મકાનો જમીનદોસ્ત થઈ ગયા. કચ્છ જાણે કાટમાળનો સમાનાર્થી શબ્દ બની ગયું.

Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

ટીવી સ્ક્રીન પર અને વર્તમાન પત્રોમાં પ્રકાશિત થયેલા ભૂજ અને અમદાવાદ અને અન્ય સ્થળોએ થયેલી તારાજીના ફોટોગ્રાફ્સ આજે પણ ગુજરાતના લોકોનાં માનસપટ પર તરોતાજાં હશે. અંજારમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે શાળાનાં મેદાનમાં એકઠાં થયેલા ૪૦૦ જેટલી મોટી સંખ્યામાં બાળકો-શિક્ષકો ગણતરીની ક્ષણોમાં દટાઈને મૃત્યુ પામ્યા હતા એ ઘટના આજે પણ કાળજું કંપાવી મૂકે છે.

Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ માણસજાતને કુદરતની લપડાક લાગી છે ત્યારે માનવતા મહેકી ઉઠી છે. સરકાર, આરએસએસ જેવી દેશવ્યાપી સેવાભાવી સંસ્થાઓ, ખાનગી NGOs, ધાર્મિક ટ્રસ્ટસ તેમજ કોઈ પણ નાના-મોટા માણસે દિવસ-રાત જોયા વગર કચ્છના લોકોને શક્ય બને એટલી તમામ મદદ કરી. રાતોરાત ઘરબાર ગુમાવી બેસેલા લોકોનું જીવન પૂર્વવત બનાવવા હજારો લોકોએ આર્થિક, સામાજિક યોગદાન આપ્યું.

Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

એ ગોઝારી ઘટના બાદ કચ્છ જિલ્લાનો જાણે પુનર્જન્મ થયો. વર્લ્ડ બેન્ક તેમજ એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહિત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ, યુકે, યુએસ, યુએઇ વગેરે દેશો ગુજરાતની વ્હારે આવ્યા. ભૂકંપના ચાર મહિના બાદ ગુજરાત સરકારે Gujarat Earthquake Reconstruction and Rehabilitation Policy નામના રાહત પેકેજની જાહેરાત કરી જેનું મૂલ્ય ૧.૭૭ બિલિયન યુએસ ડોલર્સ હતું. આ યોજનાનો મૂળ હેતુ તૂટેલા મકાનો તેમજ જાહેર સંપત્તિઓનાં રિપેરિંગ તેમજ બાંધકામનો હતો. અન્ય ઉદ્દેશોમાં અર્થતંત્ર પુનઃ ધબકતું કરવું, આરોગ્ય સહકાર અને સામાજિક વિકાસ સમાવિષ્ટ હતા. હાઉસિંગ ક્ષેત્રે કુલ ૯,૨૯,૬૮૨ જેટલા મકાનોનું રિપેરિંગ કરવાનું હતું, ૨,૧૩,૬૮૫ જેટલા મકાનો રિકન્સ્ટ્રક્ટ (પુનઃ બાંધકામ) થવાના હતા. વર્ષ ૨૦૦૩ સુધીમાં ૯૪% જેટલા મકાનોનું રિપેરિંગ અને ૫૩% જેટલા મકાનોનું પુનઃનિર્માણ થઈ ચૂક્યું હતું. ફક્ત બે વર્ષમાં ખંડેર બની ચૂકેલા ભૂજ માટે આ આંકડો ખૂબ જ મોટો અને પ્રોત્સાહક હતો.

જમીનદોસ્ત થઈ ગયેલા અને કોડીના ભાવમાં વેચાતાં મકાનો કે ઇમારતોનાં ભાવમાં વ્યવસ્થિત રીનોવેટ થઈને અનેકગણી ઊંચી કિંમતે પહોંચી શક્યા. સરકારે રોકાણકારોને આકર્ષવા પર ધ્યાન આપ્યું જેથી વેપારક્ષેત્રને પણ ખૂબ સારો વેગ મળ્યો. ભૂજથી ફક્ત ૬૦ કિમી દૂર આવેલા કંડલા બંદરનો અભૂતપૂર્વ વિકાસ થયો. મુંદ્રા બંદર પણ એવું જ, વિકાસથી ધમધમતું. પુષ્કળ સકારાત્મક ફેરફારોને કારણે નાના-મોટા વેપારીઓ પણ પોતાના ભાંગી પડેલા વેપારધંધાને ધાર્યા કરતાં ઘણા ટૂંકા ગાળામાં પુનઃ ધમધમતો કરી શક્યા.

સૌથી વધુ ફાયદો થયો ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતને. કચ્છ આજે દેશ-વિદેશના સહેલાણીઓ માટે એક લોકપ્રિય ઠેકાણું બની ચૂક્યું છે.

Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

અહીં અઢળક ફરવાના સ્થળો વિકસી ચૂક્યા છે:

-માતાનો મઢ

-કચ્છ અભયારણ્ય

-આઈના મહેલ

-પ્રાગ મહેલ

-નારાયણ સરોવર

-હમીરસાર સરોવર

-કચ્છ મ્યુઝિયમ

-ધોળાવીરા

-માંડવી બીચ

- વિજય વિલાસ પેલેસ

Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal
Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

આ યાદીમાં સમાવિષ્ટ તમામ જગ્યાઓ કરતાં મુઠ્ઠી ઉછેરું સ્થાન મેળવનાર પર્યટન સ્થળ એટલે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ સેન્સેશન: કચ્છ રણોત્સવ! કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ધોરડો પાસે વિકસાવવામાં આવેલા કચ્છ રણોત્સવથી આખા ભારતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. રણોત્સવમાં કચ્છની સુંદરતા જાણે સોળ કળાએ ખીલી ઉઠે છે. સફેદ રણમાં આલીશાન ટેન્ટમાં બે-ત્રણ દિવસના રોકાણનો લ્હાવો લેવો એ લાખો લોકોનું ડ્રીમ છે.

ફોટો ક્રેડિટ્સ: ગૂગલ

Photo of ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપના ૨૦ વર્ષ બાદ આવું થઈ ગયું છે કચ્છ by Jhelum Kaushal

તાજેતરમાં જ ન્યુયોર્ક ટાઈમ્સના ૨૦૨૧માં પસંદગીના ૫૨ સ્થળોની યાદીમાં કચ્છના કડિયા ધ્રોને સ્થાન મળ્યું છે. નખત્રાણા પાસે આવેલી આ જગ્યાએ અદભૂત કોતરો આવેલી છે.

૧૯૪૫માં બબ્બે પરમાણુ હુમલાનો ભોગ બન્યા બાદ જાપાન કેવી રીતે એક પરફેક્ટ દેશ બની શક્યો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું જ માન મળ્યું છે. વિશ્વ માટે જે જાપાન છે તે ભારત માટે કચ્છ છે. ભૂકંપ બાદ કચ્છને પુનઃ બેઠું કરવું એ શૂન્યમાંથી સર્જન કરવા જેવુ જ હતું. પણ ગુજરાત સરકાર અને કચ્છના સ્થાનિકોએ બહુ જ ટુંકા સમયમાં સાબિત કરી બતાવ્યું હતું કે એક ગુજરાતી માટે કશું જ અશક્ય નથી! દેશમાં દાયકાઓ સુધી કચ્છના નવસર્જનની વાતો વાગોળવામાં આવશે તેમાં બેમત નથી.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ “કચ્છ મેં કુછ નહીં બચા”થી શરૂ થયેલી સફર લોકોનો અથાગ પરિશ્રમ, સરકારનો સહકાર અને વિકાસની આંગળી ઝાલીને આજે ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” સુધી પહોંચી ચૂકી છે. આ સફરમાં યોગદાન આપનાર દરેકે દરેક કચ્છી-બિનકચ્છીને સો સો સલામ.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Further Reads