જ્યારે પણ તમે કોઇ બીચ પર જવાનું વિચાર્યું હશે તો સૌથી પહેલો વિચાર ગોવા કે દીવનો જ આવ્યો હશે. ગુજરાતીઓ માટે આ બે ફેવરિટ જગ્યા છે. કદાચ દૂર જવું હોય તો કેરળના દરિયા કિનારા પણ યાદ આવતા હશે. મુંબઇની જુહુ ચોપાટી કે ગિરગાંવ ચોપાટીની હવે કોઇ નવાઇ જ નથી રહી. પરંતુ આજે અમે તમને એક એવા બીચ અંગે જણાવીશું જે સુંદર, શાંત અને બિલકુલ સ્વચ્છ છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ માધવપુર ઘેડ તરીકે ઓળખાતા માધવપુર બીચની.
ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબી દરિયાઇ પટ્ટી પર અનેક સારા બીચ છે. અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે. આવો જ એક દરિયા કિનારો છે પોરબંદર જિલ્લામાં આવેલો માધવપુર બીચ. પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે હવે તો ફિલ્મો કે ટીવી સિરિયલ કે પછી કોમર્શિયલ એડના શૂટિંગ પણ અહીં થવા લાગ્યા છે. જેનું મુખ્ય કારણ છે અહીંનું કોલાહલ વગરનું શાંત વાતાવરણ.
માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હ્રદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલું જોવા મળે છે. આ ભુમિ ખાસ તો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે.
માધવપુર બીચ રજાઓ માટેના અને વેકેશન કરનારાઓ માટે એક ઉત્તમ સ્થળ છે આ બીચમાં મોટી ભરતી આવે છે. બીચ ઉપર નાળિયેર પાણીની દુકાનોમાંથી નાળિયેર પાણીનો આનંદ અને સુશોભિત ઊંટની સવારી કરી શકો છે. તમે ત્યાં દરિયાઈ વસ્તુઓ પણ ખરીદી શકો છો.
સંખ્યાબંધ નાના રેસ્ટોરેન્ટ અને ચાના સ્ટોલ્સ નજીકમાં સ્થિત છે જ્યાં તમને ઓછા ભાવે કેટલાક ભોજનનો આનંદ લઇ શકો છો. મારો વિશ્વાસ કરો, જો તમે ત્યાં જશો તો તમે ઘરે પાછા જવા માટે તૈયાર નહીં થાઓ. માધવપુરમાં ઓશોનું એક ધ્યાન કેન્દ્ર પણ છે.
કેવી રીતે પહોંચવું ?
રોડ: માધવપુર બીચનું અંતર અમદાવાદથી 408 કિ.મી., રાજકોટથી 187 કિ.મી., પોરબંદરથી 58 કિ.મી. જ્યારે સોમનાથથી 73 કિ.મી.નું છે. માધવપુર બીચ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી ભાગ્યે જ 60 કિમી દૂર છે અને તમે ડાબી બાજુની બધી પવનચક્કીઓની નજીકથી પસાર થશો અને જમણી બાજુથી દરિયાઇ મોજાનોના અવાજ સાંભળશો. આ સુંદર સ્થળ પર પહોંચવા માટે તમે પોરબંદર બસ સ્ટેશનથી એસ.ટી.બસ મેળવી શકો છો.
ટ્રેન: નજીકમાં કોઈ રેલ્વે સ્ટેશન નથી. તમે પોરબંદર પહોંચી શકો છો અને ત્યાં પહોંચવા માટે કેબ અથવા બસ મેળવી શકો છો. હું તમને પોરબંદર મુલાકાત લીધી હોય તે જ દિવસે આ બીચની પર જવાની ભલામણ કરું છું.
હવાઈ માર્ગે: પોરબંદર એરપોર્ટ માધવપુરની નજીકમાં છે જે લગભગ 65 કિ.મી.
કેટલો સમય લાગે
અમદાવાદથી પોતાની કાર લઇને જાઓ તો લગભગ 8 થી 9 કલાક જ્યારે રાજકોટથી કારમાં ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે. અમદાવાદથી રાજકોટ, ગોંડલ અને જુનાગઢનો નેશનલ હાઇવે પકડશો તો જલદી પહોંચી જશો. વળી આ રસ્તો ફોર લેન છે. રસ્તામાં 3 જેટલા ટોલટેક્સ પણ આવે છે. પરંતુ રસ્તો સારો છે. હાલ અમદાવાદ અને રાજકોટ વચ્ચે 6 લેનનું કામકાજ ચાલતું હોવાથી તમારે ડાયવર્ઝનની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
નજીકના જોવાલાયક સ્થળો
ઓશો આશ્રમ
ઓશો આશ્રમ પોરબંદરથી લગભગ 55 કિ.મી. દૂર છે. આશ્રમ ઘણી જ સુંદર અને શાંત જગ્યામાં છે. આ આશ્રમ લગભગ 20 એકર ભૂમિમાં ફેલાયેલો છે. અહીં ઘણાં લોકો રહે છે અને સાધના કરે છે. તમે અહીં કેટલાક દિવસો સુધી સ્ટે પણ કરી શકો છો અને જમવાનું બિલકુલ ફ્રી છે. અહીં પ્રકૃતિ અને કળાનું સંયોજન છે. અહીં સુંદર વન, આધ્યાત્મિક્તા, રચનાત્મકતા, કળા, શાંતિ, હરિયાળી બધુ જ છે. આશ્રમની ગોર્વધન ટેકરીથી તમને જંગલ, દરિયાના દર્શન થશે. અહીંથી સનસેટ જોવાની મજા છે.
કિર્તી મંદિર
કિર્તી મંદિર, મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીની યાદમાં બનેલા સ્મારક મંદિર છે. ગાંધી પરિવારના પૂર્વજોનું ઘર, જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો તે કિર્તી મંદિરની નજીક છે.
ચોપાટી બીચ
ચોપાટી બીચ દર રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો માટે મહત્વનું પર્યટન સ્થળ બની ગયું છે. તે પોરબંદર શહેર વિસ્તારથી વૉકિંગ ડિસ્ટન્સ પર છે.
સુદામા મંદિર
સુદામા મંદિર એ ગુજરાતનું એક ધાર્મિક સ્થળ છે. આ મંદિર સુદામાને સમર્પિત છે જે ભગવાન કૃષ્ણના બાળપણના મિત્ર હતા. આ મંદિરનું નિર્માણ ઇસ. 1902 અને 1907 દરમિયાન થયું હોવાનું અનુમાન છે.
જાંબુવંતીની ગુફા
પોરબંદર શહેરથી આશરે 15 કિલોમીટર દૂર છે. આમ તો જાંબુવતીની ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. ગુફાની છતમાંથી ટપકતાં પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે.
ક્યાં રોકાશો
માધવપુર બીચ પર જ ફર્ન લીઓ બીચ રિસોર્ટ છે. અહીં 10 જેટલા કોટેજ છે. જો કે અહીં રૂમના ભાડા ઊંચા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગભગ 6 થી 7 હજાર જેટલું કપલ રૂમનું ભાડું છે. માર્ચ અને એપ્રિલમાં ચારથી પાંચ હજારની વચ્ચે રૂમ મળી રહે છે. મારા મતે જો તમારે બજેટ હોટલમાં રોકાવું હોય તો માત્ર 60 કિલોમીટર દૂર પોરબંદરમાં તમે રોકાઇ શકો છો. પોરબંદરમાં દરેક પ્રકારની હોટલ ઉપલબ્ધ છે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.