જામનગર જીલ્લાના જામજોધપુરથી 3 કિલોમીટર દૂર કોટડા ગામ આવેલું છે. પંખીનાં માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝારનો સંગમ થાય છે. આ નદીના પૂર્વ કિનારે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્યાત ટેકરી પર હાલમાં શ્રી બાવીસી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આજે આપણે બાવીસી માતાજીની કથા જાણીશું.
ગીર વિસ્તારમાં આશરે સાતસો વર્ષ પૂર્વે તેરમાં સૈકામાં હીરણ નદીને કાંઠે બાવળા શાખના ચારણોનો ‘બાવળ નેસ’ આવેલો હતો. તેમાં લગભગ 20-25 પરીવારના ઝૂંપડા હતા, તે બધા માલધારી હતા. સૌની પાસે નાના મોટા ભેંસુનું ખાડુ હતું. તેમાં બોઘાભાઈ મોટા માલધારી હતી. બસો ભેંસુ, જેમાંથી દોઢસો જેટલી ભેંસો દોણે આવે. તેમની પાસે સુખ, સમૃદ્ધિ, સંપત્તિનો ત્રિવેણી સંગમ હતો.
બોઘાભાઈને સંતાનમાં ચાર દિકરીઓ, બાયાંબેન, દેવલબેન, જીવણીબેન અને જાલુબેન. દીકરીઓ ઉંમર લાયક થતાં બોઘાભાઈ તેમની બે મોટી દિકરીઓનાં સંબંધ કરવા ઉતાળવા થયા હતા. માંગા તો ઘણા આવે પણ મન માનતું ન હતું. જગદંબા જેવી દિકરીઓને પાળી પોષી મોટી કરી, પરણાવી – પસટાવી પોતાનું બધુ સોંપી દેવાના મનોરથ બોઘાભાઈનાં હૈયે રમતા હતા. તે સારા ઠેકાણાની તપાસ માટે બધે ફરતા હતા.
એવા જ એક પ્રવાસમાં તેમને પાંચેક દિવસ થયા હતા. તડકામાં ચાલીને નેસમાં પરત આવતા અને થાકેલા બોઘાભાઈને વહેલા ઘરે પહોંચવું હતું. બપોર ઢળી ગઈ છે. બીજી બહેનો નેસમાં રમવા ગઈ હતી. તેમના ઝૂંપડા ફરતી કાંટાળી વાડ હતી. બાયાંબેન માથાબોળ સ્નાન કરી રહ્યા હતા અને તેવામાં અત્યંત તરસ્યા બોઘાભાઈ ખોંખારો ખાધા વિના કડેડાટ ફળીયામાં આવીને ઊભા રહ્યા. તેમણે જોયું તો દિકરી સ્નાન કરી રહી હતી. તે તરત જ અવળા ફરીને ઊભા રહી ગયા.
આ તરફ બાયાંબેનને કોઈના પગનો અવાજ આવતા તેમણે જોયું કે, કોઈ પુરૂષ આવ્યો છે. તે સફાળા ઊઠયા ને વષા સંભાળી. ત્યાં કોણ છે તે જાણ્યા વિના તે ક્રોધમાં બોલી ઊઠયાં, ‘અરે! ભણું રોઝ કાંઈ દો? આ ભણ્યું ચારણના ઝૂંપ છે. નસે જાણતો, ભણું રોઝ?’ આટલું સાંભળતા બોઘાભાઈનો દેહમાં કમકમાટી આવી ને ચીસ પડી. પછી દીકરીને ભાન થયું કે, આ તો પોતાના પિતા જ છે. તેમને બહુ ખેદ થયો પણ જોગમાયાના શ્રાપથી બાપ રોઝમાં પલટાઈ ગયો.
આ વાતની સૌને ખબર પડી ને અરેરાટી થઈ પડી. પછી બાંયાબેન સાથે ત્રણેય નાની બહેનોએ પ્રતિજ્ઞા કરી કે, આપણે લગ્ન કરશું નહીં, રોઝ સ્વરૂપમાં પલટાયેલા પિતાને સાચવીશું. બીજાં ચારણોએ તેમને ઘણું સમજાવ્યા, પણ ચારેય બહેનો પોતાની ટેકમાં અડગ રહી.
સમય જતા એવી ઘટના બની કે, પ્રભાસ પાટણનાં રાજાની ફુલવાડીને આ રોઝે ખેદાન મેદાન કરી. બાવળાના નેસમાંથી સવારે છૂટેલ રોઝ રાજાની વાડીમાં રંજાડ કર્યો. આથી તે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે, એ રોઝનો અંત ન કરું, ત્યાં સુધી રાજધાનીનાં અન્ન-જળ હરામ, ત્યાં લગી અહીં પગ નહીં મૂકું. આ તરફ રાજાનું લશ્કર સાબદુ થયું. રોઝને પકડવા આવેલ રાજા તેની પાછળ પડયો. બાવળા નેસમાં પગેરૂ મળ્યું. રાજા ચારણોને ધમકી આપીને પાછો ફર્યો. બાંયાબેને નક્કી કર્યુ કે, હવે આ ધરતી છોડવી. અડધી રાત્રે ઘરવખરી ગાડા, પાડા, ઊંટ માથે લાદી સૌ ચારણોએ ઉચાળા ભર્યા.
માણાવદરની પશ્ચિમ દિશાએ આવેલ મીતી નામના ગામે આ ચારણોનું વાંઢીયુ પહોંચ્યું. ભેંસો ઓત્રાળે ચડી એટલે સૌ દોણા – વલોણા કરવા લાગ્યા. મીતીનો ચારણ – દાયરો રાજી થયો. રોકાયો પણ પ્રભાસનાં વાજા ઠાકોરને આ વાવડ મળ્યાને બાંયાબેને સૌને આદેશ આપ્યો – ઉચાળા ભરો. ચારણો તો વાજા ઠાકોરને ભરી પીવા તૈયાર હતા, પણ આઈએ રોકયા.
મીતી છોડી, બરડાડુંગરનાં આભપરાથી આથમણે બે ગાઉ છેટે રોઝડા ગામની ધીંગી ધરતી ગમી, તેઓ ત્યાં રોકાયા. વન – વગડામાં આથડતો રાજા રઘવાયો થયો હતો. રાજાના માણસોએ તેને સમાચાર આપ્યા એટલે રાજા રોઝડાની સીમમાં આવ્યો. રાજા જેને શત્રુ ગણતો હતો તે રોઝને જોયો. રાજાએ ઘોડો દોડાવ્યો ને તીર છોડયુ. તે રોઝ ઘાયલ થયો પણ છટકી ગયો.
બાંયાબેને તે ઘાયલ રોઝને જોતા જ ઠરાવ્યું કે, કાળમુખો રાજા અહીં આવી પહોંચ્યો છે. તેમણે ફરીથી ઉચાળા ભર્યા ને વેણુ નદીને કાંઠે લાખણશીને ટીંબે આવી વસ્યા. ત્યાં સલામતી હતી, શાંતિ હતી, સુખ હતું. આ તરફ રાણીએ રાજાને સમજાવ્યો, પણ તે માન્યો નહિ.
રાજાના જાણભેદુઓએ કોટડામાં પેલો રોઝ હોવાના સમાચાર આપ્યા. સાંજનું ટાણું હતું ને અજાણ્યો મુલક હતો. રાજા ત્યાં આવ્યો હવનાષ્ટમીનો પવિત્ર દિવસ. આઠમનો ઉજળો દિવસ. નેસમાં માતાજીના હવનની તૈયારી ચાલી રહી હતી. વિદ્વાન બ્રાહ્મણો, કોટડા ગામના લોકો, સાધુ – સંતો ત્યાં આવ્યા હતા. બપોરે બીડું હોમવાનું હતું.
આ બાજુ રઘવાયો રાજા નદી કાંઠે પેલા રોઝને ગોતે છે. ‘મારૂં કે મરૂં’ નું ઝનૂન તેના માથે સવાર હતું. તે રોઝ નદીએ પાણી પીવા આવ્યો ને રાજાને ત્યાં ભાળતા ભાગ્યો. રાજાએ તેની પાછળ ઘોડો દોડાવ્યો. નેસમાં આનંદ – મંગળ વરતાઈ રહ્યા હતા. બાંયાબેન બીડું હોમવાની તૈયારી માં હતા કે હાંફતો રોઝ આવી પૂગ્યો. તેની પાછળ હાથમાં ભાલુ લઈને રાજા પણ આવી પૂગ્યો. બાંયાબેને પડકારો કરી તેને વાર્યો ને ભાલુ છૂટયું. ત્યાં યજ્ઞવેદી પાસે જ રોઝ ઢળી પડયો.
બાયાબેનનાં શ્રાપથી રાજા તે જ ક્ષણે પથ્થર બની ગયો. પછી બાંયાબેન સહિત ચારેય બહેનોને સત્ ચડયું, તેમજ બીજી અઢાર ચારણ કન્યાઓને પણ સત્ ચડયું. સૌએ તેમને હાથ જોડી એવું ન કરવા વિનવણી કરી, પણ બીજો કોઈ ઉપાય ન હતો. બાવીસ ચીતાઓ પર ‘જય અંબે જય અંબે’ ના ગગનભેદી નાદ વચ્ચે યોગાગ્નિ પ્રગટાવી બાવીસ બહેનો અમરલોક સીધાવ્યા. ઢોલી મીર તથા તેની બે સ્ત્રીઓ નિર્જીવ થઈ ઢળી પડયા. આમ એક રાજાનાં અપકૃત્યથી હવનાષ્ટમીનાં પવિત્ર દિવસે ટેક અને સત્ની વેદી પર બાવીસ ચારણ કન્યાઓએ બલિદાન આપ્યા.
આજે મંદિરમાં ખાંભીરૂપે વિરાજતા બાવીસી માતાજી પોતાના ભક્તો પર અમીદૃષ્ટિ વરસાવતા અનેક પરચા આપે છે. તે ભક્તોને મન વાંછિત ફળ આપે છે. એક સમયે અહીં માત્ર બાવીસ ખાંભી ખુલ્લી ભોમમાં હતી. એક વાર યાત્રાએ નીકળેલા સંત શ્રી ધનરાજગીરી અહીં રોકાયા હતા. તેમણે જગ્યાને જાગતી કરી. તેમની વિદાય બાદ હાલમાં મહંત શ્રી રમેશગીરી ધનરાજગીરીએ આ પવિત્ર સ્થાનકનો સારો એવો વિકાસ કર્યો છે.
અહીં ભવ્ય મંદિર, વૃક્ષોની ઘટાઓ, યાત્રાળુઓ માટે શીતળ પેટા જળ, ઉતારા માટેની સુંદર વ્યવસ્થા, જમણવાર માટેના હોલ વગેરે શકય તમામ આધુનિક સુવિધાઓ છે. મંદિર પરીસરનું વાતાવરણ સંપૂર્ણપણે નૈસર્ગિક છે. આ જગ્યામાં ગૌમાતાઓની સેવા, પક્ષીને ચણ અને યાત્રાળુઓને આદર મળે છે. ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી બાવીસી માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે.
🙏🙏જય માતાજી 🙏🙏