ફાઇવ સ્ટાર હોટેલમાં ઉતારો કરવો એટલે હજારો રૂપિયાનું પાણી કરવું. ૨ કેળાનું બિલ ૬૦૦ રૂ. તમે પણ આવા સમાચારો વાંચ્યા જ હશે. વળી, ફરવાનો ખર્ચો તો હોય જ. એટલે પુષ્કળ ખર્ચ થાય. તેના કરતાં હોમસ્ટે શું ખોટા જે ઘણી જ ઓછી કિંમતમાં ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ આપતા હોય.
આજે અહીં એવા જ હોમસ્ટેની વાત કરવામાં આવી છે જેનું ભાડું તો મામૂલી છે પણ અહીં રહેવાનો અનુભવ ફાઇવ સ્ટાર હોટેલ બરાબર છે.
લા બેલ વી, નૈનીતાલ
નૌકુચિયાતલ સરોવરથી માત્ર ૧૦૦ મીટર દૂર શાંત જગ્યામાં કુદરતના સાનિધ્યમાં રહેવાની તક આપતા હોમસ્ટેમાં રહેવાની કોણ ના પાડે? કુદરતી પથ્થરો અને જંગલના લાકડાઓથી બનેલા આ હોમસ્ટેમાં પ્રવાસીઓની તમામ જરૂરીયાતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. વળી, નજીકમાં જ સરોવર છે ત્યાં તમે ફરવા પણ જઈ શકો છો. બોટિંગ, પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ જેવી રોમાંચક એક્ટિવિટીઝ તો ખરી જ!
કિંમત: ૧૨,૦૦૦ રૂ (૮ વ્યક્તિઓ માટે)
શોબલા પાઇન રોયલ, મનાલી
બિયાસ નદી અને જોગિણી તળાવ નજીક આવેલો આ હોમસ્ટે એક શાનદાર જગ્યા છે. બાલ્કની સામે જ રોહતાંગ તેમજ હમ્પતા પાસના ખૂબ રમણીય દ્રશ્યો જોવા મળે છે. અહીં રોકાણનો અનુભવ અવિસ્મરણીય છે. સવારના નાસ્તાથી લઈને રાતે નદીના પાણીનો અવાજ બધું જ તમે ક્યારેય નહીં ભૂલો.
વધુ એક વાત, જો તમે અહીં હનીમૂન માટે આવી રહ્યા હોવ તો આ એક શ્રેષ્ઠ રોકાણ સાબિત થશે.
કિંમત: ૨૯૮૧ રૂ (૨ જણ માટે પ્રાઇવેટ રૂમ)
રોઝી લેકસાઇડ રીટ્રીટ હોમસ્ટે, ઉદયપુર
આ એક એવો હોમસ્ટે છે જે પ્રવાસીઓને ખૂબ જ પસંદ પડ્યો છે. માર્ચ ૨૦૧૫ની બૂકમાં રિયોથી પેરિસ સુધીના શ્રેષ્ઠ ૩૦ હોમસ્ટેની યાદીમાં આ હોમસ્ટેની પસંદગી કરવામાં આવી હતી. એક શાનદાર રસોડુ જ્યાં તમે ઈચ્છો તો તમારું જમવાનું બનાવી શકો છો. ફર્નિચર સિવાય જો તમને અહીંનું કોઈ પેન્ટિંગ કે મૂર્તિ ખૂબ ગમી જાય તો એને ખરીદી પણ શકાય છે. જો તમે ઉદયપુરમાં થોડું લાંબુ રોકાણ કરવા ઇચ્છતા હોવ તો કોઈ પણ ફાઇવ સ્ટાર હોટેલની તુલનાએ આ ઘણી ઓછી કિંમતમાં શ્રેષ્ઠ સવલતો આપશે.
કિંમત: ૪૦૮૧ રૂ (બે જણ માટે પ્રાઇવેટ રૂમ)
સી હટ હોમસ્ટે, કોચ્ચી
બાલ્કનીનો પડદો ખોલતાની સાથે જ સામે અફાટ અરબી સમુદ્ર દેખાય તો? કોચ્ચીનો સી હટ હોમસ્ટે કઈક આવો જ નજારો આપે છે. અહીં રોકાવાની સાથોસાથ અહીંનો પરંપરાગત ઓથેન્ટિક સ્વાદ માણવાનું પણ ચૂકશો નહીં. જો હજુ પણ તમને કંટાળો આવે તો અહીંના બે ઉસ્તાદ ટિંગું (કૂતરો) અને પિલ્લું (બિલાડી) પણ તમને ખૂબ આનંદ આપશે. અહીનું ભાડું પણ ઘણું જ વાજબી છે.
કિંમત: ૧૬૨૦ (બે જણ માટે પ્રાઇવેટ રૂમ)
કર્લી કોએલ્હો કોટેજ, ગોવા
જો તમે ગોવામાં ભીડભાડ અને પાર્ટી કરતાં લોકોથી દૂર કોઈ શાંત અને સુંદર ઠેકાણું શોધી રહ્યા હોવ તો ડોના પૌલામાં આવેલો આ હોમસ્ટે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં તમારી સેવામાં એક કેર-ટેકર અને એક કૂક હંમેશા હાજર રહે છે. અહીં પહોંચવા માટે તમે મીર-માર બીચ ઉતરી જાઓ, ત્યાંથી અહીં ચાલતા પહોંચી શકાય છે. વાસ્કો-ડ-ગામા પોર્ટનો નજારો તેમજ આગોડા ફોર્ટની લાઇટો અહીંના વ્યૂને વિશેષ બનાવે છે.
કિંમત: ૬૦૨૬ રૂ (૧૦ વ્યક્તિઓ માટે)
નેકલેસ વ્યૂ વિલા, હૈદરાબાદ
હૈદરાબાદની બિરયાની તો લાજવાબ છે જ, બેશક! પણ હૈદરાબાદ ફરવા માટે અને પોતાની સુંદરતાની બાબતમાં પણ આગવું છે. બંજારા પહાડીઓ પર આવેલો નેકલેસ વ્યૂ વિલા એ કોઈ પણ ફાઇવ સ્ટાર હોટેલને તગડી ટક્કર આપે છે. કેટલીય રેસ્ટોરાં અને કાફેઝ વચ્ચે આવેલા આ હોમસ્ટેમાં રહેવાનો કઈક અનેરો જ અનુભવ છે. અહીંના કેર-ટેકર દશરથ તમારા ખૂબ સારા મિત્ર બની જશે. કોઈ પાર્ટી કે સમારોહ માટે પણ આ જગ્યા બૂક કરી શકાય છે.
કિંમત: ૯૪૬૧ રૂ (એક દિવસમાં આખો વિલા બૂક કરી શકાય છે જેમાં મહત્તમ ૧૦ લોકો રોકાઈ શકે છે)
તો કેવો લાગ્યો આ આર્ટિકલ? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.
.